મહીસાગરને આરે...

22 January, 2023 11:27 AM IST  |  Mumbai | Alpa Nirmal

રાજસ્થાનની સરહદને જોડાજોડ, વિંધ્યાચળની ગોદમાં વસેલું બળકમદાર બાકોર ઢોલ વગાડી-વગાડીને સહેલાણીઓને મહીસાગર જિલ્લામાં આવવા નિમંત્રે છે

મહીસાગરને આરે...

વરસાદની ઋતુ શરૂ થાય એટલે મુંબઈગરો મદહોશ મોસમની મજા લેવા વન ડે-ટૂ ડેઝ માટે લોનાવલા-ખંડાલા કે માલશેજ ઘાટ પહોંચી જાય અને ઘણા પરાક્રમી જીવો મહારાષ્ટ્રના વિવિધ ફોર્ટ કે પહાડો પર મૉન્સૂન ટ્રેકિંગ કરવા પણ ઊપડી જાય. જોકે તમને વિચાર આવ્યો છે કે અમદાવાદ, વડોદરા, નડિયાદના વર્ષાપ્રેમીઓ ક્યાં જતા હશે? એ લોકો જાય બાકોર અને એની આસપાસના વિસ્તારમાં; જ્યાં હૃષ્ટપુષ્ટ નદીઓ, ડૅમ સાઇટ, ધોધમાર ધબધબા સાથે લીલુડા પર્વતો અને પાંડવકાલીન સ્થાપત્યોની લીલાલહેર છે. અહીં ધોધની નીચે નહાવા અને નદીમાં છબછબિયાં કરવા ઉપરાંત વૃક્ષો અને વનરાઈ સાથે વાતો કરતાં-કરતાં પર્વતારોહણ પણ કરી શકાય છે. 
બાકોર મુંબઈકર ગુજરાતી માટે અજાણ્યું નામ છે. હા, બકોર પટેલની ‘રિંગણાં લઉ બે ચાર’વાળી વાર્તા તમને ખબર છે. તે હેં, એ બકોરભાઈનું જ ગામ આ? ના ભાઈ ના, બાકોર અને બકોર પટેલ વચ્ચે નહાવા-નિચોવવાનો પણ સંબંધ નથી. બાકોર તો મૅગ્નિફિસન્ટ મહીસાગર જિલ્લાનું એક ગામ છે, જે જિલ્લા મથક લુણાવાડા શહેરથી માત્ર સાડાઅઠ્યાવીસ કિલોમીટરના ડિસ્ટન્સે છે અને કૉસ્મો સિટી અમદાવાદથી ૧૪૪ કિલોમીટર, સંસ્કાર નગરી વડોદરાથી ૧૫૦ કિલોમીટર અને સાક્ષર નગરી નડિયાદથી ૧૨૪ કિલોમીટરના અંતરે છે. ઓહ! તો મુંબઈવાળાઓએ ગુજરાતનાં આ મહાનગરો સુધી ટ્રેનમાં પહોંચીને બાકોર જવાનું?

નો, મુમ્બાપુરીનો નિવાસી ડાયરેક્ટ ટ્રેનમાં ગોધરા જઈ શકે અને ત્યાંથી તો બસ ૬૯ કિલોમીટરે બાકોર. પણ મુંબઈવાળાએ લોનાવલા અને માલશેજની રેઇની બ્યુટી છોડીને બાકોર કેમ જવાનું? વેલ, પહેલી વાત એ કે બાકોર ફક્ત વરસાદી ડેસ્ટિનેશન નથી. અહીંનો શિયાળો પણ ફૂલગુલાબી હોય છે અને બીજું, બાકોર જવાનાં એક નહીં ત્રણ સૉલિડ કારણો છે જે તમને આ વિસ્તારમાં ચુંબકની જેમ ખેંચશે અને ત્યાં જ રોકાઈ જવા મજબૂર કરશે.

પહેલું મોસ્ટ સબળ એલિમેન્ટ છે અહીંનાં વૃક્ષો. મહીસાગર ડિસ્ટ્રિક્ટમાં હાલમાં ૪,૦૦૦ જેટલાં સાગનાં વૃક્ષો છે અને ૨૦૧૬માં ગુજરાતનાં તત્કાલીન મુખ્ય પ્રધાન આંનદીબહેન પટેલે ૬ હેક્ટરમાં ‘મહીસાગર વન’ બનાવવાના પ્રોજેક્ટના મંગલાચરણ કર્યા હતા એ અંતર્ગત અહીં ૮૫,૦૦૦ પ્લાન્ટનું વાવેતર થયેલું. એમાંથી ૩૦થી ૪૦ ટકા છોડવાઓ હવે ખભા સમોવડા થઈ ગયા છે. આ આખા વિસ્તારની લીલીછમ સમૃદ્ધિ દિલ-દિમાગ સાથે ફેફસાંને તરોતાજા કરી દે છે. જીવંત લીલા દેવનાં દર્શન કરવા આપણે મહીસાગર વનમાં નથી જવાનું; પણ આપણે જ્યાં-જ્યાં જઈએ, નદી કિનારે, ડૅમ સાઇટ પર કે પછી કલેશ્વરી મંદિરે સમસ્ત વિસ્તારમાં વિસ્તરેલાં સાગનાં તરુવરો આપણું ડીટૉક્સિફાય કરી નાખે છે. હિમાચલ અને ઉત્તરાંચલમાં આપણે પાઇનનાં ડીપ ડાર્ક ફૉરેસ્ટ જોયાં છે, પણ ઇમારતી લાકડાનાં જંગલો કેવાં હોય એની અનુભૂતિ કરવા બાકોર ઇઝ બેસ્ટ પ્લેસ.

