કૉલમ : બેમિસાલ બાર્બી

31 March, 2019 12:29 PM IST  |  | વર્ષા ચિતલિયા

કૉલમ : બેમિસાલ બાર્બી

બાર્બી

રમકડાંની દુનિયામાં પોતાની અનોખી ઓળખ ધરાવતી તેમ જ વિશ્વની અબજો ગર્લ્સના બાળપણની બેસ્ટ ફ્રેન્ડ્સ બાર્બીની મૅન્યુફૅક્ચરિંગ કંપની મેટેલ અને નૅશનલ જ્યોગ્રાફીના સહયોગથી તાજેતરમાં જંગલની થીમ આધારિત બાર્બીનાં નવાં મૉડલ રજૂ કરવામાં આવ્યાં છે. વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનિસ્ટ, ઍસ્ટ્રોફિઝિસિસ્ટ, પોલાર મરીન બાયોલૉજિસ્ટ, વાઇલ્ડલાઇફ ફોટોજર્નલિસ્ટ અને એન્ટોમોલોજિસ્ટ જેવા અવતારમાં પ્રસ્તુત આ એડિશન સાથે બાર્બીએ સાઠ વર્ષની સફર પૂરી કરી છે.

૭ માર્ચ, ૧૯૫૯ બાર્બીનો સત્તાવાર જન્મદિવસ છે. ૧૧ ઇંચ લાંબી, બ્લોન્ડ હેર સાથે વાઇટ ઍન્ડ બ્લૅક પુલ પાર્ટી ડ્રેસમાં સજ્જ બાર્બીને આ જ દિવસે ન્યુ યૉર્કમાં આયોજિત અમેરિકન ઇન્ટરનૅશનલ ટૉય ફેરમાં પ્રથમ વાર જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ વર્ષે વિશ્વના સેંકડો દેશોમાં મોસ્ટ બ્યુટિફુલ બાર્બી ડૉલના ડાયમન્ડ જ્યુબિલી વર્ષની ધમાકેદાર ઉજવણી ચાલી રહી છે ત્યારે બાળપણનાં સંસ્મરણોને તરોતાજાં કરી બાર્બીની કાલ્પનિક, મનોરંજક અને રંગબેરંગી દુનિયા વિશેની રસપ્રદ વાતો જાણીએ.

ઇતિહાસ પર એક નજર

બાર્બી એ માત્ર ઢીંગલી નથી, એક આઇડિયા છે. વર્ષ ૧૯૫૦ના દાયકામાં રુથ હૅન્ડલર નામનાં અમેરિકન મહિલા તેમનાં બાળકો સાથે યુરોપના પ્રવાસે નીકYયાં હતાં. પ્રવાસ દરમ્યાન રુથની પુત્રી બાર્બરાને જર્મનીમાં બિલ્ડ લિલી નામે ઓળખાતી ફૅશનેબલ ડૉલ ગમી ગઈ. આ ઢીંગલીનો દેખાવ પરિપક્વ યુવતી જેવો હતો. વાસ્તવમાં એ ઍડલ્ટ ટૉય હતી. બાર્બરા એ ડૉલને નવાં નવાં વસ્ત્રો પહેરાવતી અને ખૂબ રમતી. આ જોઈને રુથે તેના પતિ ઇલિયટ સમક્ષ આ પ્રકારની ડૉલ બનાવવી જોઈએ એવી રજૂઆત કરી. જોકે ઇલિયટને યુવતી જેવી દેખાતી ઢીંગલીની પરિકલ્પના ગળે નહોતી ઊતરી. એની દલીલ હતી કે પોતાની બાળકીને રમવા માટે ઍડલ્ટ ફિગર ધરાવતી ઢીંગલી કોઈ માતા ખરીદશે નહીં. ઇલિયટને મનાવતાં રુથને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. રુથના આઇડિયાઝ અને સહયોગથી અમેરિકન ટૉય કંપની મેટેલ દ્વારા ઉત્પાદિત બિલ્ડ લિલીના ઓરિજિનલ પેટન્ટને મેકઓવર કરી નવી ડૉલ બનાવવાની તૈયારી શરૂ થઈ. બાર્બરા પરથી આ ડૉલને બાર્બી નામ આપવામાં આવ્યું. ન્યુ યૉર્કમાં આયોજિત ટૉય ફેરમાં લૉન્ચ કરવામાં આવેલી પ્રથમ બાર્બીની કિંમત ત્રણ ડૉલર રાખવામાં આવી હતી. બાર્બીના આગમન બાદ જ રમકડાંની દુનિયામાં વુમન લુક ધરાવતી ડૉલનો કન્સેપ્ટ શરૂ થયો હતો. એ વખતે ફૅમિનિસ્ટો તેમ જ કેટલાક પેરન્ટ્સે રમકડાંની કૅટેગરીમાં ઍડ કરવામાં આવેલી બાર્બીના ઉત્પાદન અને વેચાણ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિવાદ અને વિરોધ વચ્ચે પણ કંપનીએ લૉન્ચ થયાના પહેલા જ વર્ષે ૩ લાખ ૫૧ હજાર ડૉલનું વેચાણ કરવામાં સફળતા મેળવી હતી. ટેલિવિઝન પર જાહેરખબર આપવાનો દોર શરૂ થયો ત્યારે બાર્બી પ્રથમ એવું રમકડું હતું જેની ટીવીમાં જાહેરાત આવતી હતી.

