યારોં દોસ્તી બડી હી હસીન હૈ

28 July, 2022 03:19 PM IST  |  Mumbai | Varsha Chitaliya

આટલું ઓછું હોય એમ પ્રવાસ દરમિયાન કદાચિત કોઈ અકસ્માત થાય તો મિત્રને ખભા પર બેસાડીને ફરવાનું પણ ટ્રિપ અધૂરી નહીં મૂકવાની એવી જબરી દોસ્તી નિભાવી છે

યારોં દોસ્તી બડી હી હસીન હૈ

રોડ ટ્રિપ અને થ્રિલિંગ ઍક્ટિવિટીના શોખીન ઘાટકોપરના ચાર મિત્રો કાર લઈને નીકળે પછી ઘરે ક્યારે ફરવું એ તો નક્કી ન જ હોય પણ જવું ક્યાંક હોય અને પહોંચી ક્યાંક બીજે જાય એવું અનેક વાર થયું છે. એક વાર મુંબઈ પરત ફરવાની જગ્યાએ તેઓ ગીરના જંગલમાં પહોંચી ગયા હતા. આટલું ઓછું હોય એમ પ્રવાસ દરમિયાન કદાચિત કોઈ અકસ્માત થાય તો મિત્રને ખભા પર બેસાડીને ફરવાનું પણ ટ્રિપ અધૂરી નહીં મૂકવાની એવી જબરી દોસ્તી નિભાવી છે

