કોમી રમખાણો અને ઠંડાં પીણાંની બૉટલ

19 November, 2022 07:02 PM IST  |  Mumbai | Deepak Mehta

અંગ્રેજોનો ‘સોડા-શોખ’ જોઈને જાતે બનાવવા લાગ્યા. પણ એ બનાવતા અંગ્રેજ સાહેબો માટે, ‘દેશી’ઓ માટે નહીં. અરે એ પોતે પણ પીતા નહીં! પણ ૧૮૫૦ના અરસામાં પારસીઓએ પોતે પણ ‘સોડા વૉટર’ પીવાનું શરૂ કર્યું. 

કોમી રમખાણોમાં છૂટથી વપરાતી ગોળીવાળી બાટલીઓ.

લશ્કરમાં અને બીજે પણ માલસામાન, ખાધાખોરાકી પૂરાં પાડવાનું કામ ઘણા પારસીઓ કરે. એટલે અંગ્રેજોનો ‘સોડા-શોખ’ જોઈને જાતે બનાવવા લાગ્યા. પણ એ બનાવતા અંગ્રેજ સાહેબો માટે, ‘દેશી’ઓ માટે નહીં. અરે એ પોતે પણ પીતા નહીં! પણ ૧૮૫૦ના અરસામાં પારસીઓએ પોતે પણ ‘સોડા વૉટર’ પીવાનું શરૂ કર્યું.

 અત્યારે કચ્છી માડુ છેડા કુટુંબ પાસે રૉજર્સ બ્રૅન્ડ છે. મુંબઈની ધનિક ફૂડ ઍન્ડ બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જીરા મસાલા સોડા, ઑરેન્જ સોડા, આઇસક્રીમ સોડા અને રૉજર્સની પ્રખ્યાત રાસબરી સોડા બનાવે છે. 