ફિગર ઍન્ડ ટ્રાન્સફૉર્મેશન

બાર્બીની વાત આવે એટલે આપણા મનમાં ઑટોમૅટિકલી એક આકૃતિ તૈયાર થઈ જાય. ૧૧.૫ ઇંચ ઊંચાઈ, બ્લુ આઇ અને લાંબા લહેરાતા સોનેરી વાળ ધરાવતી બ્યુટિફુલ ડૉલ. બાર્બીના સ્કિન ટોન, હેરકલર અને ફિગરને ડિઝાઇન કરવા મેટેલે એ વખતે પેન્ટાગૉન માટે મિસાઇલ બનાવતા એન્જિનિયર જૅક રાયનને હાયર કર્યા હતા. બાર્બીના લુકનો પણ એક ચોક્કસ પેટન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. બાર્બીની હાઇટ, સાથળ, કમરનો ઘેરાવો, બ્રેસ્ટ વગેરેને યંગ યુવતીના ફિગર સાથે મૅચ કરી સ્ટૅટિસ્ટિકલી અને સાયન્ટિફિકલી સ્ટાન્ડર્ડ નક્કી થયાં હતાં. ૧૧.૫ ઇંચની હાઇટને પાંચ ફૂટ નવ ઇંચ હાઇટ ધરાવતી યુવતી સાથે સરખાવવામાં આવી છે. એ જ રીતે કમર ૧૮ ઇંચ, બ્રેસ્ટ ૩૬ ઇંચ અને હિપ્સ ૩૩ ઇંચ રાખવામાં આવ્યાં છે. છેલ્લાં સાઠ વર્ષમાં બાર્બીની સાઇઝ અને શેપમાં બહુ જ થોડાં પરિવર્તન લાવવામાં આવ્યાં છે.

વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મેળવનારી બાર્બીના ટ્રાન્સફૉર્મેશન માટેના પ્રયાસો પણ સતત ચાલતા રહ્યા છે. વર્ષ ૧૯૬૦માં બાર્બીને બૉબકટ હેર અને હિપ ક્લોધિંગમાં રજૂ કરવામાં આવી હતી. ૧૯૬૩માં કંપનીએ પિન્ક કલરના સેટીન મટીરિયલમાંથી બનાવેલા પાયજામા, પિન્ક રોબ, પિન્ક ચંપલ, મિરર અને પિન્ક બાથરૂમ સાથે સ્લબર પાર્ટી બાર્બીનું મૉડલ રજૂ કર્યું હતું. આ બાર્બી પાસે પોતાનું વન પેજ ડાયટ ચાર્ટ પણ હતું. એંસીના દાયકામાં ડાયનેસ્ટી અને ડલાસ જેવા પૉપ્યુલર ટીવી-પ્રોગ્રામથી પ્રેરણા લઈ બાર્બીના ડ્રેસની ડિઝાઇનમાં ભવ્યતા ઉમેરવામાં આવી હતી. નેવુંના દાયકાથી કંપનીએ વધુ વૈવિધ્યતા લાવવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે છેક પગની પાની સુધીના લાંબા વાળ સાથેનું મૉડલ માર્કેટમાં આવ્યું હતું. ૨૦૦૦ની સાલમાં કંપનીએ પહેલી વખત બ્રેસ્ટની સાઇઝ ચેન્જ કરી હતી. એ વર્ષે બહાર પાડવામાં આવેલા મૉડલમાં છાતીનો ભાગ સપાટ રાખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૬માં કંપનીએ બાર્બીના લુકમાં મોટા પાયે ફેરફાર કર્યા હતા. એ વર્ષે રજૂ કરવામાં આવેલા નવી એડિશનમાં પેટાઇટ, ટૉલ અને કર્વી એમ ત્રણ પ્રકારના શેપ, સાત ટાઇપના સ્કિન ટોન અને ૨૪ નવી હેરસ્ટાઇલ લૉન્ચ કરી હતી.