યાર, ગાડી થોડી ફાસ્ટ ચલાવ. સાત વાગ્યા પહેલાં ભુતાન બૉર્ડર પાર ન કરી તો આખી રાત કારમાં વિતાવવી પડશે. અને થયું પણ એવું જ. મુંબઈથી ભુતાન જવા નીકળેલા ઘાટકોપરના ચાર પાકા મિત્રો પિંકેશ નાગડા, દિગંત પટેલ, વિજય રાંચ અને તેજસ ગોસરને સમયસર પહોંચી ન શકવાને કારણે આખી રાત કારમાં બેઠા રહેવું પડ્યું. જોકે યાર-દોસ્ત સાથે હોય પછી શેનો ડર? પ્રવાસમાં થ્રિલિંગની અલગ જ મજા છે એવું માનનારી આ ટોળકીને ટ્રેકિંગ અને રોડ ટ્રિપનો જબરો ક્રેઝ છે. તેમણે કેવી-કેવી ટ્રિપ કરી છે અને કેવા-કેવા કિસ્સાઓ બન્યા છે એ જાણ્યા બાદ તમને પણ અલગારી રખડપટ્ટી કરવાનું ઝનૂન ઊપડી શકે છે. 
ટૂરિસ્ટ નહીં, ટ્રાવેલર 
મુંબઈથી કાર લઈને અમે નેપાલ-ભુતાન એક્સપ્લોર કરવા નીકળ્યા હતા. નેપાલમાં ચાર દિવસ રહ્યા પછી આગળ વધ્યા. અનુભવો શૅર કરતાં વિજય કહે છે, ‘ભુતાન પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ અનોખો અને હૅનિંગ દેશ છે. અહીં ફરવા આવ‍તા ટૂરિસ્ટો થિમ્પુ, પુનાખા, પારો વગેરે સ્થળો ફરતા હોય છે. અમે ટૂરિસ્ટ નહીં, ટ્રાવેલર છીએ તેથી ઈસ્ટર્ન ભુતાન એક્સપ્લોર કરવાનું નક્કી કર્યું. ભુતાનમાં એન્ટર થવાની પરવાનગી તો લેવી જ પડે. અનટચ્ડ ભુતાન ફરવા માટે થિમ્પુમાં આવેલી સરકારી ઑફિસમાંથી અલગથી પરવાનગી લેવી પડે છે. અહીંના જંગલ વિસ્તારના સૌંદર્યની તુલના જ ન થાય. ઈસ્ટર્ન ભુતાનમાંથી ભારત આવવા માટેની માત્ર એક્ઝિટ છે. અહીંથી તમે એન્ટર ન થઈ શકો. દરેક પ્રવાસીએ એન્ટ્રી મેઇન ચેકપોસ્ટથી જ લેવાની હોય છે. સાંજના સાત વાગ્યા પહેલાં એન્ટ્રી ન લો તો નેક્સ્ટ ડે મૉર્નિંગ સુધી બૉર્ડર પર સ્ટક થઈ જાઓ. અમે સમયસર પહોંચી નહોતા શક્યા એમાં આખી રાત કારમાં વિતાવી હતી.’ 
એક વાર મુંબઈથી મધ્ય પ્રદેશ સુધી રસ્તામાં આવતાં બધાં જ ટાઇગર રિઝર્વ જોવાનો પ્લાન બનાવી નીકળી ગયા એવી માહિતી શૅર કરતાં દિગંત કહે છે, ‘સૌથી પહેલાં મહારાષ્ટ્રના બાંધવગઢની મુલાકાત લીધી. ત્યાર બાદ તાડોબા, પેન્ચ, ભરતપુર, કાન્હા વગેરે ટાઇગર રિઝર્વ કવર કર્યાં. વર્લ્ડ ફેમસ ખજૂરાહોનાં ટેમ્પલ પણ જોઈ લીધાં. પછી અમસ્તા જ થયું કે વાઘ જોયા, સિંહ જોવાના તો રહી ગયા. ચાલો, ગીર ઊપડી જઈએ. મુંબઈ પાછા ફરવાની જગ્યાએ ગીરના જંગલમાં ફરવા નીકળી પડ્યા. એમાં વચ્ચે મારો ઍક્સિડન્ટ થયો. ચાલી શકાય એવી પરિસ્થિતિ નહોતી. રાતના અંધારામાં ગીરના જંગલમાં સિંહ જોવા લંગડી કરીને ગયો. લાકડીના ટેકે ચાલીને બાકીની ટ્રિપ પૂરી કરી હતી. આવું તો ઘણી વાર થયું છે. જવું ક્યાંક હોય અને પહોંચી બીજે ક્યાંક જઈએ.’      
દાયકા જૂની દોસ્તી
ઍડ્વેન્ચર ઍક્ટિવિટી માટેનું ઝનૂન અમારી મિત્રતાનું કારણ બન્યું હતું એમ જણાવતાં દિગંત કહે છે, ‘ઘાટકોપરમાં જ રહેતાં હોવાથી અમારી વચ્ચે સારી દોસ્તી હતી. સાથે ટ્રાવેલ કરવું જોઈએ એવું ઘણી વાર વિચાર્યું હતું. અમારા એક ફ્રેન્ડે મહારાષ્ટ્રના ટ્રેક્સ કરવાનું સજેસ્ટ કર્યું. સૌથી ફર્સ્ટ ટ્રેક ગોરખગઢ હતો. મહારાષ્ટ્રના હાઇએસ્ટ પીક કલસુબાઈ ટ્રેક જઈ આવ્યા છીએ. ટ્રેકિંગમાં એકબીજાની કંપની ગમવા લાગતાં મોટા ટ્રેક અને રોડ ટ્રિપ સ્ટાર્ટ કરી. અમારી જવાની ડેટ ફિક્સ હોય, આવવાની તારીખ નક્કી ન હોય. બુકિંગ કરાવતા જ નથી. જ્યાં ગમી જાય ત્યાં રોકાઈ જઈએ. બધું પ્લાનિંગ ઑન ધ વે થાય. પ્લાનિંગમાં પિંકેશનું દિમાગ વધુ ચાલે. રસ્તામાં ક્યાં હોલ્ટ લેવાનો છે અને જમવાનું પ્લાનિંગ વિજય અને તેજસ કરે. હું કમ્પ્યુટર ફ્રીક હોવાથી ઇન્ટરનેટ પર ખણખોદ કરી સસ્તી ને સારી હોટેલ શોધી કાઢું.’  
થ્રિલિંગ ઍક્ટિવિટી
ઍડ્વેન્ચરસ ટ્રેક કરતી વખતે તમને પ્રોફેશનલ નૉલેજની જરૂર પડે છે. લોકલ ગામડાંઓ સાથે તમારું સેટિંગ, રૅપલિંગ કરવા માટે રોપ અને સલામતીનાં અન્ય સાધનો જોઈએ. ઍડ્વેન્ચરસ ટ્રેકિંગ માટે અમે લોકો થાણેના ટ્રેક મૅક્સ ઇન્ડિયા (ટીએમઆઇ) ગ્રુપ સાથે જોડાઈ જઈએ એવી જાણકારી આપતાં વિજય કહે છે, ‘મહારાષ્ટ્રનો પૉપ્યુલર સંધન ટ્રેક બહુ મસ્ત અને થ્રિલિંગ ફીલ આપે એવો છે. ટ્રેકિંગમાં પહાડની ઉપર ચડવાનું હોય છે, જ્યારે સંધન વૅલી ટ્રેક મહારાષ્ટ્રનો એકમાત્ર એવો ટ્રેક છે જેમાં નીચે ખીણમાં ઊતરવાનું છે. એમાં એવા પૉઇન્ટ આવે છે જ્યાં મોટા પથ્થરો પરથી રૅપલિંગ કરીને ઊતરવું પડે. કેટલાક જમ્પ પણ આવે છે. આ વન વે ટ્રેક છે. એક વાર નીચે ઊતરવાનું સ્ટાર્ટ કરો પછી પાછા ન ફરી શકો, કારણ કે દોરડા પર લટકીને નીચે ઊતરી શકાય પણ સાત ફુટ જમ્પ માર્યા પછી ઉપર ચડી ન શકાય. ટ્રેકિંગ કરીને એક ગામમાં પહોંચો એટલે ટ્રેક પૂરો થાય. ટ્રેકિંગના શોખીનોએ આ ટ્રેક ખાસ કરવો જોઈએ. મજા આવી જશે. જોકે મૉન્સૂનમાં વૅલીમાં પાણી ભરાઈ જાય તેથી બંધ હોય છે. વરસાદમાં પાણીના ધસારાના લીધે રૉકની પોઝિશન ચેન્જ થઈ જાય. ચોમાસા બાદ ટ્રેક ઓપન થવાનો હોય ત્યારે ટ્રેક મૅક્સ ઇન્ડિયા ગ્રુપના પ્રો-લેવલના ટ્રેકરો નીચે ઊતરીને રૂટ ચેક કરી માર્કિંગ કરતા જાય. એ લોકોએ સૂચવેલા રૂટને દરેક ટ્રેકિંગ ગ્રુપ ફૉલો કરે છે. આ ટ્રેકિંગમાં બે ઑપ્શન છે. સવારે સ્ટાર્ટ કરી સાંજે પૂરું કરો અથવા ટીએમઆઇ સાથે જોડાઈ વૅલીની અંદર ઓવર નાઇટ ટેન્ટમાં સ્ટે કરીને આગળ વધો.’
અમે લોકોએ ટ્રેકિંગ શરૂ કર્યું એ વખતે ઘણા ઓછા લોકો જતા હતા. હવે યંગ જનરેશન નેચરથી ક્લોઝ થઈ રહી છે એ જોઈને આનંદ થાય છે એવી વાત કરતાં વિજય કહે છે, ‘એક દાયકા અગાઉ બધાની પ્રોફેશનલ લાઇફ જુદી હતી અને ઘણો સમય મળતો તેથી વીક-એન્ડમાં ટ્રેકિંગ અને રોડ ટ્રિપ માટે નીકળી જતા. પ્રોફેશનલ લાઇફમાં ચેન્જિસ આવતા ગયા એમ ટ્રાવેલિંગમાં ગૅપ પડતો ગયો. હવે ટ્રેકિંગ ઓછું થઈ ગયું છે, પરંતુ લાંબા અંતરની રોડ ટ્રિપ ચાલુ છે. રોડ ટ્રિપમાં લદ્દાખનો એક્સ્પીરિયન્સ સુપર્બ રહ્યો. આ પણ ઍડ્વેન્ચરસ ટ્રિપ હતી. અત્યારે કોઈ પ્લાન નથી બનાવ્યો, પરંતુ નજીકના ભવિષ્યમાં ફૉરેનની રોડ ટ્રિપ કરવાનું વિચારી રહ્યા છીએ. પોતાની સ્ટ્રેંગ્થ જાણવા માટે થોડો સમય પહેલાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી સુધી બાઇકિંગ ટ્રાય કર્યું છે.’

