પોસ્ટ નવરાત્રિ : ચાલો હવે દિવાળી કાઢીએ

Published: Oct 10, 2019, 15:43 IST | ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ - અપરા મહેતા | મુંબઈ

દિવાળીને માંડ ૧૭ દિવસ રહ્યા છે ત્યારે દરેકે દરેક ઘરમાં હવે કામ નીકળશે અને કામની સાથોસાથ પ્લાસ્ટિકના ડબ્બા, થેલી અને સાથે સંઘરી રાખેલાં ગિફ્ટ-પેપર પણ નીકળશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દિવાળીને માંડ ૧૭ દિવસ રહ્યા છે ત્યારે દરેકે દરેક ઘરમાં હવે કામ નીકળશે અને કામની સાથોસાથ પ્લાસ્ટિકના ડબ્બા, થેલી અને સાથે સંઘરી રાખેલાં ગિફ્ટ-પેપર પણ નીકળશે. સંઘરેલી આ ચીજવસ્તુઓ દેખાડે છે કે આ જ રીતે આપણા ઘરની મહિલાઓએ આપણા સામાજિક સંબંધોને પણ સાચવી રાખ્યા છે.

આમ તો આ વિષય પર અગાઉ મેં એક વખત જરા જુદી રીતે લખ્યું છે, પણ નવરાત્રિ પૂરી થાય એટલે મારા મનમાં બીજી કોઈ વાત આવે જ નહીં. એક જ વાત આવે, ચાલો દિવાળી કાઢીએ. આમ તો હું કામમાં બહુ બિઝી હોઉં એટલે મને દિવાળી કાઢવાની બહુ ઉતાવળ ન હોય એવું બને, પણ નવરાત્રિ પૂરી થતાંની સાથે જ મારાં મમ્મીની દિવાળી કાઢવાની ડિમાન્ડ શરૂ થઈ જાય.

આપણે ત્યાં વર્ષની ગોઠવણ જ એવી રીતે થઈ છે કે વર્ષના શરૂઆતના ૬ મહિના દરમ્યાન તમને કોઈ તહેવાર દેખાય નહીં અને જેવો શ્રાવણ શરૂ થાય કે તરત તહેવારોની મોસમ શરૂ થઈ જાય. રક્ષાબંધન, સાતમ-આઠમ, અગિયાર દિવસ ચાલતો ગણેશોત્સવ અને એ પછી આવે નવરાત્રિ અને નવરાત્રિ પછી દિવાળી. આ બધા દિવસોમાં જો કોઈ દિવસો સૌથી મહત્વના હોય તો એવા બે સમયગાળા છે, નવરાત્રિ અને દિવાળી વચ્ચેનો અને નવરાત્રિ પહેલાંના ૧૫ દિવસનો. આ પહેલો સમયગાળો એટલે શ્રાદ્ધપક્ષ અને નવરાત્રિ અને દિવાળી વચ્ચેનો ૨૦ દિવસનો સમય, જે છે સાફપક્ષનો. આપણો આ સાફપક્ષ શરૂ થઈ ગયો છે.

આખા વર્ષનો સૌથી ઇન્ટરેસ્ટિંગ જો કોઈ સમય હોય તો એ આ ૨૦ દિવસનો સમય છે. દિવાળી આપણા માટે બહુ મોટો દિવસ છે એ તો બધાને ખબર જ છે અને હવે તો બધાને એ પણ ખબર છે કે દિવાળીના દિવસે મા લક્ષ્મી ઘરમાં પ્રવેશવાનાં હોય એટલે ઘરને પણ એકદમ ચોખ્ખુંચણક કરીને રાખવાનું હોય. નવા વર્ષને વધાવવાની આ માનસિકતા છે એવું પણ કહી શકાય અને એમાં કાંઈ ખોટું પણ નથી, પરંતુ વાત સફાઈની હોય ત્યારે મને તો એ ફન ટાઇમ જેવો જ લાગ્યો છે. આ સફાઈ શરૂ થાય એ પહેલાં બેત્રણચાર દિવસ સુધી તો એનાં પ્લાનિંગ ચાલે અને એની વાતો થયા કરે. ઘરમાં રહેતા બીજા મેમ્બર બધાને જાણે કે વૉર્ન કરી દેવામાં આવતા હોય એ રીતે એની ચર્ચા કરવામાં આવતી હોય છે અને એ ચર્ચા દરમ્યાન જ કો-ઑર્ડિનેશન શરૂ થાય. સૌથી મહત્વની વ્યક્તિની પરમિશન લીધા વિના આવાં બધાં કામ થાય જ કઈ રીતે. આ સૌથી મહત્વની વ્યક્તિ એટલે બાઈ. મેઇડ. સર્વન્ટ કે પછી તમે જે કહેતા હો એ, રામો, મહારાજ વગેરે વગેરે.

