ડોનલ્ડ ટ્રમ્પની ચકાચૌંધ યાત્રા પર કોમી તોફાનોનો બિહામણો પડછાયો

01 March, 2020 03:17 PM IST  |  Mumbai | Raj Goswami

ડોનલ્ડ ટ્રમ્પની ચકાચૌંધ યાત્રા પર કોમી તોફાનોનો બિહામણો પડછાયો

મોદી અને ટ્રમ્પનું બૅનર

૭૨ કલાક, ૪૨ લોકોનાં મોત, ૨૦૦થી વધુ જખમી, લાખો રૂપિયાનું નુકસાન, ઉઝરડા પડેલાં અનેક દિલ અને દિમાગ તથા ભારતીય ગણરાજ્યનો તરડાયેલો ચહેરો. ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો પછીનાં દિલ્હીનાં આ સૌથી ભયાનક કોમી તોફાનો હતાં. એ વખતે પણ પોલીસ મૂક બનીને તમાશો જોતી હતી અને આ વખતે પણ પોલીસે ૭૨ કલાક માટે ઈશાન દિલ્હીને તોફાનીઓના હવાલે કરી દીધી હતી. ૭૨ કલાક પછી અર્ધ-લશ્કરી દળોએ જયારે સ્થિતિને કાબૂમાં લીધી ત્યારે એક જ કડવી સચ્ચાઈ સાબિત થઈ કે પોલીસ ધારે તો કોઈ પણ તોફાન રોકી શકે છે, સવાલ માત્ર એટલો જ છે કે એ કેટલા કલાક પછી ધારે છે. 

બે દિવસની ભારતયાત્રાના છેલ્લા દિવસે, ૨૫ ફેબ્રુઆરીએ, દિલ્હીમાં પત્રકાર-પરિષદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને અપેક્ષા પ્રમાણે જ ભારતમાં નાગરિકતા કાનૂન અને ધાર્મિક સ્વતંત્રતા વિશે સવાલ પૂછવામાં આવ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમાં હાજર નહોતા. પરિષદમાં ભારતના અને વિદેશના પત્રકારો હતા. ટ્રમ્પે નાગરિકતા કાનૂનનો જવાબ ન આપ્યો (તેમણે કહ્યું કે એ ભારતનો આંતરિક મામલો છે અને મારે એના વિશે કંઈ કહેવું નથી), પણ ધાર્મિક સ્વતંત્રતા વિશે કહ્યું કે ‘અમે એ વિશે વાત કરી છે અને મને વડા પ્રધાને જબરદસ્ત જવાબ આપ્યો હતો. લોકોને ધાર્મિક સ્વતંત્રતા હોય એ તેમને ગમે છે અને બહુ ભાર દઈને કહ્યું કે ભારતમાં ઉત્તમ અને પારદર્શક ધાર્મિક સ્વતંત્રતા માટે તેઓ બહુ મહેનત કરી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ મને કહ્યું છે કે તેઓ મુસ્લિમો સાથે ઘનિષ્ઠતાથી કામ કરી રહ્યા છે, જેમની વસ્તી ૧૪ મિલ્યન (૧.૪ કરોડ)થી ૨૦ મિલ્યન (૨૦ કરોડ) જેટલી થઈ છે.’

એ પછી તેમને પૂછવામાં આવ્યું કે તમારી યાત્રા વેળા જ રાજધાનીમાં હિંસા થઈ રહી છે તો તમને શું લાગે છે? એના જવાબમાં ટ્રમ્પે કહ્યું, ‘અલગ-થલગ ઘટનાની વાત છે ત્યાં સુધી મેં એના વિશે સાંભળ્યું છે, પણ મોદી સાથે ચર્ચા નથી કરી. એ ભારતનો વિષય છે.’ રાતે ૧૦ વાગ્યે ટ્રમ્પ વૉશિંગ્ટન જવા માટે રવાના થયા ત્યારે પોલીસને ‘દેખો ત્યાં ઠાર’નો આદેશ અપાઈ ચૂક્યો હતો. હિંસાનો આ બીજો દિવસ હતો.

