Independence Day 2023: ભારતની આઝાદીના સોમા વર્ષે બ્રિટને આપણને શું ગિફ્ટ આપવી જોઈએ?

11 August, 2023 06:31 PM IST  |  Mumbai | JD Majethia

Independence Day 2023: કોહિનૂર હીરો. હા, એનાથી બેસ્ટ બીજી કોઈ ગિફ્ટ હોઈ પણ ન શકે. હું આશા રાખું કે ૨૦૪૭ની પંદરમી ઑગસ્ટે બ્રિટન સરકાર આ સ્ટેપ લે અને ભારતમાંથી જે હીરો એ લઈ ગયા છે એ ભારતને પરત કરે

ભારતની આઝાદીના સોમા વર્ષે બ્રિટને આપણને શું ગિફ્ટ આપવી જોઈએ?

Independence Day 2023: જે કોહિનૂર હીરો બ્રિટન પાસે છે, જે આપણા દેશમાંથી બ્રિટન લઈ ગયું છે એ કોહિનૂર હીરો ભારતની સોમા વર્ષની આઝાદીની ખુશીમાં આપણને એ પાછો આપે અને કોહિનૂર પાછો આપતી વખતે એ ભારતના તિરંગામાં બરાબર વીંટાળ્યો હોય અને આપણે હર્ષભેર એ સંભાળીએ

૧પમી ઑગસ્ટ, ૨૦૪૭.

આપણી વાત ચાલે છે પચીસ વર્ષ પછીના આઝાદી પર્વની. 

મારે એ આઝાદી પર્વ જોવું છે અને મારે એ માણવું છે. આ ઇચ્છા મને અગાઉ નહોતી થઈ પણ ગયા આઝાદી પર્વને જોયા પછી મારા મનમાં આ ઇચ્છા જન્મી છે અને મને થાય છે કે મને હજી બીજાં પચીસ વર્ષ આમ જ, આ જ રીતે જીવવા મળે અને હું એ ૨૦૪૭ના વર્ષમાં આપણી આઝાદીનાં જ્યારે સો વર્ષ પૂરાં થતાં હશે ત્યારે એમાં પૂર્ણ સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે ભાગ લઉં. આ જ વિષય પર વાત કરતાં મેં તમને કહ્યું કે જરા વિચાર તો કરો, આજે દુનિયા જે ઝડપથી આગળ વધતી જાય છે એ જોતાં પચીસ વર્ષ પછી તો આપણે ક્યાં પહોંચી ગયા હોઈશું અને ટેક્નૉલૉજીમાં કેવો-કેવો સાક્ષાત્કાર થયો હશે. ગયા ગુરુવારે કહ્યું એમ સાયન્ટિસ્ટોએ એટલીબધી શોધો કરી હશે અને એવી-એવી શોધ કરી હશે કે જેની કલ્પના પણ ન થઈ શકે. આપણે ચંદ્ર પર પહોંચી ગયા હોઈશું. બધા તો નહીં પણ બને કે કદાચ અમુક લોકો રહેવા ચાલ્યા ગયા હોય અને નાની-મોટી પિકનિક પણ થવા માંડી હશે. લોકો હૉલિડે માટે જતા હશે અને મજા કરતા હશે. હવે તમે વિચારો કે સાયન્ટિસ્ટોએ એવું તો ઘણું શોધી લીધું હશે કે ચંદ્ર પર લહેરાતો તિરંગો પણ આપણે અહીં પૃથ્વી પરથી જોઈ શકતા હોઈશું. એવા-એવા કૅમેરા આવી ગયા હશે કે તમે કલ્પના પણ ન કરી શકો. મોબાઇલમાં સૅટેલાઇટ ઇમેજની સુવિધા હવે આવવા માંડી છે, જે એ સમયે એટલી ક્લોઝ થઈ ગઈ હશે કે ચાંદ અને એ બધું સ્પષ્ટ રીતે દેખાતું પણ હશે અને આપણે મોબાઇલમાં આરામથી જોઈ શકતા હોઈશું કે મૂન પર, માર્સ પર આપણા ફ્લૅગ કેવી રીતે ફરકી રહ્યા છે. 

૧પ ઑગસ્ટ, ૨૦૪૭. 