પાછું આમને પણ ઘણાં બધાં ઘરની સફાઈની જવાબદારી સંભાળવાની હોય એટલે તેમને પૂછ્યા વિના તો પગ, સૉરી, પોતું પણ ન ઉપાડી શકાય. તેનું શેડ્યુલ જાણો, તેની અનુકૂળતા જુઓ અને એ રીતે તમારા ઘરની સફાઈનું પ્લાનિંગ કરો. એ ખબર પડી જાય એટલે ક્યાંથી શરૂઆત કરવી અને શું-શું કેવી રીતે સાફ કરવું એનું પ્લાનિંગ ચાલે. શું સાફ કરવું છે, કેટલું સાફ કરવું છે, કેવી રીતે સાફ કરવું છે, બાઈ કેટલામાં હાથ આપશે, આપણે જાતે કેટલું કરવું પડશે જેવા પ્રશ્નો આ દિવસોમાં બૈરાંઓના મગજમાં એકધારા ચાલુ થઈ જાય છે. આ બધાનું પ્લાનિંગ થઈ જાય એટલે માનસિક રાહત થાય જાણે બધું કામ થઈ ગયું. આવું થવા પાછળ પણ એક કારણ જવાબદાર છે અને એ એટલું જ કે દર વર્ષે સફાઈ વખતે એવું જ લાગ્યા કરે કે આ વર્ષે તો બહુ કામ નહીં કરવું પડે.

- અને પછી ફાઇનલી ક્લીનિંગ અભિયાન શરૂ થાય.

બધું શરૂ તો એકદમ સરળ રીતે થાય અને એ સમયે આપણને એમ પણ લાગે કે આપણું ઘર તો ચોખ્ખું જ હતું અને હજી છે. ૬ મહિના પહેલાં તો સફાઈ કરી હતી, પણ પછી જેમ-જેમ બીજાની સફાઈ જોતા જઈએ એમ એવું લાગવાનું શરૂ થાય કે આપણે તો વેઠ ઉતારીએ છીએ, ધ્યાન નથી દેતા અને વધારે ધ્યાન આપીને કરવાની જરૂર છે. અમુક લોકોના ઘરમાં તો ચાર દીવાલ જ નહીં, પણ સિલિંગ સુધ્ધાં ધોવાનું કામ શરૂ થઈ જાય. એ જોઈને ખરેખર આપણને બરાબરની ચાનક ચડી જાય અને પગમાં જુદી જાતની તાકાત આવી જાય. પ્લાસ્ટિકના ડબ્બાડૂબલી, પ્લાસ્ટિકની થેલીઓ, ગિફ્ટપૅક ખોલીને સંકેલી રાખેલાં ગિફ્ટ-રેપર અને હોટેલમાંથી લીધેલાં ટિશ્યુપેપર. ચારે બાજુથી આ બધું મળે અને નીકળ્યા જ કરે. એ મળે ત્યારે પહેલો વિચાર એ આવે કે આને આપણે ક્યારે સંઘર્યું અને એ પછી બીજો વિચાર એ આવે કે આ સંઘરવાની ટેવ શું કામ પડી હશે?