ખભા પર બેસાડ્યો

અમારી દરેક ટ્રિપ ઍડ્વેન્ચરથી ભરપૂર અને મેમરેબલ છે. ટાઇગર રિઝર્વ સૌથી યાદગાર ટ્રિપ કહી શકાય એમ જણાવતાં દિગંત કહે છે, ‘અહીં એક જગ્યાએ વુડન ફર્નિશ્ડ રિસૉર્ટમાં સ્ટે કર્યો હતો. બે રૂમ વચ્ચે સ્મૉલ બ્રિજ બનાવ્યો હતો. ઇન્ટીરિયર સરસ હોવાથી ફોટો પડાવવા પુલ પર ચડી ગયો. નીચે ઊતરતી વખતે જમ્પ કરવા જતાં ઍન્કલ ટ્વિસ્ટ થઈ ગયો. દુખાવો થતાં મને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા. એક્સરેના રિપોર્ટમાં ઍન્કલમાં હેરલાઇન ફ્રૅક્ચર આવ્યું. ત્રણેય જણે કહી દીધું, તને ખભા પર બેસાડીને ફેરવીશું પણ ટ્રિપ કૅન્સલ નહીં થાય. ખજૂરાહોનાં મંદિરોમાં મને સાચે ખભા પર બેસાડીને ફેરવ્યો એ ક્ષણ લાઇફટાઇમ યાદ રહેશે. આવા તો અઢળક કિસ્સાઓ છે જેના કારણે અમારી દોસ્તી વધુ ને વધુ પાકી થતી ગઈ.’

columnists Varsha Chitaliya