દમ મારો દમ : શ્રીમંત અને વગદાર હોવાનો અર્થ એવો થોડો થાય કે ફાટીને ધુમાડે ચડો

10 October, 2021 12:44 PM IST  |  Mumbai | Manoj Joshi

શાહરુખ ખાન શું, કોઈ પણ ચમરબંધીને આ વાત લાગુ પડે અને આ વાત લાગુ પડવાની સાથોસાથ એ તમારી આંખો ખોલવાનું કામ કરતી હોય તો એ પણ કરી લેવા દેજો.

પ્રતીકાત્મક તસવીર

શાહરુખ ખાનના દીકરાની અટકાયત સાથે જ અનેક લોકો તેના પક્ષમાં બોલવા માટે ઊભા થઈ ગયા છે. કિંગ ખાનની ગુડ બુકમાં આવવાની તક મળી. ભલા માણસ, આવી ચમચાગીરીનો કોઈ અર્થ નથી અને આવી ચાપલૂસીથી કંઈ વળવાનું નથી અને બીજી વાત, શ્રીમંત અને વગદાર હોવાનો અર્થ એવો જરાય નથી કે તમે ફાટીને ધુમાડે જાઓ. ના, ના અને ના. એવો અર્થ પણ નથી અને એવો કોઈ હક પણ આપવામાં આવ્યો નથી. શાહરુખ ખાન શું, કોઈ પણ ચમરબંધીને આ વાત લાગુ પડે અને આ વાત લાગુ પડવાની સાથોસાથ એ તમારી આંખો ખોલવાનું કામ કરતી હોય તો એ પણ કરી લેવા દેજો.
ફરજ મા-બાપની છે કે તે પોતાનાં સંતાનોને કઈ રીતે મોટાં કરે છે અને મોટાં કરતી વખતે કેવા સંસ્કાર તેનામાં વાવે છે. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે સમય નથી તો સંતાનોની પરવરીશ એવી વ્યક્તિના હાથમાં સોંપો જેને તમારા ધનની કે વગની ચાપલૂસીમાં રસ નથી અને તમને પણ તેના પ્રત્યે ભારોભાર માન છે. સંતાનો અવળા માર્ગે ચડી ગયા પછી તેમને પાછાં લાવવાનું કામ કેવું અઘરું છે એ વિશે તમે જાણતા ન હો તો એક વખત સંજય દત્તનો ભૂતકાળ ચકાસી લેજો. સુનીલ દત્તના જીવનને પણ જોઈ લેજો. તેમના જીવનનો વનપ્રસ્થાશ્રમ દીકરાને ફરીથી જીવનમાં પાછો લાવવામાં જ પસાર થયો અને એમાં જ તે માનસિક રીતે ખુવાર પણ થયા. જો તમે ઇચ્છતા હો કે તમારો દીકરો સંજય દત્ત બને તો એક વખત તમારી જાત સામે જોઈ લેજો, તમે સુનીલ દત્ત છો ખરા?
પૂછજો આ પ્રશ્ન જાતને અને બૅન્ક-બૅલૅન્સ પણ ચકાસીને જોઈ લેજો કે તમારી પાસે પણ એટલું ધન છે ખરું કે તમે તમારા દીકરાને ફરીથી જીવનમાં પાછો લાવી શકો?
આ સિવાયના પણ હજારો સવાલ છે, જેના જવાબ શોધવાની ક્ષમતા પણ આપણામાં નથી અને એટલે જ કહું છું કે શ્રીમંત કે વગદાર હોવાનો અર્થ બિલકુલ એવો નથી કે તમારું બાળક ફાટીને ધુમાડે જાય અને ધુમાડે ન પણ ગયું હોય તો પણ તેને એવો કોઈ હક મળતો નથી કે તે ખોટા રસ્તે ચાલે.  
આ તો કિંગ ખાન છે. વગ વાપરી શકે છે, ધન ખર્ચી શકે છે અને સંતાનના જીવનને દુનિયાના શ્રેષ્ઠ દેશમાં સેટ પણ કરાવી શકે છે, આપણે એ ક્ષમતા નથી ધરાવતા અને એ ક્ષમતા નથી ધરાવતા એટલે જ જરૂરી હોય ત્યાં અને ત્યારે બાળકની સામે લાલ આંખ કરવાની તૈયારી રાખજો. સંતાનપ્રેમમાં સપડાતા નહીં અને સંતાનને આડશ આપતી પત્ની સામે પણ જોવાની દરકાર કરતા નહીં. અનેક પરિવાર એવા છે જેમાં મા કે બાપની ઓથમાં સંતાન પોતાનું ધાર્યું કરી લે છે. એ પરિવાર ભવિષ્યમાં દુઃખ ભરવાનાં કાર્ય કરે છે. બીજી વાત, બાળકોની કમાણીને હાથ નથી લગાડવો, આવું બોલનારાં મા-બાપ પણ સંતાનોને ગેરવાજબી દિશામાં ધકેલવાનું કામ કરી રહ્યાં છે એ પણ સૌકોઈએ સમજવું જોઈશે. આ જ વિષય સાથે આવતી કાલે આગળ વધીશું. આજે એક વિરામ સાથે કહેવાનું, બસ એટલું જ વિચારજો આ વિષય પર. તમારા હિતમાં છે.

columnists manoj joshi