23 May, 2025 01:08 PM IST | Mumbai | Kajal Rampariya
પત્ની નેહા સાથે સાગર
વિખ્યાત અમેરિકન બિઝનેસ મૅગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા ફૉર્બ્સ એશિયા ‘૩૦ અન્ડર ૩૦’નું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જુદાં-જુદાં ક્ષેત્રોની ૩૦ વર્ષથી ઓછી ઉંમરની એવી વ્યક્તિઓનો સમાવેશ છે જેમણે પોતપોતાના ફીલ્ડમાં ધમાકેદાર કામ કર્યું હોય. ચેમ્બુરમાં રહેતા ૨૯ વર્ષના યંગ બિઝનેસમૅન સાગર નિશરની પસંદગી આ પ્રતિષ્ઠિત યાદીમાં થઈ છે. નાની ઉંમરમાં ઝીરોમાંથી હીરો બનેલા સાગરની સ્ટોરી યંગસ્ટર્સ માટે પ્રેરણાદાયક છે. અત્યારે તે BSEમાં લિસ્ટેડ અને ૧૯૦ મિલ્યન ડૉલર્સનું માર્કેટકૅપ ધરાવતી આરી વેન્ચર્સ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટ્રૅટેજી હેડ તરીકે કંપનીના ફાઇનૅન્સને મૅનેજ અને રીઇન્વેસ્ટ કરે છે.
નાનપણથી ફાઇનૅન્સ કનેક્શન
કચ્છી જૈન પરિવારમાં જન્મેલા સાગરના પિતા જેઠાલાલ નિશર જનરલ સ્ટોર ચલાવતા હતા. સાગરના બાળપણનો મોટા ભાગનો સમય પપ્પાના બિઝનેસને જોવા અને સમજવામાં જ નીકળ્યો હતો. એ સમયને યાદ કરતાં સાગર જણાવે છે, ‘હું પહેલા ધોરણમાં હતો ત્યારથી જ દુકાનથી સ્કૂલ જાઉં અને સ્કૂલથી છૂટીને પણ દુકાને જ આવું. પપ્પા કેવી રીતે બિઝનેસ કરતા અને તેમના હાથ નીચે વર્કર્સ કઈ રીતે કામ કરતા અને સૌથી મહત્ત્વપૂર્ણ તેમને ટ્રીટ કઈ રીતે કરતા એ બધું જ હું એક ખૂણામાં બેસીને જોતો હતો. બારમા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મેં પપ્પાને બિઝનેસ કરતા જોયા અને તેમની પાસેથી ફાઇનૅન્સની સમજ કેળવી. આ જ સમયગાળો હતો જ્યાં મને રિયલાઇઝ થયું કે મારે ફાઇનૅન્સ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે. મને આ સબ્જેક્ટ પર શીખવા અને સમજવામાં મજા આવતી હતી એટલે મેં એ દિશામાં જવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. બીજું કારણ એ પણ હતું કે ઘરના સભ્યોને દુકાનમાં આરામ વિના ૧૫ કલાક સુધી કામ કરતા જોયા છે તો તેમને મારે સારું જીવન આપવું છે અને આરામ આપવો છે એ મારું લક્ષ્ય હતું. નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ઇન્ટર્નશિપ કરતો હતો ત્યારે હું ચાર્ટર્ડ ફાઇનૅન્શ્યલ ઍનલિસ્ટ(CFA) અને MCom બનવા પણ ભણી રહ્યો હતો. સવારે છ વાગ્યે ઊઠીને ચેમ્બુરથી કુર્લા અને ત્યાંથી દાદર પહોંચવાનું અને પછી ચર્ચગેટની ટ્રેન પકડવાની. એમાં HR કૉલેજમાં ભણાવવાનું કામ અલગ. આખો દિવસ હેક્ટિક હોવા છતાં રાત્રે ૧૨ વાગ્યા સુધી માંડ નવરો થતો ત્યાં ફરીથી છ કલાકની ઊંઘ લઈને એ જ સંઘર્ષ કરવાનો. આ સંઘર્ષે મને ઘણું શીખવ્યું છે. કરેલી મહેનત ક્યારેટ વેસ્ટ નથી જતી, એનું ફળ મને મળી રહ્યું છે.’
