પિતા અને પ્રેમની કૉમેડી: કિસી સે ના કહના

16 July, 2022 11:37 AM IST  |  Mumbai | Raj Goswami

બૉટનિસ્ટ બનવાનું સપનું લઈને મોટા થયેલા હૃષીદા વાયા બંગાળી ફિલ્મોમાં થઈને હિન્દીમાં આવ્યા ત્યારે મુખ્ય ધારાની ફિલ્મોની નવી જ વ્યાખ્યા આપી : શુદ્ધ પારિવારિક મનોરંજન

પિતા અને પ્રેમની કૉમેડી: કિસી સે ના કહના

એક ફિલ્મ રચિયતા તરીકે હૃષીકેશ મુખરજીની ખાસિયત એ છે કે તેઓ ઈમાનદારીથી ફિલ્મો બનાવતા હતા. તેમની ફિલ્મોમાં ન તો ગોવિંદ નિહલાણીની ફિલ્મો જેવી બૌદ્ધિકતા હતી કે ન તો મનમોહન દેસાઈ જેવી મસાલા ફિલ્મોની કમર્શિયલ મજબૂરી. બૉટનિસ્ટ બનવાનું સપનું લઈને મોટા થયેલા હૃષીદા વાયા બંગાળી ફિલ્મોમાં થઈને હિન્દીમાં આવ્યા ત્યારે મુખ્ય ધારાની ફિલ્મોની નવી જ વ્યાખ્યા આપી : શુદ્ધ પારિવારિક મનોરંજન

સાફસૂથરી અને પારિવારિક મનોરંજન માટે ફિલ્મો બનાવનારા હૃષીકેશ મુખરજીએ એક વાર એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘કલાકારો સમાજનો આત્મા છે. ભારતમાં લોકો એ આત્માને સાંભળે છે કે નહીં એ ખબર નથી. લોકોની રુચિ, વિચારો ભિન્ન હોય છે. એટલા માટે હું કોઈની સાથે દલીલ નથી કરતો. અરિન્દોનાથ ચટ્ટોપાધ્યાય નામના એક મહાન કવિએ મને એક વાર કહ્યું હતું કે ‘કોઈની સાથે દલીલબાજી ન કરવી.‘ બુદ્ધિના ફરકની વાત નથી. મતભેદની વાત છે. એ ક્યારેય કોઈની સાથે દલીલો કરતા નહોતા.’
હૃષીદાને કલ્પના પણ નહીં હોય કે તેમણે ૧૯૮૩માં બનાવેલી ફિલ્મના એક નિર્દોષ જોક પર ૨૦૨૨માં એક પત્રકારની ધરપકડ થઈ જશે અને ભારતના લોકો તેમની ધાર્મિક ભાવનાઓને લઈને દલીલો કરતા હશે. શક્ય છે કે પોલીસે એ પત્રકાર સામેના કેસમાં હૃષીકેશ મુખરજીને પણ પાર્ટી બનાવ્યા હોત.
૨૭ જૂને દિલ્હી પોલીસે ઑલ્ટ-ન્યુઝ નામની ફૅક્ટ-ચેકિંગ વેબસાઇટમાં કામ કરતા મોહમ્મદ ઝુબેર નામના એક પત્રકારની ચાર વર્ષ જૂના તેના એક ટ્વીટના મામલે ધરપકડ કરી હતી. ૨૦૧૮માં ઝુબેરે હૃષીદાની ફિલ્મ ‘કિસ‌ી સે ના કહના’ ફિલ્મના એક દૃશ્યની એક ઇમેજ પોસ્ટ કરી હતી, જેમાં ‘હનીમૂન‘ નામની એક હોટેલના નામ સાથે છેડછાડ કરીને એનું નામ ‘હનુમાન હોટેલ’ કરી દેવામાં આવ્યું હતું. કેમ? કારણ કે હોટેલનો માલિક હીરો-હિરોઇનને સમજાવે છે એ પ્રમાણે હોટેલમાં હનીમૂન મનાવવા આવતાં યુગલોનો દુકાળ પડ્યો છે એટલે તેણે નામ બદલી નાખ્યું છે.
ઝુબેરે હોટેલના એ બોર્ડનો ફોટો ટૅગ કરીને એવો જોક કર્યો કે ‘હનીમૂન હોટેલ’ ૨૦૧૪ પછી સંસ્કારી થઈ ગઈ છે અને હવે ‘હનુમાન હોટેલ’ કહેવાય છે. દિલ્હી પોલીસે એના પરથી ઝુબેર સામે લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ગુનો નોંધ્યો અને તેની ધરપકડ કરી લીધી. ‘હનુમાન ભક્ત’ નામના એક ટ્વ‌િટર હૅન્ડલ પરથી દિલ્હી પોલીસને ટૅગ કરીને ફરિયાદ કરવામાં આવી હતી કે ‘ભગવાન હનુમાનને હનીમૂન સાથે જોડવાથી હિન્દુઓનું સીધું અપમાન થયું છે, કારણ કે તેઓ બ્રહ્મચારી છે. મહેરબાની કરીને આ માણસ સામે પગલાં ભરો.‘
૪૦ વર્ષ પહેલાંની એક ફિલ્મના સંદર્ભ લઈને પોલીસ અચાનક જાગે અને એક પત્રકારને ગિરફતાર કરે એના પર હૃષીકેશ મુખરજી આજે હયાત હોત તો કેવી ફિલ્મ બનાવે એ એક કલ્પનાનો વિષય છે. જોકે કોઈની સાથે માથાકૂટમાં કે દલીલોમાં નહીં પડવાના તેમના વલણને જોતાં કદાચ તેમણે ફિલ્મ બનાવાનો વિચાર જ કર્યો ન હોત. 
આનંદ, ગુડ્ડી, અભિમાન, નમકહરામ, ચુપકે ચુપકે, મિલી, ગોલમાલ અને ખૂબસૂરત જેવી અત્યંત લોકપ્રિય ફિલ્મોના રચિયતા હૃષીકેશ મુખરજીની ‘કિસી સે ના કહના‘ ઓછી જાણીતી, પરંતુ જોવાની ગમે એવી ફિલ્મો પૈકીની એક ફિલ્મ છે. આજે એક પત્રકારના ટ્વીટના કારણે ભલે આ ફિલ્મ વિવાદમાં ઘસડાઈ હોય, પરંતુ એ હતી શુદ્ધ મનોરંજન અને ૧૯૮૩માં દર્શકોએ એને આવકારી પણ હતી. 
એક ફિલ્મ રચયિતા તરીકે હૃષીકેશ મુખરજીની ખાસિયત એ છે કે તેઓ ઈમાનદારીથી ફિલ્મો બનાવતા હતા. તેમની ફિલ્મોમાં ન તો ગોવિંદ નિહલાણી ફિલ્મો જેવી બૌદ્ધિકતા હતી કે ન તો મનમોહન દેસાઈ જેવી મસાલા ફિલ્મોની કમર્શિયલ મજબૂરી. બૉટનિસ્ટ બનવાનું સપનું લઈને મોટા થયેલા હૃષીદા વાયા બંગાળી ફિલ્મોમાં થઈને હિન્દીમાં આવ્યા ત્યારે મુખ્ય ધારાની ફિલ્મોની એક નવી જ વ્યાખ્યા આપી : શુદ્ધ પારિવારિક મનોરંજન. એમાં મજબૂત વાર્તા હોય, સરસ સંગીત હોય, ઉત્તમ પાત્રો હોય અને માનવીય સંબંધોના રસપ્રદ તાણાવાણા હોય. કદાચ એ એકમાત્ર નિર્દેશક છે જેમણે દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને ‘હટકે’ ફિલ્મોમાં નિર્દેશિત કર્યા છે. 
હૃષીકેશ મુખરજીનાં પાત્રો એટલાં વિશ્વસનીય હતાં કે દર્શકોને લાગતું કે તેમણે અસલી જીવનમાં આવા લોકો જોયા છે. તેઓ તેમની આસપાસના અને ખાસ તો પરિવારના લોકોનું બારીક નિરીક્ષણ કરતા રહેતા અને તેમને ડાયરીમાં નોંધી રાખતા. એવા ઘણા લોકો ક્યાંકને ક્યાંક ફિલ્મોમાં આવી જતા. હૃષીદાની પૌત્રી પ્રિયંકા એક ઇન્ટરવ્યુમાં કહે છે કે ‘તમે જો ‘કિસી સે ના કહના’ ફિલ્મ જુઓ તો એમાં કહ્યાગરા, શરમાળ અને તેજસ્વી દીકરા રમેશ ત્રિવેદીનું જે પાત્ર છે એ મારા ડૅડ (હૃષીદાના જ્યેષ્ઠ પુત્ર પ્રતિપ) પર આધારિત છે અને પુત્રવધૂનું જે પાત્ર છે એ મારા પર છે. મારા ડૅડ સાથે મારે જે માથાકૂટ થતી હતી એ સુધ્ધાં ફિલ્મમાં છે.’
એ પુત્ર અને પુત્રવધૂ એટલે ફારુક શેખ અને દીપ્તિ નવલ (ડૉ. રમોલા શર્મા/રમા). પ્રિયંકાએ મશહૂર તબલાવાદક ઝાક‌િર હુસેન માટે એક વાર એક ટ‌િપ્પણી કરી હતી એને પણ હૃષીદાએ ફિલ્મમાં સામેલ કરી હતી. જેમ કે રમેશના પિતા કૈલાશ પતિ (ઉત્પલ દત્ત) પુત્રવધૂ માટે એક આધુનિક છોકરીનો ઇન્ટરવ્યુ કરે છે અને તેને પૂછે છે કે તું (સિતારવાદક) રવિ શંકરને સાંભળે છે? તો પેલી છોકરી ધડ દઈને કહે છે કે ના, ના. એ તો ખાલી પરદેશમાં જ ફેમસ છે, હું ઝાક‌િર હુસેન નામના માણસને પસંદ કરું છું, કારણ કે એ બહુ હૉટ છે!
હૃષીકેશ મુખરજી સિચુએશન પર ફિલ્મ બનાવતા હતા એટલે એમાં કૉમેડી સહજ રીતે પેદા થતી. જેમ કે ‘કિસી સે ના કહના’માં તેમણે એક એવા પિતાની કલ્પના કરી હતી જે રૂઢિચુસ્ત હોય અને આધુનિક છોકરા-છોકરીઓની ટેવોથી નાકનું ટેરવું ચડાવતા હોય. ઉત્પલ દત્ત આવી ભૂમિકામાં જબરદસ્ત જામતા હતા. અમોલ પાલેકરવાળી ‘ગોલમાલ’ ફિલ્મમાં પણ હૃષીદાએ તેમને આવા જ એક પિતા ભવાની શંકરની ભૂમિકામાં લીધા હતા અને તે છવાઈ ગયા હતા. 
હૃષીદાએ એવી કલ્પના કરી હતી કે આવા પિતાનો દીકરો એક આધુનિક, અંગ્રેજી બોલતી છોકરીના પ્રેમમાં હોય તો પછી પિતાને કેવી રીતે મનાવવા? આવા એક સાધારણ વિચારની આસપાસ તેમણે ‘કિસી સે ના કહના’ની એવી વાર્તા ઘડી હતી જેમાં ગોટાળા થાય અને હાસ્ય નીપજે. વાર્તા આવી હતી :
કૈલાશપતિ (ઉત્પલ દત્ત) વિધુર છે અને તેમના એકના એક દીકરા રમેશ (ફારુક શેખ) સાથે નિવૃત્તિની જિંદગી જીવે છે. જૂની પેઢીના છે એટલે નવા જમાનાનાં છોકરા-છોકરીઓની રીતભાતથી નારાજ રહે છે. તેમને એવી બીક છે કે તેમનો લાડકો છોકરો નવા જમાનાના રંગમાં બગડી જશે એટલે તે તેને પરણાવી દેવાનું નક્કી કરે છે. એમાં તેમને પશ્ચિમના રંગઢંગથી રંગાયેલી છોકરીઓ ભટકાય છે એટલે તે નારાજ થઈ જાય છે અને એક વિચિત્ર માપદંડ બનાવે છે; તેઓ નક્કી કરે છે કે દીકરાને એવી છોકરી સાથે પરણાવવો, જે અંગ્રેજી બોલતી ન હોય અને સંપૂર્ણપણે દેશી નારી હોય. 
આમાં સમસ્યા એ થાય છે કે રમેશ તેની ઑફિસમાં તેના બૉસ ઓમપ્રકાશની ભણેલી-ગણેલી, ટ‌િપ-ટૉપ ભત્રીજી ડૉ. રમોલા શર્મા (દીપ્તિ નવલ)ના પ્રેમમાં છે અને તેની સાથે લગ્ન કરવાની ફિરાકમાં છે, પણ પિતાને મનાવવા કેવી રીતે? એક બાજુ પિતા અને અને બીજી બાજુ પ્રેમ, એમાં બે અંતિમો વચ્ચે ફસાયેલો રમેશ (ન ઘરનો, ન ઘાટનો જેવા રોલમાં ફારુક શેખ પણ જબરદસ્ત જમાવટ કરતો હતો) તેના પિતાના મિત્ર ‘લાલાજી’ અરુણ લાલ (સઈદ જાફરી) પાસે જઈને તેની મૂંઝવણ વ્યક્ત કરે છે. 
લાલાજી રમેશને એક ‘ફૅન્ટાસ્ટિક’ યોજના સમજાવે છે : રમોલાને રમા બનાવી દે! રમેશ, રમોલા અને લાલાજી ત્રણે જણ ભેગાં થઈને પિતાને શીશામાં ઉતારવા માટે, રમોલાને ગામડાના એક પંડિત (ઑફિસ બૉસ ઓમપ્રકાશ)ની દેશી છોકરી રમા તરીકે કૈલાશપતિ સામે ઊભી કરી દેવાનો કારસો રચે છે. એમાં એ સફળ પણ નીવડે છે. કૈલાશપતિ માની જાય છે કે રમાને સાચે જ અંગ્રેજી નથી આવડતું અને તેનામાં ભારતીય નારીના બધા જ ગુણ છે. 
બન્નેનાં રંગેચંગે લગ્ન થઈ જાય છે અને એ પછી તોફાન શરૂ થાય છે. રમોલા કૈલાશપતિને જેવી જોઈતી હતી એવી જ પુત્રવધૂ સાબિત થાય છે. તે કહ્યાગરી છે, સુશીલ છે, સંસ્કારી છે, પરંપરાગત મૂલ્યોમાં માને છે. કૈલાશપતિનો વિશ્વાસ અને આનંદ બન્ને બેવડાઈ જાય છે કે આ છોકરી ગામડાની છે એટલે જ આટલી સરસ છે. તેમને તેમની પસંદગી પર ગૌરવ છે.
બીજી બાજુ રમોલા ‘રમા’ બનીને થાકી ગઈ હોય છે. તમે જે નથી એનો તમે ક્યાં સુધી અભિનય કરતા રહો? એટલું જ નહીં, સસરાને રોજ મૂરખ બનાવતા રહેવાનું પણ બહુ અઘરું પડે છે. જેમ કે રમેશ અને રમોલા ગામમાં ઓમપ્રકાશની પાસે જવાના નામે ટૂંકા હનીમૂન પર જાય છે (હનુમાન હોટેલની કૉમેડી અહીં ઘટે છે), પણ કૈલાશપતિને વહુની ગેરહાજરી સાલે છે એટલે તે ગામમાં જઈ ચડે છે!
એવામાં એક દિવસ કૈલાશપતિને હૃદયરોગનો હુમલો આવે છે અને તાત્કાલિક તેમની સારવાર કરે એવી વ્યક્તિ એક જ છે; રમોલા ઉર્ફે રમા. અત્યાર સુધી તો રમોલાએ ઘરમાં કોઈને કહ્યું નહોતું (કિસી સે ના કહના) કે તે રમા નહીં પણ રમોલા છે, પણ હવે છૂટકો નહોતો. તેમની સાથે છેતરપિંડી થઈ છે જાણીને કૈલાશપતિ નારાજ થઈ જાય છે અને ઘર છોડી દેવાનું નક્કી કરે છે પણ છેવટે લાલાજી, રમેશ અને ઓમપ્રકાશ કૈલાશપતિને આખી પરિસ્થિતિ સમજાવીને મનાવી લે છે. પછી ખાધું, પીધું અને મોજ કરી.  
‘ગોલમાલ’ના હીરો અમોલ પાલેકરે હૃષીકેશ મુખરજીને યાદ કરીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘નિર્દેશક તરીકે તે હાવી થઈ જતા નહોતા. તેમને સરળ રીતે એક વાર્તા કહેવામાં રસ હતો. તેઓ તેમના ઍક્ટરોને પ્રેમ કરતા હતા. એ એક એવું અનુકૂળ વાતાવણ ઊભું કરતા કે ઍક્ટિંગ કરતી વખતે દરેકને આસાની મેહસૂસ થતી. તે રિટેક્સમાં માનતા નહોતા. અમે ક્યારેક કહેતા કે હૃષીદા, આ શૉટ બરાબર નથી લેવાયો, એક વધુ લઈએ તો એ કહેતા ના બેટા, સરસ લેવાયો છે. અમે તો પણ ન માનીએ તો એ કહેતા કે ઓકે, બીજો લો. શૉટ ઓકે થાય એટલે એ વખાણ કરતા, પણ આખરે પહેલો શૉટ જ રાખવામાં આવતો.’
ફારુક શેખે પણ કહ્યું હતું, ‘હૃષીદા જે કલાકારો સાથે મજા આવે તેની સાથે કામ કરતા હતા. એટલા માટે તેમની ફિલ્મોમાં મોટા ભાગે એના એ જ કલાકારોને રિપીટ કરતા હતા. સમયના બહુ પાકા હતા. એક વાર એક મોટો સ્ટાર (રાજેશ ખન્ના) ૯ વાગ્યાની શિફ્ટમાં ૧૨.૩૦ વાગ્યે આવ્યો. હૃષીદા બરાબર ગુસ્સે થયા હતા. જેવો એ સ્ટાર શૂટિંગ માટે મેક-અપ કરીને તૈયાર થયો, હૃષીદાએ કહ્યું કે પૅક-અપ કરો, આજે શૂટિંગ નહીં થાય.’
‘કિસી સે ના કહના’માં ડૉ. રાહી માસૂમ રઝાએ હસવું આવે એવા પણ વેધક સંવાદો લખ્યા હતા. જેમ કે  કૈલાશપતિ છોકરી જોવા જાય છે ત્યારે રમાને જોઈને ખુશ થઈ જાય છે અને કહે છે કે ભગવાન આવી છોકરીઓ પણ બનાવે છે? ત્યારે લાલાજી કહે છે, ‘થોડુંક ભગવાનના હાથમાં છે, થોડુંક પેરન્ટ્સના હાથમાં છે અને થોડુંક સરકારના હાથમાં છે કે નજીકમાં અંગ્રેજી સ્કૂલ બનાવવાનું ભૂલી ગઈ.’
બીજા એક દૃશ્યમાં ઓમપ્રકાશ રમોલાને રમા બનવાના પાઠ ભણાવતી વખતે (મહાભારતના સંદર્ભમાં) પૂછે છે કે સંજય કોણ હતો? તો રમોલા નિર્દોષ મોઢું કરીને સામું પૂછે છે, ‘સંજય કોણ, સંજય દત્ત કે સંજય  ગાંધી?’
કોને ખબર, ૨૦૨૨માં આના પર પણ કોઈકની ભાવનાને ઠેસ પહોંચી જાત. 

જાણ્યું-અજાણ્યું...

 ‘કિસે સે ના કહના’ લોકપ્રિય હિન્દી નાટક ‘રીઢ કી હડ્ડી‘ પરથી પ્રેરિત હતી. નાટકમાં એક છોકરીને રૂઢ‌િચુસ્ત ઘરમાં પરણવા માટે થઈને તેનું અંગ્રેજીનું ભણતર છુપાવવાનું કહેવામાં આવે છે. નાટકમાં છોકરી તેની સામે બળવો કરે છે, ફિલ્મમાં તે સામેલ થઈ જાય છે. 
 ‘કિસી સે ના કહના’ અને ‘ગોલમાલ’માં ઉત્પલ દત્તનું પાત્ર એકસરખું છે. ‘ગોલમાલ’માં તેમને મૂછો વગરના અને મૉડર્ન છોકરાઓ ગમતા નથી એટલે અમોલ પાલેકર નકલી રામપ્રસાદ બનીને તેમનું દિલ જીતે છે.
 ‘કિસી સે ના કહના’ની જેમ જ હૃષીકેશ મુખરજીની બીજી ફિલ્મ ‘ચુપકે ચુપકે’માં પણ ‘હિન્દી સારી અને અંગ્રેજી ખરાબ’ એવી બહસ હતી.
 ફિલ્મનાં ટાઇટલ્સ અનોખી રીતે પડે છે. એમાં ફિલ્મનાં પાત્રો પડદા પર આવીને દર્શકોને મોઢું બંધ (કિસી સે ના કહના) રાખવા કહે છે, જેથી દર્શકોમાં એક પ્રકારની ઉત્કંઠા બંધાય છે. 
 હૃષીકેશ મુખરજીએ તેમના ટેક્નિશ્યનો માટે આ ફિલ્મ બનાવી હતી. એની જે કમાણી થઈ હતી એ અંદરોઅંદર વહેંચી દેવામાં આવી હતી. આવું કરવાવાળા હૃષીદા એકમાત્ર નિર્દેશક હતા.

columnists raj goswami