ટ્રમ્પ આ જવાબ આપતા હતા ત્યારે તેમનાથી ૧૧ કિલોમીટર દૂર ઈશાન દિલ્હી ભડકે બળતું હતું. વક્રતા એ હતી કે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દિલ્હી સરકારની સ્કૂલના એક અનોખા ‘હૅપિનેસ ક્લાસ’માં બાળકો કેવી રીતે ૪૫ મિનિટના એક વર્ગમાં મનની સુખ-શાંતિ માટે ધ્યાન કરે છે એનો અભ્યાસ કરતાં હતાં ત્યારે જ દિલ્હીમાં હિન્દુ-મુસ્લિમો વચ્ચે અશાંતિ હણાઈ હતી અને પથ્થરમારો ગોળીબાર, મારામારી, આગચંપી તેમ જ તોડફોડનો સિલસિલો ચાલી રહ્યો હતો. આ એ જ ટ્રમ્પ છે જેમના અમદાવાદના રોડ શો દરમ્યાન ગરીબી ન દેખાય એટલે દીવાલ ચણવામાં આવી હતી.

ત્રણ દિવસે એની આગ ઠંડી પડી ત્યારે એમાં એમાં એક પોલીસ-કૉન્સ્ટેબલ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના એક કર્મચારી સહિત ૪૨ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦ લોકો હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ તોફાનો એટલાં સુનિયોજિત હતાં કે એમાં જાનમાલના નુકસાનની ભયાનક વિગતો દરરોજ બહાર આવતી જાય છે. પોલીસે અત્યાર સુધીમાં ૪૮ ફરિયાદો દાખલ કરી છે અને ૧૫૦ લોકોની ધરપકડ કરી છે.

ત્રણ દિવસ માટે ઈશાન દિલ્હીમાં દેશી પિસ્તોલો, પેટ્રોલ-બૉમ્બ, લાકડીઓ, પથ્થરો અને ઍસિડ-બૉમ્બ સાથે રસ્તામાં જે આવ્યા એ લોકો, મકાનો, સ્કૂલો, દુકાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. લગભગ ૮૦ લોકોને ગોળી વાગી છે અને એમાં ૧૦ જણનાં મોત ગોળી વાગવાથી થયાં છે. ભારતમાં આ પ્રથમ કોમી તોફાનો છે જેમાં આટલી મોટી સંખ્યામાં ખાનગી ગોળીબાર થયા છે. પોલીસને શંકા છે કે આ તોફાનોમાં સ્થાનિક અપરાધીઓની મોટી ભૂમિકા હતી. આ દેશી પિસ્તોલો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશની સીમા પરથી ઈશાન દિલ્હીમાં આવ્યાની શંકા છે.

દિલ્હીની હિંસાનો ટ્રમ્પની યાત્રા પર પડછાયો એવો પડ્યો કે ટ્રમ્પ પાછા વૉશિંગ્ટન પહોંચ્યા ત્યારે ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના ડેમોક્રૅટિક હરીફ બર્ની સેન્ડર્સે કહ્યું કે આ હિંસાને ટ્રમ્પે ભારતનો વિષય ગણાવી એ નેતૃત્વની નિષ્ફળતા છે. આનાથી અકળાયેલા બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી બી. એલ. સંતોષીએ ટ્વીટ કરીને સેન્ડર્સને ધમકી આપી કે ‘તમારી સાથે તટસ્થ રહેવાની ગમે એટલી અમારી ઇચ્છા હોય, તમે અમને ફરજ પાડો છો કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભૂમિકા ભજવીએ. માફ કરજો, પણ તમે અમને ફરજ પાડો છો.’ અમેરિકાની ચૂંટણી પહેલાં જ રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવાર સામે આ રીતે શિંગડાં ભરાવવાનું કેટલું હિતાવહ છે એવો કોઈને પ્રશ્ન થયો હશે અને એટલે જ સંતોષીએ એ ટ્વીટ ડિલીટ કરી નાખી હતી, પણ ત્યાં સુધીમાં તો એ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી.

