ચિપ-યુદ્ધ ચીપ નહીં, મોંઘું પડવાનું છે

01 January, 2023 12:03 PM IST  |  Mumbai | Raj Goswami

અમેરિકાએ ચીન સામે સેમી-કન્ડક્ટર યુદ્ધનો મોરચો ખોલ્યો છે. ચીનની એક ખાનગી બૅન્કિંગ કંપની ચાઇના રેનેસાંના મૅનેજિંગ ડિરેક્ટર શેહો નગના શબ્દોમાં અમેરિકાએ જે યુદ્ધ છેડ્યું છે એ ચીનની કંપનીઓને પાષાણ યુગમાં ધકેલી દેશે

પ્રતીકાત્મક તસવીર

ખાસ કરીને અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નૅન્સી પેલોસીની તાજેતરમાં વિવાદાસ્પદ તાઇવાન યાત્રાના મૂળમાં સેમી-કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે

આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં બે મહત્ત્વના ઘટક ઑઇલ અને ગૅસ છે. ચાહે ભૂ-રાજનીતિ હોય કે આર્થિક રાજનીતિ હોય, દુનિયાભરમાં દેશો વચ્ચેના સંબંધો દાયકાઓથી ઑઇલ અને ગૅસના ખરીદ-વેચાણથી નક્કી થતા રહ્યા છે. એના માટે યુદ્ધો પણ લડાયાં છે. હવે આ ઑઇલ અને ગૅસનું સ્થાન સેમી-કન્ડક્ટર લઈ રહ્યું છે. સાદી ભાષામાં જેને ચિપ કહેવામાં આવે છે એ અત્યારે બે મહાસત્તાઓ અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાના વૈશ્વિક પ્રભુત્વને સાબૂત રાખવાનું સાધન બન્યું છે. બીજી તરફ રશિયા-યુક્રેન યુદ્ધ પણ ચિપ ઇન્ડસ્ટ્રીને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે. આ બંને મોરચા દુનિયાના (ભારત સહિત) અનેક દેશો માટે માથાનો દુખાવો બની રહ્યા છે. સેમી-કન્ડક્ટરની રાજનીતિ એકવીસમી સદીમાં કેવા રંગ લાવવાની છે એની એક ઝલક જોવા જેવી છે.
સેમી-કન્ડક્ટર એકવીસમી સદીના કોઈ પણ ઇલેક્ટ્રૉનિક સાધનમાં મગજની જેમ કામ કરે છે. ખાલી કારની જ વાત કરીએ તો એમાં અલગ-અલગ પ્રકારની ૫૦૦થી ૧૫૦૦ ચિપ્સ કામ કરતી હોય છે. ફાઇટર પ્લેનથી લઈને સોલર પૅનલ અને વિડિયો ગેમ્સથી લઈને મેડિકલ ડિવાઇસમાં અનેક પ્રકારનાં સેમી-કન્ડક્ટર્સ એને ઑટોમૅટિક રીતે ઑપરેટ કરવામાં મદદ કરે છે. સેમી-કન્ડક્ટર ન હોય તો કોઈ પણ ડિવાઇસ ‘બ્રેઇન-ડેડ’ કહેવાય. 
સેમી-કન્ડક્ટર આપણી રોજિંદી જિંદગીમાં એટલાં વણાઈ ગયાં છે કે એના વિનાની જિંદગીની કલ્પના કરવી મુશ્કેલ છે. અને આ તો હજી શરૂઆત છે. ભવિષ્યમાં સેમી-કન્ડક્ટરની અછત એટલી ખરાબ રીતે લોકોને પરેશાન કરવાની છે કે દુનિયાના નાના-મોટા દેશો અત્યારથી જ સેમી-કન્ડક્ટરની બાબતમાં આત્મનિર્ભર બનવાની કોશિશ કરી રહ્યા છે. એટલા માટે જ એક નાનકડી અમથી ચિપ અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ભાર વહન કરી રહી છે અને એમાંથી જ એક નવું આર્થિક અને રાજકીય યુદ્ધ શરૂ થયું છે. 
અમેરિકાએ ચીન સામે સેમી-કન્ડક્ટર યુદ્ધનો મોરચો ખોલ્યો છે. ચીનની એક ખાનગી બૅન્કિંગ કંપની ચાઇના રેનેસાંના મૅનેજિંગ ડિરેક્ટર શેહો નગના શબ્દોમાં અમેરિકાએ જે યુદ્ધ છેડ્યું છે એ ચીનની કંપનીઓને પાષાણ યુગમાં ધકેલી દેશે. ખાસ કરીને અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નૅન્સી પેલોસીની તાજેતરમાં વિવાદાસ્પદ તાઇવાન યાત્રાના મૂળમાં સેમી-કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી છે.
