બાયો-બબલ અને આઇપીએલ:વિદેશી પ્લેયરો શું કામ આપણા પ્લેયરો કરતાં સવાયા પુરવાર થયા?

07 May, 2021 02:46 PM IST  |  Mumbai | Manoj Joshi

આઇપીએલમાં પ્રવેશેલા કોવિડના સંક્રમણે પુરવાર કર્યું કે બાયો-બબલમાં પંક્ચર પાડવું કેટલું સહેલું હતું. આવા બાયો-બબલને ઊભા કરવાના દાવા કરવા એમાં અનેક લોકોનો જીવ જોખમમાં મુકાય છે.

GMD Logo

આઇપીએલ રમાશે અને બાયો-બબલનો સક્સેસફુલ ઉપયોગ થશે. આવી હોશિયારીઓ મારાનારાઓની હોશિયારી સોંસરવી નીકળી ગઈ છે અને આઇપીએલનાં શટર પાડી દેવાં પડ્યાં છે. ક્રિકેટ સામે કોઈ દુશ્મની નથી કે પછી ક્રિકેટર સામે કોઈ વેર પણ નથી, પરંતુ જે રીતે ઑસ્ટ્રેલિયાના અને એ પછી ઇંગ્લૅન્ડના પ્લેયરે કોરોનાની મહામારીમાં દેશની અવદશા જોઈને આગળ આવીને ફન્ડની જાહેરાત કરી એ જોઈને થયું હતું કે હવે આપણા પ્લેયર્સ વરસાદ વરસાવી દેશે. પણ ના, આશા ખોટી હતી અને એ ખોટી આશાએ વધુ એક વાર પુરવાર કર્યું કે ભારતીય ક્રિકેટ ટીમને વધારે પડતી જ માથે ચડાવી દેવામાં આવી છે.  કોઈ પ્લેયરે દેશને કોવિડની મહામારીમાંથી બહાર કાઢવા માટે નોંધનીય આર્થિક સહાય નથી કરી. હા, નથી આવી એવું નથી. કરી છે આર્થિક સહાય અમુક ખેલાડીઓએ, પણ જેમની એક દિવસની સરેરાશ આવક કરોડામાં હતી એ ખેલાડીઓ તો મૂંગા જ રહ્યા અને એમનાં ખિસ્સાંમાંથી કશું બહાર આવ્યું નહીં. કરોડો નહીં, અબજોની ઇન્કમ અને એ પછી પણ તમે રાષ્ટ્રની બાજુમાં ઊભા રહેવાની માનસિકતા ન ધરાવતા હો તો નૅચરલી એક જ વિચાર આવે કે તમે તમારા પૂરતા જ સુખી છે અને એવું સુખ કોઈને ન મળવું જોઈએ. આપવા માટે હાથ લાંબો કરવાની તૈયારી રાખે એને જ ઈશ્વર સવિશેષ આપતો હોય છે. આઇપીએલને લીધે એક નહીં અનેક બાબતો ખુલ્લી પડી ગઈ છે. અનઑફિશ્યલ લૉકડાઉન વચ્ચે દેશ આખો હેરાન થતો હતો, ઑક્સિજન વિના લોકો જીવ છોડતા હતા અને આપણા ક્રિકેટરો મૅચ રમીને પૈસાની કમાણી કરતા હતા. કબૂલ કે ઘેરબેઠાં મનોરંજન પૂરું પાડવાનું કામ પણ તેમણે જ કર્યું છે, પણ જો ધાર્યું હોત તો તે સૌ આ મનોરંજનમાં સેવારંજન પણ જોડી શક્યા હોત. એક, એક મર્દનો ફાડિયો એવો ખેલાડી નથી નીકળ્યો જેણે એવું અનાઉન્સ કર્યું હોય કે આ વર્ષની આઇપીએલની ફી તે કોવિડ પેશન્ટ્સ માટે વાપરશે. નાક કાપી ગયો પેલો ઑસ્ટ્રેલિયન પ્લેયર, જેણે પોતાની આ વર્ષની ફી કોવિડ પેશન્ટ્સ માટે ઇન્ડિયામાં વાપરી નાખવાનું અનાઉન્સમેન્ટ કર્યું. આઇપીએલએ પ્લેયર્સના સાચા ચહેરા સામે લાવવાનું કામ કર્યું તો સાથોસાથ એ પણ સમજાવ્યું કે બાયો-બબલની જે વાતો મૅનેજમેન્ટ કરે છે એ પોકળ છે. આઇપીએલમાં પ્રવેશેલા કોવિડના સંક્રમણે પુરવાર કર્યું કે બાયો-બબલમાં પંક્ચર પાડવું કેટલું સહેલું હતું. આવા બાયો-બબલને ઊભા કરવાના દાવા કરવા એમાં અનેક લોકોનો જીવ જોખમમાં મુકાય છે. આઇપીએલની મૅચ ચાલુ હતી એ દરમ્યાન અનેક લોકોએ બાયો-બબલના આધારે પોતાના કામધંધા સેટ કરવા માટે હવાતિયાં પણ મારી લીધાં અને એમાં ટીવીસિરિયલો પણ બાકાત નથી રહી. આઇપીએલના બાયો-બબલે સમજાવ્યું કે એ ફૂટશે ત્યારે ખરેખર રડવાના દિવસો આવી જશે. આજે ટીવીસિરિયલમાં બ્રેક લેવાનો સમય છે એવા સમયે બાયો-બબલ બનીને લોકો સિરિયલનું શૂટિંગ કરે છે. છો કરે, પણ એ બાયો-બબલ માટે કડક રહેવું પડશે એ તો સૌ કોઈને આઇપીએલમાંથી સમજાયું હશે એવી અપેક્ષા રાખીએ. અપેક્ષા પણ અને સાથોસાથ કડકાઈની નીતિ પણ. 

columnists manoj joshi