‘યાદોં કી બારાત’: મસાલા ફિલ્મોની ટ્રેન્ડસેટર

11 June, 2022 06:00 PM IST  |  Mumbai | Raj Goswami

1974માં ૬ મહિનાના અંતરે તેમની બે મોટી ફિલ્મો આવી ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત.’ એમાં તેમણે કહાની કહેવાનો અંદાજ અને પરંપરાગત હીરોના વ્યક્તિત્વને સાવ બદલી નાખ્યું

‘યાદોં કી બારાત’ : મસાલા ફિલ્મોની ટ્રેન્ડસેટર

લેખક બેલડી સલીમ-જાવેદના અસલી જાદુની શરૂઆત થઈ ૧૯૭૪થી. તેમની પાછળ ત્રણ નોંધપાત્ર ફિલ્મો હતી - ‘અંદાઝ’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા’. ૧૯૭૪માં ૬ મહિનાના અંતરે તેમની બે મોટી ફિલ્મો આવી ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત.’ એમાં તેમણે કહાની કહેવાનો અંદાજ અને પરંપરાગત હીરોના વ્યક્તિત્વને સાવ બદલી નાખ્યું, સાથે તેમણે ખલનાયકનો ચહેરો પણ બદલી નાખ્યો. ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત’માં એક જ ખલનાયક હતો : અજિત