એ દિવસે ગુરુવાર છે. હા, આપણો ગુરુવાર. આપણે એ દિવસે આઝાદીના સોમા વર્ષ વિશે વાતો કરતા હોઈશું અને હું લેખ પણ લખીશ, આપણી આ જ કૉલમમાં. તમારે એ આર્ટિકલ વાંચવો હોય તો બસ એક જ વાતનું ધ્યાન રાખવાનું છે, તમારી હેલ્થનું. મેં તમને કહ્યું એમ, હું તો એ કરવાનો જ છું. ખાવાપીવાથી માંડીને એક્સરસાઇઝની બાબતમાં સજાગ રહેવાનો છું, તમે પણ રહેજો. તમે પચાસ વર્ષના હો તો પણ તમારે ધ્યાન રાખવાનું છે અને તમે પંચોતેર વર્ષના હો તો તમારે વધારે ધ્યાન રાખવાનું છે. તમે પચીસ વર્ષના હો તો તમને ઓછો વાંધો આવશે પણ એવો ઓવરકૉન્ફિડન્સ રાખવાને બદલે બહેતર છે કે તમે અત્યારથી જ હેલ્થ પર ધ્યાન રાખજો. જો ધ્યાન રાખશો તો તમે પણ સ્વસ્થતા સાથે અને પૂરા આનંદ સાથે દેશની આઝાદીની સોમી વર્ષગાંઠ ઊજવી શકશો.

આપણી વાત ચાલતી હતી ગુરુવારની અને એમાં મારી કૉલમની વાત આવી ગઈ પણ મેં વાર તો જુદા જ હેતુથી જોયો હતો. ૨૦૪૭ની ૧પમી ઑગસ્ટે ગુરુવાર છે એનો અર્થ સીધો એટલો કે એ સેલિબ્રેશન એક દિવસ નહીં, ચાર દિવસ ચાલશે. બને પણ ખરું કે એ સમયે કદાચ આપણા દેશમાં ચાર દિવસની રજા પણ ડિક્લેર થાય અને એવું તો બનશે જ બનશે કે એ ચાર દિવસ દરમ્યાન આઝાદીને લગતા જાતજાતના ફેસ્ટિવલોનું આયોજન પણ થાય. નાટકો બનશે, ફિલ્મો પણ એ મુજબની બની હશે અને રોડ-શોથી માંડીને અનેક ઍક્ટિવિટી થશે. હું તો માનું છું કે એ થવું જ જોઈએ. આપણા દેશની આઝાદી માટે જે સ્વાતંત્ર સેનાનીઓએ વેગ આપ્યો, ભોગ આપ્યો તેમના પર શો થાય અને સિરિયલોથી માંડીને ફિલ્મો અને વેબ-સિરીઝ બનશે. આ વાત કરતી વખતે પણ હું તો અત્યારે પણ ખૂબ એક્સાઇટ થઈ રહ્યો છું. તમે વિચારો તો ખરા કે કેવી-કેવી વિભૂતિની સાથે જોડાયેલી વાતો વાંચવા, સાંભળવા અને જોવા મળશે. જે આજ સુધી અંદર રહી એવી વાતો પણ બહાર આવશે અને એ બધામાં એવી વિભૂતિઓ પણ સામે આવશે જેના વિશે આપણે ક્યારેય કશું સાંભળ્યું પણ નહીં હોય. આપણા દેશની આઝાદીની સદીની કલ્પના કરતી વખતે મારી જો કોઈ સૌથી મોટી કે પછી વિશેષ કલ્પના જે છે એની હવે વાત કરું.

મારી સૌથી મોટી કલ્પના અને તમે એને ઇચ્છા પણ કહી શકો કે આપણી આઝાદીનાં સો વર્ષ થતાં હોય એવા સમયે બ્રિટનના ત્યારના પ્રાઇમ મિનિસ્ટરને એવો વિચાર આવે કે આવા સમયે આપણે ભારતને કંઈ ગિફ્ટ આપવી જોઈએ અને એ ગિફ્ટના ભાગરૂપે તે શું આપી શકે એની વિચારણા કરે. ક્વીન એલિઝાબેથે તો હમણાં જ દેહ છોડ્યો એટલે હું એનું નથી કહેતો પણ એ સમયે જે કોઈ રાજવી ફૅમિલી હોય એની સાથે જે-તે સમયના પ્રાઇમ મિનિસ્ટર વાત કરે અને વાત કર્યા પછી તે નક્કી કરે કે જે કોહિનૂર હીરો તેમની પાસે છે, જે આપણા દેશમાંથી તે લઈ ગયા છે એ કોહિનૂર હીરો ભારતની સોમા વર્ષની આઝાદીની ખુશીમાં આપણને પાછો આપે અને હું તો ઇચ્છું કે એ કોહિનૂર પાછો આપતી વખતે તેમણે એ કોહિનૂર ભારતના તિરંગામાં બરાબર વીંટાળ્યો હોય અને એ રીતે તે આપણો કોહિનૂર ભારતને રિટર્ન કરે. આ મારી ઇચ્છા છે અને એવી ઇચ્છા છે જે ખરેખર એક દિવસ પૂરી થશે. માત્ર મારી જ શું કામ, તમે બધા પણ આ જ ઇચ્છા રાખજો અને જો બધાની આ ઇચ્છા હશે તો ચોક્કસપણે ઈશ્વર આપણી ઇચ્છા પૂરી કરશે.

