તમે આટલાં અકળાયેલાં કેમ રહો છો?

10 October, 2019 04:02 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

તમે આટલાં અકળાયેલાં કેમ રહો છો?

પ્રતીકાત્મક તસવીર

રાહુલ ટીવી પર કાર્ટૂન ચૅનલ જોતો હતો. અચાનક રસોડામાંથી આવી નેહાએ તેને લાફો ઝીંકી દીધો અને રાડો પાડવા લાગી કે ખબર નથી પડતી ટીવીનો અવાજ ધીમો રાખવો જોઈએ! હવે વૉલ્યુમ વધાર્યું તો બહુ માર ખાઈશ. બે ઘડી તો રાહુલ હેબતાઈ ગયો. તેને સમજાયું નહીં કે મમ્મીએ તમાચો કેમ માર્યો. શું ટીવીનું વૉલ્યુમ વધુ હતું? ના, ટીવીનો અવાજ જરાય ઊંચો નહોતો, નેહાના મગજનો પારો ઊંચો હતો. સવાર-સવારમાં નેહા અને તેના સાસુ વચ્ચે થયેલી ચડભડનો ભોગ બન્યો સાત વર્ષનો પુત્ર. પાડાના વાંકે પખાલીને ડામ જેવો આ તાલ હતો.

નબળાને દંડ

જનનીની જોડ સખી નહીં મળે રે... આ પંક્તિ દર્શાવે છે કે માતાથી વિશેષ સંતાનને કોઈ પ્રેમ કરી ન શકે. તો પછી તે પોતાના વહાલસોયા પર બૂમાબૂમ કેમ કરે છે? મધરનાં નેગેટિવ ઇમોશન્સ સંતાનો પર પ્રોજેક્ટ થાય છે એમ જણાવતાં કાંદિવલીના સાઇકોલૉજિસ્ટ સ્નેહા પટેલ કહે છે, ‘આપણે બધાએ નોટિસ કર્યું હશે કે માતા તેનાં સંતાનો પર અચાનક રાડારાડી કરવા લાગે છે. બીજી બાજુ એ પણ જોઈએ છીએ કે સંતાનોને છાવરવામાં પણ તે સૌથી આગળ હોય છે. મધરની અંદર બે જુદાં ઇમોશન્સના કારણે આવું થાય છે. આ પ્રકારનું બિહેવિયર વિશ્વમાં બધે જ જોવા મળે છે. સાઇકોલૉજિકલ સ્ટડીમાં એને ડિફેન્સ મેકૅનિઝમ કહે છે. પોતાનાથી કમજોર અથવા સામનો કરવામાં અક્ષમ પર ક્રોધ ઉતારવાની રીત. આવી વર્તણૂક બીજા રિલેશન્સમાં પણ થાય છે, પરંતુ માતા અને સંતાન વચ્ચે વધુ જોવા મળે છે.’

પ્રેમ અને દયાભાવની જેમ ક્રોધ પણ એક અભિવ્યક્તિ છે જે કોઈ પણ વ્યક્તિને આવી શકે છે, પરંતુ તમારા ગુસ્સાનો ભોગ બનનાર તમારું પોતાનું જ સંતાન હોય ત્યારે તેને કન્ટ્રોલમાં રાખવું અત્યંત જરૂરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે સંતાનને પડતો તમાચો વાસ્તવમાં પતિ અને સાસુ માટેનો હોય છે. પોતાના સંતાનને હદથી વધુ પ્રેમ કરનારી માતા જ્યારે વગર કારણે તેના પર ક્રોધ ઉતારે ત્યારે સમજી જવું કે ગુસ્સો ડાઇવર્ટ થયો છે. ભારત જેવા દેશમાં આ ઘર-ઘરની કહાણી છે.

