નાર્કોટિક્સ બ્યુરો :વિવાદ વહાલો છે કે પછી વહાલાઓની સાથે રહેવામાં વિવાદ સર્જે છે?

21 October, 2021 09:34 AM IST  |  Mumbai | Manoj Joshi

કૉમેડિયન ભારતી સિંહથી માંડીને બીજા જે કોઈ મહાનુભાવો નાર્કોટિક્સ બ્યુરોમાં હાજરી પુરાવી આવ્યા એ કોઈ નાની હસ્તી નહોતાં જ નહોતાં...

પ્રતીકાત્મક તસવીર

અનાયાસે જ છેલ્લાં દોઢેક વર્ષમાં નાર્કોટિક્સ બ્યુરોની વાતો બહુ થવા માંડી છે અને અફસોસની વાત એ છે કે એ વાતોમાં એવાં-એવાં નામ આવી જોડાઈ રહ્યાં છે જેની વાતો કરવાની ઇચ્છા ન હોય તો પણ થયા કરે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચારેક દિવસ પહેલાં સ્ટેટમેન્ટ કર્યું કે નાર્કોટિક્સ બ્યુરો એવાં જ કામ કરે છે જેને લીધે મુંબઈ વિવાદમાં રહે. 
વાત સાચી કે પછી અતિશયોક્તિ ભરેલી, શું માનવાનું સામાન્ય માણસે? નેચરલી, આ સવાલ સૌ કોઈના મનમાં થાય. ખાસ કરીને કોમનમૅનના મનમાં પણ, આ સવાલ મનમાં થાય ત્યારે જાતને જ જવાબ માટે સક્ષમ બનાવવી જરૂરી છે. આર્યન ખાન કોઈ નાની-સૂની હસ્તી નથી અને એ જ અગાઉના બૉલીવુડ સ્ટાર્સને પણ લાગુ પડે છે. કૉમેડિયન ભારતી સિંહથી માંડીને બીજા જે કોઈ મહાનુભાવો નાર્કોટિક્સ બ્યુરોમાં હાજરી પુરાવી આવ્યા એ કોઈ નાની હસ્તી નહોતાં જ નહોતાં...અને એ પછી પણ તેમને બોલાવવામાં આવ્યા, બહાર બેસાડવામાં આવ્યા અને સવાલો પૂછવામાં આવ્યા. કહેવાનો ભાવાર્થ એ કે કોલસાની ખાણ પર જઈને કપડાં કાળાં ન થાય એવી શરત મૂકો તો પણ એ શરત કોલસો માને નહીં.
આર્યન ખાન પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ માગવાનું કામ જો સામાન્ય કૉન્સ્ટેબલે કર્યું હોત તો એ કૉન્સ્ટેબલની જૉબ છીનવી લેવા સુધીનાં પગલાં લઈ લેવામાં આવ્યાં હોત અને અહીં તો લાઇસન્સની વાત છે જ નહીં. આ તો ડ્રગ્સની વાત છે. છેલ્લાં દોઢ વર્ષથી જે પ્રકારે ડ્રગ્સ ચેપ્ટર ચગ્યું છે એ જોતાં મહારાષ્ટ્ર સરકારે ગાજવાને બદલે લાજવું જોઈએ કે આ બધું મુંબઈમાં ચાલી રહ્યું છે. સામાન્યમાં સામાન્ય યંગસ્ટર્સને આજે ખબર છે કે મુંબઈમાં આવા નશીલા પદાર્થો ક્યાં મળતાં હોય છે. આ નાની વાત નથી સાહેબ, બહુ જોખમી વાત છે અને શરમજનક પણ એટલી જ.
મુંબઈ અને મૅટર ઑફ ફેક્ટ, મહારાષ્ટ્ર ડ્રગ્સની બાબતમાં વધારે જોખમી બન્યું છે એ સ્વીકારવું જ રહ્યું અને આ સ્વીકારની સાથે એ પણ સ્વીકાર કરવો રહ્યો કે મહારાષ્ટ્ર પોલીસ એ બાબતમાં વધારે પડતી છૂટછાટ ધરાવે છે. જો મહારાષ્ટ્ર પોલીસ પગલાં લેતી હોત તો નાર્કોટિક્સ બ્યુરોએ આવાં કોઈ સ્ટેપ લેવા ન પડતાં હોત. જો મહારાષ્ટ્ર પોલીસ આ બાબતમાં ચીવટ ધરાવતી હોય તો નાર્કોટિક્સ બ્યુરોએ મુંબઈમાં કોઈ પગલાં લેવાં ન પડ્યાં હોત.
વાત એકની તરફેણ અને એકના વિરોધની બિલકુલ નથી. વાત છે તમારી યુવાપેઢીને ખોટાં રસ્તેથી પાછાં વાળવાની, દેશના યુવાધનને ખોટી સંગતમાંથી છોડાવવાની. જો યુવાધનને સાચવવું હોય, જો દેશના ભવિષ્યની દરકાર હોય તો તમારે એ દરકાર દાખવવી પડશે. છાનાખૂણે ચાલતાં આ ડ્રગ્સના વેપારને બંધ કરાવવો પડશે અને એની ચૂંગલમાં ફસાયેલા એકેકને ખુલ્લા પાડવા પડશે. સોશ્યલ મીડિયા પર વિડિયો વાઇરલ થાય જેમાં મોટા પ્રોડ્યુસરના ઘરે પાઉડરની લાઇનો બનાવીને સ્ટાર્સ એ ડ્રગ્સ નાકમાં ચડાવતા હોય અને એની ઇન્ક્વાયરીમાં કશું બહાર ન આવ્યું હોય તો શું ધારવાનું. એવું ધારવાની છૂટ કે નાર્કોટિક્સને વિવાદ કરવામાં અને મહારાષ્ટ્ર પોલીસને એ વિવાદ પર ચાદર પાથરવામાં રસ છે?
દેખાય તો એવું જ છે. કોઈ ના પાડી શકે નહીં.

manoj joshi columnists