ભારત જોડો યાત્રા : કૉન્ગ્રેસને જીવતી કરવાનો રાહુલનો મોટો દાવ

18 September, 2022 03:31 PM IST  |  Mumbai | Raj Goswami

બીજેપી આજે રાહુલની પદયાત્રાની ભલે મજાક ઉડાડે, પણ ભારત પર એના શાસનના મૂળમાં ૧૯૯૦ની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા છે. બીજેપીના તત્કાલીન અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ રામમંદિરના નામે જનજાગૃતિ ફેલાવવા આ યાત્રા કાઢી હતી જેના સંચાલનમાં મોદી હતા.

તસવીર સૌજન્ય : પી.ટી.આઇ.

‘મોદી જે કરે છે એ સારા માટે કરે છે’ એવો વિશ્વાસ જનમાનસમાં છે એનું કારણ એ છે કે લોકો એવું માનવા તૈયાર નથી કે મોદી અંગત સ્વાર્થ માટે કશું કરે છે. નિર્ણયો વિવાદાસ્પદ હોય તો પણ, છે તો લોકો માટે અથવા રાષ્ટ્ર માટે.

એક મિનિટ માટે રાજકારણને બાજુએ રાખો અને માત્ર શારીરિક અને માનસિક શ્રમની જ વાત કરો, તો રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ એક અપ્રતિમ સાહસથી ઓછી નથી. ૭ સપ્ટેમ્બરે તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થયેલી આ પદયાત્રા ૧૧ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે અને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થવાની છે. રાહુલ ગાંધી અને ૧૦૦ યાત્રીઓ દરરોજ પગપાળા ચાલીને ૨૦થી ૨૫ કિલોમીટરનું અંતર કાપશે અને આગામી પાંચ મહિનામાં યાત્રાનો ૩૫૭૦ કિલોમીટરનો આખો રૂટ પૂરો કરશે. યાત્રા બે બૅચમાં થશે; સવારે ૭થી ૧૦.૩૦ અને સાંજે ૩.૩૦થી ૬.૩૦. અમુક યાત્રીઓ ‘અતિથિ યાત્રી’ તરીકે જોડાશે અને સાંજ પડ્યે સૌ સૌના ઘરે જશે. રાહુલ સહિતના ૨૫૦ યાત્રીઓ, ટ્રક પર બનાવવામાં આવેલાં ૬૦ કન્ટેનરમાં રાત વિતાવશે. કન્ટેનરમાં ઍરકન્ડિશન સિવાયની બધી સુવિધા છે. 

પણ ‘ભારત જોડો યાત્રા’ શારીરિક વ્યાયામ નથી, એ એક રાજકીય કવાયત છે. કૉન્ગ્રેસના બાવન વર્ષના નેતા રાહુલ ગાંધીએ આ યાત્રા દ્વારા તેમના નિષ્ફળ નેતૃત્વ અને સતત પતનના માર્ગે જઈ રહેલી કૉન્ગ્રેસ પાર્ટીમાં જોમ પૂરવા માટે તેમની કારકિર્દીનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે. રાહુલ એમાં સફળ રહેશે? દેશમાં મતદારો છેલ્લાં આઠ વર્ષથી ચૂંટણી દર ચૂંટણી જે રીતે કૉન્ગ્રેસને જાકારો આપી રહ્યા છે એ જોતાં આગામી ચૂંટણીમાં કોઈ ચમત્કાર થવાની શક્યતા નહીંવત્ છે. 

એનું મુખ્ય કારણ સત્તાવિરોધી લહેરનો અભાવ. નરેન્દ્ર મોદીની સરકારે અનેક વિવાદાસ્પદ નિર્ણય લીધા છે છતાં આમજનતામાં સરકારવિરોધી ભાવના જોવા મળતી નથી. મોદીની ‘મજબૂત નેતા’ની છબિ લોકોના માનસમાં એવી ઘર કરી ગઈ છે કે મતદારો તેમની કમજોરીને નજરઅંદાજ કરે  છે. ‘મોદી જે કરે છે એ સારા માટે કરે છે’ એવો એક વિશ્વાસ જનમાનસમાં છે એનું કારણ એ છે કે લોકો એવું માનવા તૈયાર નથી કે મોદી અંગત સ્વાર્થ માટે કશું કરે છે. નિર્ણયો વિવાદાસ્પદ હોય તો પણ, છે તો લોકો માટે અથવા રાષ્ટ્ર માટે. આવી લોકભાવના મોદીને સરસાઈ આપે છે અને વિરોધીઓ (કૉન્ગ્રેસ)ને નુકસાન કરાવે છે.