તાઇવાન દુનિયાનું સેમી-કન્ડક્ટર હબ ગણાય છે. દુનિયાનાં ૬૫ ટકા સેમી-કન્ડક્ટર્સ તાઇવાનથી આવે છે. એમાં કોરિયાનો હિસ્સો ૧૮ ટકા છે, ચીનની હિસ્સેદારી માત્ર પાંચ ટકા છે અને બાકી દુનિયાનું યોગદાન ૧૨ ટકા છે. ૧૯૮૭માં તાઇવાનની સરકારે ‘તાઇવાન સેમી-કન્ડક્ટર મૅન્યુફૅક્ચરિંગ કંપની’ની સ્થાપના કરી હતી. આ એકલી કંપની જ દુનિયાની દિગ્જ્જ ઇલેક્ટ્રૉનિક અને ઑટોમોબાઇલ કંપનીઓને સેમી-કન્ડક્ટર પૂરાં પાડે છે.
 તાઇવાન અત્યારે બે રીતે વૈશ્વિક ધ્રુવીકરણનું કેન્દ્ર બની રહ્યું છે. ચીન તાઇવાનને ચીનમાં ભેળવી દેવા માટે લગાતાર પ્રયાસ કરી રહ્યું છે. એ જો ત્યાં આક્રમણ કરે તો દુનિયાભરની કંપનીઓનો મૃત્યુઘંટ વાગી જાય અને ચીન જો તાઇવાનને કબજામાં લઈ લે તો એકવીસમી સદીની વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક મજબૂત દોરીસંચાર એના હાથમાં આવી જાય (અને અમેરિકાનું નબળું પડી જાય). આમ પણ તાઇવાનનો બિઝનેસ અને ઉદ્યોગ ચીન પર નભે છે. એની ૪૨ ટકા નિકાસ ચીનમાં જાય છે. 
એટલે અમેરિકા તાઇવાનને રક્ષણ આપવા બધી જ મદદ કરી રહ્યું છે. એમાં ચીનની કંપનીઓ પર પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે. ભારતે પણ ચીન પરની નિર્ભરતા ઓછી કરવા માટે તાઇવાન સાથે સપ્લાયના કરાર કર્યા છે તેમ જ ઘરઆંગણે ચિપનું ઉત્પાદન વધારવા માટે ૭૬,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ડિયા સેમી-કન્ડક્ટર મિશન (આઇએસએમ)ની સ્થાપના કરી છે. એમાં રશિયાના યુદ્ધને કારણે કાચા માલની અછત સર્જાઈ છે અને આ યુદ્ધ જો લાંબું ચાલે તો ભારતનું મિશન સેમી-કન્ડક્ટર ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. 
આ વર્ષે માર્ચ મહિનામાં તેમના સ્ટેટ ઑફ યુનિયન ભાષણમાં રાષ્ટ્રપતિ જો બાઇડને સેમી-કન્ડક્ટર ઉદ્યોગને ‘સ્વપ્નનું નવું ક્ષેત્ર’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકાનું ભવિષ્ય સેમી-કન્ડક્ટર ઉદ્યોગના પાયા પર રચાવાનું છે. એટલા માટે તેમણે સેમી-કન્ડક્ટરમાં ચીનની પ્રગતિને રોકવા માટે દુનિયાની એ તમામ કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાનું હજી ગયા અઠવાડિયે જ નક્કી કર્યું છે જે ચીન સાથે સેમી-કન્ડક્ટરના ક્ષેત્રમાં કારોબાર કરતી હોય. પાછલા છ મહિનામાં અમેરિકાની આક્રમકતાથી ચીન પરેશાન છે. અમેરિકાએ ચોરીના આરોપસર અનેક ચીની કંપનીઓને બ્લૅક-લિસ્ટ કરી નાખી છે.
બ્રિટિશ આર્થિક પત્ર ‘ધ ફાઇનૅન્શિયલ ટાઇમ્સ’ અનુસાર બે વર્ષ પહેલાં હુવેઈ કંપની પર પ્રતિબંધ મૂક્યો હતો એ પછી આ ચાઇનીઝ ટેક્નૉલૉજી કંપનીની રેવન્યુ એટલી ગબડી છે કે એ માણસોને છૂટા કરી રહી છે અને સ્માર્ટફોન માર્કેટમાં એની લીડરશિપ હતી એનો ધબડકો થયો છે. વૉશિંગ્ટને હવે આ પ્રયોગાત્મક દવા ચીનની પૂરી ચિપ ઇન્ડસ્ટ્રીને પિવડાવવાનું નક્કી કર્યું છે. 
એકવીસમી ઑક્ટોબરે અમેરિકાએ જાહેર કર્યું છે કે અમેરિકાની ટેક્નૉલૉજીની મદદથી બનાવવામાં આવેલાં સેમી-કન્ડક્ટર એક્સપોર્ટ લાઇસન્સ વગર ચીનને વેચી શકાશે નહીં અને એ લાઇસન્સ આસાનીથી મળતાં પણ નથી. આ ઉપરાંત વૉશિંગ્ટન અમેરિકાના નાગરિકો અને એકમોને ચાઇનીઝ ચિપ ઉત્પાદકો સાથે કામ કરતાં રોકી રહ્યું છે. એમાં ચિપ બનાવતાં સાધનોને પણ ચીનમાં એક્સપોર્ટ નહીં કરવા દેવાની જોગવાઈ છે. 