હિંસાની શરૂઆત આગલા દિવસે એટલે કે સોમવારે ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થયું ત્યારે જ થઈ હતી. રવિવારે દિલ્હી બીજેપીના નેતા કપિલ મિશ્રાનો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક પોલીસ અફસરની હાજરીમાં તેણે ધમકી ઉચ્ચારી હતી કે ટ્રમ્પની બે દિવસની મુલાકાત સુધી અમે શાંત રહીશું અને ત્યાં સુધી નાગરિકતા કાનૂનના વિરોધીઓએ રોકી રાખેલા રસ્તાઓ નહીં ખૂલે તો અમે જાતે રસ્તા પર ઊતરી આવીશું. નાગરિકતા કાનૂનના વિરોધને લઈને છેલ્લા બે મહિનાથી દિલ્હીનું વાતાવરણ ડહોળાયેલું હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળા ઘણાં ભડકાઉ ભાષણો થયાં હતાં અને એ પહેલાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં નાગરિકતા કાનૂનને લઈને હિંસા થઈ ચૂકી હતી. ચૂંટણીનાં પરિણામો પછી ગૃહપ્રધાન અમિત શાહે એકરાર પણ કર્યો હતો કે બીજેપીના નેતાઓનાં ભડકાઉ ભાષણોને કારણે જ વિધાનસભામાં બીજેપીની હાર થઈ હતી.

પરિણામે ૨૪મીએ સોમવારે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં હિન્દુ-મુસ્લિમ એકતાનાં ગીત ગાતા હતા અને બીજી બાજુ દિલ્હીમાં બન્ને કોમના દિમાગમાં પૂરવામાં આવેલું ઝેર બહાર આવવાની શરૂઆત થઈ હતી. એ અજીબ વિરોધાભાસ હતો. ‘તમારો દેશ’ મોટેરા સ્ટેડિયમમાં ચિચિયારી પાડતા એક લાખ લોકોને સંબોધતાં ટ્રમ્પ બોલતા હતા, ‘દુનિયાભરમાં એ વાત માટે વખણાય છે કે અહીં લાખો હિન્દુઓ, મુસ્લિમો, સિખો, જૈનો, બૌદ્ધો, ઈસાઈઓ અને યહૂદીઓ એકમેકની સાથે સૌહાર્દપૂર્ણ રીતે પૂજા કરે છે. અહીં બે ડઝન રાજ્યોમાં ૧૦૦થી વધુ ભાષા બોલાય છે અને છતાં તમે એક રાષ્ટ્ર તરીકે અડીખમ ઊભા છો. તમારી એકતા દુનિયા માટે પ્રેરણાદાયી છે.’ ઈશાન દિલ્હીના તોફાનીઓના કાને આ શબ્દો પડ્યા નહોતા.

૨૫મીની રાતે ટ્રમ્પ તેમની ભારતયાત્રા પતાવીને ઍરફોર્સ-વન પ્લેનમાં વૉશિંગ્ટનના રસ્તે હતા ત્યારે ગૂગલ ન્યુઝમાં ‘ટ્રમ્પની ભારત યાત્રા’ એવો કી-વર્ડ નાખ્યો તો ૯૫ રિઝલ્ટ આવ્યાં અને એ તમામ દિલ્હીની હિંસાના સમાચાર આપતા હતા. ટ્રમ્પની અભૂતપૂર્વ યાત્રા પર હિંસાનાં વાદળો છવાઈ ગયાં હતાં. ૭૨ કલાક પછી ગ્રાઉન્ડ પર પહોંચેલા પત્રકારોએ જે સ્થાનિક ઇલાકાઓની વિગતો અને તસવીરો આપી એ ખોફનાક હતી અને દુનિયાભરના મીડિયામાં ‘દિલ્હી સળગે છે’ એવી હેડલાઇન્સ છવાઈ ગઈ હતી.

સોમવારે ટ્રમ્પ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે કોઈને અંદાજ પણ નહોતો કે તેમની વાપસી વખતે દિલ્હીમાં ‘દેખો ત્યાં ઠાર મારો’નો આદેશ આપવો પડશે. સાંજે ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા ત્યાં સુધીમાં તો હિંસાના એવા સમાચાર આવતા થઈ ગયા હતા કે સોશ્યલ મીડિયા પૂછવા લાગ્યું હતું કે પોલીસના હાથમાં કાયદો અને વ્યવસ્થા છે કે નહીં? એ પછી પણ છેક મંગળવારે નમતા બપોરે ગૃહપ્રધાન, મુખ્ય પ્રધાન, રાજ્યપાલ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓની એક બેઠક મળી અને ‘પોલીસની ભૂલ’ને ઠીક કરવા અને ‘રાજકીય બયાનબાજી’ નહીં કરવાનો નિર્ણય લેવાયો.