એનો અર્થ એવો પણ નથી કે લોકો પાસે સરકારની ટીકા કરવાનાં કારણ નથી. અર્થવ્યવસ્થા નબળી પડી છે અને દેશમાં કોમી સૌહાર્દને જબરદસ્ત આઘાત લાગ્યો છે એ બે બાબતોથી બધા લોકો વાકેફ છે, પરંતુ નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ? એ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હોવાથી મતદારો દરેક ચૂંટણીઓમાં મોદીના નામે બીજેપીને સત્તા આપે છે. આ સ્થિતિ નવાઈની નથી. એક જમાનામાં કૉન્ગ્રેસના જ જવાહરલાલ નેહરુ (૧૬ વર્ષ) અને ઇન્દિરા ગાંધી (બે તબક્કે ૧૪ વર્ષ)ના શાસનમાં પણ વિરોધ પક્ષોની હાલત એટલી નબળી હતી કે એ વખતે પણ ‘ટીના’ (ધેર ઇઝ નો ઑલ્ટરનેટિવ) ફૅક્ટર પ્રચલિત થયું હતું. 

જોકે કટોકટી કાળમાં સત્તાવિરોધી ભાવના મજબૂત હતી, પણ ઇન્દિરા તેમની લોકપ્રિયતાના ભ્રમમાં રહ્યાં હતાં અને ૧૯૭૭માં વિપક્ષોના ગઠબંધન ‘જનતા પાર્ટી’એ તેમને ઘરે બેસાડી દીધાં હતાં. ‘ભારત જોડો યાત્રા’ના નામે રાહુલ ગાંધી મોદી સરકાર સામે જનજાગૃતિ પેદા કરવા માગે છે. દેખીતી રીતે જ યાત્રાનો હેતુ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી છે. કૉન્ગ્રેસ અત્યારે બે જ રાજ્યો (રાજસ્થાન અને છત્તીસગઢ)માં સત્તામાં છે અને જ્યાં પણ સ્થાનિક પાર્ટીઓ મજબૂત છે ત્યાં એ ત્રીજા નંબરે છે. એ ઉપરાંત પાર્ટીમાં ભયાનક આંતરિક ખટપટો ચાલે છે અને એના અનેક અગ્રણી નેતાઓ પાર્ટી છોડી ગયા છે. 

એટલે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કે એક સમયે એક જમાનામાં ૧૬ રાજ્યોમાં શાસન કરતી કૉન્ગ્રેસ પાર્ટીનો આ યાત્રા મારફત એની કૅડરમાં ઉત્સાહ ભરવાનો, રાજ્યોમાં પાર્ટીને સક્રિય કરવાનો અને ૨૦૨૪ સુધી બીજેપીના વિકલ્પ તરીકે ઊભરવાનો છેલ્લો અને મોટો પ્રયાસ છે. આજની નવી પેઢી માટે પદયાત્રા કદાચ જોણું સાબિત થતી હશે, પરંતુ ભારતના ઇતિહાસમાં એની નવાઈ નથી.

મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે જનજાગૃતિ ફેલાવવા માટે ૧૯૩૦માં દાંડીયાત્રા કરી હતી. જનતા પાર્ટીની ખીચડી સરકારને ઉખાડી ફેંકીને પુન: સત્તામાં આવેલાં ઇન્દિરા ગાંધી ૧૯૮૩માં તેમની લોકપ્રિયતાની ચરમસીમાએ હતાં ત્યારે જનતા પાર્ટીના વડા ચંદ્રશેખરે કન્યાકુમારીથી દિલ્હીના રાજઘાટ સુધી ‘ભારત યાત્રા’ આદરી હતી. એનાથી તેઓ ગરીબ અને પછાત વર્ગના હીરો બની ગયા હતા. બદ્નસીબે ૧૯૮૪ની ૩૧ ઑક્ટોબરે સિખ સુરક્ષા કર્મચારીએ ઇન્દિરાની હત્યા કરી નાખી અને ચંદ્રશેખરનું કર્યુંકરાવ્યું ધૂળમાં મળી ગયું. 

