વેડિંગની દરેક ઇવેન્ટનું ડેકોરેશન સેમ ટુ સેમ

25 November, 2021 03:20 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ટ્રેડિશનલ ઇન્ડિયન વેડિંગની તમામ ઇવેન્ટ્સને મેમરેબલ બનાવવા ડેકોરેશનમાં વૈવિધ્યતા ઉમેરવાનો ટ્રેન્ડ પૅન્ડેમિક બાદ આઉટ થઈ ગયો છે

પેસ્ટલ અને મેક્રિમે તરફ તેમનો ઝુકાવ વધ્યો છે

ટ્રેડિશનલ ઇન્ડિયન વેડિંગની તમામ ઇવેન્ટ્સને મેમરેબલ બનાવવા ડેકોરેશનમાં વૈવિધ્યતા ઉમેરવાનો ટ્રેન્ડ પૅન્ડેમિક બાદ આઉટ થઈ ગયો છે. આ વર્ષના ટુ બી મૅરિડ કપલ દરેક ફંક્શનમાં એક જ થીમ હોવી જોઈએ એવી ડિમાન્ડ કરી રહ્યાં છે. એમાં પેસ્ટલ ઍન્ડ ક્રિસ્ટલ તેમ જ પેસ્ટલ વિથ મે​ક્રિમે ફૅબ્રિક ટૉપ પર છે.

 