માનવતા અને પર્યાવરણ પહેલાં
૧૮ વર્ષની ઉંમરે સાગરે લાઇટહાઉસ પ્રોજેક્ટ નામના સંગઠન સાથે જોડાઈને વંચિત વર્ગનાં બાળકોને માર્ગદર્શન આપવાનું કાર્ય આરંભ્યું. જ્ઞાન જેમ વહેંચશો એમ વધશે એમ સાગર પાસે જેટલું જ્ઞાન હતું એ તે નાનાં બાળકોને આપવાના પ્રયાસ કરતો જેથી તેઓ પણ ભવિષ્યમાં કોઈ સારા ફીલ્ડમાં શિક્ષણ મેળવીને સારી નોકરી કરે અને સારું જીવન જીવે. આ સિદ્ધાંતને સાગર હજી પણ અનુસરે છે. એના વિશે જણાવતાં તે કહે છે, ‘મેં વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરીને મેળવેલા જ્ઞાનનો ઉપયોગ હું ભારતના વિકાસ માટે કરીશ. મેં એવા ઘણાં સ્ટાર્ટઅપ્સમાં ઇન્વેસ્ટ કર્યું છે જે આપણા દેશને ફાયદો અપાવી શકે છે. મેં અત્યાર સુધી ૭૦ કરતાં વધુ કંપનીમાં રોકાણ કર્યું છે. રોકાણ કરવા પાછળનો હેતુ છે કે એવી કંપનીમાં ઇન્વેસ્ટ થાય જે સમાજને મદદરૂપ બને. મેં ઇન્ડી એનર્જીઝ કંપનીમાં રોકાણ કર્યું છે, આ કંપની બૅટરીને રીસાઇકલ કરવાનું કામ કરે છે જે પર્યાવરણ પર આવતા પ્રદૂષણના ભારણને ઓછું કરવાનું કામ કરે છે. ખેડૂતોના કલ્યાણ અને પાકને સારો બનાવવા માટે કામ કરતી ગુડ મૉમ્સ કંપનીમાં પણ મેં ઇન્વેસ્ટ કર્યું છે. સરકારે ટૉપ ટ્વેન્ટી સ્ટાર્ટઅપ્સમાં આ બિઝનેસનો સમાવેશ કર્યો છે. આ બધી ચીજો મને આવાં કાર્યો કરવામાં પ્રેરણા આપે છે. એક કંપની સોલર પૅનલનું કામ કરે છે. એ ટેક્નૉલૉજીને અપગ્રેડ કરવામાં પણ હેલ્પફુલ છે અને પર્યાવરણના સંરક્ષણ માટે પણ મદદ કરે છે. આવી કંપનીમાં ફન્ડ આપવા માટે બૅન્ક અને અન્ય રોકાણકારો ખચકાતા હોય છે. તેમને લાગે છે કે આ કંપની પર્યાવરણ અને સમાજને તો મદદ કરશે પણ એમાંથી અમને કંઈ નહીં મળે. મારી વિચારધારા તદ્દન જુદી છે. મને રિસ્ક લેવું ગમે છે અને સમાજને મદદરૂપ થાય એવી કંપનીઓમાં રોકાણ કરવું ગમે છે.’