આ બેઠક પછી ‘સબ સલામત છે’નો સંદેશ આપવામાં આવ્યો ત્યારે કોઈને અંદાજ નહોતો કે ઈશાન દિલ્હીના અનેક વિસ્તારોમાં હજી કેટલાં મોતના, ઘાયલોના, આગચંપીના અને પથ્થરમારાના સમાચાર આવવાના છે. સ્થિતિ એટલી ખરાબ હતી કે એક માનવાધિકાર વકીલ, સુરુર મંદરે રાતે દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ એસ. મુદલિયારને ફોન કરીને કહ્યું કે તોફાનોમાં ઘાયલ લોકોને જીટીબી હૉસ્પિટલ લઈ જવામાં બહુ મુશ્કેલી આવી રહી છે.

હાઈ કોર્ટ મદદ કરવા માટે પોલીસને આદેશ કરે એ જરૂરી છે. એ જ રાતે બીજા એક જસ્ટિસ એ. જે. ભમ્ભાનીની હાજરીમાં જસ્ટિસ મુદલિયારના નિવાસસ્થાને બેંચની તાત્કાલિક બેઠક મળી. એમાં સંયુક્ત પોલીસ કમિશનર આલોક કુમાર, ડીસીપી (ક્રાઇમ) રાજેશ દેવ અને દિલ્હી સરકારના વકીલ સંજય ઘોષ પણ ઉપસ્થિત હતા. બેન્ચે મોબાઇલ ફોનના સ્પીકર પર અલ હિન્દ હૉસ્પિટલના ડૉક્ટર અનવરનું બયાન સાંભળ્યું કે તેઓ સાંજે ૪ વાગ્યાથી પોલીસની મદદ માગી રહ્યા છે. છેવટે રાતે ૧૨.૩૦ વાગ્યે બેન્ચે બન્ને હૉસ્પિટલોમાં ઘાયલોને લઈ જવાની વ્યવસ્થા પોલીસ કરે એવો હુકમ જારી કર્યો.

બીજા દિવસે એટલે કે બુધવારે જ્યારે હાઈ કોર્ટમાં બેન્ચની નિયમિત બેઠકમાં નિવૃત્ત આઇએએસ હર્ષ મંદરની અરજી આવી ત્યારે જસ્ટિસ મુદલિયાર કેન્દ્ર સરકારના સૉલિસિટર જનરલ તુષાર મહેતાનો ઊધડો લેવાના હતા અને કડક શબ્દોમાં કહેવાના હતા કે ‘અમે આ કોર્ટની નજર સામે દિલ્હીમાં ૧૯૮૪નું પુનરાવર્તન નહીં થવા દઈએ.’ એક બીજી અરજીમાં હાઈ કોર્ટને બીજેપીના નેતા અનુરાગ કશ્યપ, પરવેશ સાહેબ સિંઘ, અભય વર્મા અને કપિલ મિશ્રાનાં ભડકાઉ ભાષણોની વિડિયો-ક્લિપ બતાવવામાં આવી અને એમાંય પોલીસને ખખડાવતાં કહ્યું કે તમને હજી સુધી આ લોકો સામે ફરિયાદ દાખલ કરવાનું નથી સૂઝ્યું? કાલે ને કાલે ફરિયાદ દર્જ કરો અને પછી હાજર થજો.

(એ જ રાતે જસ્ટિસ મુદલિયારની બદલી પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે તેમની અને બીજા બે જજોની બદલીની સંમતિ ઘણા સમયથી આપી રાખી હતી, પણ કાયદા મંત્રાલયે બુધવારે રાત્રે જ આદેશ જારી કર્યો. ગુરુવારે દિલ્હી હિંસામાં ભડકાઉ ભાષણની એ અરજી મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેન્ચ સમક્ષ આવી તો સૉલિસિટર જનરલની દલીલને માન્ય રાખીને ૪ અઠવાડિયાંનો સમય આપ્યો.)

ભડકાઉ ભાષણનો મુદ્દો હાઈ કોર્ટમાં આવ્યો એના બીજા જ દિવસે હાઈ કોર્ટમાં એક અન્ય અરજી કરવામાં આવી, જેમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, આપના નેતા મનીષ સિસોદિયા, મુસ્લિમ નેતા વારિસ પઠાણ અને અકબરુદ્દીન ઓવૈસી સામે ઉશ્કેરણીજનક ભાષણો કરવા બદલ ગુનો નોંધવાની માગણી કરવામાં આવી.

