બ્રેથવર્ક : વેસ્ટર્ન વર્લ્ડમાં પૉપ્યુલર થઈ રહેલી અનોખી શ્વસનપદ્ધતિ

15 September, 2021 06:50 PM IST  |  Mumbai | Ruchita Shah

શારીરિક, માનસિક અને ઇમોશનલ સ્તર પર અનેક ફાયદા આપતી બ્રીધિંગની આ મેથડ પ્રાણાયામથી કઈ રીતે જુદી છે અને એમાં શું ખાસ છે એ વિશે વાત કરીએ આજે

બ્રેથવર્ક : વેસ્ટર્ન વર્લ્ડમાં પૉપ્યુલર થઈ રહેલી અનોખી શ્વસનપદ્ધતિ

શ્વાસથી જ આ સંસાર છે અને શ્વાસને કારણે જ આપણું અસ્તિત્વ છે. પ્રાણાયામ અને બ્રીધિંગ એક્સરસાઇઝની જેમ એક ટેક્નિક આજકાલ ખૂબ લોકજીભે ચડી છે એ છે બ્રેથવર્ક. શ્વસનને અમુક રીતે કરવાની આ પદ્ધતિથી શારીરિક, માનસિક અને ભાવનાકીય દૃષ્ટિએ અદ્ભુત લાભ થતો હોવાનો દાવો થતો રહ્યો છે. બ્રેથવર્કની ૨૦૦૨થી પ્રૅક્ટિસ કરતા સાઉથ મુંબઈના શ્રેયાંસ દાગા છેલ્લાં ત્રણ વર્ષથી લોકોને નિ:શુલ્ક બ્રેથવર્ક અને અન્ય મેડિટેશન પ્રૅક્ટિસની તાલીમ આપી રહ્યા છે. આજે તેમની જ પાસેથી જાણીએ કે આ બ્રેથવર્ક શું છે, એ કઈ રીતે કામ કરે છે? એનો શું ફાયદો થાય?
બ્રેથવર્કના લાભ
બ્રેથવર્ક એટલે પાવરફુલ બ્રીધિંગ ટેક્નિક. શ્રેયાંસ દાગા કહે છે, ‘શ્વસનની એવી પદ્ધતિ જે તમને ટ્રાન્સ-સ્ટેટમાં લઈ જાય. એ લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડીને ઑક્સિજન સૅચુરેશન વધારે અને ડાયાબિટીઝ, થાઇરૉઇડ, આર્થ્રાઇટિસ જેવા ઑૅટો-ઇમ્યુન રોગોમાં ફાયદો કરે છે. શ્વાસથી તમે તમારા શરીરનું આલ્કલાઇન લેવલ વધારી શકો છો. આપણા શરીરની કેમિકલ ફૅક્ટરી એટલે આપણી ઑટોનોમિક નર્વસ સિસ્ટમ. બ્રેથવર્ક આ સિસ્ટમને ઍક્ટિવેટ અને સંતુલિત કરે છે. એ તમારા શરીરના ગ્રોથ અને રિપેરિંગ માટે જવાબદાર મેલેટોનિન નામના હૉર્મોનનો સ્રાવ વધારે છે. લવ હૉર્મોન ગણાતા ઑક્સિટોસિન નામના કેમિકલનું પ્રમાણ વધે છે. કેટલાંક સંશોધનો કહે છે કે બ્રેથવર્કથી સ્ટ્રેસ જનરેટ કરતાં લગભગ અઢાર પ્રકારનાં કેમિકલ્સને બ્લૉક કરી શકાય છે. ઍન્ટિ-એજિંગ અને દીર્ઘાયુમાં એ ઉપયોગી છે. ઇમોશનલ ડી-ટૉક્સિફિકેશનનું કામ બ્રેથવર્કથી થઈ શકે છે. સબકૉન્શ્યસ માઇન્ડમાં સંસ્કારો સ્વરૂપે રહેલા ભય, ફોબિયા, ‌ચિંતા, પેઇન, ટ્રૉમા વગેરેને દૂર કરવામાં અને આ બધા પાછળ ખર્ચાતી ઊર્જાને પ્રિઝર્વ કરવામાં પણ બ્રેથવર્ક જબરદસ્ત ભૂમિકા અદા કરે છે.’
કઈ રીતે અલગ?
પ્રાણાયામની જેમ બ્રેથવર્કમાં પણ સાધન તરીકે તો શ્વાસનો જ ઉપયોગ થાય છે તો તે પ્રાણાયામ કરતાં જુદું કઈ રીતે છે એનો જવાબ આપતાં શ્રેયાંસ દાગા કહે છે, ‘૧૯૯૦માં મને ટીબી થયો હતો. પિતાના નિધન પછી હું ખૂબ જ અપસેટ રહેતો હતો. ક્યાંક ને ક્યાંક એ પીડાને હું પ્રોસેસ નહોતો કરી શક્યો અને એ મારી અંદર જ હતું. એક સ્પિરિચ્યુઅલ ગુરુને મળ્યો તો તેમણે