તૂ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, 
ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા
૧૯૫૯માં આવેલી ‘ધૂલ કા ફૂલ’ ફિલ્મનું મોહમ્મદ રફીના કંઠે ગવાયેલું આ ગીત. એક આદર્શને રજૂ કરતું ગીત. પણ હકીકત જરા જુદી. હુલ્લડ, રમખાણ વગેરે એ વખતનાં છાપાંમાં અવારનવાર વાંચવા મળતા શબ્દો. એ વખતે તો બે કોમોનાં નામ પણ લખાતાં. બંને કોમમાંથી કેટલા મરાયા, કેટલા ઘવાયા એના આંકડા પણ છપાતા. અને આવાં હુલ્લડ કે રમખાણ થાય ત્યારે હાથવગું હથિયાર કયું? સોડા વૉટરની બાટલીઓ. આછા લીલા, જાડા કાચની બાટલીઓ. અને ઢાંકણાવાળી નહીં, ગોળીવાળી. આજની સરખામણીમાં ત્યારે એમાં ગૅસ પણ વધારે. એક રસ્તા પર બે ટોળાં સામસામે આવી જાય ત્યારે બંને બાજુથી સોડા વૉટર બૉટલનો વરસાદ વરસે, સામા પક્ષ પર. જીવલેણ નહીં, પણ એક બાટલી પાંચ-સાતને સારીએવી ઈજા તો પહોંચાડે જ.
સોડાવૉટરબૉટલઓપનરવાલા! આવી અટક જેમનામાં જોવા મળે તે પારસીઓ એક જમાનામાં એરેટેડ વૉટરના ક્ષેત્રે મુંબઈમાં છવાઈ ગયેલા. આનાં કેટલાંક કારણ. એક તો પહેલેથી જ પારસીઓ અંગ્રેજોની નજીક ગયેલા. બીજું, તેમની સાથે નાનામોટા વેપારનો પણ સંબંધ. લશ્કરમાં અને બીજે પણ માલસામાન, ખાધાખોરાકી વગેરે પૂરાં પાડવાનું કામ ઘણા પારસીઓ કરે. એટલે અંગ્રેજોનો ‘સોડા-શોખ’ જોઈને જાતે બનાવવા લાગ્યા. પણ એ બનાવતા અંગ્રેજ સાહેબો માટે, ‘દેશી’ઓ માટે નહીં. અરે એ પોતે પણ પીતા નહીં! પણ ૧૮૫૦ના અરસામાં પારસીઓએ પોતે પણ ‘સોડા વૉટર’ પીવાનું શરૂ કર્યું. દારૂ સાથે અને દારૂ વગર પણ. પછી ઈરાની હોટેલોએ એરેટેડ વૉટરની બાટલીઓ વેચવાનું શરૂ કર્યું.
દિનશાજી પંડોલે શરૂ કરેલી કંપની, પણ એનું નામ રાખ્યું ડ્યુક્સ. એમ કેમ? એ જમાનામાં પારસીઓ ક્રિકેટના ક્ષેત્રે પણ અગ્રેસર. પારસી ક્રિકેટ ટીમો મૅચ રમવા માટે ગ્રેટ બ્રિટન જતી, ત્યાંથી આવેલી ટીમો સાથે અહીં મૅચ રમતી. દિનશાજીની પોતાની ટીમ હતી. એવણ પોતે પણ સોજ્જા ક્રિકેટ ખેલાડી. મૅચ રમવા બ્રિટન ગયા ત્યારે ‘ડ્યુક’ કંપનીના બૉલ વાપરેલા. એના નામ પરથી પોતાની કંપનીનું નામ રાખ્યું ‘ડ્યુક્સ.’ આ કંપનીની રાસબેરી સોડાએ તો એ જમાનામાં ધૂમ મચાવેલી. ૧૯૦૭માં બાર આના – આજના ૭૫ પૈસામાં એક ડઝન બૉટલ વેચાતી. 
પારસીઓ મુંબઈ બહાર ઠંડાં પીણાં લઈ ગયા. કલકત્તાથી કાલીકટ સુધી તો ગયા જ, પણ ૧૯૨૦ના અરસામાં પહોંચ્યા સિંગાપોર. ત્યાંની ફરામરોઝ અને ફીનિક્સ, બંને કંપનીઓ પારસી માલિકીની. ચીની અને મલય ભાષાઓમાં જાહેરખબરો પણ છપાવે. અને છેક ૧૯૭૦ સુધી પી. ધનજીભાઈ ઍન્ડ સન્સ અમદાવાદમાં સોડાની બાટલીઓ બળદગાડામાં વેચતી! 
આ ધંધામાં એ વખતે એક મુશ્કેલી એ હતી કે પીણાંની કિંમત કરતાં એ જેમાં ભરાય એ બાટલીની કિંમત ઘણી વધારે હતી. બીજી વાત એ કે જો ધંધામાં ટકી રહેવું હોય તો થોડા-થોડા વખતે નવી ફ્લેવર બજારમાં મૂકવી પડે. આ રીતે રૉજર્સ કંપનીએ એક નવા ડ્રિન્કને ગુજરાતી નામ આપેલું, ‘કિક આપો.’ તો ડ્યુક્સ કંપનીએ આફૂસ કેરીમાંથી બનાવીને ‘મૅન્ગોલા’ બજારમાં મૂક્યું, જેણે કેટલાંક વરસ ધૂમ મચાવેલી. 