Independence Day 2023હોપફુલી આવતાં પચીસ વર્ષમાં પાકિસ્તાન સાથેના આપણા સંબંધો ઘણા સુધરી ગયા હશે. સુધરવા જ જોઈએ; કારણ કે કોઈ પણ સંબંધો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપવાનું કામ કરે છે. પચીસ વર્ષ પછી આપણે તો ખૂબ મોટા પાયા પર આગળ વધી ગયા હોઈશું. હું તો કહીશ કે જે રીતે અત્યારે આપણો હિન્દુસ્તાન આગળ વધે છે એ જોતાં તો દુશ્મન પણ સ્વીકારશે કે આવતા બેથી અઢી દશકમાં આપણે સુપર પાવર થઈ ગયા હોઈશું અને આ જ વાત હું દિલથી ઇચ્છું છું. દિલથી ઇચ્છું પણ છું અને ઇચ્છા પણ રાખું છું કે આ વર્ષોમાં પાકિસ્તાનમાં ભણતર વધે. ભણતર વધશે તો સમજણ વધશે અને ગણતર મળશે અને ગણતર મળશે તો જ તેમને પણ સમજાશે કે લડાઈ કરવાથી કે મનમાં રાગદ્વેષ રાખવાથી કશું વળવાનું નથી. રાગદ્વેષ ભૂલીને જે આગળ વધે એ જ વિકાસ પામે. તમે જુઓ, એક સમયે આપણે ત્યાં પણ રમખાણો થતાં પણ નરેન્દ્ર મોદીસાહેબે આવીને એ વાત પુરવાર કરી કે રમખાણોથી વિકાસ ન થાય, એનાથી તો પીડા ફેલાય અને મોદીસાહેબે દેશભરમાં વિકાસની વાત પ્રસરાવીને સૌકોઈને ભાઈચારાની નીતિમાં સાંકળી લીધા.

પાકિસ્તાન આજે ટેરરિસ્ટ કૅમ્પનું હબ બની ગયું છે. એક સમયનું એનું જ જિગરજાન મિત્ર એવું અમેરિકા પણ હવે પાકિસ્તાન સાથે રિલેશન રાખવા તૈયાર નથી. આવા સમયે જરા વિચારો કે દુનિયાનો કયો દેશ એવો હોય જે ટેરરિસ્ટ કહેવાય એવા દેશ સાથે હાથ મિલાવવા તૈયાર રહે?

આજે જે પ્રકારના પાકિસ્તાનમાં ટેરરિસ્ટ કૅમ્પ પકડાતા રહ્યા છે, જે પ્રકારે ત્યાં ગેરવાજબી ઍક્ટિવિટી થઈ રહી છે એ દુનિયા આખી જાણે છે. ખોટાં કામોનું જો દુનિયાનું સૌથી મોટું કોઈ હબ હોય તો એ પાકિસ્તાન છે. નોટોરિયસ ઍક્ટિવિટીનું એ સેન્ટર બની ગયું છે ત્યારે આપણે એટલી જ અપેક્ષા રાખીએ કે આવતાં પચીસ વર્ષમાં એને ત્યાંથી આ પ્રકારની બધી ઍક્ટિવિટી બંધ થાય અને અશાંતિથી નહીં પણ શાંતિથી, ભાઈચારાથી સૌકોઈ સાથે લાગણીના સંબંધો બનાવે અને પાકિસ્તાનનો પણ વિકાસ થાય. આવો વિચાર મને શું કામ આવે છે એની પણ તમને વાત કહેવી છે, પણ એ વાત હવે આપણે કરીશું આવતા ગુરુવારે. ત્યાં સુધી તમારા સૌનું ધ્યાન રાખજો અને જો ગુરુવારે વિજયા દશમી નિમિત્તે બહુ જલેબી ખાઈ લીધી હોય તો આજે એક્સરસાઇઝ પર લાગી હેલ્થને ફરીથી તૈયાર કરી લો, ૨૦૪૭ની ૧પમી ઑગસ્ટ જોવા માટે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia independence day great britain