બ્રેક ધ ચેઇન

29 July, 2021 08:33 AM IST  |  Mumbai | JD Majethia

થર્ડ વેવથી જ્યારે આખી દુનિયા ડરે છે ત્યારે આપણે શું કામ અત્યારથી જ સાવચેતી સાથે ન રહીએ અને એ વેવ ઊભી થાય એ પહેલાં જ એની ચેઇન તોડી નાખીએ?

બ્રેક ધ ચેઇન

આપણે વાત કરીએ છીએ આવું-આવું કરતી કોવિડની ત્રીજી વેવની. નિયમો બધા પાળીએ છીએ, પણ પાળવામાં આવતા આ નિયમોમાં હવે ક્યાંક-ક્યાંક છૂટછાટ લેવાઈ રહી છે. માસ્ક છે, સાથે જ છે; પણ હવે એ નાકની નીચે સરકવા માંડ્યો છે અને કાં તો ખિસ્સામાં કે પર્સમાં રહેવા માંડ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સની વાતો હજી પણ ટીવીમાં આવે છે, પરંતુ ડિસ્ટન્સની એ વાતો હવે ટીવી પૂરતી જ સીમિત થઈ ગઈ હોય એવું લાગે છે. જો આમ જ ચાલુ રહ્યું તો કોરોનાની ત્રીજી વેવને રોકવી અઘરી પડી જશે. આ ત્રીજી વેવને રોકવા માટે આપણે શું કરવું એની ચર્ચા ગયા ગુરુવારે કરી.
પહેલી અને સૌથી અગત્યની વાત વૅક્સિન. વૅક્સિન બ્રહ્માસ્ત્ર છે. એ કોવિડને નાથવા માટે પૂરેપૂરી સક્ષમ છે. વૅક્સિનના પહેલા ડોઝ પછી ૮૯ દિવસ પછી બીજો ડોઝ લેવાનો અને બન્ને ડોઝ લઈ લીધા પછી એકથી બે અઠવાડિયાંમાં આપણી બૉડીમાં કોવિડ સામે લડવાને સક્ષમ કહેવાય એવા ઍન્ટિ-બૉડી પૂરેપૂરી તાકાત સાથે મજબૂત થઈ જાય છે. જો તમે હજી વૅક્સિન ન લીધી હોય તો આજે જ એ લેવાની તજવીજ કરો. અગાઉ કહ્યું હતું એમ વૅક્સિનના બે ડોઝ લીધેલી વ્યક્તિનાં વ્યવહાર, વર્તન અને નસીબ બહુ ખરાબ હોય તો જ કોવિડ પૉઝિટિવ થાય છે. જોકે ભૂલતા નહીં. બહુ વ્યસ્ત રહેતા પેલા યમરાજ દોડાદોડ ઘરે આવે એવા ચાન્સ બહુ ઓછા થઈ જાય છે. હોમ ક્વૉરન્ટીન અને થોડીઘણી દવા તમારા ૧૪ દિવસ પાર પાડી દે અને સામાન્ય અવસ્થાના આરામ વચ્ચે કોવિડના એ કાળને પણ પાર પાડી શકાય.
વૅક્સિનની સાથોસાથ બીજું ધ્યાન આપવાનું છે માસ્ક પર.
માસ્કને હવે શરીરની દાઢી-મૂછ જ સમજવા (સ્ત્રીઓએ પણ) અને નહીં તો ફેસ પરનાં અંગત વસ્ત્રો, જેના વિના એક ઉંમર પછી ઘરની બહાર પગ ન જ મુકાય એવું માનવું અને એ વાતનું દૃઢતાપૂર્વક પાલન પણ કરવું. જો આ વાતનું મહત્ત્વ ન સમજ્યા કે પછી આ વાતને મહત્ત્વની ન ગણી તો ગમે ત્યારે અલગ-અલગ પ્રકારની બીમારીમાં પણ ફસાઈ શકો છો. એટલે બેદરકારી બિલકુલ નહીં. કોરોનાની તો ખબર જ છે, સાથોસાથ આપણા મુંબઈના