ત્રણ પ્રકાર

સંતાનોને મારવા પાછળના મનોવિજ્ઞાન વિશે સમજાવતાં દાદરનાં સાઇકોલૉજિસ્ટ અને રિલેશનશિપ કાઉન્સેલર નીરુ છેડા કહે છે, ‘ગુસ્સો હંમેશાં એવી વ્યક્તિ પર જ ઉતારવામાં આવે છે જેને આપણે ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈએ છીએ. જે સામનો નથી કરી શકતી તે પીડાય છે. સંતાનોને વઢવું કે મારવું એ આપણા દેશમાં નવાઈની વાત નથી. જન્મ આપનાર મા-બાપ તરીકે આ આપણો અધિકાર છે એવી માન્યતા છે. અગાઉ સંયુક્ત કુટુંબપ્રથા, ઘરના સભ્યોની જુદી-જુદી અપેક્ષાઓનું પ્રેશર, ચોવીસે કલાક ધમધમતું રસોડું અને પતિ પ્રત્યેનો ગુસ્સો સંતાનો પર ઊતરતો. આપણે પણ પપ્પાની આંખની બીક અને મમ્મીનો માર ખાઈને મોટાં થયાં છીએ, પરંતુ એ વખતની મહિલાઓ અને આજની માતાઓના ક્રોધનાં કારણો સદંતર જુદાં છે.’

અત્યારે ત્રણ પ્રકારની માતાઓ જોવા મળે છે એવો મત વ્યક્ત કરતાં નીરુ છેડા કહે છે, ‘અગ્રેસિવ, સબમિસિવ અને ત્રીજી ઇન બિટવીન. અગ્રેસિવ એટલે કે વાતે-વાતે સંતાનો પર ભડકી જાય અને ધીબેડી નાખે એવી મમ્મીઓ. તેમની સાઇકોલૉજી સમજતાં જણાયું છે કે તેઓ સંતાનો પાસેથી ખૂબ અપેક્ષાઓ રાખે છે. ખાસ કરીને ઍકૅડેમિક અને કમ્પેટિટિવ અપેક્ષાઓ. સંતાનોને ઓછા માર્ક્સ આવવા ન જોઈએ એવી તેમની ડિમાન્ડ હોય છે. અરે, બધા કંઈ નેવું ટકા માર્ક્સ ન લાવી શકે. કેટલીક મમ્મીઓ તો સ્વીકારવા તૈયાર થતી નથી કે સંતાન અભ્યાસમાં નબળો કે ઠીક-ઠીક છે. વિવિધ ક્ષેત્રોમાં સંતાનોએ બેસ્ટ હોવું જોઈએ એવી હોડમાં ઊતરે, પુત્ર કે પુત્રી તેનાં સપનાં પૂરાં કરે એવી ઇચ્છા ધરાવે તેથી ઘરનું વાતાવરણ ડહોળાઈ જાય. પરિણામે બચ્ચાઓ માર ખાઈને મોટાં થાય છે.’  

સબમિસિવ એટલે એવી મમ્મીઓ જે સંતાનોને ખૂબ લાડ લડાવે છે અને ઘણીબધી સ્વતંત્રતા આપે છે એમ જણાવતાં તેઓ આગળ કહે છે, ‘વધુપડતી ફ્રીડમના કારણે જ્યારે સંતાનો સામાં થાય છે ત્યારે તેમનો ક્રોધ ભભૂકી ઊઠે છે. એ વખતે જો મારવા જાય તો સંતાનો સામો હાથ ઉગામે છે તેથી બધું જ ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો પોતાની જાત પર ઊતરે છે. મારી પાસે એવાય કેસ આવે છે જેમાં પાંચ વર્ષનું બાળક મમ્મીને સામે મારે છે. આ વાત પેરન્ટ્સ તરીકે હજમ થતી નથી. પછી પોતાની જાત પર ક્રોધે ભરાય એટલે ડાયાબિટીઝ, સ્ટ્રેસ, ડિપ્રેશન, બ્લડ-પ્રેશર જેવી બધી જ સમસ્યા ઊભી થાય. ત્રીજી મમ્મીઓ આ બન્નેની વચ્ચેનો સ્વભાવ ધરાવે છે. વાંરવાર ન મારે પણ ગુસ્સો ઠાલવતી રહે. દાખલા તરીકે વર્કિંગ વિમેનની ઑફિસમાં સિનિયર સાથે ચડભડ થઈ હોય તો ઘરે આવીને સંતાન પર ગુસ્સો ઊતરે. ઘર, સંતાન, કરીઅર અને ફાઇનૅન્શિયલ પ્રેશર વચ્ચે બૅલૅન્સ ન થાય એટલે સંતાનો પર ચિડાય. આજકાલ તો હસબન્ડ-વાઇફના રિલેશનમાં પણ અનેક પ્રકારના વાંધાવચકા ઊભા થતા હોય છે. આ ગુસ્સાનો ભોગ પણ સંતાનો જ બને છે.’

