બૂમર, મિલેનિયલ્સ, જેન ઝી, સેન્ટેનિયલ્સ અને હેલિકૉપ્ટર પેરન્ટ

10 July, 2022 12:18 PM IST  |  Mumbai | Kana Bantwa

નવી જનરેશન જૂની પેઢીથી દૂર થાય, અંતર વધે એ પ્રાકૃતિક છે. દરેક પેઢીએ જો પોતાના પૂર્વજ કરતાં વધુ સક્ષમ બનવું હોય તો એણે તેમની સાથેનો પોતાનો અનુબંધ ઢીલો કરવો પડે, ડિટૅચ થવું પડે

પ્રતીકાત્મક તસવીર

દરેક નવી પેઢીને જૂની પેઢી ઑર્થોડોક્સ લાગે અને જૂની પેઢીને નવી પેઢી બગડેલી લાગે એ સામાન્ય બાબત છે. સદીઓથી આ સમસ્યા માનવજાતને સતત સતાવતી રહી છે. નવી પેઢી વંઠેલી, બગડેલી છે એથી વડીલોની માન્યતા અને જૂની પેઢી કંઈ સમજતી નથી, બૂડથલ છે એવી નવી પેઢીની માન્યતા. દરેક નવી પેઢીને એવું લાગે છે કે અમારાં માતા-પિતા અમને સમજી શકતાં નથી. એટલે નવી પેઢીના તરુણો, કિશોરો અને યુવાનીમાં હજુ પાપા પગલી માંડનારાઓમાં સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાઇટી એટલાં બધાં છે કે તેમને ચેન નથી

એક મિત્ર હમણાં એક સમસ્યા લઈને આવ્યા. તેનો પુત્ર સત્તર વર્ષનો છે અને હતાશ રહે છે. એકલસૂડો થઈ ગયો છે, સ્ટ્રેસમાં રહે છે, કુટુંબમાં ભળતો નથી, કાનમાં ઇયરબડ્સ ભરાવીને કોણ જાણે શું સાંભળતો રહે છે. તેનાં મા-બાપને ચિંતા હતી કે પુત્ર અમારાથી દૂર થઈ રહ્યો છે. તેના પુત્રની સાથે વાત કરી, પુત્રના મિત્રો સાથે વાત કરી. તેમની વાતનો સૂર એવો હતો કે પુત્રને લાગે છે કે મારાં મા-બાપે મારા ઉછેર પર જોઈએ એટલું ધ્યાન નથી આપ્યું. તેને લાગે છે કે તેનાં માતા-પિતા જોઈએ એટલું અટેન્શન તેને નથી આપતાં. આને કારણે તેને એવું પણ લાગવા માંડ્યું છે કે તેનાં મા-બાપ તેને પ્રેમ નથી કરતાં. તે છોકરો પોતાની રૂમ સાફ કરતો નથી અને એવું ઇચ્છે છે કે આ કામ મમ્મીનું છે. તે કપડાં બાથરૂમમાં ટાંગીને ઘરમાં કોઈ કામ કરવાનું આવે તો તેને ગમતું નથી. તેને લાગે છે કે આ કામ તો ડૅડીનું છે. કોઈ સારા સાઇકોલૉજિસ્ટ પાસે પુત્રનું કાઉન્સેલિંગ કરાવવાની આવશ્યકતા પેલા મિત્રને સમજાવી. એક સાઇકોલૉજિસ્ટ મિત્ર સાથે આ મુદ્દે વાત પણ કરી. તેનું પણ કહેવું એવું હતું કે આવું માનનારા કિશોરો અને નવયુવાનોની સંખ્યા ખૂબ જ મોટી છે. આશ્ચર્યની વાત એ છે કે જે પરિવારોની સ્થિતિ સારી છે તેમનાં બાળકોમાં આવી માન્યતા વધુ છે. આર્થિક રીતે સ્ટેબલ ન હોય એવા પરિવારોના આવા કેસ ભાગ્યે જ આવે છે.

બૂમર, જનરેશન એક્સ, જનરેશન વાય, મિલેનિયલ્સ, ડિજિટલ નેટિવ્ઝ, જનરેશન ઝેડ, જેન ઝી, સેન્ટેનિયલ્સ આ શબ્દોથી તમે પરિચિત હો, એને બરાબર સમજતા હો તો તમે યુવાન છો, દુનિયાના પ્રવાહોથી વાકેફ છો અને અપડેટ છો. જો આ શબ્દોના અર્થને બરાબર ન સમજતા હો તો તમે બુઢ્ઢા છો, તમે અપડેટ રહેતા નથી, તમે એક કાળખંડમાં કેદ થઈ ગયા છો. છેલ્લી પોણી સદીમાં આવેલી ચાર પેઢીઓનાં આ નામ છે. આ નામ તેમના ગુણ પરથી પડ્યાં છે. અત્યારની પેઢી જ્યારે કોઈ વડીલને ‘હાય બૂમર’ કહીને સંબોધે ત્યારે ડોહો બઘવાઈ જાય છે. તેને બૂમર એટલે શું એ સમજાતું નથી અને જેને સમજાય છે તે શું રીઍક્શન આપવું એ નક્કી કરી શકતા નથી.

