જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં પીધો કસુંબીનો રંગ

07 May, 2022 11:20 AM IST  |  Mumbai | Deepak Mehta

ગમે તેવો કુશળ કલાકાર પણ પોતાના ચિત્રમાં માતાના ચહેરાની થોડીક રેખાઓને જ ઝીલી શકે છે

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં પીધો કસુંબીનો રંગ

માતાના ચહેરાઓ અગણિત છે અને છતાં દરેક વ્યક્તિ માટે માતાનો ચહેરો એક જ છે. બલકે કદાચ માતાને ચહેરો જ નથી. ગમે તેવો કુશળ કલાકાર પણ પોતાના ચિત્રમાં માતાના ચહેરાની થોડીક રેખાઓને જ ઝીલી શકે છે, માતાના સમગ્ર ચહેરાને નહીં. જેમ તરંગો એ સમુદ્ર નથી તેમ રંગ-રેખા કે શબ્દમાં ઝિલાયેલી માતાના ચહેરાની થોડીક રેખાઓ એ માતા નથી. અને છતાં જેમ તરંગો સમુદ્રનો આછો પણ ઓછો નહીં, પરિચય આપે છે એમ શબ્દમાં ઝિલાયેલી માતાના ચહેરાની રેખાઓ માતાનો અણસારો તો આપે જ છે. આવતી કાલે છે મધર્સ ડે, માતૃ દિવસ. મુંબઈના કેટલાક સારસ્વતોએ આલેખેલાં પોતાની માતાનાં શબ્દચિત્રોના અહીં તો થોડા લસરકા જ રજૂ કર્યા છે.

ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું? - વર્ષા અડાલજા

બાની કઈ છબી પહેલી સાંભરે છે? અપૂર્વ સૌંદર્ય, છેલ્લી ઢબનાં ફૅશનેબલ વસ્ત્રો. ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી. સાયગલ, પંકજ મલિક, જગમોહન અને જ્યુથિકા રેની રેકૉર્ડ તેમની ખૂબ પ્રિય. 
સંગીતનો ખૂબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય. ત્યારે કશું સમજાય નહીં છતાં આંખો છલકાઈ જાય. બાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બાએ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. 
મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલા મંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાન્તિકારી લાગતો હતો. નવરાત્રિના ગરબા, પિકનિક, મકાનની સફાઈ, ચળવળ વખતે સ્વયંસેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કેટલાંયે રચનાત્મક કાર્યો ત્યારે બાએ હાથ ધરેલાં. દેશપ્રેમ વિશે કૈંક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખૂબ નાની હતી ત્યારે મારી પાસે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો : પ્રેક્ષકોથી કદી ડરવાનું નહીં. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. આજે મને પ્રશ્ન થાય છે : બા આ બધું ક્યાંથી શીખેલી? આ સંસ્કાર, આ કળારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું?

એમનો ચહેરો આજેય મારી આંખ સામે... - સુરેશ દલાલ

મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષમાને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્ભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઈશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઈ ખાલી થતું હતું. શહેરની સડકો પર માણસો કરતાં ‘To be let’નાં પાટિયાં વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઈમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં, ને કહ્યું કે અમે ખંભાત જઈએ છીએ અને મુંબઈમાં ગમે ત્યારે બોમ્બમારો થશે, કોણ રહેશે, કોણ નહિ રહે એની કાંઈ ખબર નથી. તો તમે નાના દિકરા લલિતને તમારી પાસે અહીં મુંબઈ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે ‘ભાઈ’ કહેતાં, એ ઓફિસ ગયા હતા. અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવી. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે એ અમને છેલ્લી વાર આંખ ભરી ભરીને ન જોતાં હોય! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઉપસી આવે છે.

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં... - દીપક મહેતા 
અમારા ઘરમાં કોઈને પણ માટે તુંકારો ભાગ્યે જ વપરાતો. નાગર કુટુંબોની રસમ પ્રમાણે આખી જિંદગી માએ મને તો ‘તમે’ કહી બોલાવ્યો, પણ મારા દીકરા માટે પણ ક્યારેય તુંકારો વાપર્યો નહોતો. સિત્તેર વરસનાં મા એ નાના છોકરાને પણ ‘તમે’ જ કહે. પોતાની જિંદગીમાં માએ મારી અનેક ઈચ્છાઓ પૂરી કરી, પણ માને મોઢેથી તુંકારો ક્યારેય સાંભળવા ન જ મળ્યો. બીજો જન્મ હોય છે કે નહિ એની મને ખબર નથી. પણ જો હોય તો આવતે જન્મે મારી માને મોઢે તુંકારો સાંભળવા મળે એટલું હું ઇચ્છું. અને બીજી પણ એક ઇચ્છા છે આ જન્મની છેલ્લી ઘડીઓ માટે. મારી આંખ છેલ્લી વાર મિચાવાની હોય ત્યારે કોઈ જરીપુરાણું રેકોર્ડિંગ શોધી કાઢે અને મારાં માના અવાજમાં ગવાયેલું પેલું ગીત સાંભળતાં સાંભળતાં હું આંખો મીચું:
લાગ્યો કસુંબીનો રંગ!
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ.
જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં 
પીધો કસુંબીનો રંગ,
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ 
પામ્યો કસુંબીનો રંગ.