નવી જનરેશનની મમ્મીનો ઊધડો લઈ નાખે અને એમાં સાવ ખોટું પણ નથી. હોટેલમાંથી મળેલા થર્મોકૉલના ડબ્બા અને જૂસ સાથે આવેલા પ્લાસ્ટિકના ગ્લાસ, ટેક-અવે ફૂડના ડબ્બા. બધું આપણે સાચવી રાખીએ. જેમ-જેમ આવી વસ્તુઓ નીકળવાની શરૂઆત થાય પછી તો અટકે જ નહીં અને પેલા લોકોનું ટોણાં મારવાનું અટકે નહીં, પણ ક્યારેય વિચાર્યું છે ખરું કે એક ગૃહિણી કેવી રીતે સમજાવે કે આ જ ભેગી કરેલી ચીજવસ્તુઓ તમારા જ બધાના કામમાં લીધી છે અને એ સમયે તમે ખુશ પણ થયા છો. એક મમ્મી કેવી રીતે સમજાવે કે દીકરા દર અઠવાડિયે ડબ્બો ભૂલીને આવવાની તારી આદત પછી હવે હું તારા પર ભડકતી નથી અને એનું કારણ આ જ હોટેલનાં પાર્સલના ડબ્બા છે. તું ભૂલવાનું કામ કર, હું સંઘરવાનું કામ કરીશ. પ્લાસ્ટિકની મિનરલ વૉટરની બૉટલથી તને અત્યારે ત્રાસ છૂટે છે, પણ દરરોજ બપોરે છાસ આ જ બૉટલમાં તને આવે છે અને તારી તૃષાને સંતોષ આપે છે.

આ આદતો જરાય ખરાબ કે ખોટી નથી. આ બાબતમાં હું દરેક ગૃહિણીના પડખે રહેવાનું પસંદ કરીશ. ફૉરેનથી આવેલી પ્લાસ્ટિકની થેલી ગમે અને તમે એને સંઘરી રાખો એમાં કાંઈ ખોટું નથી. જે સમયે દીકરીને કોઈ ચીજવસ્તુ બહાર લઈ જવાની હોય છે ત્યારે તેના હાથમાં એ થેલી મૂકો તો દીકરી જ શો-ઑફ કરતી જાય છે. હું કહીશ કે એક પણ ગુજરાતીનું ઘર એવું નહીં હોય જ્યાં આવી ચીજવસ્તુઓનો કોથળો નહીં ભર્યો હોય. એક સારી થેલી હોય અને એમાં બીજી બધી સારી થેલી ભરવામાં આવે અને એવું જ ખરાબ થેલીનું, એક ખરાબ થેલી અને એમાં બીજી બધી ખરાબ થેલી ભરવામાં આવે. મને શૉપિંગનો ખૂબ શોખ છે એટલે દરેક વખતે શૉપિંગ સાથે પ્લાસ્ટિકની બૅગ આવે. બૅગ સરસ હોય એટલે હું સાચવી રાખું. એક વખત તો એટલીબધી થેલી ઘરમાંથી નીકળી કે મારી દીકરી બોલી કે મમ્મી, તું આ થેલીનો બિઝનેસ શરૂ કરી દે. એ દિવસે મને ખરેખર શરમ આવી હતી કે હું આટલી હદે બધું ભેગું કરું છું.

મને ગિફ્ટ પણ પુષ્કળ આવે અને મજાની વાત તો એ છે કે એ આવતી ગિફ્ટમાં પણ મોટા ભાગે આઇસક્રીમના કપ કે કૉફીના મગ જ હોય. બધું હું સાચવી રાખતી, પણ પછી મેં આપવાનું શરૂ કર્યું. ડ્રાઇવર, બાઇ, તેનાં સગાંવહાલાં, આડોશીપાડોશી, ઘરે કોઈ એમ જ બેસવા આવ્યું હોય અને એ ફ્રેન્ડ હોય, કોઈને પણ આપી દઉં, પણ પછી હવે તો એ લોકો પણ મને ના પાડતા થઈ ગયા છે કે કૉફી મગ છે, તો એ રહેવા દો. ઘરમાં બહુ થઈ ગયા છે. આઇસક્રીમ કપ છે, રહેવા દો, હવે ઘરમાં જગ્યા નથી.