નાસિર હુસેન નિર્દેશિત ‘યાદોં કી બારાત’ (૧૯૭૪) ઘણી બધી રીતે હિન્દી સિનેમાની ટ્રેન્ડસેટર ફિલ્મ હતી; જેમાં ઍક્શન હોય, ડ્રામા હોય, રોમૅન્સ હોય, ગ્લૅમર હોય, શાનદાર સંગીત હોય, અપરાધ હોય, સસ્પેન્સ હોય અને થ્રિલર હોય એવી મસાલા ફિલ્મોની શરૂઆત ‘યાદોં કી બારાત’ ફિલ્મે કરી હતી. આ ફિલ્મથી ઝિનત અમાન અને નીતુ સિંહની કારકિર્દીને વળ ચડ્યો અને નાસિર હુસેનના ભત્રીજા તારિક ખાન અને આમિર ખાનનું ડેબ્યુ થયું. હિન્દી સિનેમામાં ‘મેળામાં ખોવાઈ ગયેલા’ ભાઈઓનો વિષય પણ આ ફિલ્મથી લોકપ્રિય થયો. ત્રણ વર્ષ પછી ૧૯૭૭માં મનમોહન દેસાઈએ ‘અમર, અકબર, ઍન્થની’માં આ વિષયને જબરદસ્ત રીતે નિચોવ્યો હતો. 
લેખક બેલડી સલીમ-જાવેદના અસલી જાદુની શરૂઆત થઈ ૧૯૭૪થી. તેમની પાછળ ત્રણ નોંધપાત્ર ફિલ્મો હતી - ‘અંદાજ’, ‘હાથી મેરે સાથી’, ‘સીતા ઔર ગીતા.’ ૧૯૭૪માં ૬ મહિનાના અંતરે તેમની બે મોટી ફિલ્મો આવી ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત.’ એમાં તેમણે કહાની કહેવાનો અંદાજ અને પરંપરાગત હીરોના વ્યક્તિત્વને સાવ બદલી નાખ્યાં, સાથે તેમણે ખલનાયકનો ચહેરો પણ બદલી નાખ્યો. ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત’માં એક જ ખલનાયક હતો - અજિત. 
સિનેમાના દર્શકો પહેલી વાર ભણેલા-ગણેલા, શિષ્ટાચારવાળા અને સરસ કપડાં પહેરેલા ખલનાયકને જોઈને ચોંકી ગયા હતા. પહેલી વાર એક ખલનાયક નાયકની બધી રીતે બરાબરી કરે તેવો હતો. હિન્દી સિનેમાના ખલનાયકો ઊંચા અવાજે બોલતા હતા. અજિતે પહેલી વાર કડક અને કડવી વાત પણ મૃદુ સ્વરે કહેવાનો નવો શિરસ્તો શરૂ કર્યો. ‘યાદોં કી બારાત’ એના ખલનાયક ‘શાકાલ’ અને ‘ઝંજીર’ ‘તેજા’ માટે પણ એટલી જ યાદગાર છે. આ ખલનાયક સૂટ પહેરતો હતો, પાઇપ પીતો હતો અને સફેદ જૂતાં પહેરતો હતો. 
‘અજીત ઃ ધ લાયન’ નામનું જીવનચરિત્ર લખનાર ઇકબાલ રિઝવી કહે છે, ‘હૈદરાબાદના નિઝામની સેનામાં કામ કરતા બશીર અલી ખાનના ઘરે જન્મેલા હમીદ અલી ખાનને હિન્દી ફિલ્મોમાં અજિત તરીકે સિક્કો જમાવતાં ત્રણ દાયકા લાગ્યા હતા. સ્કૂલની ચોપડીઓ વેચી દઈ, સ્કૂલ-ફી ગપચાવીને અને પિતાને જૂઠું કહીને મુંબઈ આવેલા અજિત ચરિત્ર ભૂમિકાઓ કરતા હતા. ૧૯૭૩માં તેજા અને શાકાલ નામના સ્મગલરની ભૂમિકાથી તેમનું તકદીર બદલાઈ ગયું.’
અજીબ વાત એ છે કે સલીમ-જાવેદે ૧૯૬૯માં આવેલી ‘ડેથ રાઇડ્સ અ હૉર્સ’ (ઘોડા પર સવાર મોત) નામની ઇટાલિયન ફિલ્મ પરથી ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત’માં લગભગ એકસરખો પ્લૉટ લખ્યો હતો. એ વખતે તેઓ બન્ને હિન્દી સિનેમામાં પગ જમાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. એ ફિલ્મમાં બિલ નામનો છોકરો તેની આંખ સામે તેની માતાનું ખૂન થતું અને માતા-બહેન પર બળાત્કાર થતો જુએ છે. ૧૫ વર્ષ સુધી બંદૂક ચલાવવાની પ્રૅક્ટિસ કર્યા પછી તે અપરાધીઓને શોધવા નીકળે છે. ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત’માં શરૂઆત આવી રીતે જ થાય છે. 
નાસિર હુસેને ‘રિટન બાય સલીમ-જાવેદ’ પુસ્તકમાં લેખક દીપ્તકીર્તિ ચૌધરીને કહ્યું હતું કે ‘સલીમ-જાવેદે મને અને પ્રકાશ મેહરાને એક જ પ્લૉટ પકડાવી દીધો છે એની મને ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું, પરંતુ અમારાં પાત્રો અને ફિલ્મની માવજત બહુ અલગ હતી, એટલે બન્ને ફિલ્મો હિટ સાબિત થઈ.’ 
સલીમ ખાન એ વાતથી સહમત નથી. તેઓ કહે છે, ‘બન્ને ફિલ્મ સરખી નહોતી. માત્ર વેરની વસૂલાતના ઍન્ગલમાં સામ્ય હતું. એમ તો ‘શોલે’માં પણ એવું જ હતું. અજિતની ભૂમિકાને કારણે બે ફિલ્મો સરખી લાગી હતી. અમે નાસિર હુસેનનું ધ્યાન દોર્યું હતું, પણ તેમણે કહ્યું કે બીજું કોઈ રોલ કરવા તૈયાર નથી.’
