કોરોના-કાળની આજકાલ:બ્રાઝિલ આજે પણ જોખમી અવસ્થા વચ્ચે પારાવાર હાડમારી સહન કરે છે

29 July, 2021 10:07 AM IST  |  Mumbai | Manoj Joshi

આ વર્તન, આ વ્યવહાર અને આ વર્તણૂક જ દેશને સલામત રાખવાનું કામ કરશે અને એ કામ તમારા દ્વારા જ થઈ શકશે. ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ હજી માંડ ૬ ટકા જેટલો જ ફુલ્લી વૅક્સિનેટેડ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

તમને યાદ હોય તો કોવિડની પહેલી વેવ સમયે બે-ચાર દેશોનાં નામ બહુ વગોવાયાં હતાં. એ બે-ચાર દેશોમાં એક દેશ હતો બ્રાઝિલ. આ બ્રાઝિલમાં સેકન્ડ વેવે પણ એવી જ ખરાબ અસર દેખાડી હતી અને જેના સણકાં આજે પણ બ્રાઝિલવાસીઓ સહન કરી રહ્યા છે. બ્રાઝિલ સાથે આપણે આમ તો સીધો કોઈ સંબંધ નથી, પણ સંબંધ ન હોય તો પણ એનું અસ્ત‌િત્વ આપણે ભૂલી ન શકીએ. બ્રાઝિલનું એક અનોખું અસ્તિત્ત્વ છે અને એ અસ્તિત્ત્વને લીધે જ આજે દુનિયાભરમાં એની બોલબાલા છે. કોવિડ-કાળની આજકાલની વાત ચાલે છે ત્યારે આપણે બ્રાઝિલની આજની પરિસ્થિતિની વાત કરીએ તો બ્રાઝિલમાં આજે પણ સાંજે છ વાગ્યા પછી માત્ર જીવનજરૂરી ચીજવસ્તુઓની શૉપ જ ખૂલી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બ્રાઝિલમાં જીવનજરૂરી ચીજવસ્તુમાં મેડિસિન અને ગ્રોસરીનો જ સમાવેશ થાય છે. રેસ્ટોરાં એમાં નથી આવતી એટલે રેસ્ટોરાં પણ સાંજે છ પછી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવું કરવાનું કારણ એ જ છે કે આજે પણ બ્રાઝિલમાં કોવ‌િડના કેસ આવવાના આંકડાઓ કાબૂમાં નથી આવતા. આજે આપણે અમુક બાબતે સૅફ થઈ ગયા છીએ પણ બ્રાઝિલ માટે એવું કહી શકાતું નથી.
બ્રાઝિલ અને અમેરિકામાં આજે પણ કેસનું પ્રમાણ વધારે છે અને એટલે જ એને ફોર્થ વેવ ગણવામાં આવે છે. અફકોર્ષ એની સત્તાવાર જાહેરાત નથી થઈ પણ એમ છતાં દેખાય તો એવું જ છે કે એ કદાચ ફોર્થ વેવ છે. આ બન્ને દેશોની પરિસ્થિતિ જોઈને જ કેટલીક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ એ બાબતનું રિસર્ચ કરે છે કે કોવિડની કેટલી વેવ હોઈ શકે છે. આ બાબતમાં અત્યારે તો જવાબ આપવો અઘરો છે, પણ સામાન્ય તારણ એવું આવ્યું છે કે વૅક્સિન સામે ટકી રહેવાની વાઇરસની પણ જે જહેમત છે એ જહેમત જ નવી-નવી વેવને જન્મ આપવામાં નીમિત્ત બનતી હોઈ શકે છે. સામાન્ય ગણિત છે આ આખી વાતમાં. વૅક્સિન વાઇરસને ખતમ કરવાના રસ્તે છે તો વાઇરસ પણ સ્વબચાવના ભાગરૂપે પોતાનું કામ તો કરશે જ કરશે. વૅક્સિનના આક્રમણ સામે હવે વાઇરસમાં જે ચેન્જ આવશે એ ચેન્જ પણ દુનિયાએ જોવાનો જ છે. બ્રાઝિલમાં ૧૫ જુલાઈ સુધીમાં ડાઉનફૉલ દેખાવ શરૂ થયો હતો પણ એ પછી અચાનક જ નવેસરથી કેસ વધવાના શરૂ થયા અને વધતા એ કેસમાં થર્ડ વેવના વાઇરસના કેસ વધારે દેખાવા માંડ્યા. આ જ કારણે માનવામાં આવે છે કે થર્ડ વેવે ત્યાં પણ પોતાનો પગપેસારો કરી દીધો છે. જો આંશિક લૉકડાઉન વચ્ચે પણ બ્રાઝિલમાં આ અવસ્થા હોય તો વિચારો જરાં કે લૉકડાઉન હટાવી નાખવામાં આવ્યું હોત તો બ્રાઝિલે કેવી હાલત જોવાનો વારો આવ્યો હોત. બ્રાઝિલની સરખામણીએ આપણો ગ્રાફ ખૂબ જ સારો છે, પણ એની માટે કંઈ કાશ્મીરના ડાબા ખૂણે આવેલા લદ્દાખની નીચે કાળું ટપકું કરવા તો નથી જ જઈ શકાતું. એ કાળું ટપકું આપણે આપણાં વર્તન દ્વારા દેશને કરવાનું છે અને બ્રાઝિલ જેવી અવસ્થા આપણી ઊભી ન થાય એ મુજબ વર્તવાનું છે. આ વર્તન, આ વ્યવહાર અને આ વર્તણૂક જ દેશને સલામત રાખવાનું કામ કરશે અને એ કામ તમારા દ્વારા જ થઈ શકશે. ખાસ કરીને એવા સમયે જ્યારે દેશ હજી માંડ ૬ ટકા જેટલો જ ફુલ્લી વૅક્સિનેટેડ થયો છે.

columnists manoj joshi