દેવદિવાળી પછી આપણા દેશમાં 
લગ્નની મોસમ શરૂ થઈ જાય છે. 
પૅન્ડેમિક બાદ પહેલી વાર લગ્નની 
ધમાકેદાર ઉજવણી કરવાની મંજૂરી મળતાં અનેક પરિવારોમાં ઉત્સાહનો માહોલ છે. જોકે આ વર્ષનાં ટુ બી મૅરિડ કપલ્સ કૂલ ઍન્ડ સોબર ડેકોરેશન સાથે વેડિંગ કરવાના મૂડમાં છે. ટ્રેડિશનલ ઇન્ડિયન વેડિંગમાં સંગીતસંધ્યા, મંડપ મુહૂર્ત, લગ્નવિધિ, રિસેપ્શન એમ દરેક ઇવેન્ટને મેમરેબલ બનાવવા ડેકોરેશનમાં વૈવિધ્યતા ઉમેરવાનો ટ્રેન્ડ 
આઉટડેટેડ થઈ ગયો છે. લેટેસ્ટમાં તમામ પ્રસંગોમાં એકસરખું કલર કૉમ્બિનેશન હોવું જોઈએ એવો નવો ટ્રેન્ડ શરૂ 
થયો છે. ઇવેન્ટ પ્લાનર્સનું કહેવું 
છે કે તેમના ક્લાયન્ટ્સ દરેક પ્રસંગમાં સેમ ટુ સેમ કલર થીમ રાખવાની ડિમાન્ડ કરી રહ્યા છે. આ થીમ કઈ છે ચાલો જાણીએ.
ડિમાન્ડ શું છે?
હવે બધું ખૂલી ગયું હોવાથી વેડિંગ સીઝન જોરદાર જશે એવું લાગી રહ્યું છે. જેમના ઘરમાં લગ્નપ્રસંગ છે તેઓ શૉપિંગ કરી જ રહ્યા છે, પરંતુ ટુ બી કપલ્સની ડિમાન્ડને પહોંચી વળવા અમારે પણ નવી શૉપિંગ કરવાનો વારો આવ્યો છે એમ જણાવતાં બોરીવલીસ્થિત નમ: ઇવેન્ટ્સનાં ડિરેક્ટર અને ડિઝાઇનર નીલમ ગજ્જર કહે છે, ‘અત્યાર સુધી અમે જુદી ઇવેન્ટમાં જુદો કન્સેપ્ટ લઈને કામ કરતા હતા. પૂલ-પાર્ટીમાં બ્લુ અથવા સી ગ્રીન, સંગીતમાં ડાર્ક કલર્સ, લગ્નની મુખ્ય વિધિમાં પણ રેડ અને વાઇટ કલર પૉપ્યુલર હતા. આ ટ્રેન્ડ ઘણા સમયથી ચાલતો હતો તેથી ડેકોરેશન માટે અમારી પાસે સારુંએવું કલેક્શન હતું. હવે ત્રણ ફંક્શન હોય કે આઠ ફંક્શન - ક્લાયન્ટ્સની ડિમાન્ડ છે કે દરેક પ્રસંગમાં સેમ ટુ સેમ કલર થીમ હોવી જોઈએ. ન્યુ જનરેશનને વેડિંગ આઉટફિટ્સમાં પેસ્ટલ કલર્સ પસંદ પડવા લાગ્યા છે. એવી રીતે ડેકોરેશનમાં પણ તેમને સિમ્પલ અને કૂલ લુક જોઈએ છે. મારા એક ક્લાયન્ટ્સનાં જાન્યુઆરીમાં લગ્ન લેવાવાનાં છે. એમાં ત્રણ ઇવેન્ટનું આયોજન કરવાનું છે. ત્રણેય પ્રસંગમાં પહેરવા માટે કપલે પેસ્ટલ કલર્સનાં આઉટફિટ્સ લીધાં છે અને તેઓ ઇચ્છે છે કે તેમના ડ્રેસકોડ સાથે મૅચ થાય એવા કલરનું જ ડેકોરેશન જોઈએ. પેસ્ટલ ઍન્ડ ક્રિસ્ટલ આ વર્ષની થીમ છે. પેસ્ટલ એટલે લાલ, લીલો, પીળો રંગ આઉટ. ટોટલી નવું આપવાનું હોવાથી ઍડિશનલ કલેક્શન ઍડ કરવું પડશે. કપલ્સના ડ્રીમને ફુલફિલ કરવા હાલમાં અમારી શૉપિંગ ચાલે છે.’
યસ, પેસ્ટલ વિથ મેક્રિમે ફૅબ્રિક ઇઝ ઇન ડિમાન્ડ એમ જણાવતાં વિલે પાર્લેસ્થિત સૅફાયર બેસ્પોક ઇવેન્ટ્સનાં વેડિંગ-પ્લાનર સોનિયા વિઠલાણી કહે છે, ‘અત્યાર સુધી હલ્દી, સંગીત અને મેહંદી જેવી રસમમાં ઑરેન્જ, યલો, ગ્રીન, રેડ, ડાર્ક પિન્ક જેવા કલર્સ ચાલતા હતા. આ વર્ષે મોટા ભાગની બ્રાઇડે અમને આવા કલર વાપરવાની સ્ટ્રિક્ટ્લી ના પાડી છે. પેસ્ટલ અને મેક્રિમે તરફ તેમનો ઝુકાવ વધ્યો છે. હલ્દીમાં યલો કલરનાં આઉટફિટ્સ પહેરવાનો ટ્રેન્ડ આઉટ થતાં ડેકોરેશનની થીમ ચેન્જ થઈ છે. કૉકટેલ પાર્ટી હોય કે મેહંદી - તેમને સોબર લુક જોઈએ છે. જોકે મારા ક્લાયન્ટ્સે લેટેસ્ટ થીમ પ્રી-વેડિંગની તમામ ઇવેન્ટ્સ માટે જ પસંદ કરી છે. લગ્નના દિવસ માટે ટ્રેડિશનલ ડેકોરેશનની માગણી યથાવત્ છે.’
