સીમા વર્તે સાવધાન : લડાઈ, અંદરની અને બહારની

04 December, 2022 06:52 PM IST  |  Mumbai | Raj Goswami

ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ એને માટે એનો કક્કો ખરો કરાવી રહ્યું છે

સીમા વર્તે સાવધાન : લડાઈ, અંદરની અને બહારની

આપણને, એટલે કે સાધારણ જનતાને એ અંદાજ નથી કે એ ઘટના પછી ચીન સાથેના આપણા સંબંધો કેટલા ખરાબ થઈ ચૂક્યા છે. બન્ને દેશ વચ્ચે અત્યાર સુધી મંત્રણાઓના ૧૪ દોર થઈ ચૂક્યા છે અને છતાં સ્થિતિ સુધરી નથી. કોરોના પછીની દુનિયામાં કૂટનીતિ સ્તરે ધરખમ ફેરફાર આવ્યા છે. ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ એને માટે એનો કક્કો ખરો કરાવી રહ્યું છે.

 આપણા માટે ગલવાન દુખતી રગ બની ગયું છે. ૨૦૨૦માં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઈ, એ પછી ચીન ત્યાં એની પ્રવૃત્તિઓ વધારતું રહ્યું છે. બે વર્ષમાં એવો એક મહિનો પસાર નથી થયો જેમાં ગલવાનમાં ચીનની લશ્કરી હિલચાલના કોઈ સમાચાર ન આવ્યા હોય.

