સોમનાથ મંદિરની જાહોજલાલી કોઈ વાર્તા કરતાં ચારગણી ચડિયાતી હતી

26 March, 2023 03:57 PM IST  |  Mumbai | Chandrakant Sompura

જ્યારે ખિલજી પાસે આ વાત પહોંચી ત્યારે તેણે ખરાઈ કરવા પોતાના ખાસ માણસને સોમનાથ મોકલ્યો હતો

સોમનાથ મંદિર

કાષ્ઠ અને સુવર્ણના બનેલા એ સ્તંભો પર હિન્દુસ્તાની રાજવીઓનાં નામ કોતરેલાં હતાં તો એ થાંભલાઓ પર એ રાજવીઓનો ઇતિહાસ પણ નોંધવામાં આવ્યો હતો. એ સમયે મંદિરમાં નિર્માણ માટે ક્યાંય કોઈ જગ્યાએ ફંડફાળો કરવો નહોતો પડતો, કારણ કે મંદિર પાસે પોતાની અઢળક સંપત્તિ હતી.

આપણે વાત કરતા હતા સોમનાથ મંદિરની જાહોજલાલીની. ઈસવી સન ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને સોમનાથ પર ચડાઈ કરી એ સમયે મંદિર બધી રીતે સમૃદ્ધિની ચરમસીમા પર હતું.

સમ્રાટ કુમારપાળે કરાવેલા પુનઃનિર્માણ પછી કાઠિયાવાડના સ્થાનિક રાજાઓએ સાથે મળીને સોમનાથ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યાં હતાં, જેને કારણે એ સમૃદ્ધિ આવી હતી. એ સમયે મંદિરમાં ૨૦૦ મણ વજનની સાંકળો પર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના રણકાર દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી અને એ ઘંટનાદ પછી આસપાસનાં ગામોમાંથી લોકો પૂજા માટે હાજર થઈ જતા. ૫૬ જેટલા સાગ (કાષ્ઠ)ના વિરાટ સ્તંભો પર નવું મંદિર ઊભું કરવામાં આવ્યું હતું. એ કાષ્ઠ પર સોનાનું જડતર કરવામાં આવ્યું હતું. એ જે જડતર હતું એના પર હીરા-માણેક અને પન્નાનું ભરતકામ થયું હતું. સોમનાથ મહાદેવને જે મુગટ પહેરાવવામાં આવતો એ મુગટ દુનિયાના કોઈ પણ રાજા-મહારાજાના મુગટ કરતાં પણ વધારે ભવ્ય હતો. કોઈ એવું પણ કહે છે કે એક સમય હતો જ્યારે કોહિનૂર ડાયમન્ડ આ મુગટમાં જડવામાં આવ્યો હતો, પણ કહેવાતી આ વાતના ક્યારેય કોઈ પુરાવાઓ મળ્યા નથી એટલે ઇતિહાસકારો પણ એને સત્ય હકીકત માનતા નથી.

ફરી વાત કરીએ સોમનાથ મહાદેવ મંદિરની જાહોજલાલીની.

કાષ્ઠ અને સુવર્ણના બનેલા એ સ્તંભ પર હિન્દુસ્તાની રાજવીઓનાં નામ કોતરેલાં હતાં તો સાથોસાથ એ થાંભલાઓ પર એ રાજવીઓનો ઇતિહાસ પણ નોંધવામાં આવ્યો હતો. કહે છે કે એ સમયે મંદિરમાં નિર્માણનું નવું-નવું કામ સતત ચાલુ રહેતું અને એ કામ માટે મંદિર દ્વારા ક્યાંય કોઈ જગ્યાએ ફંડફાળો કરવો નહોતો પડતો, કારણ કે મંદિર પાસે પોતાની અઢળક સંપત્તિ હતી. મંદિરના ભોયરામાં રત્નો અને સોનામહોરોના ભંડારો હતા અને એ ભંડારોમાં સતત વધારો થતો રહેતો. આ જ સમય દરમ્યાન મંદિર બે મજલાનું બનાવવામાં આવ્યું હોવાના પુરાવાઓ પણ છે તો સાથોસાથ એ વાતના પુરાવાઓ પણ મળ્યા છે કે આ જ પિરિયડમાં મંદિરની બહારની જગ્યાને બંધ કરવામાં આવી હતી અને મંદિરનું આખું કમ્પાઉન્ડ મોટું કરવામાં આવ્યું હતું.
એ સમયે મંદિર પાસે પોતાની ગૌશાળા પણ હતી અને એ સમયે મંદિર પાસે પોતાની ઘોડાર પણ હતી. ‘સોમનાથ સહસ્રા’ નામના એક ગ્રંથમાં એવું પણ નોંધાયેલું છે કે મંદિરની ગૌશાળા પાસે એક હજાર જાતવાન ગાયો હતી જેના દૂધનો ઉપયોગ  માત્ર ને માત્ર મંદિર, મંદિરની ભોજનશાળા અને મંદિરના દ્વારે આવનારા જરૂરિયાતમંદો માટે જ થતો. એ દૂધ કે પછી દૂધમાંથી બનનારી એક પણ આઇટમ વેચવામાં આવતી નહીં અને એવું નહીં કરવાનો નિર્ણય ચુસ્તપણે પાળવામાં આવતો હતો.