ઇન ફૅક્ટ, સલીમ-જાવેદે અજિતનું નામ શાકાલ કેવી રીતે પાડ્યું એની પણ રસપ્રદ વાત છે. તેઓ બન્ને અને નાસિર હુસેન ફિલ્મના ખલનાયક માટે યોગ્ય નામની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે નાસિર હુસેનની ઑફિસમાંથી કોઈકે પબ્લિસિટી વિભાગના ઇન્ચાર્જને બૂમ પાડી, ‘અરે શાકાલસા’બ...’ ઇન્ચાર્જનું નામ જી. પી. શાકાલ હતું. સલીમ-જાવેદને ‘શાકાલ’ નામમાં જે વજન હતું અને એની અસાધારણતા હતી એ ગમી ગઈ અને એ રીતે જી. પી. શાકાલ ‘યાદોં કી બારાત’માં ૮ અને ૯ નંબરનાં જૂતાં પહેરતો ખલનાયક શાકાલ બન્યો. 
‘યાદોં કી બારાત’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘તિસરી મંઝિલ’, ‘દિલ દેકે દેખો’, ‘તુમ સા નહીં દેખા’, ‘કારવાં’ અને ‘કયામત સે કયામત તક’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો આપનારા નાસિર હુસેનની હિન્દી સિનેમામાં જોઈએ એટલી કદર થઈ નથી. બૉમ્બે ટૉકીઝના હિમાંશુ રૉયના અવસાન પછી અશોકકુમાર અને શશધર મુખરજીએ ૧૯૪૩માં ફિલ્મ‌ીસ્તાન સ્ટુડિયો સ્થાપ્યો હતો. ૧૯૪૬માં મોહમ્મદ નાસિર હુસેન ખાન આ ફિલ્મ‌ીસ્તાનમાં લેખક તરીકે જોડાયા હતા અને તેમણે એ વખતે લખેલી જાણીતી ફિલ્મોમાં ‘અનારકલી’, ‘મુનિમજી’ અને ‘પેઇંગ ગેસ્ટ’નો સમાવેશ છે. 
૧૯૫૭માં તેમણે શશધર મુખરજીના પૈસે ‘તુમસા નહીં દેખા’નું નિર્દેશન કર્યું હતું. એ ફિલ્મથી શમ્મી કપૂર સ્ટાર બની ગયા હતા. એની સફળતાને પગલે બીજા જ વર્ષે ‘દિલ દેકે દેખો’ આવી અને એમાં બીજો તારો ચમક્યો ઃ આશા પારેખ.  આશા પારેખ પછી તો નાસિર હુસેનની ઘણી બધી ફિલ્મોમાં હિરોઇન રહી અને બન્ને વચ્ચે રોમૅન્ટિક પ્રેમ પણ વિકસ્યો. એ પછી હુસેને નાસિર હુસેન ફિલ્મ્સની સ્થાપના કરી અને સ્વતંત્ર રીતે ફિલ્મનિર્માણમાં ઝંપલાવ્યું. નાસિર હુસેન ફિલ્મ્સે જે એક એકથી ચડિયાતી સંગીતપ્રધાન ફિલ્મો આપી એમાં ‘યાદોં કી બારાત’ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ. આ ફિલ્મ તોતિંગ રીતે સફળ થઈ અને એણે બૉલીવુમાં લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડની મસાલા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો. 
ફિલ્મનો પ્લૉટ ખાસો  કલ્પનાત્મક હતો. શાકાલ (અજિત) નામના સ્મગલરના એક અપરાધને સ્થાનિક પેઇન્ટર ગુલઝાર (નાસિર ખાન) જોઈ જાય છે. પેઇન્ટર તેનું ચિત્ર બનાવી દેશે એ બીકથી શાકાલ તેના ઘરમાં ઘૂસીને ગુલઝારને ગોળી મારી દે છે. પતિને બચાવવા વચ્ચે આવેલી પત્ની પણ ગોળીથી વીંધાઈ જાય છે. આ ખૂનખરાબામાં તેમના ત્રણ દીકરા શંકર (ધર્મેન્દ્ર), વિજય (વિજય અરોરા) અને રતન (તારિક અનવર) એકબીજાથી વિખૂટા પડી જાય છે અને અલગ-અલગ સંજોગોમાં મોટા થાય છે. મોટા થઈને ત્રણેય એકબીજાને અને તેમના પેરન્ટ્સનું ખૂન કરનારને શોધી રહ્યા છે. 
એકબીજાને ઓળખવાની તેમની પાસે એક જ નિશાની છે; તેમના પેરન્ટ્સે શીખવાડેલું ગીત ‘યાદોં કી બારાત નિકલી હૈ દિલ કે દ્વારે, સપનોં કી શહનાઈ બીતે દિનોં કો પુકારે...’ શાકાલને શોધી રહેલા ત્રણે ભાઈઓ એકબીજાને ઘણી વાર ભટકાય છે, પણ ઓળખી શકતા નથી. મોટો ભાઈ શંકર એક શાતિર ચોર બની ગયો છે અને શાકાલ તેને કામ પર રાખે છે. 
‘ઝંજીર’માં પણ સ્મગલર તેજા (અજિત) એક ઈમાનદાર પોલીસ-ઑફિસર અને તેની પત્નીનું ખૂન કરી નાખે છે અને બન્નેનો નાનો દીકરો વિજય (અમિતાભ બચ્ચન) કબાટમાં પુરાઈ જઈને એ જુએ છે. મોટો થઈને પિતાની જેમ પોલીસ બનેલા વિજયને પેરન્ટ્સના ખૂનની યાદદાસ્ત ખૂબ પજવે છે અને તેનો રોષ તે તમામ અપરાધીઓ પર કાઢે છે. એમાં જ તે તેજા અને તેના ગોરખધંધા પર ત્રાટકે છે. 