ભારત માટે એવું કહેવાય છે કે આપણે અંદરોઅંદર એટલા બાઝતા રહીએ છીએ કે અસલમાં જે લડાઈઓ થતી હોય છે અથવા થવાની હોય છે એના પ્રત્યે ક્રિમિનલ ઉપેક્ષા સેવીએ છીએ. અંગ્રેજો આપણા પર સફળતાપૂર્વક રાજ એટલા માટે જ કરી શક્યા, કારણ કે આપણે ધર્મના નામે, જાતના નામે, પ્રદેશના નામે, ભાષાના નામે, ઊંચ-નીચના નામે સતત લડતા-ઝઘડતા રહ્યા હતા. ‘ભાગલા પાડો અને રાજ કરો’ એ નીતિ કોઈ નવી નવાઈની નહોતી. એ આપણે જ અંગ્રેજોને શીખવાડ્યું હતું. અંદરોઅંદર લડતાં રહેવું આપણા ડીએનએમાં છે, એ આપણા ‘સંસ્કાર’ છે. આજે, આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ એમાં ફરક નથી પડ્યો. ઊલટાનું, એમાં વધારો થયો છે. આપણે અસલી મુદ્દાઓને ભૂલીને વ્યર્થ બાબતોને ‘રાષ્ટ્ર સ્તર’ની બનાવી દઈએ છીએ.
ગયા અઠવાડિયે, ઍક્ટ્રેસ ઋચા ચઢ્ઢાની ટ્વીટ પર જે બબાલ થઈ, એમાં આ વાત ફરી એક વાર સાબિત થઈ. બન્યું એવું કે ઋચાએ તેની એક ટ્વીટમાં સેનાની ઉત્તરીય કમાનના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના એક બયાનનો જવાબ આપ્યો હતો. જનરલ દ્વિવેદીએ તેમના બયાનમાં કહ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પુન: નિયંત્રણમાં લેવા માટે ભારતીય સેના કાયમ તૈયાર છે અને સરકારના આદેશની રાહ જુએ છે.
તેમનું આ બયાન પત્રકારોના એક સવાલના સંદર્ભમાં હતું. દર અસલ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે હિમાચલમાં એક ચૂંટણીસભામાં એવું કહ્યું હતું કે ૧૯૭૧માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ વેળા જ પાકિસ્તાનવાળા કાશ્મીરનો ફેંસલો થઈ જવો જોઈતો હતો, પરંતુ એ અફસોસની વાત છે કે એ સમયે ભારતે પાકિસ્તાનના ૯૦,૦૦૦થી વધુ સૈનિક બંદી બનાવ્યા હતા છતાં ભારતે બદલામાં પીઓકેની માગણી કરી નહોતી. 
આ બંને વાતો, રાજનાથે જે કહ્યું એ અને જનરલે જે જવાબ આપ્યો એ, નવી નવાઈની નથી. ચૂંટણીપ્રચારમાં ઘણી બધી વાતો થતી હોય છે. એક વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો ત્યાં સુધી કહ્યું કે ન્યુક્લિયર બૉમ્બ દિવાળીમાં ફોડવા માટે નથી. એનો અર્થ એવો નથી થતો કે તેઓ સીમા પર બૉમ્બ ફોડશે. પીઓકે ભારતનું છે અને પાછું લેવાનું છે એ વાત ભારતની અધિકૃત પૉલિસી હેઠળ આવે છે એટલે વખતોવખત એનું રટણ કરતાં રહીએ છીએ. પીઓકે કેવી રીતે પાછું લઈશું કે ક્યારે લઈશું એની ન તો કોઈ યોજના છે કે ના તો સમયમર્યાદા.
એવી જ રીતે, ભારતીય સેનાનું કામ સરકારની નીતિને અનુસરવાનું છે. તમે એવું પૂછો કે તમે યુદ્ધ કરવા તૈયાર છો? તો સેના એવું તો ન કહે કે ‘ના, અમે તૈયાર નથી.’ બસ, એ રીતે જ એક પત્રકારે રાજનાથનું બયાન યાદ કરાવીને સેનાને એની તૈયારી વિશે પૂછ્યું (એ સવાલ બહુ મહાન પણ નહોતો) એટલે જનરલે સ્વાભાવિક રીતે જ કહ્યું કે અમે તો સરકાર કહે એની રાહ જોઈએ છીએ. ભારત જ નહીં, દુનિયાભરની સેનાઓ રોજ તૈયાર થઈને એટલા માટે જ બેઠી હોય છે કે ક્યાંક સરકારનો કોઈ આદેશ આવી જાય.
આખી વાત બહુ જ સહજ હતી, પરંતુ ઋચા ચઢ્ઢાએ એક ટ્વીટ કરી એમાં ‘લડાઈ’ ફાટી નીકળી. ઋચાએ જનરલ દ્વિવેદીના બયાનને ટૅગ કરીને ઉપર લખ્યું, ‘ગલવાન સેઝ હાઈ’ (ગલવાન યાદ કરે છે). એમાં ઋચાએ સેનાનું અપમાન કર્યું છે અને ઋચા દેશદ્રોહી છે એવા આરોપોસર તેના પર એટલું બધું આક્રમણ થયું કે તેણે તેની ટ્વીટ ડિલીટ કરવી પડી. તેણે માફી માગતાં કહ્યું કે, ‘મારો આવો કોઈ ઇરાદો નહોતો, છતાં જે ત્રણ શબ્દો પર વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનાથી સેનામાં કોઈની લાગણી દુભાઈ હોય તો મને ખેદ છે.’ તેણે કહ્યું કે તેના નાના સેનામાં હતા અને ૧૯૬૫ના યુદ્ધમાં પગમાં ગોળી વાગી હતી. ‘આ મારા લોહીમાં છે,’ તેણે લખ્યું હતું, ‘કોઈ સપૂત દેશની સેવા કરતી વખતે શહીદ કે ઘાયલ થાય ત્યારે આખો પરિવાર પ્રભાવિત થાય છે. આ મારા માટે ભાવનાત્મક મુદ્દો છે.’
ઋચાના બચાવમાં જે લોકો આવ્યા હતા તેમની દલીલ એ હતી કે ઋચાએ સેનાની ટીકા નથી કરી. તેણે એ સરકારની ટીકા કરી છે જેની અણઆવડતના કારણે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે મારામારીમાં ૨૦ જવાનો શહીદ થયા હતા. આપણા માટે ગલવાન એક દુખતી રગ બની ગયું છે. ૨૦૨૦માં, ત્યાં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ થઈ, એ પછી ચીન ત્યાં લગાતાર એની પ્રવૃત્તિઓ વધારતું રહ્યું છે. આ બે વર્ષમાં એવો એક પણ મહિનો પસાર નથી થયો જેમાં ગલવાનમાં ચીનની લશ્કરી હિલચાલના કોઈ સમાચાર ન આવ્યા હોય. ભારત સરકાર પણ વખતોવખત કહેતી રહી છે કે ત્યાં સીમા પર ચીન સાથે બધું સમુંસૂતરું નથી. 