વરસાદ અને ચોમાસાથી તમે પરિચિત છો જ એટલે ધ્યાન રાખવું અને બીજી પણ કોઈ બીમારી ન આવે એની કાળજી રાખવી. ઇમ્યુનિટી, રોગપ્રતિકારક શક્તિ વધારે એવી દવાઓ, કાઢા અને ઉકાળાઓ, વ્યાયામ બધેબધું પાછું ચાલુ કરી દેજો. બધું. ચોમાસાની છત્રીઓ અને રેઇનકોટ જ્યાં-જ્યાં અભરાઈ પર ચડાવી દીધાં હોય ત્યાંથી ઉતારીને ફરી શરૂ થઈ જવું. છત્રીનો વરસાદથી બચવા ઉપરાંતનો પણ એક ફાયદો છે. છત્રીને કારણે ઑટોમૅટિક સોશ્યલ ડિસ્ટન્સ જળવાશે. અગાઉ પણ કહ્યું જ છે આ બધું અને એ પછી ફરીથી કહું છું.
ફરીથી કહું છું કે જરૂર ન હોય તો ટ્રાવેલિંગ ટાળજો. ટ્રાવેલ નહીં કરતા. ફરવા તો બિલકુલ જવું નહીં. આ ફરવાનો સમય છે જ નહીં. થોડો વધારે સમય ઘરમાં રહીને થર્ડ વેવને આપણાથી દૂર રાખવામાં જ ભલાઈ છે. જેમ બિનજરૂરી ટ્રાવેલ નથી કરવાનું એવી જ રીતે કારણ વગરનું કે પછી જરૂર વિનાનું ફંક્શન પણ ન કરવું. ફંક્શન કરવું નહીં અને ફંક્શન અટેન્ડ પણ ન કરવું. કોઈ દલીલ કરી શકે. આવે જ દલીલ મનમાં કે ઓછા લોકોને બોલાવીને આટલું તો કરવું જ જોઈએને. પાંચ-પચ્ચીસ જણમાં શું થઈ જવાનું? દુનિયામાં ખરાબ લાગે આપણું...
તમારી મરજી, બીજું તો શું કહું હું તમને એમાં? કોઈને શું કહેવું એ જ સમજાતું નથી. સાદડી ઑનલાઇન થવા માંડી અને કાંધ આપવા પણ સ્વજનો સ્મશાન સુધી પહોંચી શક્યા નહીં. અવૉઇડ ન થઈ શકે, ન કરવા જોઈએ એવા બનાવો પણ આપણે નિભાવી લીધા તો પછી ખુશીના કે વ્યવહારુ પ્રસંગો માટે તો થોડો સમય રાહ જોઈ જ શકીએને. 
આ વાતને વધારે ગંભીરતાથી સમજાવવા કહી શકું કે જરા યાદ કરો, હૉસ્પિટલના સ્ટાફે કેટકેટલા લોકોને પોટલામાં પૅક કરી રાખ્યા હતા અને મૃત્યુ પામનારા એ પરિવારના સભ્યનું તેમના સ્વજનો મોઢું પણ જોઈ નહોતા શક્યા. યાદ છેને. ઘરના એક જ મેમ્બરને જઈને અગ્નિદાહ આપવાની પરમિશન હતી. ભૂલ્યા નથીને? ભૂલ્યા હો તો એવી ફૅમિલીને યાદ કરી લો જેમણે એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે. કહેવાનો ભાવાર્થ એ જ કે જો એ દિવસો ફરી ન જોવા હોય, એ ત્રાસદી ફરીથી ન ભોગવવી હોય તો પ્લીઝ, સમજો. એ બધું હમણાં અવૉઇડ થઈ શકે છે. એક વાત મારે, તમારે, આપણે સૌએ નક્કી કરવાની છે કે શું સહન કરવાની હવે તાકાત નથી રહી, શું જતું નહીં કરવાની હિંમત રહી નથી એનું લિસ્ટ બનાવી લો અને એ પ્રમાણે જ વર્તન કરો. 