બીજી તરફ શાહીનબાગમાં મહિલાઓનાં બે મહિનાથી ચાલતાં ધરણાંને લઈને થયેલી એક અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ, તો જસ્ટિસ એસ. કે. કૌલ અને કે. એમ. જોસેફની બેન્ચે પણ દિલ્હી પોલીસને ખખડાવીને અમેરિકા-યુકેની પોલીસનું ઉદાહરણ આપીને કહ્યું કે દિલ્હી પોલીસે માત્ર કાયદા પ્રમાણે જ કામ કર્યું હોત તો તોફાનીઓ છટકી ગયા ન હોત.

૨૬મીએ બુધવાર સાંજ સુધીમાં તો સરકાર પણ સફાળી જાગી અને વડા પ્રધાને એક અભૂતપૂર્વ નિર્ણયમાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાનો હવાલો સોંપી દીધો. દોભલે પહેલું કામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દળોને વધારી દેવાનું અને જાતે સ્થાનિક લોકો વચ્ચે જવાનું કર્યું. દોભલે સ્થાનિક લોકોને સાંભળ્યા અને આશ્વાસન આપતાં કહ્યું કે ‘હું એચએમસા’બ અને પીએમસા’બ (હોમ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર)ના કહેવાથી તમારી પાસે આવ્યો છું, ડરવાની જરૂર નથી, બધું ઠીક થઈ જશે.’

 સરકાર તરફથી કોઈ જવાબદાર વ્યક્તિની હાજરી અને સુરક્ષા દળોની નિરંતર ફ્લૅગમાર્ચની ધારી અસર પડી અને હિંસા અટકી, પરંતુ એ ત્રણ દિવસમાં તોફાનીઓએ સુનિયોજિત ઢબે એટલી હિંસા આચરી હતી કે હૉસ્પિટલમાંથી ઘાયલોનાં મૃત્યુના સમાચાર આવી રહ્યા હતા. ૧૯૮૪નાં સિખવિરોધી તોફાનો પછી દિલ્હીમાં પહેલી વાર આટલી મોટી જાનહાનિ થઈ હતી.

આ તોફાનો એટલાં સુનિયોજિત હતાં કે પત્રકારોને પણ શોધી-શોધીને નિશાન બનાવાયા હતા. એક પત્રકારને મૌજપુર વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી. બે પત્રકારો અને કૅમેરામેનને એક સળગતી મસ્જિદનું રેકૉર્ડિંગ કરતી વખતે માર મારવામાં આવ્યો હતો. તેમની જ ટીમની એક મહિલા પત્રકારે વચ્ચે પડીને ટોળાને સમજાવ્યું કે પત્રકારો હિન્દુ છે ત્યારે મારપીટ અટકી હતી. એક ફોટોગ્રાફર સળગાવી દીધેલા ઘરનો ફોટો પાડતો હતો ત્યારે એક ટોળાએ તેને ધક્કે ચડાવ્યો અને તેના કપાળ પર તિલક લગાવીને કહ્યું કે આનાથી તારું કામ આસાન થઈ જશે. ટોળાએ ફોટો પાડવાના તેના આશયને સમજવા માટે તેનું પૅન્ટ ઉતારવાની ધમકી આપી હતી જેથી તે હિન્દુ છે કે મુસ્લિમ એની ઓળખ સાબિત થઈ શકે.

એક ન્યુઝ ચૅનલની મહિલા પત્રકાર હાથ જોડીને ટોળામાંથી છૂટીને ભાગી શકી હતી. એક ફોટોગ્રાફર કરવાલ નગરમાં ફોટો પાડતો હતો ત્યારે તેની મોટરબાઇકને ટોળાએ સળગાવી દીધી હતી. ટોળાએ કૅમેરામાંથી મેમરીકાર્ડ કાઢી લીધું, તેનું ઓળખપત્ર જોવા માગ્યું અને તેને જવા દેતાં પહેલાં પુરાવારૂપે તેનો ફોટો પાડી લીધો હતો. અનેક પત્રકારોએ આ ઘટનાના પોતાના અનુભવો સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા. 