બૂમર
બૂમર એવી પેઢી છે જે બીજા વિશ્વયુદ્ધ પછી બેબી બૂમ નામથી ઓળખાતા સંતાનોત્પત્તિમાં આવેલા જબરદસ્ત ઉછાળા વખતે જન્મી હોય. તેમને બેબી બૂમેર કહેવામાં આવતા. એનું ટૂકું થઈ ગયું બૂમર. આ બૂમર યુદ્ધ પછીના શાંતિ અને સમૃદ્ધિના વાતાવરણમાં પેદા થયેલી પેઢી છે. ૧૯૪૬થી ૧૯૬૪ આજબાજુના ગાળામાં પેદા થયેલી પેઢીને આમાં ગણવામાં આવે છે. બૂમર્સ યુદ્ધ પછી તરત આ ધરતી પર અવતર્યા એટલે તેઓ આદર્શો તથા  મહેનત અને બલિદાનની  સંસ્કૃતિમાં માનનારા હતા. એ સમયે વિશ્વ એક મોટું ગામડું બનવાની શરૂઆત થઈ એટલે તેમને ડિજિટલ ઇમિગ્રન્ટ્સ પણ કહેવાયા. અત્યારે આ પેઢીને વેદિયા કહીને ઉતારી પડવાની ફૅશન થઈ પડી છે.

જનરેશન એક્સ
૬૫થી ૮૦ વચ્ચે જન્મેલાઓને જનરેશન એક્સ કહેવામાં આવે છે. આ સમયમાં મૂડીવાદ અને ઉપભોક્તાવાદનો વિસ્તાર થવાનું ચાલુ થયું એટલે આ પેઢી મહત્ત્વાકાંક્ષી હતી. આ પેઢીએ ઇન્ટરનેટને ખૂબ ઝડપથી અપનાવી લીધું અને એક નવા જ યુગની શરૂઆત થઈ. આ પેઢી મૅનેજમેન્ટ, ટીમવર્ક અને રિલેશનશિપની પેઢી હતી. એના સમયમાં દુનિયા મૅનેજમેન્ટનું મહત્ત્વ સમજી, વેપારથી માંડીને સંબંધો સુધી બધું વૈશ્વિક બન્યું.

મિલેનિયલ
૮૧થી ૯૬ વચ્ચે જન્મેલી પેઢીને મિ​લેનિયલ અથવા જનરેશન વાય તરીકે ઓળખવામાં આવે છે. ગ્લોબલાઇઝેશનના સમયમાં  આવેલી આ પેઢી સાચી વૈશ્વિક જનરેશન છે. આ પેઢીએ ઘણા વૈશ્વિક ઉતાર-ચડાવ જોયા છે એટલે એનામાં સહનશક્તિ વધુ છે. તે નિષ્ફળતા પછી ફરી ઊભી થઈને ઉદ્યમ આદરે છે અને સફળ થઈને બતાવે છે. આ પેઢીમાં ભરપૂર આત્મવિશ્વાસ છે અને દુનિયાની આર્થિક ધુરાનું વહન કરી રહી છે.
જનરેશન ઝૅડ
સેન્ટેનિયલ અથવા જનરેશન ઝેડ તરીકે ઓળખાતી અને ૧૯૯૭થી ૨૦૧૦ વચ્ચે અવતરેલી પેઢી પોતાને જેન ઝી કહેવડાવવાનું પસંદ કરે છે. આપણે શરૂઆતમાં જે કિશોરની વાત કરી તે આ જેન ઝી પેઢીનો કહેવાય. આ પેઢી જેટલી ક્રીએટિવ, ખુલ્લા મનની અને નવું કરવાના ઉત્સાહથી ભરપૂર છે એટલે જ એકલી છે. એ ઇન્ટરનેટની દુનિયામાં ડૂબેલી રહેતી પેઢી છે. એને દરેક વાતનું સૉલ્યુશન ઇન્ટરનેટ પાસેથી જ જોઈએ છે. એ બધું યુટ્યુબ ટ્યુટોરિયલમાંથી શીખી લેવા માગે છે. એ પોતાને સમાજથી, વડીલોથી, વ્યવસ્થાથી એકલી પડી ગયેલી અનુભવે છે. તેમને એમ પણ લાગે છે કે મા-બાપ મારા માટે કઈ કરતાં નથી અને સાથે જ માતા-પિતાને હેલિકૉપ્ટર પેરન્ટ પણ કહેવાં છે. માતા-પિતા ધ્યાન આપે તો હેલિકૉપ્ટર પેરન્ટ અને જરાક ચૂકે તો બેદરકાર ગણી લે છે આ પેઢી.

