સિનેમૅટિક સ્કેલ અને શ્રેષ્ઠ વાર્તા જ આપણી ફિલ્મોને તારી શકશે

28 July, 2022 03:08 PM IST  |  Mumbai | JD Majethia

સિનેમા-હૉલમાં જઈને ફિલ્મ જોવી, એનો એક્સ્પીરિયન્સ લેવો એ એક અનુભવ છે અને એ અનુભવ તમને ત્યારે જ મળે જ્યારે ફિલ્મનો સિનેમૅટિક સ્કેલ એવો હોય. આપણે સ્કેલ ભૂલી જઈએ એ નહીં ચાલે. જો આપણે એવી ભૂલ કરીશું તો ઑડિયન્સ થિયેટર ભૂલવાની ભૂલ કરશે

સાઉથની ‘આરઆરઆર’, ‘કેજીએફ’, ‘પુષ્પા’ કે પછી ‘વિક્રમ’ જેવી ફિલ્મો ચાલી એનું તારણ એ જ આવ્યું છે કે એ સિનેમામાં ઍક્શન, કૉમેડી, સ્ટોરી, ગીતોની કોરિયોગ્રાફી, કૉસ્ચ્યુમ, વીએફએક્સ અને બીજુંબધું ભરી-ભરીને બનાવવામાં આવી; જે જોવાની મજા તમને મોટા પડદા પર જ આવે.