સરકાર જાગી તો વિરોધ પક્ષે પણ આંખો મસળી. બપોરે ઉતાવળે બોલાવેલી પત્રકાર-પરિષદમાં સોનિયાએ તોફાનોમાં ગૃહપ્રધાનની નિષ્ફળતાનો આરોપ મૂકીને અમિત શાહના રાજીનામાની માગણી કરી. થોડી જ મિનિટોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થિતિની ગંભીરતા પારખીને પહેલી વાર મૌન તોડ્યું અને ટ્વિટર પર લોકોને શાંતિ રાખવાની અપીલ કરતાં કહ્યું કે પોલીસ શાંતિ સ્થાપવાના પ્રયાસ કરી રહી છે. રવિ શંકર પ્રસાદે સોનિયાને જવાબ આપતાં કહ્યું કે જેના હાથ ૧૯૮૪નાં તોફાનોથી રંગાયેલા હોય તેમને બોલવાનો અધિકાર નથી. ત્યાં સુધીમાં તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મળવા નીકળી પડ્યા હતા.

૨૭મીએ રાજકારણીઓ બોલવા લાગ્યા અને તોફાનોનો ભોગ બનેલા સાધારણ લોકોનો અવાજ મીડિયામાંથી ગાયબ થવા લાગ્યો. જેમની દુકાનો અને ઘરોમાંથી ધુમાડા નીકળતા હતા અને જેમના પ્રિયજનો હૉસ્પિટલમાં સારવાર મેળવતા હતા અથવા પોસ્ટમૉર્ટમની રાહ જોતા હતા તેમના સમાચારોને બદલે પોલીસ, પ્રશાસન અને પૉલિટિશ્યનો તોફાનો માટે કોને જવાબદાર ઠેરવે છે એની સ્ટોરીઓ આવવા લાગી હતી.

દિલ્હી માટે એવું કહેવાય છે કે જેટલી વાર એને વસાવવામાં આવી એટલી વાર એ ઉજ્જડ થઈ છે. ઈશાન દિલ્હીની બસ્તીઓમાં પણ એવું જ થયું. નામ અને ચહેરા અલગ હતા, પણ વેરાનીની કહાની એકસરખી હતી. ત્રણ દિવસમાં અનેક બસ્તીઓમાં જિંદગી નિર્જન થઈ ગઈ. ઘરો અને દુકાનોમાં લાગેલી આગ તો ફાયરબ્રિગેડની ગાડીઓએ ઓલવી નાખી છે પણ દિલ્હીવાસીઓની અંદર જે આગ લાગી છે એ ક્યારે ઓલવાશે એનો કોઈ જવાબ નથી.

ટ્રમ્પની યાત્રા ભારતને કેટલી ફળી, ૨૧૦૦૦ કરોડનો સોદો

ડોનલ્ડ ટ્રમ્પની ભારતની બે દિવસની યાત્રા તાજમહલ અને તાળીઓ પૂરતી જ હતી કે ભારતને એમાં કંઈ મળ્યું? આંતરરાષ્ટ્રીય સંબંધો હંમેશાં લેતી-દેતીના હોય છે. એમાં અંગ્રેજીમાં કહે છે એમ નો લંચ ઇઝ ફ્રી. ગુજરાતીમાં કહીએ તો લાલો લાભ વગર ન લોટે. એમાં વ્યાપાર-કરારને લઈને વાતચીત થઈ છે અને આગામી દિવસોમાં એ કરાર કરવાની ટ્રમ્પે ખાતરી આપી છે. એ સિવાય એક સંરક્ષણ સોદાની સાથે બીજી અનેક બાબતો પર સમજૂતી થઈ છે.

ભારત-અમેરિકા વચ્ચે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો સંરક્ષણ સોદો થયો છે. એ મુજબ ભારત અમેરિકા પાસેથી અત્યાધુનિક ૨૪ સી-હોક હેલિકૉપ્ટર ખરીદશે. એના પર લગભગ ૧૮,૬૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ભારતીય સૈન્યને સી-હોક હેલિકૉપ્ટરની બહુ જરૂર છે. આ હલિકૉપ્ટરની વિશેષતા એ છે કે એ કોઈ પણ ઋતુમાં અને દિવસના કોઈ પણ સમયે હુમલો કરવા સક્ષમ છે. ચોથી પેઢીનનાં સી-હોક હેલિકૉપ્ટર સમુદ્રમાં છુપાયેલી સબમરીનને આસાનીથી નિશાન બનાવી શકે છે. એ ઉપરાંત પરમાણુ રીઍક્ટર સાથે જોડાયેલો સોદો પણ મહત્વનો છે. એ મુજબ અમેરિકા ભારતને ૬ રીઍક્ટર આપશે.