બીજેપી આજે રાહુલની પદયાત્રાની ભલે મજાક ઉડાડે, પણ ભારત પર એના શાસનના મૂળમાં ૧૯૯૦ની સોમનાથથી અયોધ્યાની રથયાત્રા છે. બીજેપીના તત્કાલીન અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ રામમંદિરના નામે જનજાગૃતિ ફેલાવવા આ યાત્રા કાઢી હતી (જેના સંચાલનમાં મોદી હતા). એમાં અડવાણી જનનાયક બની ગયા હતા અને બીજેપી કૉન્ગ્રેસના મજબૂત વિકલ્પ તરીકે ઊભરી હતી. 

રાહુલની ‘ભારત જોડો યાત્રા’નું નામ પણ પહેલી વાર નથી. અડવાણીએ જે વાવ્યું હતું એને પાણી સીંચવાના આશયથી તેમના ઉત્તરાધિકારી મુરલી મનોહર જોશીએ ૧૯૯૧માં કન્યાકુમારીથી શ્રીનગર સુધીની ‘એકતા યાત્રા’ આદરી હતી. એમાં પણ નરેન્દ્ર મોદી કર્તાહર્તા હતા. હાલમાં કેન્દ્રમાં પ્રધાન અનુરાગ ઠાકુરે ૨૦૧૧માં કલકત્તાથી શ્રીનગર સુધીની ‘એકતા યાત્રા’ કાઢી હતી. ૧૯૯૦માં સત્તા ગુમાવ્યા પછી રાજીવ ગાંધીએ પણ ટ્રેનમાં બેસીને ‘ભારત યાત્રા’ કાઢી હતી. જોકે એ યાત્રાનું ધાર્યું ફળ મળ્યું નહોતું. 

‘ભારત યાત્રાઓ’નો આ ટૂંકો ઇતિહાસ એક જ વાત સાબિત કરે છે કે લોકોને પોતાની સાથે જોડવા એ લોકતાંત્રિક રાજનીતિમાં કોઈ નેતા કે પાર્ટીનો પાયાનો હેતુ હોય છે. એટલે આવી યાત્રાઓ હંમેશાં આવકારદાયક જ હોય છે. કૉન્ગ્રેસે એની યાત્રા માટે જે માર્ગ પસંદ કર્યો છે એમાં લોકસભાની લગભગ ૬૫ જેટલી બેઠકો પડે છે. આ સંખ્યા નાની નથી. એનો લાભ ચૂંટણીમાં મળશે કે નહીં એ બીજો પ્રશ્ન છે, પરંતુ પૂરા ભારતને સમાવતી લોકસભાની ૧૨ ટકા બેઠકો અને એની આજુબાજુની અન્ય બેઠકો પર એ ચર્ચા તો જરૂર જગાવશે.

એટલા માટે કૉન્ગ્રેસના બે પ્રમુખ ટીકાકારો આ યાત્રાની ઉપેક્ષા કરી શક્યા નથી. પહેલા છે બીજેપીના બીજા નંબરના કદાવર નેતા અને ગૃહપ્રધાન અમિત શાહ. દેખીતી રીતે જ તેમણે એનો વિરોધ જ કરવો પડે, પરંતુ તેમણે વિવિધ વર્ગના ભારતીયોને કૉન્ગ્રેસના સર્વધર્મ સમાન સિદ્ધાંત સાથે જોડવાના યાત્રાના બૃહદ હેતુને અડક્યા વગર, કુનેહપૂર્વક રાહુલ ગાંધીને અંગત નિશાન બનાવ્યા છે. 

બે દિવસ પહેલાં રાજસ્થાનના જોધપુરમાં બીજેપીના બૂથ-સ્તરના કાર્યકરોને સંબોધતાં અમિત શાહે રાહુલ ગાંધીના અગાઉના એક નિવેદનનો સહારો લઈને કહ્યું હતું કે ‘હું રાહુલબાબા અને કૉન્ગ્રેસીઓને સંસદમાં તેમના ભાષણને યાદ કરાવવા માગું છું. રાહુલબાબાએ કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર નથી. રાહુલબાબા, તમે કયા પુસ્તકમાં આ વાંચી આવ્યા છો. આ રાષ્ટ્ર માટે લાખો લોકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું છે. તમારે ઇતિહાસ ભણવાની જરૂર છે (રાહુલ ગાંધીએ બંધારણને ટાંકીને કહ્યું હતું કે ભારત રાષ્ટ્ર નથી, પણ રાજ્યોનો સંઘ છે).