આપણે વાત કરીએ છીએ બદલાતા જતા બૉલીવુડની. ગયા ગુરુવારે વાત કરી એમ, એક સમય હતો કે આપણે સ્ટોરીને લોયલ રહેતા હતા, પણ હવે એવું નથી થતું અને એનું કારણ એ છે કે હવે આપણને બિઝનેસ સિવાય કશું દેખાતું નથી. અફકોર્સ ફિલ્મ એ બિઝનેસ છે, એમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે, પણ એટલે નૅચરલી પૈસાની વાત તો સૌકોઈએ ધ્યાનમાં રાખવી જ પડે, પણ પૈસાની વાત પહેલાં જો કોઈ વાત ફિલ્મ-મેકિંગમાં આવતી હોય તો એ છે ક્રીએટિવિટી, સર્જનાત્મકતા. તમે સર્જનાત્મકતાને તરછોડીને ક્યારેય બિઝનેસ ન કરી શકો. ખાસ કરીને એ જગ્યાએ, જ્યાં ક્રીએટિવિટીનું ઇમ્પોર્ટન્સ પહેલી હરોળમાં હોય. પહેલાં પણ બિઝનેસને ધ્યાનમાં રાખવામાં આવતો જ હતો, પણ એ સમયે માત્ર બિઝનેસને ધ્યાનમાં નહોતો રાખવામાં આવતો. એ સમયે સાચા ક્રમમાં કામ થતું. પહેલાં ક્રીએટિવિટીને જોવામાં આવતી અને એ પછી ફિલ્મના બિઝનેસ પર કામ કરવામાં આવતું અને એ બિઝનેસમાં પણ ક્યારેય ફિલ્મને, એની સ્ટોરીને ભૂલવામાં નહોતી આવતી. અત્યારે એવું નથી રહ્યું. મને લાગે છે કે અત્યારે ફિલ્મો ઓછી બને છે અને પ્રોજેક્ટ વધારે બને છે અને ઘણાં કારણો પૈકીનું એક કારણ આ પણ છે. ફિલ્મ જોવા લોકો જાય, પ્રોજેક્ટ જોવા માટે શું કામ કોઈ પોતાના ૫૦૦-૭૦૦ રૂપિયાની ટિકિટ ખર્ચીને થિયેટર સુધી આવે!
જે ફિલ્મ દિલથી બને છે એ સીધી દિલ સાથે જોડાય છે, જે ફિલ્મ મન સાથે જોડાય છે એ સીધી મન સાથે જોડાય છે અને જ્યારે એવું બને છે ત્યારે સિમ્પલી જોનારો પણ પોતાનું દિમાગ વાપરીને એટલે કે હિસાબ કરીને જ જોવા જવાનું નક્કી કરે છે. જો તમે પૈસાને જ મગજમાં રાખો તો નૅચરલી ફિલ્મ જોવા આવનારો પણ એ જ વાતને મનમાં રાખીને ચાલે. જો તમે બિઝનેસને જ ધ્યાનમાં રાખો તો નૅચરલી સામેની વ્યક્તિ પણ એ જ કરે. 
હું કહીશ કે ફિલ્મનો બિઝનેસ રિસ્કી છે, પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. જો તમે ધ્યાન ન આપો તો આ લાઇન તમારી હાલત કફોડી કરી નાખે, પણ એ ધ્યાન આપવા માટેનું જે ફૅક્ટર છે એ છે લોકોને ગમતી હૃદયસ્પર્શી વાર્તા અને એનું મેકિંગ. તમે ફિલ્મ બનાવતા હો ત્યારે તમે એવું ભૂલી જ ન શકો કે એનો સ્કેલ કેવો હોવો જોઈએ. ફિલ્મનો સ્કેલ એવો હોવો જોઈએ કે લોકો સિનેમા-હૉલમાં આવીને એ ફીલને, એ એક્સ્પીરિયન્સને અનુભવે અને એનો આનંદ લે. 
તમે જુઓ, આજકાલ પિક્ચરની ટિકિટ કેવી મોંઘી થઈ ગઈ છે. અરે, સામાન્ય લોકોએ પિક્ચર જોવા થિયેટરમાં જવું હોય તો તેણે બે વખત વિચાર કરવો પડે. કબૂલ કે સિનેમા-હૉલમાં ફિલ્મ જોવાની મજા જ નિરાળી છે. મારે મન તો એ પિકનિક છે, ટોટલી આઉટિંગ છે અને એક સમયે ફિલ્મ જોવા જવાની વાતથી જ લોકો રાજી થઈ જતા. અરે, ટિકિટ આવી ગઈ હોય એ પછી બબ્બે દિવસ સુધી લોકોને ઊંઘ નહોતી આવતી. ફિલ્મના કારણે નહીં, પણ થિયેટરમાં જવાની વાત પર. આજે પણ એક વર્ગ એવો છે જે સિનેમા-હૉલમાં જવાની વાતથી જ એકદમ એક્સાઇટ થઈ જાય છે. બીજાની વાત છોડો, મારી જ વાત કરું. હું આજે પણ થિયેટરમાં જવાનું હોય તો એકદમ એક્સાઇટેડ હોઉં છું. મારી એનર્જી જ જુદી થઈ જાય. એ લૉબી, એ લાઇટ. એ મોટાં-મોટાં પોસ્ટર, નવી ફિલ્મોની ત્યાં કરવામાં આવેલી જાહેરાત અને ત્યાંનું ખાવાનું. અફકોર્સ ત્યાંનું ખાવાનું હવે મોંઘુંદાટ છે, પણ એની મજા છે એ તો કબૂલવું જ રહ્યું. હા, પણ અત્યારે તક છે ત્યારે મારે એક આડવાત કહેવી છે, એવી અપેક્ષા સાથે કે સિનેમાના માલિકો કોઈ વાંચે અને એમાં સુધારો કરે. 
