નેચરના કિનારે : એકબીજાથી ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા જ લોકોને દૂર કરવાનું કામ કરે છે

05 December, 2021 07:51 AM IST  |  Mumbai | Manoj Joshi

એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે

મિડ-ડે લોગો (પ્રતીકાત્મક તસવીર)

અગાઉ અનેક વખત એવું બન્યું છે અને જો સમજણ વાપરવામાં નહીં આવે તો ખરેખર આ પ્રક્રિયા અસ્ખલિત રીતે ચાલુ પણ રહેશે. દરેકને એવું છે કે અમે ચડિયાતા છીએ અને માત્ર છે એવું નથી. દરેક જણ ચડિયાતા હોવાના દાવા-પ્રતિદાવા સતત કર્યા કરે છે. ઍલોપથી આયુર્વેદ સ્વીકારવા રાજી નથી. નેચરોપથીને હોમિયોપથી સામે વિરોધ છે તો યોગ મૉડર્ન વર્કઆઉટ એવા જિમનો વિરોધ કરે છે અને જિમમાં જનારાઓ દ્વારા સતત મેડિટેશનને ઉતારી પાડવામાં આવે છે. એક વાત યાદ રાખજો કે પ્રચાર જરૂરી છે, પણ બીજાના દુષ્પ્રચાર સાથે આગળ વધવું અયોગ્ય છે.
કમને પણ કહેવું પડે છે કે ઍલોપથી પ્રૅક્ટિસ કરનારાઓ દ્વારા આયુર્વેદ કે નેચરોપથી, હોમિયોપથી જેવી ઑલ્ટરનેટ થેરપી વિશે અપપ્રચાર થતો ઓછો જોવામાં આવ્યો છે, પણ આ કાર્ય અહીં વર્ણવી એ અન્ય પથીઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં થતો રહ્યો છે. યાદ હશે કે થોડા સમય પહેલાં બાબા રામદેવ આવા જ વિવાદમાં ફસાયા હતા અને દેશભરના ડૉક્ટર એક થઈને વિરોધ પર ઊતરી આવ્યા, જેને લીધે બાબા રામદેવે પણ પાછા પગ કરવા પડ્યા હતા. તમે ક્યારેય જોયું છે ખરું કે દેશના કોઈ ખ્યાતનામ તબીબે યોગ કે મેડિટેશન કે પછી અન્ય કોઈ પણ ઑલ્ટરનેટ થેરપી વિશે નકારાત્મક બફાટ કર્યો. આજ સુધીનો અનુભવ છે અને અઢળક તબીબો સાથે વાત પણ થઈ છે, જેની પાસે લોકો આ મતબલની સલાહ લેવા ગયા હોય અને તેમણે પોતાનું અજ્ઞાન છતું કરીને કહ્યું હોય કે એ વિશે પોતાની પાસે કોઈ જાણકારી નથી. 
એ જ સાચી રીત છે, એ જ સાચી દિશા છે. ધારો કે તમને લાગતું પણ હોય કે ઍલોપથી નુકસાનકર્તા હોઈ શકે છે તો પણ એ મુદ્દાને વેગ આપવાનું દુષ્કૃત્ય તમારા હાથે તો ન જ થવું જોઈએ. કારણ કે એ પ્રકારની વાતો દ્વારા અઢળક પ્રકારની નિરાશા પ્રસરતી હોય છે અને એ નિરાશા નુકસાનકર્તા છે. આપણે જે થેરપીની વાત કરીએ છીએ એ થેરપી અવ્વલ દરજ્જાની હોઈ શકે, પણ એમ છતાં ભૂલવું ન જોઈએ કે ખુદ સરકાર પણ એને ઑલ્ટરનેટ થેરપી તરીકે પ્રસ્થાપિત કરી ચૂકી છે અને તમે જ્યારે ઑલ્ટરનેટ હો, દુનિયા તમને એ પ્રકારે જોઈ રહી હોય એવા સમયે તમારે મુખ્ય માર્ગ પર આવવાને બદલે તમારી ભૂમિકા સ્વીકારી લેવી જોઈએ અને એ સ્વીકાર પણ સહર્ષ થવો જોઈએ. જે કોઈ ઑલ્ટરનેટ મેડિસિન છે એણે ગર્વ કરવાનો છે કે એ બીમારી નજીક ન આવે એ મુજબનું સ્વાસ્થ્ય આપે છે તો પછી ઍલોપથીની ઈર્ષ્યા કે પછી એની બદબોઈ શું કામ કરવાની, શું કામ એ ખરાબ છે કે પછી એ નુકસાનકર્તા છે એની વાતો કરીને બીજાની આંખમાં પણ ઝેર વાવવાનું? ના, જરાય નહીં. ગર્વ સાથે એક વાત યાદ રાખો કે તમે જીવનને શ્રેષ્ઠ બનાવવાને સક્ષમ છો અને ધારો કે એમાં કોઈ વ્યક્તિગત ચૂક રહી જાય તો તમારો જ ભાઈ ઍલોપથી પણ ઊભો છે. બાકીનું કામ એ કરી આપશે. 
આ નીતિ રાખવામાં આવશે તો જ વિવાદ વિના સૌકોઈ સાથે કામ કરી શકશે.

columnists manoj joshi