એક બીજો મહત્વનો સોદો અમેરિકન ઊર્જા કંપની એક્સૉન મોબાઇલ કૉર્પોરેશન અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન વચ્ચે છે. દેશમાં જ્યાં પાઇપલાઇન ગૅસ નથી એ શહેરોમાં કન્ટેનર મારફત ગૅસ પહોંચાડવા માટે ભારત અમેરિકાની મદદ લેવા માગે છે. એનાથી ભારતમાં સ્વચ્છ ઈંધણના ઉપયોગમાં વધારો થશે અને બન્ને દેશોનાં ઊર્જા ક્ષેત્રો વચ્ચે સહયોગ વધશે.

એ જ રીતે માદક પદાર્થોની હેરાફેરી, માદક પદાર્થો સાથે જોડાયેલા આતંકવાદ અને સંગઠિત અપરાધ જેવી સમસ્યાઓ માટે એક નવું તંત્ર ઊભું કરવા બન્ને દેશો વચ્ચે સહમતી સધાઈ છે. કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદનો સામનો કરવા માટે પણ બન્ને દેશો એકમત થયા છે.

 ભારત અને અમેરિકા એક મોટા વેપાર-કરારને આકાર આપવા જઈ રહ્યા છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે આ બાબતે ચર્ચા થઈ છે અને હવે બન્ને દેશોના વાણિજ્ય પ્રધાનો વાત આગળ ધપાવશે. વર્ષ ૨૦૧૮-’૧૯માં ભારત અને અમેરિકા વચ્ચે ૮૭.૯૫ અબજ ડૉલરના દ્વિપક્ષી વ્યાપાર થયો હતો. એ જ રીતે ૨૦૧૯-’૨૦માં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે બન્ને દેશો વચ્ચે ૬૮ અબજ ડૉલરનો દ્વિપક્ષી વ્યાપાર થયો હતો. અમરિકા ભારત સાથે વ્યાપાર વધારવા માગે છે. એ ઉપરાંત બન્ને અર્થવ્યવસ્થાઓ મુક્ત વેપાર સમજૂતીની દિશામાં આગળ વધ્યા છે.

હાઉડી મોદીથી નમસ્તે ટ્રમ્પ : ચૂંટણીપ્રચારનો નવો રંગ

ડોનલ્ડ ટ્રમ્પની ભારતયાત્રા પાછળ ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીની મજબૂરી છે. રિપબ્લિકન તરફથી ટ્રમ્પ બીજી ટર્મ માટે ચૂંટણીમાં ઝુકાવી રહ્યા છે. તેમને અમેરિકાના ૪૦ લાખ ભારતીય મતદારોનું સમર્થન જોઈએ છે. આમ તો ભારતીય-અમેરિકનો અમેરિકાની કુલ વસ્તીના ૧ ટકો અનેઇમિગ્રન્ટ વસ્તીના પાંચ ટકા જ છે, પરંતુ અમેરિકાના સૌથી સમૃદ્ધ સમુદાયોમાં ભારતીયોનો સમાવેશ છે અને બીજું એ કે એમાં બહુમતી હિન્દુ વોટ છે. આ વર્ગ રાજકીય પક્ષોને ફન્ડિંગ કરવા માટે સધ્ધર છે અને બીજેપીનું અમેરિકન સંગઠન ફન્ડિંગમાં બહુ સક્રિય છે.

ભારતીય સમુદાય પરંપરાગત રીતે ડેમોક્રૅટતરફી રહ્યો છે. ૨૦૦૮માં ૯૧ ટકા અને ૨૦૧૨માં ૮૪ ટકા ભારતીયોએ બરાક ઓબામા માટે મતદાન કર્યું હતું. ૨૦૧૬માં ૮૪ ભારતીય-અમેરિકનોએ હિલેરી ક્લિન્ટન માટે અને ૧૪ ટકાએ ટ્રમ્પ માટે મતદાન કર્યું હતું. ઇન ફૅક્ટ હિલેરીને મળેલા ૮૪ ટકા મત હિન્દુ હતા.

