પ્રસિદ્ધ પેરન્ટ્સનાં સંતાનોઃ ફાયદો કે પછી ગેરફાયદો?

07 October, 2021 10:32 AM IST  |  Mumbai | JD Majethia

આ વાતને બહુ સારી રીતે સમજવાની અને એ સમજ્યા પછી આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. જો જીવનમાં ઉતારશો તો સમજાશે કે સંતાનો પાસેથી આપણે બહુ મોટી અપેક્ષાઓ રાખતા થઈ ગયા છીએ

પ્રસિદ્ધ પેરન્ટ્સનાં સંતાનોઃ ફાયદો કે પછી ગેરફાયદો?

શાહ, ત્રિવેદી, મહેતા, મજીઠિયા અને એવી બીજી અનેક અટકો.
આ જે અટક છે એ ઘણી વાર તમારા બધા રસ્તા ખોલી દેતી હોય છે, બધા રસ્તાઓ આસાન કરી દેતી હોય છે અને ક્યારેક-ક્યારેક તમારી અટક જ તમારી માટેના બહુ મહત્ત્વના કહેવાય એવા રસ્તાઓ બંધ કરી દેવાનું કે અટકાવી દેવાનું કામ કરી બેસતી હોય છે. મોટાં માબાપનાં સંતાનોની વાસ્તવિક વાતોમાં સૌથી મોટી અને અગત્યની કોઈની વાત હોય તો એ છે ગાંધીજી અને તેમના જ્યેષ્ઠ પુત્ર હરિલાલની. 
મારી સૌથી પ્રિય અને મનગમતી નવલકથા શ્રી દિનકર જોષી લિખિત ‘પ્રકાશનો પડછાયો’ તમે વાંચશો તો તમને સમજાશે કે આ બાપ-દીકરાની જોડી કેવી વ્યથામાંથી પસાર થઈ અને તેમણે કેવી-કેવી વ્યાધિઓ ભોગવી. હું હંમેશાં કહેતો આવ્યો છું.
એવરી ગ્રેટ સ્ટોરી હૅઝ મેની સૅક્રિફાઇસિસ એટલે કે દરેક મહાન વાતમાં, દરેક મહાન વાર્તામાં ખૂબ બધા લોકોએ ભોગ આપ્યા હોય છે અને કાં તો ભોગ લેવાયા હોય છે. 
જુઓ તમે, ગાંધીજી અને હરિલાલ ગાંધીની વાતને, તમને દેખાશે કે કેવી પીડા બન્ને પક્ષે સહન કરવાની આવી, બાપુએ કેવો ભોગ આપ્યો અને હરિલાલ ગાંધીના જીવનમાં પણ કેવા ઉતારચડાવ આવ્યા. અલબત્ત, આપણે અત્યારે વાત ગાંધીજી અને હરિલાલ ગાંધીની નથી કરવાની અને એ આપણો આજનો મુદ્દો પણ નથી. ગાંધીજી અને હરિલાલ ગાંધી પર તો હું બહુ બધું લખી શકું છું. કહેવું પણ છે એ બધું પણ સમય આવ્યે એની વાત કરીશું, અત્યારે આપણે વાત કરીએ આપણા મુદ્દાની અને એ મુદ્દામાં પણ વાત ક્યાંય કોઈ કોઈ એક વ્યક્તિ કે પછી એના પિતાની નથી પણ એ મુદ્દા સાથે જોડાયેલા દૃષ્ટિકોણની છે અને એ દૃષ્ટિકોણને સમજવો બહુ અગત્યનો બની ગયો છે.
આજકાલ સમાચારમાં બહુ જ ચમકી ચૂકેલા જો કોઈ ન્યુઝ હોય તો એક જ.
‘આર્યન ખાન ડ્રગ્સના સંબંધમાં નાકોર્ટિક્સ ડિપાર્ટમેન્ટના તાબામાં.’ 
આર્યન ખાનનું આખું નામ જો આર્યન શાહરુખ ખાન ન હોત તો કદાચ સોથી વધારે લોકોનું ધ્યાન પણ આ ન્યુઝ પર ન ગયું હોત પણ આર્યન શાહરુખ ખાન જેવા સુપરસ્ટારનો દીકરો છે એટલે ભારતના સો કરોડ લોકો હવે આ વાત જાણે છે. કેટકેટલા કલાકાર મિત્રોએ નિવેદનો આપ્યાં તેના સમર્થનમાં, તેના સપોર્ટમાં અને કેટકેટલા લોકોએ વાંધો પણ ઉઠાવ્યો અને વિરોધ પણ કર્યો કે કાયદો બધા માટે સરખો જ હોવો જોઈએ, કાયદાની બાબતમાં કોઈની સાથે ભેદભાવ ન હોવા જોઈએ વગેરે-વગેરે.
હું કોઈની તરફેણ કે પછી વિરોધમાં વાત નથી કરવા માગતો પણ ફક્ત એટલું જ કહેવા માગું છું કે એક વાત યાદ રાખવી. જ્યાં સુધી કશું સાબિત ન થાય, પુરવાર ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો મત બાંધવો નહીં કે પછી મન બનાવવું નહીં અને એ દિશામાં આગળ વધવું નહીં. એનું કારણ તમને ખબર જ છે. આજકાલ આ સોશ્યલ મીડિયા એ લેવલ પર ફેલાઈ ગયું છે કે એ પહેલાં જ જજમેન્ટ આપી દે છે અને પછી એ નિર્ણાયક ભૂમિકામાં આવી જાય છે. યાદ રાખજો, આ સોશ્યલ મીડિયાની પહોંચ જ્જ સુધી પણ હોય છે, વકીલો સુધી પણ હોય છે અને અધિકારીઓ સુધી પણ હોય છે. સોશ્યલ મીડિયા પર બાંધી લેવામાં આવેલું જ્જમેન્ટ તેમના માનસ પર ક્યાંક, કોઈક પ્રકારની અસર કે દબાણ પેદા કરી શકે છે, તેમને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. આપણે આ જ મુદ્દાને બીજી રીતે જોઈએ, કારણ કે હું જે વાત કહેવા માગું છું એ બહુ જુદી છે અને કદાચ મોટી પણ છે.