એમાં તો ૧૯૬૫માં યશ ચોપડાએ ‘વક્ત’માં અને ૧૯૭૭માં મનમોહન દેસાઈએ ‘અમર, અકબર, ઍન્થની’માં બાળપણમાં વિખૂટા પડી ગયેલા ત્રણ ભાઈઓ (હજી સુધી કોઈએ ત્રણ બહેનો છૂટી પડી ગઈ હોય એવી ફિલ્મ નથી બનાવી!)ની વાર્તા કરી હતી, પણ ‘યાદોં કી બારાત’ અને ‘ઝંજીર’ની અનોખી વાત એ છે કે તેના હીરોમાં તેની સાથે થયેલા અન્યાયનું વેર લેવાની ભાવના છે (સલીમ-જાવેદના ઍન્ગ્રી યંગ મૅનના જન્મ એ અન્યાયમાંથી થયો હતો) અને તેની સામે તાકતવર વિલન છે. એમાં પાછો બન્ને ખલનાયકની ભૂમિકામાં અજિત હતો. મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટે હમીદ અલી ખાન બહુ લાંબું નામ છે કહીને ટૂંકું ‘અજિત’ રાખ્યું હતું. 
અજિતનો દીકરો શેહઝાદ ખાન એક જગ્યાએ કહે છે, ‘મારા પિતા ખલનાયક કેવી રીતે બન્યા એની રસપ્રદ ઘટના છે. ચારેક વર્ષ સુધી તેઓ કામ નહોતા કરતા. તેઓ રાજેન્દ્રકુમાર જેવા દોસ્તો સાથે સી રૉક હોટેલની ક્લબમાં પત્તાં રમતા રહેતા હતા એમાં દક્ષિણના નિર્દેશક ટી. પ્રકાશરાવ રાજેન્દ્રકુમાર અને વૈજયંતીમાલા સાથે ‘સૂરજ’ ફિલ્મ બનાવી રહ્યા હતા અને રાજેન્દ્રકુમારે ક્લબમાં એક વાર પિતાના નામનું સૂચન કર્યું હતું.’ એ પછી ‘ઝંજીર’ અને ‘યાદોં કી બારાત’ આવી.
 જાવેદ અખ્તર કહે છે, ‘અમિતાભ બચ્ચનની માફક અજિતને પણ ‘ઝંજીર’ પછી ખલનાયકની એક નવી ઇમેજ મળી. પચાસના દાયકામાં તેઓ જાણીતા હીરો હતા, પરંતુ તેમણે ખલનાયકની ભૂમિકાઓમાં નવી ઇનિંગ શરૂ કરી. તેમની ખલનાયિકીએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો. તે એક એવો ખલનાયક હતો જે મૃદુ અવાજમાં બોલતો હતો છતાં એમાં દૃઢતા હતી. અમને એક એવો ખલનાયક જોઈતો હતો જે હીરોને ટક્કર આપે.’
‘યાદોં કી બારાત’માં હટ્ટોકટ્ટો ધર્મેન્દ્ર જે રીતે આખી ફિલ્મમાં પરેશાન અને ક્રોધિત રહે છે એનું શ્રેય ઠંડા દિમાગવાળા શાકાલને જાય છે. એમાં તે જે રીતે ‘મોના ડાર્લિંગ’ બોલે છે એ હીરો-હિરોઇનને ટક્કર મારે એવું છે. 
‘યાદોં કી બારાત’નું બીજું એક આકર્ષણ ઝિનત અમાન અને આર. ડી. બર્મનનું સંગીત હતું. ઝિનતનું ૧૯૭૧માં દેવ આનંદની ‘હરે રામા હરે કૃષ્ણા’માં ધમાકેદાર આગમન થયું હતું. ૧૯૭૩માં તે દેવ આનંદ સાથે ‘હીરાપન્ના’ અને ‘યાદોં કી બારાત’માં આવી. એમાં બારાત એવી નીકળી કે હીરા અને પન્ના ઝાંખાં પડી ગયાં. ‘યાદોં કી બારાત’ની સુનીતા અમીર હતી, બગડેલી હતી, સ્ટાઇલિસ્ટ હતી છતાં સ્વતંત્ર અને સ્માર્ટ હતી. આમ તો સુંદર કપડાં પહેરીને ફર્યા કરવા સિવાય તેનું ફિલ્મમાં કોઈ કામ નહોતું, પરંતુ તેની હાજરી એટલી ઇલેક્ટ્રિક હતી કે દર્શકો બહાર નીકળ્યા પછી બે જ લોકોને યાદ કરતા હતા - તેજા અને સુનીતાને. 
નીતુ સિંહ બાળકલાકાર તરીકે મોટી થઈ હતી અને ‘યાદોં કી બારાત’માં એક ડાન્સ-નંબર પૂરતી તેની હાજરી હતી, પરંતુ તેણે જે જુસ્સાથી એ ડાન્સ પેશ કર્યો હતો એટલે તે રાતોરાત ફિલ્મમેકર્સના ધ્યાનમાં આવી ગઈ હતી. ​ઝ‌િનત અને નીતુ માટે આર. ડી. બર્મને આજે પણ એટલું જ કર્ણપ્રિય ગીત બનાવ્યું હતું - ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’ અને ‘લેકર હમ દીવાના દિલ.’ 
‘હરે રામા હરે કૃષ્ણા’થી ઝિનત કેવી લોકપ્રિય થઈ હતી એની સાબિતી ‘આપ કે કમરે મેં કોઈ રહતા હૈ’ ગીતમાં છે. સુનીતા એક ટૂંકો લાલ ડ્રેસ પહેરીને એક કૉન્સર્ટમાં હાજરી આપે છે. ત્યાં ગાયક રતન (તારિક) ‘લાલ કપડોંવાલી મેમસા’બ’ કહીને સુનીતાને સ્ટેજ પર ગાવા માટે બોલાવે છે. એ ગીત પતે છે કે તરત ‘દમ મારો દમ’ની ધૂનમાં લોકો ઝૂમવા માંડે છે. 
નાસિરસા’બને એવો પણ વિશ્વાસ હતો કે તેમની ફિલ્મમાં સંગીતની મોટી ભૂમિકા છે. ‘ઝંજીર’માં હીરોને માતા-પિતાના ખૂનીના બ્રેસલેટમાં લટકતા ઘોડાનું દુઃસ્વપ્ન પજવે છે, જ્યારે ‘યાદોં કી બારાત’માં ત્રણે દીકરાઓને પરિવારનું ગીત પીડા આપતું રહે છે. એટલા માટે આપણે વિજય (અમિતાભ)ને ઍન્ગ્રી યંગ મૅન તરીકે યાદ રાખીએ છીએ, પણ શંકર (ધર્મેન્દ્ર)ને આપણે એ રીતે જોતા નથી. ઇન ફૅક્ટ, નાસિર હુસેનની ફિલ્મોમાં ગુસ્સે થવું અઘરું છે. તેમની ફિલ્મો સુખની અને સંગીતની ફિલ્મો છે.