ઇન ફૅક્ટ, ઋચા ચઢ્ઢાના મુદ્દે આપણું લોહી ઊકળતું હોય તો એનું પા ભાગનું લોહી સરહદ પર અને સરહદ પારથી જે સમાચારો આવી રહ્યા છે એના પર ઊકળવું જોઈએ. વાંચવા-વિચારવા જેવો અસલી મુદ્દો અત્યારે ચીન અને પાકિસ્તાનનો છે, પરંતુ આપણે અંદરોઅંદરની લડાઈમાં એટલા મગ્ન છીએ કે ત્યાં શું બની રહ્યું છે એની ચિંતા નથી કરતા.
આપણને, એટલે કે સાધારણ જનતાને, એ અંદાજ નથી કે એ ઘટના પછી ચીન સાથેના આપણા સંબંધો કેટલા ખરાબ થઈ ચૂક્યા છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં મંત્રણાઓના ૧૪ દોર થઈ ચૂક્યા છે અને છતાં સ્થિતિ સુધરી નથી. કોરોના પછીની દુનિયામાં કૂટનીતિ સ્તરે ધરખમ ફેરફારો આવ્યા છે. ચીન આર્થિક, રાજકીય અને લશ્કરી મોરચે અત્યંત આક્રમક બન્યું છે અને દુનિયા કેવી રીતે ચાલવી જોઈએ એના માટે એનો કક્કો ખરો કરાવી રહ્યું છે. અમેરિકા સાથે એનું શીત યુદ્ધ શરૂ થયું છે અને દુનિયાના દેશો ચીન અને અમેરિકા, એમ બે છાવણીઓમાં વહેંચાઈ રહ્યા છે. ચીન ભારતને અમેરિકાનું ‘પિઠ્ઠું’ અને દક્ષિણ એશિયામાં એના હરીફ તરીકે જુએ છે. 
એવી એક વ્યાપક માન્યતા છે કે ગલવાન વિવાદમાં ચીન ટસથી મસ થવા તૈયાર નથી અને એની હરકત એવી છે જાણે એને સેનાઓ વચ્ચે સંઘર્ષ થાય એમાં રસ હોય. તાજેતરમાં જ, સેનાપ્રમુખ મનોજ પાંડેએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ની સ્થિતિને ‘અસાધારણ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બે વર્ષ પછી પણ ત્યાં ચીની સૈનિકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. વિદેશી નિષ્ણાતો અનુસાર, ચીન સીમા પરનાં વિભિન્ન વિવાદિત ક્ષેત્રોમાં ઘૂસપેઠ કરવાની ફિરાકમાં છે. એ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભાં કરી રહ્યું છે.
ચીનની આ યોજનામાં એને પાકિસ્તાનનો સાથ છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય થઈ એ પછી ચીન અને પાકિસ્તાન વચ્ચે દોસ્તીના કોલ લેવાયા છે અને એની એક આડઅસર ભારતની સીમાઓ પર છે. ભારત અને ભારત બહારના સલામતી નિષ્ણાતો એક એવા ભવિષ્યની કલ્પના કરી રહ્યા છે કે ભારત સીમાએ જ્યારે પણ કોઈ યુદ્ધ થશે, ત્યારે એ ત્રિપાંખિયું હશે. એક તરફ ભારત અને બીજી તરફ ચીન અને પાકિસ્તાન.
એ સંદર્ભમાં, પાકિસ્તાનમાંથી આવેલા સમાચાર પણ ‘ચિંતાજનક’ છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ, જે ભારતમાં બહુ સક્રિય છે, એના ભૂતપૂર્વ વડા લેફ્ટેનન્ટ-જનરલ સૈયદ અસિમ મુનિરને પાકિસ્તાનના આર્મી ચીફ બનાવવામાં આવ્યા છે. ૨૦૧૯માં, પુલવામાની ઘટના બની ત્યારે આઇએસઆઇની કમાન મુનિરના હાથમાં હતી. ઉપરાંત, ઍર ફોર્સના પાઇલટ અભિનંદન વર્ધમાનની ભારત વાપસીમાં પણ તેમની મોટી ભૂમિકા હતી. 
નવા નિયમ પ્રમાણે, મુનિર આગામી ચાર વર્ષ સુધી એ પદ પર રહેશે. દિલ્હીમાં વર્તુળો માને છે કે આ ચાર વર્ષ દરમ્યાન, મુનિર ભારતવિરોધી કટ્ટરતામાં વધુ હવા ભરશે. મુનિર રૂઢિચુસ્ત સાઉદી અરેબિયામાં કામ કરી ચૂક્યા છે એટલે તેમનામાં ઉદારતાની અપેક્ષા અસ્થાને છે. ધાર્મિક વૃત્તિવાળા પાકિસ્તાની આર્મી ચીફ ભારત માટે કાયમ માથાનો દુખાવો રહ્યા છે અને મુનિર એમાં અપવાદ નથી રહેવાના.
મુનિર એવા સમયે પાક સેનાના વડા બન્યા છે જ્યારે પાકિસ્તાન આંતરિક રીતે રાજનૈતિક અને લશ્કરી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યારે બાહ્ય સ્તરે એક તરફ અફઘાનિસ્તાનની અસ્થિરતા એના માટે ચિંતાનો વિષય છે અને બીજી તરફ આક્રમક ભારતનો ડર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એને અમેરિકા અને ચીનની તંગ દોરી પર ચાલવાનું છે. એ બહુ સ્પષ્ટ છે કે વડા પ્રધાન શાહબાઝ શરીફ મુનિરને પૂછ્યા વગર ભારત, ચીન અને અફઘાનિસ્તાનના મોરચે પાણી પણ પીવાના નથી.
ભારત માટે એ જોવાનું રહેશે કે મુનિર, તેમના પુરોગામી જનરલ બાજવાની જેમ, કાશ્મીરમાં સીમારેખા પર ‘શાંતિ’ જાળવી રાખવાના પક્ષમાં છે કે પછી ત્યાં સળીઓ કરવાના મૂડમાં છે. ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણે ન્યુક્લિયર તાકાતો છે. ત્રણેના એકબીજા સાથે ‘ટાંકા ભિડાયેલા’ છે. એકબીજાના દેશમાં કશું પણ થાય, એનો સીધો પ્રભાવ એમના સંબંધો અને સુરક્ષા પર પડે છે. 
આટલી ‘પ્રસ્તાવના’ પછી આપણે એક જ સવાલ પૂછવાનો છે; સીમાઓ પર જ્યારે આવા અસલી મુદ્દાઓ ગંભીર સ્વરૂપ લેતા હોય, ત્યારે આપણે ફિલ્મસ્ટારોની ટ્વીટ પર લડી પડતા હોઈએ એ કઈ રીતે દેશના હિતમાં છે?

columnists raj goswami