હાઈ-એન્ડ સેમી-કન્ડક્ટરના ક્ષેત્રમાં કેટલીયે અમેરિકન ફૅક્ટરીઓ ચીનમાં કામ કરે છે. ચીન પર લાગેલા પ્રતિબંધથી એમનું વેચાણ ૫૫ કરોડ ડૉલરથી ઘટીને ૨૫ કરોડ ડૉલર થઈ જવાની સંભાવના છે. ટેક્નૉલૉજીની નિકાસને લઈને અમેરિકાની નીતિમાં ૯૦ના દાયકા પછીનો આ સૌથી મોટો ફેરફાર છે. એનો સાદો અર્થ એટલો જ કે જે અમેરિકન અને વિદેશી કંપનીઓ અમેરિકાની ટેક્નૉલૉજીનો ઉપયોગ કરે છે એમણે ચીનની ચિપ ફૅક્ટરીઓ અને ડિઝાઇનરો સાથે સંબંધ કાપી નાખવો પડશે. આનાથી ચીનમાં ચિપનું ઉત્પાદન ખાસું ઘટી જશે. વર્તમાનમાં ચીન દુનિયાનું સૌથી મોટું ઇલેક્ટ્રૉનિક્સ ઉત્પાદક છે અને વિશ્વની ૬૦ ટકા ચિપ્સ એ એકલું જ ખાઈ જાય છે.
આ પ્રતિબંધોનો ઉદ્દેશ વિદેશી કંપનીઓને ચીનમાં ઍડ્વાન્સ ચિપ અને ચિપ બનાવતાં ટૂલ્સ સપ્લાય કરતી રોકવાનો છે. અમેરિકાએ એના સહયોગી દેશોને પણ આવું જ કરવા માટે સૂચન કર્યું છે, જેથી ચીનને ચારે બાજુથી ઘેરવામાં આવે. ટૂંકમાં, સેમી-કન્ડક્ટરની લગામ કોના હાથમાં રહે છે એનું આ યુદ્ધ છે. દુનિયામાં જે દેશ પાસે સેમી-કન્ડક્ટર બનાવવાની ક્ષમતા હશે એની બોલબાલા હશે. 
ભવિષ્ય બદલી નાખનારી આ લડાઈમાં ભારત ક્યાં ઊભું છે? શું એ ચીન કે અમેરિકાને પડકાર આપવાની સ્થિતિમાં છે? ભારતને ખબર છે કે આવનારો સમય સેમી-કન્ડક્ટરનો છે. પરિણામે મોદી સરકારે ઘરઆંગણે ચિપના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ૧૦ અબજ ડૉલરનું પૅકેજ જાહેર કર્યું હતું, પરંતુ દુનિયાની કોઈ મોટી ચિપ ઉત્પાદક કંપનીએ એમાં રસ બતાવ્યો નથી. એનું કારણ સ્થાનિક રાજકારણ છે. તાજેતરમાં ૧૯ અબજનો વેદાંત-ફૉક્સકૉન પ્રોજેક્ટ મહારાષ્ટ્રની અસ્થિરતાથી ગુજરાત જતો રહ્યો છે. 
આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણે ૧૦ વર્ષ પહેલાં ઇલેક્ટ્રૉનિક્સ નિર્માણમાં કશું નહોતા, પણ આજે ભારત મૅન્યુફૅક્ચરિંગમાં ૭૫ અબજ ડૉલરના સ્તરે પહોંચી ગયું છે. તેમના મતે ભારત ૨૦૨૫ સુધીમાં ૨૫૦ અબજ ડૉલરના ઉત્પાદન સુધી પહોંચવાની ખેવના રાખે છે. હાલની માગને જોતાં ભારતમાં જો સેમી-કન્ડક્ટરની એક મોટી ફૅક્ટરી ચાલુ થઈ જાય તો ૨૦૩૦ સુધીમાં એને એની જરૂરિયાતોને સંતોષવા માટે એવી ઓછામાં ઓછી ૪૦ ફૅક્ટરીની જરૂર પડવાની છે. એની સામે બે મોટા પડકારો છે : ચિપ બનાવવા માટેનાં હાઈ-એન્ડ ટૂલ્સની આયાત અત્યારે મોંઘી પડે છે અને બીજું, ચીન-અમેરિકાનું વેપારયુદ્ધ અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી ભૂ-રાજનીતિક પરિસ્થિતિઓ ભારતના સ્વપ્નને રોળી શકે છે. 
ખુદ અશ્વિની વૈષ્ણવ માને છે કે આજે ચિપ ઑઇલ જેવી છે. તેમણે કહ્યું હતું કે ‘તમારી પાસે ડીઝલ, પેટ્રોલ કે વીજળી ન હોય તો તમે અર્થતંત્ર ચલાવી શકો? ડિજિટલ અર્થવ્યવસ્થામાં ચિપ એક પાયાનો ઘટક છે. તમે એના વિના કેવી રીતે જીવતા રહી શકો?’

લાસ્ટ લાઇન

‘યુદ્ધ લૂંટફાટ છે, વેપાર ધૂર્તતા છે.’
- બેન્જામિન ફ્રૅન્કલિન, અમેરિકાના સ્થાપક

columnists raj goswami