મહીસાગર ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એની રચનાને ૨૬ જાન્યુઆરીએ દસ વર્ષ પૂરાં થશે. ખેડા અને પંચમહાલ જિલ્લાથી નોખો થયેલો આ જિલ્લો ૨,૨૬૧ ચોરસ કિલોમીટરનો છે. મહી નદી પરથી જેનું નામ પડ્યું એ મહીસાગર કુલ ચાર તાલુકામાં વિભાજિત છે અને આ ચારેય તાલુકાનાં એક સે બઢકર એક એલિમેન્ટ્સ સહેલાણીઓને મહીસાગરને આરે આકર્ષવાનું કામ કરે છે. પહેલો તાલુકો બાલાસિનોર એ બાબી વંશના નવાબોનું રજવાડું, જે ચરોતરના સપૂતે ૧૯૪૮માં અખંડ ભારતમાં વિલીન કર્યું. અહીંનો પૅલેસ અને હોટેલમાં કન્વર્ટ કરાયેલી પૅલેસ હોટેલ તો ફેમસ છે. એની સાથે અહીંનાં રાજકુમારી આલિયા સુલતાના બાબી ‘ડાયનોસૉર પ્રિન્સેસ’ તરીકે દેશ-વિદેશમાં વિખ્યાત છે. આ તાલુકાના રૈયાલી ગામ ખાતે એક સ્થાનિક પાસેથી અનાયાસ મળેલા ડાયનોસૉરનાં ઈંડાં થકી આ એરિયા ‘ડાયનોસૉર પાર્ક’ ઘોષિત કરાયો છે. આજે આલિયા બાબી ૭૨ એકરના આ જુરાસિક રિઝર્વને પ્રોટેક્ટ કરવામાં બહુ મોટો ભાગ ભજવી રહ્યાં છે. જો તમે રૈયાલીના આ પાર્કમાં આવો તો આલિયાબહેન તમને અહીં મળી પણ શકે. અહીંથી નજીક આવેલા વણાકબોરી અને કડાણ ડૅમ પણ દર્શનીય છે. કર્કવૃત્ત પરથી બે વખત પસાર થતી મહી નદી પર બાંધવામાં આવેલા આ ડૅમ બારે મહિના નીરથી છલકાતા રહે છે અને એની ઉપર શરૂ થયેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વીજઉત્પાદનથી આજુબાજુનો આખો વિસ્તાર ઝગમગતો રહે છે. ચોમાસામાં ડૅમ ઓવરફ્લો થવાની ઘટના જેટલી સુંદર દેખાય છે એટલી જ આજુબાજુના જિલ્લાઓના ખેડૂતો માટે આનંદનો અવસર છે. બાલાસિનોર ગામનું ભીમ ભમરડા નામે ઓળખાતું ભોલેનાથના દેવાલયનું લોકેશન અદ્ભુત છે. મોટી-મોટી શિલાઓ ઉપર વસેલાં મંદિરો ભલે બહુ પ્રાચીન નથી, પણ સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.