સોડા બૉટલ જેવો ગુસ્સો

અભિવ્યક્તિની જ્યાં છૂટ ન હોય એવાં ઘરોમાં મોટા ભાગે સંતાનો વગર વાંકે કૂટાઈ જતાં હોય છે. સાસરિયાંની કચકચ અને દખલગીરીનો ભોગ બાળકો અનાયાસે બને છે એમ જણાવતાં સ્નેહા પટેલ કહે છે, ‘સંતાનનો ઉછેર કઈ રીતે કરવો એની દરેક માતાને ખબર જ હોય છે, પણ વડીલોની સલાહ અને સૂચનો ઘણી વાર પસંદ પડતાં નથી. તેમને સીધી રીતે કહી ન શકે એટલે બાળકો પર ગુસ્સો ઊતરે. ઘણાના ઘરમાં હસબન્ડ પણ તેનાં માતા-પિતાનું જ વધુ માનતા હોય છે. અહીં પણ નેગેટિવ ઇમોશન્સ ચાઇલ્ડ પર પ્રોજેક્ટ થાય છે. મધર-ચાઇલ્ડ વચ્ચે બૉન્ડિંગ એટલું સ્ટ્રૉન્ગ છે કે માર્યા બાદ મમ્મી પોતે રડે છે. જીવ બળે એટલે સંતાન પર વહાલ વરસાવે. આ સાઇકલ આમ જ ચાલતી રહે છે. મમ્મીનો ગુસ્સો સોડા બૉટલ જેવો હોવો જોઈએ. જો એ લેવલની બહાર ચાલ્યા જાઓ તો રિલેશનશિપ પર ઘેરી અસર પડે.

સંતાન પર હાથ ઉપાડતાં પહેલાં એક વાર વિચારી લેવું કે ખરેખર તેને મારવાની જરૂર છે? ઘણી વાર ગુસ્સો સાચો પણ હોઈ શકે છે. બેસ્ટ એ છે કે ગુસ્સો જેના પર આવ્યો હોય તેની સામે વ્યક્ત કરી દો. જે મહિલાઓને વારંવાર ગુસ્સો આવતો હોય તેમને મેડિટેશન કરવાની સલાહ છે.’

આ પણ વાંચો : પોસ્ટ નવરાત્રિ : ચાલો હવે દિવાળી કાઢીએ

સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે છમછમ જેવું હવે કંઈ રહ્યું નથી એ વાત સૌથી પહેલાં સમજી જાઓ એવી ભલામણ આપતાં નીરુ છેડા કહે છે, ‘ઍન્ગર અને ઇમોશનલ મૅનેજમેન્ટ માત્ર મમ્મીઓએ જ નહીં બન્ને પેરન્ટ્સે શીખવું જરૂરી છે. પપ્પા પણ ધડાધડ મારતા હોય છે. ઘણાં બાળકો મમ્મીના ડરથી ઘરમાં ચૂપચાપ બેઠાં રહે અને સ્કૂલમાં મારામારી કરી આવે છે. મોટાં થઈને તેઓ ઓવર અગ્રેસિવ બને છે અથવા સાવ જ ડરપોક બની જાય છે. માતા અને સંતાન વચ્ચે અંતર વધવાનું કારણ આ ક્રોધ જ છે. તમારી અંદર ભભૂકી રહેલો ઍન્ગર નામનો જ્વાળામુખી ડાઇવર્ટ ન થાય એ માટે એક્સપ્રેશન અને એક્સપ્લેનેશન સમયસર થવું જોઈએ.’

Varsha Chitaliya columnists