મોટા ભાગના મોટા બાપનાં સંતાનો પર પ્રેશર હોય છે. અફકોર્સ શરૂઆતમાં એ સંતાનોને, બાળકોને ખૂબ ઑપોર્ચ્યુનિટી આપે. સારી શાળા મળે, પોષક અને સ્વાદિષ્ટ ભોજન માંડીને દરેક શોખ પૂરા કરવાના રસ્તાઓ ખોલી આપે. અદ્યતન સુવિધા, સુખાકારી આપે અને સાથોસાથ પોતાનાં સપનાં પૂરાં કરવાની દરેક સગવડ પણ ગોઠવી આપે. દુનિયાના કોઈ પણ ખૂણે મન ફાવે ત્યારે મિત્રો સાથે ફરવા જવાની છૂટ પણ મળે અને દેશના મોટા-મોટા લોકોની વગ, લાગવગ અને એક ફોન પર કામ થઈ જવાની દેખીતી જાહોજલાલી પણ આપે પણ આ બધું એક ઉંમર સુધી, એક તબક્કા સુધી સારું લાગે. 
એના પછી શું? એ સમય પસાર થયા પછી શું? એ તબક્કો પસાર થઈ જાય એ પછીની માનસિક હાલત કેવી? વિચાર કર્યો છે ક્યારેય એ બાબતનો, કલ્પના પણ કરી છે એ સમયની તમે?
જ્યારે સંતાન પોતે દુનિયામાં પોતાના બળથી, પોતાની કળા અને પોતાની ક્ષમતાથી કરીઅર બનાવવા નીકળે ત્યારે અગાઉ મળેલી એ તક પાછળ રહી જતી હોય છે અને એ પછીની તમામ તક તેણે પોતે જ કામ કરીને બનાવવી, ઊભી કરવી પડે છે. આ એ સમયની વાત છે જે સમયે દુનિયા આખી તેની સામે આશાભરી નજરે જોતી હોય છે અને એ આશાભરી નજરમાં તેમની પાસેથી એટલી બધી આશા રખાતી હોય છે કે કોઈ સામાન્ય માણસ તો કલ્પના સુધ્ધાં ન કરી શકે. એવું જ માની લેવામાં આવે, એવું જ ધારી લેવામાં આવે કે જાણીતા પિતાનાં આ બધાં સંતાનો જાદુગર જ છે અને એ તો એવું જાદુ કરશે કે સૌકોઈ જોતા રહી જશે. ધારી જ લેવામાં આવે, સ્વીકારી જ લેવામાં આવે કે આ સંતાનો તેમનાં માબાપ કરતાં વધારે આગળ વધશે, તેમણે આગળ વધવું જ જોઈએ અને વધવું જ પડશે. આ માન્યતાઓ અનેક સ્ટાર સંતાનોનું જીવન એવા પ્રેશરમાં મૂકી દે કે એ ન ઝીલી શકતાં ઘણા વ્યસનના ખોટા રસ્તે ચડી જાય છે. આપણે વાતને આગળ વધારીએ એ પહેલાં હું અહીં એક નાનકડી ચોખવટ કરવા માગું છું.
હું કોઈને અહીં જસ્ટિફાઇ નથી કરી રહ્યો અને કોઈને જસ્ટિફેકશન આપવાની મારી ગણતરી પણ નથી. ના, જરા પણ નહીં. કોઈનું સર્ટિફિકેટ ક્યારેય કોઈને કામ લાગી શકે નહીં અને એ કામ લાગવું જ ન જોઈએ.
હું વાત બીજા દૃષ્ટિકોણથી કહી રહ્યો છું અને એ દૃષ્ટિકોણ ઓછામાં ઓછો ધ્યાન પર લેવામાં આવ્યો છે અને એટલે જ એને મહત્ત્વ આપીને જોવાની જરૂર છે પણ સમય અને સ્થળ-સંકોચને ધ્યાનમાં રાખીને આપણે એના વિશે વાત કરીશું આવતા ગુરુવારે. ત્યાં સુધી ધ્યાન રાખજો અને સોશ્યલ મીડિયાનો દુરુપયોગ ન થાય એનું ધ્યાન રાખજો.

એવું જ માની લેવામાં આવે, ધારી લેવામાં આવે કે જાણીતા પિતાનાં આ બધાં સંતાનો જાદુગર જ છે અને એ તો એવું જાદુ કરશે કે સૌકોઈ જોતા રહી જશે. ધારી જ લેવામાં આવે, સ્વીકારી જ લેવામાં આવે કે આ સંતાનો તેમનાં માબાપ કરતાં વધારે આગળ વધશે, તેમણે આગળ વધવું જ જોઈએ અને વધવું જ પડશે.

columnists JD Majethia