હવે આગળ વધીએ સંતરામપુર તાલુકા તરફ. અહીં મહારાજાનું તળાવ, તેમનો બંગલો, હવામહેલ સાથે જૈનધર્મીઓનો રજવાડીનો મેળો છે. એ સાથે સાતાકુંડા ગામમાં પાણીના સાત ઝરા દમદાર છે. આ તાલુકાની માનગઢ હિલનો ઉલ્લેખ ભારતના ઇતિહાસમાં કાળી શાહીથી થયો હશે. ૧૯૧૩માં અહીં રહેતા સેંકડો આદિવાસીઓ અને ભીલોનો સામૂહિક હત્યાકાંડ કરાયો હતો. આ ઘટના જલિયાંવાલા બાગ જેવી જ ક્રૂર અને અમાનવીય હતી. અહીંના ભીલો તેમ જ ટ્રાઇબલોના ઉદ્ધાર અર્થે આખું જીવન સમર્પિત કરી દેનારા આદિવાસી ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરુની યાદમાં અહીં નાજુક-નમણું સ્મૃતિવન બનાવાયું છે, જેની વિઝિટ મનના તમામ તનાવને દૂર કરી દે એવી છે. 
લુણાવાડા એટલે મહીસાગરનું વડું મથક. લુણેશ્વર મહાદેવનું આ ટાઉન આમ તો છેક ૧૪૩૪ની સાલમાં સ્થપાયું છે. પાનમ, વેરી, માહી નદીઓના ત્રિવેણી સંગમ અને વસંત સાગર, કિશન સાગર અને કનક તળાવ તેમ જ દારકોલી તળાવથી ઘેરાયેલા આ શહેરનો અતીત ઐતિહાસિક હતો એ અહીંનો રાજમહેલ અને ઘંટાઘર જોઈને પ્રતીત થાય છે. જોકે આજે એની હાલત ખસ્તા થઈ ગઈ છે, પણ જો યોગ્ય રીતે રિસ્ટોરેશન કરાય તો એ ફરીથી ખીલી ઊઠે. પાંડવોએ સ્થાપિત કરેલું લુણેશ્વર મહાદેવ, ભૈરવનાથ મહાદેવ, સંત કબીર આશ્રમ નાસ્તિકો પણ માથું ટેકવી દે એવા પૉઝિટિવ વાઇબ્સ ધરાવે છે. વૈશ્ય તળાવ, જવાહર ગાર્ડન જેવાં રીસન્ટ એન્ટરટેઇનમેન્ટનાં સ્થળ કરતાં પણ કાલિકા માતાની ટેકરી ટૂરિસ્ટોને મજા કરાવી દે છે. કાલિકા માતાનાં દર્શન સાથે સમસ્ત એરિયાનું વિહંગાવલોકન કરવા અહીંની સીડીઓ ચડી જવી વર્થ છે. એ જ રીતે પાનમ નદીના પુલ પર સમી સાંજનો આંટો ફ્રેશ કરી મૂકે છે. આ ત્રણ તાલુકાઓની વિશેષતાઓ છે મહીસાગર ડિસ્ટ્રિક્ટની મુલાકાતે જવાનું બીજું સક્ષમ કારણ. 
અરે યાર, બાકોરની વાત કરોને. ગુજરાતના પર્યટકોને પ્રિય એવા સ્થળ વિશે તો કહો... થોડા ઠહરો... સબર કરો! બાકોરની બઢિયા ધરતી પર અમે તમને શીઘ્રતાથી લઈ જઈએ છીએ.

ટ્રાઇબલ વસ્તી ધરાવતું ભારતનું આ નાનકડું ગામ એની અમેઝિંગ આબોહવા, શાનદાર સાઇટ્સ અને જાજરમાન જળસ્રોતોને કારણે ‘મિડ-ડે’ની ‘ગુજરાત નહીં દેખા...’ની સિરીઝમાં સ્થાન પામ્યું છે. અહીંનો અડાદરી વૉટરફૉલ બાકોરનો ધોધ તરીકે પણ જાણીતો છે. એ ગુજરાતનો એકમાત્ર જળપ્રપાત છે જે ઑલમોસ્ટ વર્ષના આઠથી નવ મહિના સુધી વર્કિંગ મોડમાં રહે છે. દૂધ જેવું ધવલ પાણી ધસમસતું હોવા છતાં એ રિસ્કી નથી અને એ પરિબળ વધુ ને વધુ સહેલાણીઓને અહીં આવવા પ્રેરે છે. એ જ રીતે આ વિસ્તારમાં થોડે આગળ આવેલું દોડાવંતા સરોવર તો બ્રેથ-ટ્રેકિંગ છે, પણ ત્યાં સુધી પહોંચવાની કેડીઓ તમને એની મુગ્ધતા વડે આંજી નાખે છે. હિમાલયની કોઈ ટ્રેકિંગ સાઇટ પર જતા હોઈએ એવી ફીલિંગ અહીં આવે છે. આ જ વિસ્તારથી ત્રણ-ચાર કિલોમીટરનું ડિસ્ટન્સ બાય વેહિકલ કાપીને તમે જ્યારે કલેશ્વરી મંદિર કૉમ્પ્લેક્સમાં પહોંચો છો તો માન્યામાં જ નથી આવતું કે આ આપણું ગુજરાત છે. કહેવાય છે કે પાંડવોના ગુપ્તવાસ દરમિયાન તેઓ અહીં રહ્યા હતા અને આ માતાની સાક્ષીએ જ ગદાધારી ભીમે હિડમ્બા સાથે લગ્ન કર્યાં હતાં. એ વાતમાં તથ્ય હશે જ, કારણ કે અહીં નજીકમાં જ ભીમની ચોરી અને અર્જુનની ચોરી પણ છે અને ભીમ અને હિડમ્બાનાં પગલાં પણ છે. પુરાતત્ત્વ વિભાગના મતે આ મંદિરો ૧૦મીથી ૧૬મી સદીઓ દરમિયાન બન્યાં છે. જોકે પાંડવો તો હજારો વર્ષ પૂર્વે થઈ ગયા, પણ તેમના અહીંના વસવાટની સાક્ષીરૂપે રાજવીઓએ અહીં મંદિરો બનાવ્યાં હશે. અહીં પ્રાચીન શિવાલય પણ છે અને લવાણા કુંડ પણ છે. હિડમ્બા કુંડ તરીકે જાણીતું આ પગથિયાંવાળું સરોવર ૨૨ મીટર બાય ૨૨ મીટરનું છે. ૧૧મી કે ૧૨મી સદીના સમચોરસ કુંડમાં ચારે બાજુની મુખ્ય પાળથી પાંચ-પાંચ પગથિયાંની આડી અને સામસામી હારની વિશિષ્ટ સંરચના છે. પાટણની વાવની જેમ અહીં પણ પાળની મધ્યમાં કરાયેલા ગોખમાં વિષ્ણુ અને શિવની મૂર્તિઓ છે તો ક્યાંક સ્થાનિક લોકનૃત્ય પણ કંડારાયેલું છે. સ્નાનસ્થળ તરીકે વપરાતું આ સરોવર હાલ તો રક્ષિત સ્મારક તરીકે ઘોષિત થયું છે.