ગૅપ ક્યાં છે?
જનરેશન ગૅપને સમજવા માટે આ બધી પેઢીઓને સમજવી જરૂરી હતી. હવે શરૂઆતમાં જે વાત માંડી હતી એના પર પાછા ફરીએ. બે પેઢી વચ્ચે જનરેશન ગૅપ હોય એ કુદરતી છે. દરેક નવી પેઢીને જૂની પેઢી ઑર્થોડોક્સ લાગે અને જૂની પેઢીને નવી પેઢી બગડેલી લાગે એ સામાન્ય બાબત છે. સદીઓથી આ સમસ્યા માનવજાતને સતત સતાવતી રહી છે. નવી પેઢી વંઠેલી, બગડેલી છે એથી વડીલોની માન્યતા અને જૂની પેઢી કંઈ સમજતી નથી, બૂડથલ છે એવી નવી પેઢીની માન્યતા. દરેક નવી પેઢીને એવું લાગે છે કે અમારાં માતા-પિતા અમને સમજી શકતાં નથી. એટલે નવી પેઢીના તરુણો, કિશોરો અને યુવાનીમાં હજુ પાપા પગલી માંડનારાઓમાં સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાઇટી એટલાં બધાં છે કે તેમને ચેન નથી. તેમને લાગે છે કે આ દુનિયામાં તેમને સમજનાર કોઈ નથી. આવું થવું નવું નથી. મા-બાપે યોગ્ય ઉછેર ન કર્યો, યોગ્ય ધ્યાન ન આપ્યું એવું વિચારવું પણ નવું નથી. આવું પણ આદિકાળથી બનતું આવ્યું છે. નવી જનરેશન જૂની પેઢીથી દૂર થાય, અંતર વધે એ પણ પ્રાકૃતિક છે અને એવું થવા પાછળ કુદરતી કારણ છે. દરેક પેઢીએ જો પોતાના પૂર્વજ કરતાં વધુ સક્ષમ, વધુ વિકસિત બનવું હોય તો તેણે તેમની સાથેનો પોતાનો અનુબંધ ઢીલો કરવો પડે, ડિટૅચ થવું પડે, નવું વિચારવા માટે જૂનાથી મુક્ત થવું પડે અને એટલા માટે જ કુદરતે એવી વ્યવસ્થા ગોઠવી છે કે નવી પેઢી પોતાના વાલીઓથી અલગ થવા પ્રયત્ન કરે. આ ડિટૅચમેન્ટ કુદરતી છે એટલે દરેક સંતાન પોતાનાં મા-બાપથી થોડું તો ડિટૅચ થાય જ. જોકે અમુક સંતાનોમાં આ ભાવના વધુ તીવ્ર બની જાય છે અને અહીં જ સમસ્યા સર્જાય છે. મા-બાપ પ્રત્યેની તેમની અપેક્ષાઓ વધી જાય છે એટલું જ નહીં, પોતાની તમામ ખામીઓ માટે પણ તેઓ માતા-પિતાને જ જવાબદાર ઠરાવવા માંડે છે. પોતે જે વર્તન કરે છે, પોતાનામાં જે અવગુણો અને દૂષણો ઘૂસ્યાં હોય એ માટે કોઈને જવાબદાર ઠરાવવા માટેનો દોષનો ટોપલો ઢોળી દેવા માટે તેમને કોઈની જરૂર હોય છે અને એ માટે મા-બાપ યોગ્ય ટાર્ગેટ છે. તેમની જવાબદારી આસાનીથી નકકી કરી શકાય છે.

જોકે બધો જ દોષ સંતાનોનો જ હોય એવું નથી. મા-બાપનો પણ વાંક હોય છે જ. આ આખી બાબતમાં બંને પક્ષ જવાબદાર છે એટલે કોઈ એકને વખોડી કાઢવાનું યોગ્ય નથી. જનરેશન ગૅપથી એ જ મા-બાપ અને સંતાનો બચી શકે છે જેમની વચ્ચે વધુમાં વધુ કમ્યુનિકેશન હોય, સમજણ હોય અને સ્થિરતા હોય. અગાઉ વાલીઓ અને સંતાનો બેયનો વાંક લગભગ સમાન રહેતો. હવે અસંતુલન પેદા થયું છે. સંતાનોનો વાંક વધી રહ્યો છે. હવે મા-બાપનો જ વાંક હોય એ માનસિકતામાંથી પણ બહાર આવવાનો સમય આવી ગયો છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists kana bantwa