આ પણ વાંચો: સોમનાથ મંદિરના નિભાવ માટે રાજાઓએ ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યાં હતાં

મંદિરની ઘોડારમાં રહેલા ઘોડાનો ઉપયોગ પણ માત્ર યાત્રિકોના લાભાર્થે જ કરવામાં આવતો હતો, જે મોટા ભાગે સાધુ-સંતોને ગિરનાર લાવવા-લઈ જવામાં જ કરવામાં આવતો તો અમુક સંજોગોમાં મોટી ઉંમરના લોકોને એનો લાભ આપવામાં આવતો. મહાશિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન દેશભરમાંથી લોકો સોમનાથ મંદિરે આવતા અને એ સૌને ત્રણેત્રણ ટંકનું ભોજન તથા સવારનું શિરામણ મંદિર દ્વારા આપવામાં આવતું, જેની સામે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં નહોતો આવતો. 

કહેવાનો ભાવાર્થ એટલો કે સોમનાથ મંદિરની જાહોજલાલીનો સાચા અર્થમાં ભક્તો માટે જ ઉપયોગ થતો હતો અને એ પછી પણ મંદિરની સમૃદ્ધિ સતત વધતી જતી હતી. મંદિરની સમૃદ્ધિની આ જ વાતો દૂર-દૂર સુધી પહોંચી. પહેલાં હિન્દુસ્તાનની સીમામાં અને એ પછી બહારના દેશોમાં પણ પહોંચી અને એ જ કારણ બન્યું સોમનાથ પરના નવા હુમલાનું. ઈસવી સન ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ​ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને હુમલો કર્યો એ પહેલાં અલ્લાઉદ્દીન ખિલજીએ બે વર્ષ સુધી બધી તપાસ કરાવી હતી.

ખિલજીએ પોતાના ખાસ માણસને છેક સોમનાથ મોકલ્યો અને સોમનાથ મોકલીને તેની પાસેથી બધી માહિતી મગાવી. પંડિતનો વેશ ધરીને સોમનાથ આવેલા ખિલજીના માણસે પોતાની સગી આંખે જે કંઈ જોયું એ જોઈને તે રીતસર આભો થઈ ગયો. કોઈ જાતની ઓળખાણ વિના અજાણ્યાને પણ ચોખ્ખા ઘી-દૂધની નદીમાં ઝબોળી દેવાની માનસિકતા અને એની સાથોસાથ નિર્બળ અને દુર્બળ એવા લોકોની સેવાની જે ભાવના સોમનાથ મંદિર દ્વારા થતી હતી એ જોઈને ખિલજીના સાગરીતને પહેલાં તો પોતાની સગી આંખો પર પણ ભરોસો બેઠો નહીં. જોકે એ પછી તેણે ખોટું નામ લખાવીને એ બધી સુવિધા મેળવી, જે તેને બહુ સરસ રીતે મળી એટલે તેની પાસે સ્વીકાર કરવા સિવાય કોઈ છૂટકો નહોતો. આગળની વાતો વધારે ઇન્ટરેસ્ટિંગ છે, પણ જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને એ વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે...

columnists