શૈક્ષણિક સિદ્ધિઓ અઢળક
સાગરે HR કૉલેજમાંથી બૅન્કિંગ ઍન્ડ ઇન્શ્યૉરન્સમાં ડિગ્રી મેળવી હતી. ડિગ્રી પૂરી થાય એ પહેલાં સાગરે કંપની સેક્રેટરીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી. એ સમયે પાસ થવાની શક્યતા માત્ર ૨.૯૯ ટકા જેટલી હતી. ૨૧ વર્ષની ઉંમરે તેણે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં ઇન્ટર્નશિપ કરી હતી. એ વખતના સંઘર્ષને યાદ કરતાં સાગર કહે છે, ‘NSE, બ્રેઇનહૅક અને વેલિયન્ટ કૅપિટલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઇન્ટર્નશિપ કરતી વખતે હું જે કૉલેજમાં ભણ્યો છું એ કૉલેજમાં એટલે કે HR કૉલેજમાં બૅન્કિંગ અને ફાઇનૅન્સના વિઝિટિંગ ફૅકલ્ટી તરીકે ભણાવવા જતો હતો. એ સમયે મારી ઉંમર બાવીસ વર્ષ હતી. શરૂઆતમાં તો સ્ટુડન્ટ્સ અન્ડરએસ્ટિમેટ કરતા હતા પણ પછી તેમને ખબર પડતી ગઈ કે હું તેમની લાઇફમાં વૅલ્યુ ઍડ કરી રહ્યો છું, હું જે રીતથી ભણાવી રહ્યો છું એ આગળ તેમને કામ આવશે. ત્યારથી મને તેઓ ગુરુની જેમ ટ્રીટ કરવા લાગ્યા. આપણે પોતાને જાણવાની સ્પેસ આપીશું તો લોકો વૅલ્યુ કરશે જ એવું પહેલાં પણ માનતો હતો અને હવે પણ માનું છું. ૨૦૧૮માં મારી લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ આવ્યો. મને લાગ્યું કે ભારતમાં જે પ્રકારનું શિક્ષણ મળે છે એ ફાઇનૅન્સને સમજવા પૂરતું નથી. ભણવામાં હોશિયાર હોવાથી મેં ફ્રાન્સ અને જર્મનીથી ESCP બિઝનેસ સ્કૂલમાંથી મેરિટ આધારિત મૅનેજમેન્ટમાં ડ્યુઅલ માસ્ટર્સ ડિગ્રી કરી, યુનિવર્સિટી ઑફ સધર્ન કૅલિફૉર્નિયાથી શિક્ષણ મેળવવા માટે સ્કૉલરશિપ મળી હતી. મેં અમેરિકાથી જ CFAનાં ત્રણેય લેવલ પાર કરી નાખ્યાં અને પછી કૅનેડાથી સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ મૉડલિંગ ઍન્ડ વૅલ્યુએશન ઍનલિસ્ટનો કોર્સ પણ કરી લીધો. એને કારણે ફાઇનૅન્સને વધુ સારી રીતે સમજવા મળ્યું.’
‘ફૉર્બ્સ’માં ચમક્યો
‘ફૉર્બ્સ’ સુધીની સફર વિશે જણાવતાં સાગર કહે છે, ‘ફૉર્બ્સ મૅગેઝિનમાં આવવાનું સપનું બધા જ સેવતા હોય છે, પણ હું મારા કામમાં એટલો મગ્ન હતો કે મને ખબર જ ન પડી કે હું ક્યારે આ મુકામ સુધી પહોંચી ગયો. મેં અહીં સુધી આવવાનું ધાર્યું પણ નહોતું. ઇન્ડસ્ટ્રીના બેચાર લોકોએ મારું નામ ફૉર્બ્સમાં રેકમન્ડ કર્યું. હું ફૉર્બ્સમાં બે મહિના પહેલાં નૉમિનેટ થયો હતો અને જ્યારે તેઓ લિસ્ટ જાહેર કરે ત્યારે ખબર પડે કે એમાં આપણું નામ છે કે નહીં. જ્યારે લિસ્ટ બહાર પડ્યું ત્યારે મને ખુશી થઈ.’
પેરન્ટ્સ, બહેનો અને પત્ની સાથે સાગર
વાંચનનો શોખ
સાગરને નવરાશની પળોમાં પુસ્તક વાંચવાનો શોખ છે. બિઝનેસ અને ફાઇનૅન્સ રિલેટેડ માહિતી એકઠી કરવાની તેની હૅબિટ બની ગઈ છે. વાંચન ઉપરાંત તેને સ્કેચ કરવાનું પણ ગમે છે. પોતાના અંગત જીવન અને પરિવાર વિશે જણાવતાં સાગર કહે છે, ‘મારા પરિવારમાં મારા પપ્પા જેઠાલાલ નિશર છે જે અમારા સમાજની સામાજિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. મમ્મી ભારતીબહેન છે તે હાઉસવાઇફ છે. મારી બે બહેનો છે એમાંથી એક બૅન્કિંગ ઍન્ડ ઇન્શ્યૉરન્સ સેક્ટરમાં ફાઇનૅન્સ મૅનેજ કરે છે. મારાં ગયા વર્ષે જ નેહા સાથે લગ્ન થયાં. તે પણ મોટી કંપનીમાં ડેપ્યુટી જનરલ મૅનેજરના પદે કાર્યરત છે.’