થીમમાં શું હશે?
પેસ્ટલ થીમ એટલે ડેકોર સેક્શનમાં વપરાતી એ ટુ ઝેડ વસ્તુઓ લાઇટ અથવા ઇંગ્લિશ કલર્સની હોવી જોઈએ એવી માહિતી આપતાં સોનિયા કહે છે, ‘થીમનું નામ પેસ્ટલ હ્યુસ છે જેને મેક્રિમે સાથે જોડી દેવામાં આવી છે. મેક્રિમે ફૅબ્રિક એક ફાઇબર આર્ટ છે જેમાં દોરાથી ગૂંથણી કરેલી હોય છે. એક જમાનામાં આપણાં દાદી-નાની આ આર્ટવર્ક કરતાં હતાં. આજકાલ પરંપરાગત કળાનો ડેકોરેશનમાં ઉપયોગ કરવાનો ક્રેઝ વધ્યો છે. એમાં ઘણા કલર્સ અવેલેબલ છે, પણ પેસ્ટલ થીમ સાથે ઑફ-વાઇટ પર્ફેક્ટ મૅચ થઈ જાય છે. ડેકોરેશન માટે મેક્રિમે આર્ટ હૅન્ગિંગ અને પેસ્ટલ કલર્સના પ્રોપ્સ યુઝ થાય છે. અત્યારે ટ્રેન્ડી હોવાથી માત્ર મેક્રિમેનું ડેકોરેશન પણ ખૂબ સુંદર લાગે છે. આ થીમ સાથેનાં પ્રી-વેડિંગ ફંક્શન્સમાં ગેસ્ટને પેસ્ટલ કલર્સના ડ્રેસકોડ સાથે આવવાનું આમંત્રણ આપવામાં આવે છે. લેટેસ્ટ ટ્રેન્ડ છે ખરો, પરંતુ મારું સજેશન છે કે બ્રાઇડનો લુક ડિફરન્ટ હોવો જોઈએ. તમારી થીમ કપલ્સના નહીં, મહેમાનોના ડ્રેસકોડ સાથે મૅચ કરો.’
મેક્રિમે ઉપરાંત ફ્લાવરનું ડેકોરેશન સોબર લુક આપે છે. પેસ્ટલ ઍન્ડ ક્રિસ્ટલ થીમમાં રિયલ ફ્લાવરનો ઉપયોગ નહીંવત્ હશે, કારણ કે ભારતીય બજારમાં બ્લુ, સી ગ્રીન, ઍક્વા જેવા કલર્સનાં ફ્લાવર સહેલાઈથી મળતાં નથી. આ ફૂલો વિદેશથી મગાવવાં પડતાં હોવાથી કૉસ્ટ વધી જાય છે. જોકે રિયલ જેવાં જ દેખાતાં આર્ટિફિ​શ્યલ ફ્લાવર્સનું ડેકોરેશન પણ ક્લાસિક લાગે છે અને બજેટમાં ફિટ થઈ જાય છે એવી જાણકારી આપતાં નીલમ કહે છે, ‘આ થીમને રિયલ ફ્લાવરમાં કરવા જાઓ તો એક્સપેન્સિવ થાય. તેથી આર્ટિફિશ્યલ જ ચાલે છે. મંડપ અને બૅકસ્ટેજ ડેકોરેશનમાં પેસ્ટલ સાથે ક્રિસ્ટલ ઍડ કરવાથી રિચ લુક આવે છે. પેસ્ટલ ફ્લાવર સાથે ટ્રાન્સપરન્ટ ક્રિસ્ટલ ઍડ કરીને અમે ડેકોરેશન કરવાના છીએ. ડાયમન્ડ અને વાઇટ કલર એમાં મુખ્ય છે. લેટેસ્ટ કન્સેપ્ટને ડિઝાઇનર સેટઅપમાં કન્વર્ટ કરવા ઇન્ટરનેટનો સહારો લઈને ડ્રૉઇંગ્સ કર્યાં છે. ઇન શૉર્ટ, પૅન્ડેમિકમાં બ્રેક થઈ ગયેલી વેડિંગ સીઝનને ટ્રૅક પર લાવવા નવું ક્રીએશન આપીશું.’

 અત્યાર સુધી હલ્દી, સંગીત અને મેહંદી જેવી રસમમાં ઑરેન્જ, યલો જેવા ડાર્ક કલર્સ ચાલતા હતા. લેટેસ્ટમાં પેસ્ટલ અને મેક્રિમે તરફ ક્લાયન્ટ્સનો ઝુકાવ વધ્યો છે. મેક્રિમે ફૅબ્રિક એક ફાઇબર આર્ટ છે. ઑફ-વાઇટ કલર્સના આર્ટિસ્ટિક હૅન્ગિંગ થીમ સાથે પર્ફેક્ટ મૅચ થઈ જાય છે. 
સોનિયા વિઠલાણી

Varsha Chitaliya columnists