અમેરિકામાં મેક્સિકનો ૨૫ ટકા છે, પણ ટ્રમ્પને તેમના વોટની પડી નથી. ગઈ ચચૂંણીમાં ટ્રમ્પે અમેરિકામાં બળાત્કાર, હુમલા અને નશીલા પદાર્થોના દૂષણ માટે મેક્સિકન લોકોને જવાબદાર ઠેરવ્યા હતા અને તેમણે રાષ્ટ્રપતિ બન્યા પછી મેક્સિકોની સરહદે દીવાલ ચણવાનું કામ શરૂ કર્યું છે. એની સામે ટ્રમ્પને હિન્દુ વોટની ગરજ છે, કારણ કે તેમની ઓવરઑલ નીતિઓમાં એ ફિટ થાય છે. ૨૦૧૬ની ચૂંટણીના ૨૪ દિવસ પૂર્વે ટ્રમ્પે ન્યુ જર્સીમાં ૧૦,૦૦૦ હિન્દુઓની એક સભા કરી હતી, જેમાં ઘણા લોકોના હાથમાં ‘ટ્રમ્પ ફૉર હિન્દુ અમેરિકન્સ’ લખેલાં બૅનર્સ હતાં.

ટ્રમ્પ વડા પ્રધાનને ‘માય ફ્રેન્ડ મોદી’ કહે છે એની પાછળ અમેરિકાનો આ ડાયસ્પોરા વર્ગ છે. ટ્રમ્પ એક રીતે ‘અમેરિકન હિન્દુ’ છે. તેઓ ગેરકાયદે અમેરિકામાં આવતા મુસ્લિમો અને ઇસ્લામિક આતંકવાદ સામે સખત રીતે નારાજ છે એટલે નાના પરંતુ નિષ્ઠાવાન હિન્દુ વોટની તેમને જરૂર છે.

ટ્રમ્પને ખબર છે કે નરેન્દ્ર મોદી ભારતીય હિન્દુ સમુદાયમાં અત્યંત લોકપ્રિય છે અને એ જ કારણ હતું કે તેમણે ટેક્સસમાં ૫૦,૦૦૦ ભારતીયોના ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં મોદીનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમ બીજેપીના અમેરિકન સંગઠને કર્યો હતો. અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યકમ એનું જ અનુસંધાન હતું. ટ્રમ્પ સામાન્ય રીતે દરિયાપાર પ્રવાસ માટે આળસુ છે અને અત્યાર સુધીમાં તેમણે ૧૯ વિદેશપ્રવાસ કર્યા છે, પંરતુ તેમણે ૩૬ કલાકનો ભારત-પ્રવાસ કર્યો (અને એ પણ સ્ટૅન્ડ-અલોન, મતલબ કે એમાં રસ્તામાં બીજા દેશોનાં પણ ચક્કર માર્યા વગર) એની પાછળ અમેરિકાના હિન્દુ વોટ પર મહોર મારવાનો હતો. સામાન્ય રીતે અમેરિકન રાષ્ટ્રપતિઓ એકસાથે એકથી વધુ દેશોની સંયુક્ત યાત્રા કરતા હોય છે. ટ્રમ્પની આ યાત્રા માત્ર ભારત માટે જ હતી.

અમદાવાદ આવતાં પહેલાં ટ્રમ્પે ‘મારા અભિવાદનમાં ૭૦ લાખ લોકો આવવાના છે’ અને પછી એ આંકડો વધારીને ‘એક કરોડ’ કર્યો ત્યારે સોશ્યલ મીડિયામાં એની બહુ ચર્ચા થઈ હતી, કારણ કે અમદાવાદની કુલ વસ્તી પણ ૭૦ લાખ નથી. એ અતિશયોક્તિ હોય તો પણ ટ્રમ્પનું ધ્યાન નંબર પર હતું. એ સંકેત આપે છે કે ભારતની યાત્રા પાછળ વ્યતીત કરેલા ૩૬ કલાકની ગણતરી તેઓ ભારતીય-અમેરિકન વોટમાં કરતા હશે.

raj goswami india donald trump columnists weekend guide