મજબૂત વિરોધ પક્ષ વિના રાષ્ટ્રનું દૃઢ શાસન અસંભવ અને અશક્ય છે

08 February, 2021 12:55 PM IST  |  Mumbai | Manoj Joshi

મજબૂત વિરોધ પક્ષ વિના રાષ્ટ્રનું દૃઢ શાસન અસંભવ અને અશક્ય છે

ફાઇલ ફોટો

આગળ વધવા સારા મિત્રો જોઈએ, પણ ઊંચાઈ પર પહોંચવા સારા શત્રુની આવશ્યકતા હોય છે.
ચાણક્યનું આ કથન જીવનદર્શક છે અને જિંદગીને એક રાહ દર્શાવવાનું કામ કરે છે. રાજનીતિમાં પણ આ જ વાત લાગુ પડે છે અને રાજનીતિ સાથે જોડાયેલા સૌ કોઈને પણ આ જ શબ્દો અસરકર્તા છે. જો આગળ વધવું હોય તો સારા મિત્રો જોઈએ; પણ જો ઊંચાઈ પર પહોંચવું હોય, શિખર સર કરવું હોય તો મિત્રોથી કામ નહીં ચાલે. એ માટે સારા શત્રુ જોઈશે જે તમને તમારી ખામીઓ એકધારી દેખાડ્યા કરશે અને તમને એ ખામીઓ દૂર કરવાનું કામ સુઝાડ્યા કરશે. જોકે અફસોસની વાત એ છે કે આજના સમયમાં આવા શત્રુઓ પણ મળવા મુશ્કેલ બન્યા છે.
આ જ કારણ છે જેને લીધે આજના આ સમયમાં રાષ્ટ્ર પાસે સારા અને શાણપણ ધરાવતા વિરોધ પક્ષો પણ નથી રહ્યા. ચાણક્યએ કહ્યું છે કે દેશમાં સુદૃઢ શાસન માટે વિરોધ પક્ષ હોવો જોઈએ. મજબૂત અને સશક્ત વિરોધ પક્ષ વિના રાષ્ટ્ર ક્યારેય સંતુલિત રહે નહીં. જો મજબૂત વિરોધ પક્ષ હોય તો એ શાસક પર કડક નજર રાખી શકે અને શાસકને પણ એની નજરની બીક અકબંધ રહેતી હોય છે. મુદ્દો એ છે કે સારા વિરોધ પક્ષની વાત તો આ દેશમાં કરવી અયોગ્ય છે, પણ અત્યારના સમયે તો મજબૂત વિરોધ પક્ષ પણ હવે બનતા નથી. ચાણક્ય ક્યારેય એકપક્ષીય શાસનની તરફેણ નહોતા કરતા અને ચાણક્યની જેમ જ એવું કોઈ પણ શાણા રાષ્ટ્રપ્રેમીએ ન કરવું જોઈએ. વિરોધ પક્ષ હોવો જ જોઈએ. મજબૂત અને બૌદ્ધિકતા ધરાવતો વિરોધ પક્ષ હોવો જોઈએ. જોકે આગળ કહ્યું એમ વિરોધ પક્ષ હવે દેકારો કરવા માટે છે પણ બૌદ્ધિકતાનો અભાવ છે, મજબૂતીની કમી છે.
જ્યારે બહુમતીમાં મતદાન થાય, પૂર્ણ મતદાન થાય અને રસાકસી સર્જાય ત્યારે વિરોધ પક્ષ મજબૂત બને એવું ઇતિહાસમાં જોવા મળ્યું છે. આપણે બહુ દૂર જોવા જવાની જરૂર નથી. મહાનગરપાલિકામાં પણ કફોડી અવસ્થા સર્જે એવું મતદાન થયું હતું અને અત્યારે મહારાષ્ટ્રમાં પણ એવી જ સરકાર છે. ત્રિભેટે ઊભા રહીને ક્યારેય દૃઢ રાજનીતિ રમી ન શકાય. ખીચડી બનાવતાં પહેલાં એમાંથી હજી પણ ચોખા કે મગ જુદા કરી શકાય, પણ બની ગયેલી ખીચડીમાંથી ક્યારેય દાણો છૂટો ન પાડી શકાય. ત્રણ પક્ષની ખીચડી દેશની જીવાદોરી એવા મહારાષ્ટ્ર પર રાજ કરે અને આર્થિક રાજધાની એવા મુંબઈ પર શાસન કરે એવું ભારતમાં જ શક્ય બને. આ જે અવસ્થા છે એ પાંગળા મતદાનનું પરિણામ છે. મતદાન જ્યારે સ્પષ્ટતા સાથે થાય અને સ્પષ્ટ નીતિ સાથે થાય ત્યારે જ શાસક પક્ષને અને વિરોધ પક્ષને સ્પષ્ટતા મળે. જો સ્પષ્ટ શાસન હોય તો જ સામે પક્ષે સ્પષ્ટ વિરોધ બને. જ્યારે પણ મજબૂત વિરોધ પક્ષ ઊભો થયો છે ત્યારે શાસક પક્ષને કોઈ પણ પ્રકારનાં પગલાં લેતાં પહેલાં પચાસ વખત વિચાર કરવા માટે મજબૂર થવું પડે છે. મજબૂર શાસક પક્ષનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એક જ હોય છે કે એ ખોટું પગલું ભરતાં પહેલાં પાંચસો વખત વિચારે છે અને એ વિચાર જ રાષ્ટ્રને સ્વસ્થ શાસન આપવાનું કામ કરે છે. સૌ કોઈએ કબૂલ કરવું પડે કે કૉન્ગ્રેસનાં નસીબ સારાં હતાં કે એની સામે બીજેપી જેવો મજબૂત વિરોધ પક્ષ હતો અને એનાથી અવળું બીજેપીએ અફસોસ કરવો પડે કે એના નસીબમાં મજબૂત વિરોધ પક્ષનો અભાવ છે.

manoj joshi columnists congress bharatiya janata party