કાલેશ્વરી ગ્રુપ ઑફ મૉન્યુમેન્ટ્સમાં પોતાના નામથી ધ્યાન ખેંચતી હોય તો એક છે સાસુની વાવ અને બીજી છે વહુની વાવ. રાણકીવાવની ડિઝાઇન પરથી પ્રેરિત એક પ્રવેશમાર્ગ અને ચાર લેવલ ધરાવતી સાસુની વાવની ડાબી જમણી દીવાલે નવ ગ્રહ પટ્ટ, દશાવતાર પટ્ટ, સપ્તમાતૃકા પટ્ટ, શેષનાગ પર બિરાજતા વિષ્ણુની પ્રતિમા, વૈષ્ણવી અને સપ્તર્ષિની પ્રતિમા છે. ૧૪મી કે ૧૫મી સદીની આ વાવની સામે વહુએ પણ વાવ બનાવી છે. સાસુની વાવ કરતાં સાંકડી અને બે મજલી આ વાવની વૉલમાં પણ કેટલીક મૂર્તિઓ અને પટો છે. પ્રમાણભૂત નથી, પણ સ્થાનિક લોકવાયકા મુજબ સાસુએ વહુને પોતાની વાવમાંથી પાણી ન ભરવા દેતાં વહુએ પોતાના માટે નોખી વાવ નિર્માણ કરાવડાવી અને એ સાંકડી રાખી જેથી સાસુ એમાં પેસી ન શકે. આ કારણે સાસુએ વહુને શ્રાપ આપ્યો અને તેની વાવનું જળ દૂષિત થઈ ગયું. ખેર, સાચું-ખોટું સાસુ અને વહુ જ જાણે, પણ આજે આ સ્થાપત્યોએ બાકોરને હેરિટેજનગર બનાવી દીધું છે. આ ઉપરાંત આ જ સ્મારકસ્થળે ઘુમ્મટવાળું મંદિર, હિડમ્બા ટેમ્પલ, શિખરમઢી પણ છે અને છૂટાંછવાયાં સ્કલ્પ્ચરની ગૅલરી સુધ્ધાં છે.

નજીકમાં જ આવેલો ચેકડૅમ પણ ઉમ્મીદ પર ખરો ઊતરે છે. દર મહાશિવરાત્રિ અને જન્માષ્ટમીએ અહીં આદિવાસી પ્રજાઓનો મેળો ભરાય છે. એમાં નૃત્ય અને સંગીતનો જલસો થાય છે. જાણીતા ગુજરાતી સાહિત્યકાર પન્નાલાલ પટેલની હૉટસેલર નવલકથા ‘મળેલા જીવ’માં જે અને જ્યાંના મેળાનો ઉલ્લેખ થયો છે એ આ જ મેળો. અને હા, ગુજરાતી ઍક્ટર ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈના કેટલાક સીન પણ અહીં જ શૂટ થયા છે. 
બોલો, શું કહો છો? આ વિસ્તારની કમનીયતા જાણ્યા પછી થાય છેને કે બૉસ, એક વાર તો બાકોર જાવું જ છે હોં!

સમ યુઝફુલ પૉઇન્ટ્સ

columnists alpa nirmal gujarat