આજકાલ સિનેમામાં સમોસાં એટલે કે સૌથી સસ્તી આઇટમ હોય છે એ જલદી ખતમ થઈ જાય છે. સમોસાં ખાવા નથી મળતાં. પર્સનલી પણ હું ફોન કરીને કહીશ, પણ આનું ધ્યાન રાખો. સિનેમામાં ગયા પછી તમારે ખાધા વિના પાછા આવવું પડે કે પછી ન ભાવતી આઇટમ ખાવી પડે એ બરાબર ન કહેવાય. ઍનીવેઝ, મૂળ વાત પર ફરી પાછા આવી જઈએ. વાત હતી પિકનિકની અને ફિલ્મ જોવા જવાની, સિનેમા-હૉલમાં ફિલ્મ જોવા જવું એ આજે એક ઉત્સવથી સહેજ પણ ઓછું નથી, પણ એ ઉત્સવની સાચી મજા ત્યારે જ આવે જ્યારે વિન-વિન સિચુએશન બન્ને પક્ષે હોય.
ફિલ્મ બનાવતી વખતે રિકવરીના બિઝનેસને ધ્યાનમાં રાખવાની સાથે સારી વાર્તા અને એનો સિનેમૅટિક સ્કેલ પણ મનમાં હોવો જ જોઈએ. આ જે સિનેમૅટિક સ્કેલ કોને કહેવાય, સિનેમાઘરોનો એક અનુભવ કોને કહેવાય એ તમે ભૂલશો તો કોઈ હિસાબે નહીં ચાલે. જરા વિચાર તો કરો, હવે તો બધું પર ટીવી પર અને વેબ-સિરીઝમાં જોવા મળે છે એટલે તમારે એ સ્કેલને એ સ્તરે લઈ જવો પડશે. તમને કહ્યું એમ, હવે એવું નથી કે પિક્ચર તમને ટીવી પર જોવા ન મળે. એકાદ મહિનામાં તો ફિલ્મો ઓટીટી પ્લૅટફૉર્મ પર આવી જાય છે, પણ એ એવી હોવી જોઈએ જેને માટે તમે મહિનો રાહ જુઓ નહીં અને સિનેમાઘર તરફ ભાગો. 
એક વર્ગ એવો પણ છે જે ૧૦૦૦-૨૦૦૦ રૂપિયા ખર્ચીને ફિલ્મ જોવા જાય છે. અરે, બીજાની શું વાત કરવી, મેં પોતે પણ ૧૮૦૦ રૂપિયાની એક એવી ચાર ટિકિટ લઈને ફિલ્મ જોઈ છે, પણ એ જોવા માટે તમને અંદરથી મન થવું જોઈએ અને એ ત્યારે જ થાય જ્યારે એનો સ્કેલ એવો હોય. તમને અંદરથી ત્યારે જ થાય જ્યારે તમને ખાતરી હોય કે તમે જે જોવા આવ્યા છો એ નાની સ્ક્રીનને લાયક નથી.
આ ‘આરઆરઆર’, ‘કેજીએફ’, ‘પુષ્પા’ કે પછી ‘વિક્રમ’ જેવી ફિલ્મો ચાલી એનું તારણ એ જ આવ્યું છે કે એ સિનેમામાં ઍક્શન, કૉમેડી, સ્ટોરી, ગીતોની કોરિયોગ્રાફી, કૉસ્ચ્યુમ, વીએફએક્સ અને બીજું બધું ભરી-ભરીને એ બનાવવામાં આવી, જે જોવાની મજા તમને મોટા પડદા પર જ આવે. મોટા પડદા પર જ એ બધું જીવંત થતું તમને દેખાય. આ સિનેમૅટિક અનુભવની જે વાત છે એ અદ્ભુત હોવી જોઈએ. આજે અનેક ટીવી-ચૅનલ એવા-એવા પ્રોગ્રામ બનાવે છે જે કરોડ રૂપિયાના ખર્ચે બનાવે છે. ડિસ્કવરી અને નૅશનલ જ્યૉગ્રાફી જેવી ચૅનલના અમુક શો તો આપણી ફિલ્મના બજેટના હોય છે. કહેવાનો ભાવાર્થ એ કે જે બદલાવની જરૂર છે એ બદલાવ કરવા વિશે આ લોકો માને અને સમજે અને આવાં પિક્ચર બનાવે જે ખરેખર સિનેમા-હૉલમાં જઈને જોવાનો આનંદ આપણી ઑડિયન્સ લે. અફકોર્સ એમાં હું પણ ભાગ લઈશ, કદાચ હું પણ એક ફિલ્મ એવી બનાવું જે મોટા પડદા પર આવે અને લોકોને બહુ મજા આવે, પણ એ થોડી દૂરની વાત છે. અત્યારે તો જે મહત્ત્વનું છે તે એ કે સમય મુજબ જાગવું અને સમજવું પડશે. આશા રાખીએ ખૂબબધી સારી વાર્તાઓ લઈને હિન્દી ફિલ્મો બને અને અનિલ કપૂરે પેલી ઇવેન્ટમાં કહ્યું હતું એમ, ચિંતા કરવાને બદલે ચિંતન કરો, જેથી આપણો હીરો ફરી એક વાર બધી મુશ્કેલી સામે લડીને નવેસરથી ઊભો થાય અને સાથોસાથ એ પણ સમજે કે તેણે મરવાનું હોય તો તે મરે જ. હા, પ્લીઝ, હીરો વાર્તામાં મરતો હોય તો પ્લીઝ તેને મરવા દો. ન મરતો હોય તો કંઈ નહીં, પણ વાર્તા જે પ્રકારની હોય એ પ્રકારની જ રહેવા દો અને એને એના પ્રવાહ મુજબ આગળ વધવા દો. એ જ વાર્તા કહેવાની સાચી રીત છે.
અસ્તુ.

સાઉથની ‘આરઆરઆર’, ‘કેજીએફ’, ‘પુષ્પા’ કે પછી ‘વિક્રમ’ જેવી ફિલ્મો ચાલી એનું તારણ એ જ આવ્યું છે કે એ સિનેમામાં ઍક્શન, કૉમેડી, સ્ટોરી, ગીતોની કોરિયોગ્રાફી, કૉસ્ચ્યુમ, વીએફએક્સ અને બીજુંબધું ભરી-ભરીને બનાવવામાં આવી; જે જોવાની મજા તમને મોટા પડદા પર જ આવે.

columnists JD Majethia