હજી નાનાં ગામોમાં સ્થાનિક કંપનીઓ અગાઉની કેટલીક ફ્લેવર્સ બનાવે અને વેચે છે. આવી એક બ્રૅન્ડ એ સુરતની ‘સોસિયો.’ દેશમાં જ્યારે સ્વદેશી માટેની ચળવળ ચાલી રહી હતી ત્યારે ૧૯૨૩માં અબ્બાસ રહીમ હજૂરીએ સુરતમાં કંપની કાઢી. એમાં તાજાં ફળોના રસનો ઉપયોગ કર્યો તો સાથોસાથ પીણાંને કાર્બોનેટેડ પણ બનાવ્યું. એ સોસિયો એક જમાનામાં માત્ર ગુજરાતમાં જ નહીં, મુંબઈમાં પણ ધૂમ વેચાતું. આ સોસિયો નામ લૅટિન ભાષામાંથી અપનાવેલું છે. પ્રશિષ્ટ રોમન ભાષામાં મિત્ર, સાથી માટે આ શબ્દ વપરાતો. પાલનજી અને કાતરક જેવી પારસીઓની કંપનીનાં પીણાં પણ લોકોમાં પ્રિય હતાં. પણ એ વખતે ઘણીખરી કંપનીઓ પ્રાદેશિક હતી. આખા દેશમાં જેનું જાળું પથરાયું હોય એવી કોઈ કંપની ભાગ્યે જ હતી.
૧૯૪૯માં એક આંચકા સાથે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમેરિકાના કોકા કોલાએ એ વરસે દેશમાં પ્રવેશ કર્યો અને જોતજોતામાં પોતાનું જાળું આખા દેશમાં ફેલાવી દીધું. 
કોકા કોલાની પહેલી બાટલી કઈ રીતે પીધેલી એ આ લખનારને આજેય બરાબર યાદ છે. ન્યુ ઈરા સ્કૂલની કૅન્ટીનમાં નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિન્ક્સ પણ વેચાય. દેશી કંપનીની બાટલીના બે આના. કોકા કોલાના ચાર આના. સ્કૂલમાં જતાં ઘરેથી રોજ ચાર આના મળે. આવતાં-જતાં ટ્રામની ટિકિટનો એક આનો. બાર વરસ સુધી અડધી ટિકિટનો એક ઢબુ એટલે કે બે પૈસા. અને એય ટ્રાન્સફર સાથે. ઘર પાસેથી ટ્રામમાં બેસવાનું. ચર્ની રોડ જંક્શન ઊતરવાનું. ત્યાંથી ગોવાળિયા ટૅન્ક જતી ૧૦ કે ૧૬ નંબરની ટ્રામ પકડવાની. છેલ્લા સ્ટૉપ પર ઊતરીને પાંચેક મિનિટ ચાલો એટલે આવે ‘ધન્ય ન્યુ ઈરા.’ બપોરે અંબુભાઈની કૅન્ટીનમાંથી બે આનામાં નાસ્તાની એક પ્લેટ લેવાની. પાંચ દિવસનું મેનુ ફિક્સ. બટાટાવડાં, સમોસાં, બટાટાપૌંઆ, ઉપમા, ભેળ. બ્રેડ-બટર અને ચટણી-સૅન્ડવિચ રોજ મળે. ઘરેથી વધુ પૈસા તો માગવા મુશ્કેલ. એટલે બંદાએ બે દિવસ નાસ્તો ન કરી ચાર આના ઊભા કર્યા અને કોકા કોલા (હજી એ વખતે ‘કોક’ નામ પ્રચલિત બન્યું નહોતું)ની બૉટલ ગટગટાવી. 
એ વખતે સ્કૂલમાં એક નિયમ બહુ કડકાઈથી પળાય. સ્કૂલમાં હોય ત્યારે કોઈ વિદ્યાર્થી બહારનું કશું જ ખાઈ કે પી ન જ શકે. એક-બે શિક્ષક અને ત્રણ-ચાર વિદ્યાર્થિની ટીમ બાજ નજર રાખી રિસેસમાં સ્કૂલની બહાર ફરતી જ હોય. એક છોકરાએ ફેરિયા પાસેથી લઈને શિંગ-ચણા ખાધા. ટીમે તેને હાજર કર્યો પ્રિન્સિપાલ એમ. ટી. વ્યાસસાહેબ પાસે. સાધારણ રીતે આવા વખતે છોકરાઓ માફી માગી છૂટી જાય, પણ પેલા છોકરાએ તો દલીલો કરી : શિંગ-ચણા આરોગ્ય માટે નુકસાનકારક છે? જવાબ મળ્યો : ‘ના. પણ બહારથી લઈને ખાધા કેમ?’ ‘કારણ આપણી કૅન્ટીનમાં શિંગ-ચણા વેચાતા નથી.’ આ સાંભળી વ્યાસસાહેબે તરત ફોન કરીને બોલાવ્યા અંબુભાઈને : ‘કૅન્ટીનમાં શિંગ-ચણા વેચતા નથી?’ ‘ના સાહેબ.’ ‘તો કાલ સવારથી વેચવાનું શરૂ કરો.’ પછી પેલા છોકરાને કહ્યું : ‘તેં આ અંગે ધ્યાન ખેંચ્યું એ સારું કર્યું. કાલથી કૅન્ટીનમાંથી ખરીદીને બધા શિંગ-ચણા ખાઈ શકશે, તારે લીધે.’
