બ્રેસ્ટ-કૅન્સરમાં કીમોથેરપી ટાળી શકાય ખરી?

23 November, 2021 07:40 PM IST  |  Mumbai | Dr. Meghal Sanghavi

ઇલાજમાં ડૉક્ટરે પહેલાં સર્જરી કરાવવાની વાત કરી છે. એ પછી કદાચ કીમો કરાવે. મેં હમણાં વાંચ્યું કે જરૂરી નથી કે કૅન્સરના દરેક દરદીને કીમો આપવો જ પડે. એના વગર પણ ઇલાજ શક્ય છે.

પ્રતીકાત્મક તસવીર

મારી બહેનને હમણાં બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થયું છે. તે ૪૮ વર્ષની છે. શરૂઆતના સ્ટેજમાં જ નિદાન થયું છે. ઇલાજમાં ડૉક્ટરે પહેલાં સર્જરી કરાવવાની વાત કરી છે. એ પછી કદાચ કીમો કરાવે. મેં હમણાં વાંચ્યું કે જરૂરી નથી કે કૅન્સરના દરેક દરદીને કીમો આપવો જ પડે. એના વગર પણ ઇલાજ શક્ય છે. શું આ વાત સાચી છે? મારી બહેનને કીમો આપવો પડે કે નહીં એ કઈ રીતે ખબર પડે?   
બ્રેસ્ટ-કૅન્સરની આ મહત્ત્વની બાબત છે કે દરદી જાગૃત હોય તો એનું નિદાન જલદી થઈ શકે છે અને ઇલાજ પણ. હા, એ વાત સાચી છે કે બ્રેસ્ટ-કૅન્સરના ઇલાજમાં દરેક સ્ત્રીને કીમોથેરપીની જરૂર હોતી નથી. એ માટેની ટેસ્ટ આમ તો ઘણાં વર્ષોથી ભારતમાં પણ ઉપલબ્ધ છે, પરંતુ એ બાબતે ખાસ જાગૃતિ નથી. આ ટેસ્ટ મોંઘી પણ છે, પરંતુ જો કીમોની જરૂર જ ન હોય એ ખબર પડી જાય તો એ ઇલાજ અને એનાથી થતી અગણિત સાઇડ ઇફેક્ટથી પણ દરદીને બચાવી શકાય છે. 
આજે વ્યક્તિગત ઇલાજને ધ્યાનમાં રાખીને અમુક દરદીઓમાં કીમોથેરપી અમે નથી આપતા. અમુક દરદીઓને કીમોથેરપીની જરૂર નથી હોતી અને અમુકને આપવી અત્યંત જરૂરી છે. કયા દરદીને કીમોની જરૂર રહે છે એ જાણવા માટે અમુક ખાસ પ્રોટોકોલ છે જે મુજબ ડૉક્ટર નક્કી કરતા હોય છે. એ સિવાય છેલ્લાં અમુક વર્ષોથી એક ટેસ્ટ છે જેના દ્વારા એ નક્કી કરી શકાય છે. આ ટેસ્ટનું નામ છે ઑન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે કયા દરદીને કીમોની જરૂર છે અને કોને નહીં. આ ટેસ્ટ ફક્ત બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓ માટે જ છે. વળી જેને એકદમ શરૂઆતનું કૅન્સર હોય તેમના માટે જ આ ટેસ્ટ છે. આમ છતાં ડૉક્ટરને મળીને એના માપદંડ વિશે વિસ્તારમાં સમજી લો. આ ટેસ્ટ મોંઘી તો છે, પણ ભવિષ્યમાં જેમ વધુ લોકો એને વાપરવા માંડશે એનો ભાવ ઓછો થઈ શકે છે. 
આ ટેસ્ટ દ્વારા ડૉક્ટર અને દરદી બંનેને એના ઇલાજ માટેની સ્પષ્ટતા મળે છે એ રીતે એ ઉપયોગી છે. ઘણી વખત ડૉક્ટર સર્જરી કરીને હૉર્મોનલ થેરપી આપે છે. ઘણા કેસમાં એટલું જ પૂરતું થઈ જાય છે. વળી સમજવાનું એ છે કે જ્યારે બ્રેસ્ટ-કૅન્સર એકદમ શરૂઆતના સ્ટેજમાં જ હોય ત્યારે આ પ્રકારનો સરળ ઇલાજ શક્ય છે.

columnists health tips