હવે હિંમત નથી ૧૪ દિવસ ગોંધાઈ રહેવાની; જેમાં રૂમની બહાર કોઈ પ્લેટ મૂકી જાય અને આપણે એકલતામાં, બીમારીમાં એવી પરિસ્થિતિમાં હોઈએ કે આપણે કરેલી દરેક ભૂલને કોસતા આપણે એ ૧૪ દિવસ પસાર કરવા પડે. ડૉક્ટરથી માંડીને હૉસ્પિટલમાં બેડ ન મળતા હોય, ઑક્સિજન સિલિન્ડરની અછત, જીવ બચાવે એવી દવાના કાળાબજાર અને એ કિંમત ચૂકવવાની તૈયારી વચ્ચે પણ એનું ન મળવું અને ફૅમિલી મેમ્બર્સનાં સપનાં પૂરાં કરવા ભેગી કરેલી રકમની ફિક્સ્ડ ડિ​પોઝિટ તોડ્યા પછી પણ જો આપણા સ્વજનને હૉસ્પિટલથી ઘરે હેમખેમ પાછું ન લાવી શકાય. અત્યારથી જ પ્રયત્ન કરીને એ બધું ટાળીએ અને જરાક આપણી ઇચ્છા અને દુનિયાદારીની વાતો પર રોક લગાવીએ.
વેવનો અર્થ થાય મોજું. વેવ ક્યારે આવે? જ્યારે ખૂબબધા લોકો એકસાથે બીમાર પડે. સાથે ક્યારે બીમાર પડે? જ્યારે એક બીમાર ક્યાંક બહાર જાય, ટોળામાં ફરે અને એને લીધે બીજાને ચેપ લાગે. એકમાંથી બે અને બેમાંથી ચાર. એમ વધુ ને વધુ લોકોને ચેપ લાગે અને ચેઇન બનતી જાય. યાદ કરો, સરકાર નામે લૉકડાઉનને નામ આપ્યું છે - બ્રેક ધ ચેઇન. લોકોને મળવાનું કાપો તો ફેલાવો અટકશે અને જે થોડાઘણા કેસ આવે એને સગવડ આપી શકાશે. બધું સરકાર કરે એ દિવસો હવે રહ્યા નથી. અત્યારથી જ આપણે આપણું લિસ્ટ બનાવીને આપણી જાતને ટ્રેઇન કરવી પડશે. 
હું તો લખતો રહીશ, પણ તમે પોતે પણ જ્યાં મોકો મળે ત્યાં આ થર્ડ વેવ વિશે વાંચતા અને સાંભળતા રહેજો અને મહત્ત્વના મુદ્દા નોંધીને એ મુજબ આચરજો. ખોટા વૉટ્સઍપ મેસેજ ફૉર્વર્ડ ન કરતા, પણ સાચા અનુભવો પોતાના ગ્રુપમાં જરૂર શૅર કરજો. તમારા મેડિક્લેમ પર ધ્યાન આપજો અને પ્રીમિયમ ન ભર્યું હોય કે ડેટ ચૂકી ગયા હો તો એ વ્યવસ્થા કરી લેજો. ડૉક્ટર અને મેડિકલ ફીલ્ડના મિત્રો સાથે સતત સંપર્ક રાખજો, કારણ કે જો થર્ડ વેવ ઘાતક સાબિત થઈ તો એ અગાઉની બન્ને વેવ કરતાં વધારે તારાજી સર્જી શકે છે.
દુનિયા આખી આનાથી ડરે છે ત્યારે આપણે સાવચેત તો રહી જ શકીએને. 

 
વેવ ત્યારે આવે જ્યારે ખૂબબધા લોકો એકસાથે બીમાર પડે. સાથે ક્યારે બીમાર પડે? જ્યારે એક બીમાર ક્યાંક બહાર જાય, ટોળામાં ફરે અને એને લીધે બીજાને ચેપ લાગે. એકમાંથી બે અને બેમાંથી ચાર અને એમ વધુ ને વધુ લોકોને ચેપ લાગે અને બીમારીની ચેઇન બનતી જાય.

columnists JD Majethia