મને ટીબી પાછળનું કારણ ઇમોશનલ છે એવું કહીને કેટલાક અભ્યાસ ચાલીસ દિવસ માટે કરવાના કહ્યા. મેં કર્યા અને ખરેખર મારા રિપોર્ટ નૉર્મલ આવ્યા. બ્રેથવર્કનો એ પછી બીજો દસ‌ દિવસનો કોર્સ કર્યો. મારી અંદર થઈ રહેલા બદલાવોને હું અનુભવી શકતો હતો. વિઝ્યુલાઇઝેશન અને મૅનિફેસ્ટેશન ટેક્નિકનો ઉપયોગ કરીને એ વખતે બિઝનેસમાં મળેલા બેનિફિટ્સ મેં પોતે જોયા. વ્યક્તિગત રીતે એનાથી થતા લાભોને કારણે ઘણા સ્પિરિચ્યુઅલ ગુરુને હું તેમના આ કામમાં મદદ કરતો. જોકે દરેકની પોતાની મેથડ હતી અને દરેક મેથડ વખતે મને એમ થતું કે આમાં જો ફલાણો એલિમેન્ટ પણ ઉમેરાય તો તે વધુ ઇફેક્ટિવ બને. પછી તો મેં જાતે જ રિસર્ચ કર્યું. કેટલાક અનુભવો પછી થોડાક મિત્રો માટે સેશન્સ ગોઠવ્યાં અને અદ્ભુત પરિણામો મળ્યાં. છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ ૫૦ હજાર જેટલા લોકોને આ પ્રોગ્રામમાં જોડી ચૂક્યો છું. પ્રાણાયામ અને બ્રેથવર્કમાં મારી દૃષ્ટિએ કોઈ મુખ્ય ફરક હોય તો તે છે સિમ્પ્લિસિટીનો. બ્રેથવર્ક બહુ જ સરળ છે. શ્વાસ લેવાનો અને છોડવાનો સતત, કોઈ પણ જાતના બ્રેક વિના અને એની સ્પીડમાં સાથે વાગતા મ્યુઝિક મુજબ બદલાવ કરતા જવાનું.’
ઘણા પ્રકાર
બ્રેથવર્કના ઘણા પ્રકાર છે. ઘણી બ્રીધિંગ એક્સરસાઇઝ પણ બ્રેથવર્કમાં સમાવાઈ છે. શ્રેયાંસ દાગા પોતાના ટ્રાન્સેડેન્ટલ બ્રેથવર્કનું મૉડ્યુલ સમજાવતાં કહે છે, ‘મ્યુઝિક, બ્રેથ અને ગાઇડન્સ આ ત્રણ બાબતોને મેં બ્રેથવર્કમાં ઇન્ક્લુડ કરી છે. મ્યુઝિક વિશેષ રીતે ક્રીએટ કરેલું છે જે વાઇબ્રેશન્સને હાયર લેવલ પર લઈ જવા માટે ઉપયોગી છે. મ્યુઝિકની પીચ સાથે સતત નાભિથી ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના. મ્યુઝિક સાથે તાલમેલ રાખીને શ્વસન કરવું મહત્ત્વનું છે અને સાથે ગાઇડન્સમાં બોલાતા શબ્દો મુજબ અફર્મેશન, વિઝ્યુઅલાઇઝેશન વગેરે પણ કરવાનાં. આગળ કહ્યું એમ આ એક ઇન્ટેન્સ વર્કઆઉટ સમાન છે. ચિત્તનો વર્કઆઉટ, જેમાં તમારા ઊંડે સુધી રોપાયેલા સંસ્કારો બહાર આવવા માંડે. એટલે જ લાઇવ વર્કશૉપમાં ક્યારેક લોકો હસે, રડે, બૂમો પાડે, ક્યારેક શરીરમાં ઝણઝણાટી થાય, ક્યારેક માથું દુખે, ક્યારેક માથું હળવું થઈ જાય, ક્યારેક ખૂબ ઠંડી લાગે, ક્યારેક ગરમી લાગે. જાત-જાતના અનુભવો લોકોને થતા હોય છે. જોકે અંદર સપ્રેસ્ડ થયેલાં ઇમોશન્સ નીકળી જાય એટલે ધીમે-ધીમે વ્યક્તિ ફરી વધુ સ્ટેબલ બની જતી હોય છે. બ્રેથવર્કનાં સેશન્સ પછી પહેલી જ વારમાં સ્પીચ જતી રહી હોય એવા લોકો બોલવા માંડ્યા હોય, વ્હીલચૅર પર આવેલી વ્યક્તિ જાતે ચાલીને ઘરે ગઈ હોય, બૅકપેઇન કે સાયેટિકાનું પેઇન દૂર થયું હોય એવા અનેક અનુભવો લોકોએ શૅર કર્યા છે.’