પણ આ તો વાત જરા આડે પાટે ચડી ગઈ. કોકા કોલા પછી આવ્યું પેપ્સી. પણ ધાર્યા પ્રમાણેનું વેચાણ મળ્યું નહીં એટલે ૧૯૬૨માં ઘરભેગું થઈ ગયું. કોકા કોલા આવ્યા પછી ‘દેશી’ કોલ્ડ ડ્રિન્ક’ની કંપનીઓએ હરીફાઈનો સામનો તો કરવો પડ્યો, પણ ટકી ગઈ. ૧૯૭૭માં બધી પરદેશી કંપનીઓના માથે આફત આવી. જનતા સરકારના ઉદ્યોગ ખાતાના પ્રધાન જ્યૉર્જ ફર્નાન્ડિસ સમાજવાદી અને ટ્રેડ યુનિયન લીડર. પરદેશી કંપનીઓના ભારે વિરોધી. તેમણે આકરા નિયમો બનાવ્યા. માત્ર કોકા કોલાએ જ નહીં, મોબિલ, કોડૅક અને બીજી ૫૪ કંપની દેશ છોડી ગઈ. એ વખતે ફર્નાન્ડિસની દલીલ હતી : ‘દેશનાં લાખો ગામડાંમાં ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી, પણ કોકા કોલા મળે છે. આ કેમ ચાલે?’ પણ સરકાર એટલેથી અટકી નહીં.  પોતાનું પીણું ‘૭૭’ બજારમાં મૂક્યું! બીજી કંપનીઓને તો ભાવતું’તું ને વૈદે કીધું. થમ્સ અપ, રિમઝિમ, લિમકા, સિટ્રા, કેમ્પા કોલા જેવી કેટલીયે નવી બાટલીઓ ધૂમ વેચાવા લાગી. ‘૭૭’ લથડિયાં ખાતું પણ ચાલતું રહ્યું. પણ બે વરસ પછી જનતા સરકાર ભાંગી પડી અને એની સાથે ‘૭૭’નો પણ ખુરદો બોલી ગયો. 
કાળચક્ર ફરી એક વાર ફર્યું. નવી સરકારે ઉદારીકરણની નીતિ અપનાવી. પરદેશી કંપનીઓને દેશમાં આવકારી. આ વખતે પેપ્સી પહેલાં આવ્યું. ‘દેશી’ પીણાંઓએ બરાબરની ટક્કર આપી. થમ્સ અપ અને પેપ્સી વચ્ચે જંગ જામ્યો. બંને બાજુથી જાહેરખબરોનો વરસાદ વરસ્યો. પહેલો રાઉન્ડ ગયો દેશી ‘થમ્સ અપ’ની તરફેણમાં. પણ ૧૯૯૩માં કોકા કોલા ફરી દેશમાં આવ્યું. તેણે જૂદી રણનીતિ અપનાવી : ‘લડો નહીં, વિરોધીને ખરીદી લો!’ ખરીદ્યા પછી એક થમ્સ અપને બાદ કરતાં બીજાં બધાં પીણાં બનાવવાનું જ બંધ કરીને પોતાની પ્રોડક્ટ માટે મેદાન મોકળું કર્યું.   
છતાં આજેય કેટલીક જૂની બ્રૅન્ડ ટકી રહી છે. એમાંની એક છે રૉજર્સ. મૂળ અંગ્રેજે સ્થાપેલી કંપની. પછી ગઈ પારસી પાસે. અત્યારે કચ્છી માડુ છેડા કુટુંબ પાસે રૉજર્સ બ્રૅન્ડ છે. મુંબઈની ધનિક ફૂડ ઍન્ડ બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની જીરા મસાલા સોડા, ઑરેન્જ સોડા, આઇસક્રીમ સોડા અને રૉજર્સની પ્રખ્યાત રાસબરી સોડા બનાવે છે. 
છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાર્બોનેટેડ ડ્રિન્ક્સ વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું છે. કંપનીઓ ફ્રૂટનો પલ્પ કે રસ ભેળવીને સૉફ્ટ ડ્રિન્ક્સ બનાવતી થઈ છે. પહેલાં એક વ્યક્તિ પી શકે એટલું ડ્રિન્ક સમાય એવી જ બાટલીઓ બજારમાં મળતી. હવે બે-ત્રણ લિટરની બાટલીઓ પણ મળે છે. તો બીજી બાજુ કેન કે ડબલાંનો ઉપયોગ પણ વધતો જાય છે. અગાઉ કોલ્ડ ડ્રિન્ક ખરીદનારે કાચની બાટલી પાછી આપવી પડતી અથવા એના વધારાના પૈસા ચૂકવવા પડતા. પ્લાસ્ટિક અને ડબલાંનો ઉપયોગ શરૂ થયા પછી આ મુશ્કેલી દૂર થઈ, પણ કચરાના ઢગલા ઊભરાવા લાગ્યા. હવે રીસાઇક્લિંગની વાતો તો થાય છે, પણ એનો અમલ?
ઠંડાં પીણાં ભલે ગમે તેટલાં વેચાય, ચા-કૉફીને એ હરાવી શકે એમ નથી. આ ચા-કૉફીની વાતો હવે પછી. ત્યાં સુધી માણો તમારા મનગમતા કોલ્ડ ડ્રિન્કની લિજ્જત.

columnists deepak mehta