જાણ્યું-અજાણ્યું...
 આઠ વર્ષની ઉંમરે આમિર ખાને આ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું
 નાસિર હુસેન આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ‘જબરદસ્ત’માં દિલીપકુમાર સાથે કામ કરવા માગતા હતા, પણ એ શક્ય ન બન્યું
 ‘ચુરા લિયા હૈ’ ગીત અંગ્રેજી ‘ઇફ ઇટ ઇઝ ટ્યુસડે, ધ‌િસ મસ્ટ બી બેલ્જિયમ’ પરથી પ્રેરિત હતું
 આશા પારેખની ઉંમર ૩૦ વર્ષની થઈ ગઈ હતી એટલે નાસિર હુસેને કૉલેજની છોકરીનો રોલ ઝ‌િનત અમાનને આપ્યો હતો
 ધર્મેન્દ્રનો આ સૌથી ગંભીર રોલ હતો. તે આખી ફિલ્મમાં ન તો હસે છે, ન તો ગીત ગાય છે કે ન તો તેની કોઈ પ્રેમિકા છે
 દિલીપકુમારના નાના ભાઈ નાસિર ખાને ત્રણે ભાઈઓના પિતાની ભૂમિકા કરી હતી

અજિત : શાલીન શેતાન...

એક જમાનામાં ડાકુઓ વિલન હતા. એ પહેલાં જમીનદારો અથવા ગામનો મહાજન વિલન હતો, જેઓ વ્યાજ પર ઉધાર આપતા હતા, પરંતુ ૭૦ના દાયકામાં અજિત જયારે વિલન બન્યા ત્યારે ભારતીય સમાજ બદલાવા માંડ્યો હતો, અંગ્રેજી ફિલ્મોની અસર પડવા માંડી હતી. એવામાં એક એવા વિલનનો આપણને પરિચય થાય છે જે બહુ જ શાલીન છે. ન તો તેના લાંબા વાળ છે કે ન તો તેના હાથમાં બંદૂક છે અને ન તો વાત-વાતમાં ગોળી ચલાવે છે. તે સૂટ પહેરે છે, બો લગાવે છે અને કોઈ હોટેલમાં જુગારખાનાનો લાઇસન્સવાળો માલિક છે. તે બહુ આરામથી 
અને શાંતિથી વાત કરે છે. તેને જોઈને વિશ્વાસ ન થાય કે આ માણસ આટલો બદમાશ અને શેતાન હોઈ શકે.
‘અજિત ધ વિલન’ પુસ્તકમાં ઇકબાલ રિઝવી

columnists raj goswami