ભૂતકાળના બૅગેજને દૂર કરવા માટે 

ઘણી વાર નાનકડું નિમિત્ત મળે અને આપણે ગુસ્સે થઈ જઈએ છીએ એમ જણાવીને શ્રેયાંસ દાગા કહે છે, ‘શાંતિથી વિચારીએ તો સમજાય પણ ખરું કે આ તો ગુસ્સે થવા જેવી વાત જ નહોતી, પણ એવું બને છે પૂર્વના સંસ્કારોને કારણે. ૯૦ ટકા આપણી એનર્જી આપણે આવાં જૂનાં-પુરાણાં ભૂતકાળનાં દબાયેલાં ઇમોશન્સને સપ્રેસ્ડ કરવામાં વેસ્ટ કરીએ છીએ. આવા સંસ્કારો બ્રેથવર્કથી ઓછા થઈ શકે છે. લોકોનો ગુસ્સો બ્રેથવર્કથી ઓછો થયાનું ઘણાએ કબૂલ્યું છે. બ્રેથવર્ક તમને તમારા ઇન્ટરનલ પાવરથી ટ્યુન થવામાં મદદ કરે છે. અધ્યાત્મમાં આગળ વધવા માગતા લોકો પણ બ્રેથવર્ક કરીને અદ્ભુત અનુભવો મેળવી શકે છે.’

કોણ ન કરી શકે?
કોણ કરી શકે અને ન કરી શકે એના સંદર્ભમાં શ્રેયાંસ દાગા કહે છે, ‘હાર્ટ-પેશન્ટ અને હાઈ બ્લડપ્રેશરના દરદીઓ પણ પોતાની કૅપેસિટીનું ધ્યાન રાખીને ધીમે-ધીમે બ્રેથવર્કમાં આગળ વધી શકે છે. સોળ વર્ષની ઉપરના સૌકોઈ એને કરી શકે. જોકે જેમની સર્જરી થઈ હોય તેઓ બે મહિના સુધી બ્રેથવર્ક અવૉઇડ કરે. પ્રેગ્નન્સીના સાત મહિના પછી અને એપિલેપ્સી હોય તેમણે ટ્રાન્સેડેન્ટલ બ્રેથવર્ક ન કરવું.’

columnists ruchita shah