બીજી, પ્રમાણમાં થોડી હળવી ટીકા ચૂંટણી-વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની હતી. યાત્રાના માર્ગને લઈને તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તેઓ જે યાત્રા કરી રહ્યા છે એની કેટલી અસર પડશે એની મને ખબર નથી. હું એટલું કહી શકું કે તેમની યાત્રાનો માર્ગ મોટા ભાગે એવાં રાજ્યોમાંથી છે જ્યાં કૉન્ગ્રેસ અને બીજેપીનો સીધો મુકાબલો નથી. તમે જો બીજેપીની વિચારધારાના વિરોધમાં હો તો બીજેપી શાસિત રાજ્યોમાંથી પણ પસાર થવું જોઈએ.’

પ્રશાંત કિશોરની સરખામણીમાં કર્મશીલ અને ચૂંટણી-વિશ્લેષક યોગેન્દ્ર યાદવે આશાવાદી સૂરે કહ્યું હતું કે ‘તમે કૉન્ગ્રેસ અને રાહુલની તસવીરો ચારે તરફ જોશો, પણ એવી ભૂલ ન કરતા કે આ યાત્રા એક પાર્ટી કે એક નેતાની નથી. ઘણાં જનઆંદોલનોમાંથી લોકો એમાં જોડાયા છે. આ ભારતીય ગણરાજ્યને પાછું ઊભું કરવાનો પ્રયાસ છે. એ લોકો તોડે છે, અમે જોડીશું.’ ઉલ્લેખનીય છે કે આ જ યાદવે ૨૦૧૯માં નરેન્દ્ર મોદીને મળેલા પ્રચંડ બહુમતને જોઈને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે હવે ખતમ થઈ જવું જોઈએ.’

રાહુલની યાત્રામાં એક જ કમજોરી છે, એમાં જનભાવના નથી. યાત્રામાં લોકો જોડાય એનો અર્થ એ નથી કે લોકોની લાગણીઓ એમાં જોડાયેલી છે. છેક મહાત્મા ગાંધીની દાંડીયાત્રાથી લઈને અડવાણીની રથયાત્રા સુધી, ભારતની રાજનીતિની એ તાસીર રહી છે કે સામાન્ય લોકો દિમાગથી નહીં, પણ દિલથી કોઈ ચળવળમાં જોડાય છે. રાહુલ ગાંધી ભણેલા-ગણેલા અને અમુક મૂલ્યો સાથે ચાલનારા ઉમદા વિચારોવાળા નેતા છે, પરંતુ તેમનામાં, તેમનાં દાદી ઇન્દિરા કે પ્રતિસ્પર્ધી મોદીની જેમ, જનનેતાના ભાવનાત્મક કરિશ્માનો અભાવ છે. પરિણામે આ દેશની બહુમતી ગરીબ અને નિરક્ષર પ્રજા તેમની સાથે તાદાત્મ્ય અનુભવતી નથી. 

એનું કારણ એ પણ છે કે રાહુલ પાસે બીજેપીની ટીકા કરવા સિવાય વૈકલ્પિક રાજકીય દર્શન નથી. જનતા તમારી સાથે તેમના બહેતર ભવિષ્ય માટે જોડાય છે અને એને માટે તમારી પાસે યોજના હોવી જોઈએ. બીજેપીની ટીકા કરવાથી મતદારો રિઝાતા નથી એ ભૂતકાળમાં સાબિત થઈ ચૂક્યું છે. રાહુલ ગાંધી તેમના જીવનની સૌથી મોટી રાજકીય ચળવળમાં કદાચ એ વાત ફરી ચૂકી ગયા છે.

લાસ્ટ લાઇન : તાકાત શારીરિક ક્ષમતામાંથી નથી આવતી, એ અદમ્ય ઇચ્છાશક્તિમાંથી આવે છે. - મહાત્મા ગાંધી

columnists raj goswami