બાપાજી! બે પૈસાની બીજી બા લેતા આવજો - ચંદ્રકાન્ત બક્ષી

બાને એક બહુ મોટો સંતોષ હતો કે તેમના ત્રણે છોકરા હોશિયાર હતા. હું પણ દરમિયાનમાં ‘મશહૂર’ લેખક થઈ ગયો હતો. મારો અલકા સ્ટોર્સ બહુ સરસ ચાલતો હતો. એકાદ-બે વાર બાએ મારી બે નવલકથાઓ વાંચીને મને કહ્યું હતું કે તું બહુ બેફામ લખે છે! મારી પ્રતિષ્ઠા પર એ ખુશ હતાં, પણ મારું લખાણ તેમને ગમતું નહોતું. પણ હું હસ્યા કરતો, રમૂજો કરતો. બા સમજતાં, કહેતાં : ‘તું પહેલેથી જ આડો છે. નાનો હતો ત્યારે પણ ગદ્દીમાં દોડી જતો અને બાપાજીનું ધોતિયું પકડીને કહેતો: બાપાજી! આજે બજારમાં જાઓને ત્યારે બે પૈસાની બીજી બા લેતા આવજો! આ બા બડી ખરાબ છે.’ બાપાજી હસતા, પછી પૂછતા : ‘આજે શું કર્યું બાએ?’ હું કહેતો : ‘આજે બાએ મને થપ્પડ મારી.’ અને બાપાજી મને પ્યારથી કહેતા : ‘અચ્છા બેટા! આજે બજારમાં જઈશ ત્યારે બે પૈસાની બીજી બા લઈ આવીશ. જાઓ – રમો.’

‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય - હરીન્દ્ર દવે

આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિષે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે. માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્ત્વ પામે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે. 
‘મા’ શબ્દ કોઈ સર્જકના હૃદયમાં ઊગે ત્યારે રચાતો કંપ કાગળ પર અક્ષર પાડે છે. ત્યારે આ ચમત્કાર સ્થિરતા પામે છે.  મા પ્રત્યેક નારીમાં કોઈ અમૃતક્ષણે જાગી ઊઠે છે. મા કદી મરતી નથી. માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય - હરીન્દ્ર દવે

આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિષે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે. માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્ત્વ પામે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે. 
‘મા’ શબ્દ કોઈ સર્જકના હૃદયમાં ઊગે ત્યારે રચાતો કંપ કાગળ પર અક્ષર પાડે છે. ત્યારે આ ચમત્કાર સ્થિરતા પામે છે.  મા પ્રત્યેક નારીમાં કોઈ અમૃતક્ષણે જાગી ઊઠે છે. મા કદી મરતી નથી. માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

તારા બાપનું નામ નહીં બગાડતો - ગુલાબદાસ બ્રોકર

જુનવાણી ખરાં મારાં મા. ને એમની રીતરસમ પણ જુનવાણી જ. શરૂ-શરૂમાં ગાંધી તેમને ગમે નહીં. ‘એમ કંઈ સરકાર જેવો સરકાર આવી ટૂંકી પોતડીવાળાથી ભાગી જશે કંઈ?’ એવું-એવું ગામની સ્ત્રીઓ સાથે હંમેશાં બોલે. હું ગાંધીવાળાઓમાં ભળું એ એમને ગમે નહીં. મને વારે પણ ખરાં. પણ ન માનીને અમારા ગામના કાપડના મોટા વેપારીની દુકાન આગળ સત્યાગ્રહ કરવા જ્યારે હું બીજા સાથીદારોની સાથે લાંબો થઈને સૂઈ ગયો ત્યારે એ ખબર પડી હશે એટલે બધાને ખૂંદતાં-ખૂંદતાં મારી પાસે આવી પહોંચ્યાં. બધા આગળ મને પાછો લઈ જવાનો ભવાડો ન કરે તો સારું, મને થયું. એ મારી પાસે નીચાં નમી ગયાં. મારા કાન આગળ મોઢું લાવીને કહે: ‘હવે જો જે હોં દીકરા, જે થાય તે. તારા બાપનું નામ નહીં બગાડતો.’ બસ, તેમના મનમાં જિંદગીભર રમતું કોઈ પાત્ર હોય તો તે આ, ‘તારા બાપ.’

ઘરનાં, ને ગામનાંયે બા - લાભુબહેન મહેતા

અમારું ઘર એક મોટા ડેલામાં હતું. મુંબઈમાં જેને ચાલી કહેવામાં આવે છે એવી ત્યાં હારબંધ કેટલીયે ઓરડીઓ હતી. આ ઓરડીઓમાં એક-એક કુટુંબ વસતું હતું. અમે પણ એમાં રહેતાં ને મેઘાણીભાઈ, કરસનદાસ માણેક તથા બીજા સાથીઓ પણ ત્યાં જ વસતા. એ હતું ‘સૌરાષ્ટ્ર’નું કુટુંબ. છાપખાનામાં કામ કરતા ભાઈઓનું કુટુંબ. સૌ સાધારણ સ્થિતિનાં. કોઈક સેવાભાવથી પોતાનાં ઘર છોડી ત્યાં આવેલા. એ બધાંની બા સંભાળ રાખતાં. કોઈ માંદું હોય, ખાસ કોઈ પ્રસંગ હોય, કશી તકલીફ હોય તો તેઓ બા પાસે આવતાં ને બા એટલી જ ત્વરાથી એમની મદદે પહોંચી જતાં. ગામમાં પણ બાના ઘણા ‘કુટુંબીજનો’ હતા. બાએ જેમને જોયાં ન હોય, પણ ક્યાંકથી સાંભળ્યું હોય કે એના ઘરમાં અનાજના વખા છે, આબરૂને કારણે હાથ લાંબો કરી શકે એમ નથી તો બા પાછલે બારણેથી એને ઘેર અનાજ પહોંચાડાવી દેતાં. અરે, આંગણામાં કે દૂર ખેતરમાં કૂતરી વિયાઈ હોય તો એને પણ શીરો કરીને ખવડાવી આવતાં. એમ ઘરનાં ને ગામનાંયે બા થઈને રહેતાં. 

columnists deepak mehta