એક સમય હતો કે લોકો ફ્લૅટ લેતાં પહેલાં જોતા કે એમાં માળિયું છે કે નહીં. માળિયું એટલું અગત્યનું હતું કે બૈરાંઓ ફ્લૅટમાં જઈને પહેલાં બેડરૂમ જોવાને બદલે માળિયું શોધવા માંડે અને મળે તો એની સાઇઝ ચેક કરવાનું કામ કરે. હવે તો માળિયાં ક્યાંય જોવા નથી મળતાં, પણ એક સમયે માળિયું હોવું એ આશીર્વાદ સમાન ગણાતું અને એવું ધારી લેવાતું કે જેટલું મોટું માળિયું એટલી વધારે ખુશ ગૃહિણી.

આ માળિયું વર્ષમાં એક જ વાર, દિવાળી વખતે સાફ થાય. એમાં પડેલી બધી વસ્તુ કાં તો વધારાની, કાં તો કામ વગરની અને કાં તો વર્ષમાં માંડ એકાદ વાર કામ આવતી હોય એવી હોય અને છતાં એ બધી વસ્તુઓ પડી હોય. દર દિવાળીની સફાઈ વખતે મારા મનમાં એક વિચાર વારંવાર આવે કે કરકસર, સાચવણી એક વાત છે અને વસ્તુ ભરી રાખવી અને સંઘરી રાખવી એ સાવ જુદી આદત છે. દર દિવાળીએ સંઘરી રાખેલી વસ્તુ બહાર નીકળે, એમાંથી ૩૦-૪૦ ટકા વસ્તુઓ ખરાબ થઈ ગઈ હોય, ભેજ લાગી ગયો હોય કે પછી તૂટીફાટી ગઈ હોય. એ બધી વસ્તુ કાઢી નાખવાની અને પછી એમાં આ વર્ષે સંઘરેલી વસ્તુઓ ઉમેરી દેવાની. હોળીના વધેલા રંગ પણ ભરવામાં આવે અને બચી ગયેલી પિચકારી પણ મૂકી દેવામાં આવે. એ મૂકતી વખતે રંગોળીના ગયા વર્ષના રંગ પણ ઉતારી લેવામાં આવે અને મીંડાં છાપવાનાં કાગળનાં પૂંઠા પણ કાઢવામાં આવે તો વધેલા ફટાકડા પણ ઘણાના ઘરમાંથી નીકળે. એ ફટાકડાને હવા લાગી ગઈ હોય છે. ચારોડીના કલરને ભેજ લાગી ગયો હોય છે અને મીંડાં છાપવાનાં કાગળના પૂંઠામાંથી અમુક મીંડાં ફાટીને એક થઈ ગયાં હોય છે, પણ એ બધામાંથી પણ ક્યાંક ને ક્યાંક સાચવણીનો પાઠ દેખાયા કરતો હોય છે. આપણે યુઝ-ઍન્ડ-થ્રોની માનસિકતા નથી ધરાવતા.

આ પણ વાંચો : જુઠ્ઠાણાને રામ રામ કહેજો

વિદેશમાં આ માનસિકતા છે અને ત્યાં લોકો હવે એવી રીતે વર્તતા થઈ ગયા છે પણ આપણે ત્યાં ફેંકી દેવાની ચીજવસ્તુઓને પણ રીસાઇકલ કરવાની આદત હજી ગઈ નથી અને આ આદત સારી જ છે. આ આદતને લીધે તો આપણે ફેંકી દેવા જેવા સંબંધોને પણ ક્યાં ઉકરડામાં ફેંકીએ છીએ. ન ગમતા વ્યવહારને પણ પરાણે ગમતા કરીને એને માટેની બધી જવાબદારીઓ નિભાવીએ જ છીએને.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK