સિલસિલા : ફ્લૉપ સંબંધનું હિટ સંગીત

21 May, 2022 02:38 PM IST  |  Mumbai | Raj Goswami

હરિજી (હરિપ્રસાદ ચૌરસિયા) અને હું બી. આર. ચોપડાની ફિલ્મોમાં સંગીત આપતા હતા એ વખતથી (તેમના નાના ભાઈ) યશ ચોપડાને જાણતા હતા. સમય જતાં અમારી વચ્ચે સારો વ્યવહાર બંધાયો હતો

સિલસિલા : ફ્લૉપ સંબંધનું હિટ સંગીત

હરિજી (હરિપ્રસાદ ચૌરસિયા) અને હું બી. આર. ચોપડાની ફિલ્મોમાં સંગીત આપતા હતા એ વખતથી (તેમના નાના ભાઈ) યશ ચોપડાને જાણતા હતા. સમય જતાં અમારી વચ્ચે સારો વ્યવહાર બંધાયો હતો. એ પછી તેઓ જ્યારે સ્વતંત્ર નિર્માતા-નિર્દેશક તરીકે છૂટા પડ્યા ત્યારે અમને ઑર્કેસ્ટ્રામાં રાખતા હતા અને એમાં જ એક દિવસ તેમણે સૂચન કર્યું હતું કે અમારે ફિલ્મો માટે સંગીત કમ્પોઝ કરવું જોઈએ – પંડિત શિવકુમાર શર્મા

તાજેતરમાં અવસાન પામેલા સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માની (વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે) પહેલી હિન્દી ફિલ્મ ‘સિલસિલા’ (૧૯૮૧) નહોતી, તેમની પહેલી ફિલ્મ ૧૯૫૫માં આવેલી વી. શાંતારામની ‘ઝનક ઝનક પાયલ બાજે’ હતી. એનું મુખ્ય સંગીત વસંત દેસાઈનું હતું, પરંતુ એક દૃશ્યમાં બૅકગ્રાઉન્ડ સંગીત તરીકે પંડિતજીએ સંતૂર વગાડી હતી. તે વખતે તેમની ઉંમર ૧૭ વર્ષની હતી. હિન્દી ફિલ્મોમાં સંતૂર અને પંડિતજીનો એ ડેબ્યુ હતો. 
૨૫ વર્ષ પછી ‘સિલસિલા’માં તેમણે હરિપ્રસાદ સાથે પૂરું સંગીત આપ્યું ત્યારે ‘ઝનક ઝનક પાયલ બાજે’ પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે મીરાનું ભજન ‘જો તુમ તોડો પિયા’ એમાં દોહરાવવામાં આવ્યું હતું. ‘ઝનક ઝનક પાયલ બાજે’માં લતા મંગેશકરે વસંત દેસાઈના સંગીતમાં એ ભજન ગાયું હતું અને બીજી વાર શિવ-હરિની ધૂન પર ‘સિલસિલા’માં ગાયું. ફિલ્મમાંથી જોકે એને એડિટ કરી નાખવામાં આવ્યું હતું, પણ રેકૉર્ડમાં હતું. 
લગ્નબાહ્ય સંબંધો અથવા લગ્નના ખટરાગોને લઈને હિન્દી સિનેમામાં ઘણી સંવેદનશીલ ફિલ્મો બની છે. કેટલીકની આપણે અહીં વાત પણ કરી છે જેમ કે અર્થ, ગાઇડ, આવિષ્કાર, દાગ, દૂસરા આદમી, ઇજાઝત, માસૂમ વગેરે. યશ ચોપડાની ‘સિલસિલા’ એની જ આગલી કડી હતી, પરંતુ દુર્ભાગ્યે એ ‘અર્થ’ કે ‘ઇજાઝત’ના સ્તરે ન પહોંચી શકી. યશ ચોપડા દિલના પ્રેમ અને સગવડિયાં લગ્ન વચ્ચેના સંઘર્ષ પર એક સૉફિસ્ટિકેટડ ફિલ્મ બનાવવા ગયા હતા, પરંતુ એમાં એટલી બધી કૃત્રિમતા આવી ગઈ કે ‘અર્થ’ની કઠોરતા અને ‘ઇજાઝત’ની નમી બન્ને ગાયબ થઈ ગયાં. ‘સિલસિલા’માં સ્ટોરી લાઇન, પાત્રો, તેમનું વર્તન, તેમના વિચારો, લાગણીઓ, તેમની ભાષા એ બધું એટલું પિક્ચર પર્ફેક્ટ હતું કે એવું લાગતું હતું જાણે યશજીએ એક ફલાવરવાઝમાં ખૂબસૂરત ફૂલ ગોઠવ્યું છે. 
બીજું, એમાં તેમણે અસલી જીવનનાં પાત્રો (અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા) લીધાં હતાં. એમાં ભારતીય દર્શકોની અપેક્ષા અને ઉત્તેજના સાતમા આસમાને જતી રહી. દર્શકોને હતું કે અસલી જીવનમાં તડકાભડાકાવાળી આ પ્રેમ કહાની ફિલ્મી પડદે તો કેવા ન્યુક્લિયર બૉમ્બ ફોડશે! પણ એ અપેક્ષાઓનું સુરસુરિયું થઈ ગયું; કારણ કે સિલસિલા બૉમ્બ નહીં, અગરબત્તી નીકળી. ‘સિલસિલા’ની એ પડદા પરની અને પડદા બહારની અસલી-નકલી કહાની દોહારાવવાની જરૂર નથી, કારણ કે વાચકો એનાથી સારી પેઠે વાકેફ છે.
ખાલી એક નાનકડી પૂરક માહિતી : શરૂઆતમાં યશ ચોપડાએ રેખાની ભૂમિકા માટે પરવીન બાબી અને જયા બચ્ચનની ભૂમિકા માટે સ્મિતા પાટીલ સાથે કરાર કર્યા હતા. અમિતાભને તેમણે આ વાત જણાવી ત્યારે બચ્ચને તેમના મનમાં શંકાનો કીડો નાખ્યો કે તેમને આ કાસ્ટિંગથી સંતોષ છે? યશજીને હિંમત આવી અને કહ્યું કે મારી ઇચ્છા તો જયાજી અને રેખાજીને લેવાની છે. અમિતજીએ કહ્યું કે મને એનો વાંધો નથી, પણ તમે જઈને બન્નેને મનાવો. યશ ચોપડાનું એટલું માન અને તેમના પર વિશ્વાસ કે ત્રણે તૈયાર થયાં. યશજીએ એક ઇન્ટરવ્યુમાં મલકાટ સાથે કહ્યું હતું, ‘મેં બન્નેને (જયાજી અને રેખાજી)ને કહ્યું હતું કે કોઈ ગરબડ ન થવી જોઈએ.’ 
ન થઈ. ફિલ્મ વિના વિઘ્ને પૂરી થઈ. જેટલી ગાજી હતી એટલી બૉક્સ-ઑફિસ પર વરસી નહીં, પણ એક વાત છે કે એ એક માઇલસ્ટોન ફિલ્મ તો ગણાય છે. ઉપર કહ્યું એમ, ફિલ્મ એના વિષય અને એના અસલી સંદર્ભના કારણે ખાસી બોલ્ડ હતી, પરંતુ એનું જો કોઈ સૌથી યાદગાર પાસું હોય તો એ એનું સંગીત છે. ઉપર આપણે પંડિત શિવકુમાર શર્માની વાતથી શરૂઆત કરી હતી. 
‘સિલસિલા’માં તો યશ ચોપડાએ ચાર કલાકારોને પહેલી વાર પેશ કર્યા; પંડિત શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને સંગીતકાર શિવ-હરિની જોડી તરીકે, સલીમ-જાવેદની જોડીમાંથી છૂટા પડેલા જાવેદ અખ્તર અને ઉર્દૂ લેખક-પત્રકાર હસન કમાલને ગીતકાર તરીકે. એમ તો ‘રંગ બરસે ભીગે ચુનર વાલી’ લખવા માટે ડૉ. હરિવંશરાય બચ્ચનને પાંચમા ગણી શકાય, પરંતુ તેમની બે-ચાર પ્રકાશિત કવિતાઓ અગાઉની ફિલ્મોમાં આવી હતી એટલે એ સાવ નવા નહોતા.  
સંતૂર પર પંડિત શિવકુમાર અને વાંસળી પર હરિપ્રસાદની જુગલબંદી ૧૯૬૯થી શરૂ થઈ હતી. ફિલ્મોમાં પણ તેઓ આમતેમ છૂટક વગાડતા રહેતા હતા. ‘સિલસિલા’ ફિલ્મ તેમને કેવી રીતે મળી એની વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં પંડિતજીએ કહ્યું હતું, ‘હરિજી અને હું બી. આર. ચોપડાની ફિલ્મોમાં સંગીત આપતા હતા એ વખતથી (તેમના નાના ભાઈ) યશ ચોપડાને જાણતા હતા. સમય જતાં અમારી વચ્ચે સારો વ્યવહાર બંધાયો હતો. એ પછી તેઓ જ્યારે સ્વતંત્ર નિર્માતા-નિર્દેશક તરીકે છૂટા પડ્યા ત્યારે અમને ઑર્કેસ્ટ્રામાં રાખતા હતા અને એમાં જ એક દિવસ તેમણે સૂચન કર્યું હતું કે અમારે ફિલ્મો માટે સંગીત કમ્પોઝ કરવું જોઈએ.’
યશજી સાથે તેમનો એવો સંબંધ બંધાયો કે શિવ-હરિની જોડીએ યશરાજની સળંગ સાત ફિલ્મોમાં હિટ સંગીત આપ્યું : સિલસિલા, ફાસલે, વિજય, ચાંદની, લમ્હેં, પરંપરા અને ડર. એમાં થયું એવું કે યશ ચોપડાની કભી કભી, કાલા પથ્થર, ત્રિશૂલ, નૂરી ફિલ્મમાં સફળ સંગીત આપનારા ખય્યામે ‘સિલસિલા’ માટે ના પાડી એ પછી શિવ-હરિનો વિચાર થયો હતો. 
ખય્યામે કેમ યશજીને ના પાડી? ફિલ્મના વિષયને કારણે. ખય્યામ આદર્શવાદી સંગીતકાર હતા. તેમને ‘સિલસિલા’ની લગ્નબાહ્ય સંબંધની કથાવસ્તુ પસંદ નહોતી આવી. તેમણે ના પાડી દીધી. એક ઇન્ટરવ્યુમાં ખય્યામે કહ્યું હતું, ‘યશે મને મારો નિર્ણય બદલવા માટે અગ્રહ કર્યો હતો, પરંતુ હું મક્કમ હતો. એમાં તેમની સાથેનો વ્યવસાયિક સંબંધ ખતમ થઈ ગયો. જોકે અમે મિત્રો રહ્યા હતા.’ 
અકળાયેલા યશજીએ સાવ નવા જ શિવ-હરિ પાસે આખું સંગીત કમ્પોઝ કરાવ્યું. એ જુગાર જ હતો, પણ સફળ રહ્યો. 
પંડિત શિવકુમારે કહ્યું હતું, ‘એ વખતે અમારી બહુ ટીકા થઈ હતી કે કેમ શાસ્ત્રીય સંગીતકારો પાસે સંગીત કરાવવામાં આવે છે? અમે પૈસા માટે થઈને કળા સાથે બાંધછોડ કરી રહ્યા છીએ? અમને ખબર હતી કે અમારે અમારી જાતને પુરવાર કરવી પડશે. અમે યશજી સાથે વાર્તા, દૃશ્યો, લોકેશન્સ વગેરેની અનેક ચર્ચાઓ કરી. અમે બન્નેએ બે અઠવાડિયાં સુધી ઘરે બેસીને ધૂન તૈયાર કરી. ગીતો માટે સાહિર (લુધિયાનવી)નો સંપર્ક કર્યો પણ તેમની પાસે સમય નહોતો (૧૯૮૦માં તેમનું અવસાન પણ થયું) એટલે જાવેદ અખ્તર પાસે લખાવવાનું નક્કી થયું.’
ઇન ફૅક્ટ, યશ ચોપડાએ લતા મંગેશકરને ગીતકારનું નામ સૂચવવા કહ્યું હતું અને લતાજીએ કહ્યું કે જાવેદભાઈ સરસ કવિતાઓ લખે છે એટલે યશજીએ જાવેદને તૈયાર કર્યા. ત્યાં સુધી જાવેદે માત્ર ફિલ્મોની વાર્તાઓ જ લખી હતી અને શોખ માટે ખાનગીમાં કવિતાઓ લખતા હતા. તેમણે જે પહેલું ગીત લખ્યું ‘દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ’ જ બ્લૉકબસ્ટર સાબિત થયું. એ પછી ગીતકાર તરીકે જાવેદનો બીજો જન્મ થયો. 
યશ ચોપડા ત્રિશૂલ અને કાલા પથ્થર જેવી હાર્ડ હિટિંગ ફિલ્મો પછી સૉફ્ટ રોમૅન્ટિક ફિલ્મ સાથે પાછા આવ્યા હતા. ‘સિલસિલા’માં ગીતો અને સંગીત માટે જબરદસ્ત અવસર હતો. તોતિંગ સ્ટારકાસ્ટ હતી, ખૂબસૂરત લોકેશન્સ હતાં અને વાર્તામાં ચારે બાજુ ભીની લાગણીઓ હતી. ખય્યામ હોત તો સો ટકા તેમણે તેમના જીવનનું સર્વોત્તમ સંગીત આપ્યું હોત. શિવ-હરિએ પણ કચાશ ન છોડી. શ્રોતાઓ તો ગીતો સાંભળીને ઊછળી પડ્યા, ટીકાકારોની પણ બોલતી બંધ થઈ ગઈ. 
ફિલ્મનાં ચાર ગીતો યાદગાર અને શાનદાર સાબિત થયાં : દેખા એક ખ્વાબ તો, નીલા આસમાન સો ગયા, યે કહાં આ ગએ હમ અને રંગ બરસે ભીગે ચુનરવાલી. પંડિતજી કહે છે, ‘યે કહાં આ ગએ હમને યશજી અમિતાભના અવાજમાં કવિતાની જેમ પેશ કરવા માગતા હતા, પણ અમે એને જુદી ફીલિંગ આપવા ઇચ્છતા હતા. ચર્ચાઓ પછી અમે એ કવિતાને લતા મંગેશકરના અવાજમાં ગીત તરીકે ફેરવી નાખી અને અમિતાભના અવાજને વિરામ તરીકે ઉપયોગ કર્યો. હિન્દી ફિલ્મોમાં આ પ્રયોગ પહેલો હતો.’
બીજો લાજવાબ પ્રયોગ હોળી ગીતનો હતો. અમિતાભે હોળી ગીત ગાવું જોઈએ એવું સૂચન હરિપ્રસાદનું હતું એમ તેમના જીવનચારિત્ર્યમાં પત્રકાર સથ્યા સરન લખે છે, ‘અલાહાબાદ કા હૈ, ઉસસે ગવા દિયા, જૈસે ગલે મેં હાથ ડાલ કે’ એમ હરિપ્રસાદે કહ્યું હતું. એ પછી યશજીએ સલાહ આપી કે તેમના પિતાને પૂછો કે યુપી-ટાઇપ હોલી ગીત લખી આપે. 
હરિપ્રસાદ કહે છે, ‘હરિવંશરાય ત્યારે મુંબઈમાં હતા એટલે તેમને વિનંતી કરી. એક કલાકમાં તેમણે ગ્રામીણ યુપીના ગીત પરથી ફિલ્મી ગીત તૈયાર કરી દીધું. તેમનો જ દીકરો ગાવાનો હતો એટલે તેમણે જરાય સમય ન વેડફ્યો. અમિતાભે એમાં ગાયિકી, હાવભાવ બધા પર બહુ મહેનત કરી હતી.’
‘રંગ બરસે’ વાસ્તવમાં રાજસ્થાનનું લોકગીત છે. રાજસ્થાનના ગ્રામીણ પ્રદેશોમાં ‘રાતીજૌગા’ (જાગરણ)ના પ્રસંગે એને મીરા માટે ગવાય છે. એના મૂળ શબ્દો છે : 
રંગ બરસે ઓ મીરા, ભવન મેં રંગ બરસે,
કૂન એ મીરા તેરો મંદિર ચિન્યો, કૂન ચિન્યો તેરો દેવરો,
રંગ બરસે ઓ મીરા, ભવન મેં રંગ બરસે...
સિનિયર બચ્ચને ફિલ્મની જરૂરિયાત પ્રમાણે આ ભજનને અવધિ બોલીમાં ‘ગોરીના યાર’ અને ‘ગોરીના બલમ’ વચ્ચેની હરીફાઈમાં બદલી નાખ્યું હતું. અમિતાભ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું આ ગીત તેમની પાસેથી શીખ્યો હતો. અમારા ઘરે હોળી રમાતી હોય ત્યારે રંગ બરસે અને મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ ગવાતું હતું. યશજી અને પ્રકાશજી (પ્રકાશ મહેરા)એ એ સાંભળ્યું હતું.’
ત્રીસ વર્ષ થયાં, આ ગીત આજે પણ દેશમાં એટલું જ લોકપ્રિય છે અને જ્યાયારે પણ વાગે છે ત્યારે હલકા નશામાં મસ્ત અમિતાભ, જયા અને સંજીવ કુમારની શર્મિંદગી વચ્ચે, જે રીતે રેખાને રંગે છે એ લોકોને યાદ આવી જાય છે. અવૈધ સંબંધનો એ સાર્વજનિક એકરાર ફિલ્મ જોવા ગયેલાં ઘણા પરિવારોને માફક આવ્યો નહોતો પણ સંગીત યાદ રહી ગયું. 

જાણ્યું-અજાણ્યું

columnists raj goswami