વર્લ્ડ ઑફ ફૅન્ટસી

બાર્બી એ માત્ર રમકડું નથી, બાળકોની એક કાલ્પનિક દુનિયા છે. ફીમેલ કિડ્સની તો એ રોલ-મૉડલ છે. બાર્બી તેમના ફૅન્ટસી વર્લ્ડનું પ્રતિનિધિત્વ કરે છે. મેટેલ અને રુથ હૅન્ડલરે ગર્લ્સનાં ડ્રીમ્સને સાકાર કરવા તેમ જ ટૉયના માધ્યમથી તેમની વિચારશક્તિ ખીલે એવા હેતુથી છ દાયકામાં બાર્બીનાં ૨૦૦ જેટલાં રૂપ રજૂ કર્યાં છે. ગર્લ્સ માટે બાર્બી શિક્ષક, ડૉક્ટર, નર્સ, સ્વિમિંગ કોચ, આર્મી ઑફિસર, અમેરિકન પ્રેસિડન્ટ, ઍથ્લીટ, ઍસ્ટ્રોનોટ, પાઇલટ, ફાયર ફાઇટર, પોલીસ, કમ્પ્યુટર એન્જિનિયર, હેરડ્રેસર, ફૅશન ડિઝાઇનર અને લેટેસ્ટમાં યુ-ટ્યુબર એમ બધું જ બની છે. એલિઝાબેથ ટેલર, મેરેલિન મનરો, જેનિફર લોપેઝ, ગ્રેસ કેલી, જે. કે. રોલિંગ જેવી રિયલ લાઇફ સેલિબ્રિટીના લુકમાં પણ એણે અવતાર લીધો છે. બાર્બીનાં જુદાં જુદાં રૂપને ડ્રેસ, ઍક્સેસરીઝ અને સેટ્સ સાથે વેચવામાં આવે છે. દાખલા તરીકે લાઇફગાર્ડ રૂપમાં બાર્બીની સાથે લાઇફજૅકેટ, ગાર્ડને બેસવાની ખુરશી, ડૉલ્ફિન વગેરે હોય છે. એ જ રીતે શિક્ષક બાર્બી સાથે ઇટાલિયન ક્વિઝ, નોટબુક્સ, ફ્લૅશકાર્ડ હોય.

ફૅમિલી અને ફ્રેન્ડ્સ

બાર્બીને શરૂઆતથી જ ટીનેજ ફૅશન મૉડલ તરીકે રજૂ કરવામાં આવી છે. સમયાંતરે બીજાં કાલ્પનિક પાત્રો પણ ઉમેરવામાં આવ્યાં છે. મોટા ભાગનાં પાત્રો ફિઝિકલ નહીં, પણ કૉમિક્સ બુક્સના માધ્યમથી રજૂ કરવામાં આવ્યાં છે. સાઠના દાયકામાં પૉપ્યુલર રેન્ડમ હાઉસ ચિલ્ડ્રન બુક અનુસાર બાર્બીનું આખું નામ બાર્બરા મિલિસન્ટ રોબર્ટ્સ છે. બાર્બીના પિતા જ્યૉર્જ રોબર્ટ્સ અને માતા માર્ગારેટનાં બાળકોમાં બાર્બી ઉપરાંત સ્કીપર, ક્રિસી, સ્ટેસી, ટુટી ઍન્ડ ટોડ છે. બાર્બીના ફૅમિલી અને ફ્રેન્ડ્સ મળીને ૧૧૩ જેટલાં પાત્રો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં છે. કૅન્સ કારસન બાર્બીનો બૉયફ્રેન્ડ છે. મજાની વાત એ છે કે બાર્બીના બૉયફ્રેન્ડનું નામ રુથ હૅન્ડલરના પુત્રના નામ પરથી પાડવામાં આવ્યું છે. બાર્બીને હંમેશાં બિઝી કરીઅર વુમન તરીકે ચીતરવામાં આવી છે તેથી તેણે કૅન સાથે લગ્ન નથી કર્યાં. બન્ને વચ્ચે ખટરાગ થતાં વર્ષ ૨૦૦૪માં તેમનું બ્રેક-અપ થયું છે એવી વાતો પણ જાહેર કરવામાં આવી હતી. જોકે થોડા સમય પછી બન્નેને ફરીથી ડેટિંગ કરતાં બતાવવામાં આવ્યાં હતાં. આમ બાર્બીની અંગત લાઇફ પણ ખૂબ જ ગ્લૅમરસ અને ઇન્ટરેસ્ટિંગ દર્શાવવામાં આવી છે.

બિઝનેસ

એક આંકડા અનુસાર વિશ્વમાં દર સેકન્ડે ત્રણ બાર્બીનું વેચાણ થાય છે. સાઠ વર્ષમાં મેટેલે અબજો બાર્બી ડૉલનું વેચાણ કર્યું છે. કમાણીની દૃષ્ટિએ જોવા જઈએ તો રમકડાં બનાવતી આ કંપની માટે બાર્બી હીરાની ખાણ સાબિત થઈ છે. વર્ષ ૨૦૧૦માં કંપનીએ ‘ફૉચ્યુર્ન મૅગેઝિનમાં ટૉપ ૧૦૦માં સ્થાન મેળવ્યું હતું. બાર્બી ઉપરાંત એના ડ્રેસ, ઍક્સેસરીઝ, ફ્રેન્ડ્સ ઍન્ડ ફૅમિલીનાં ટૉય, મીડિયા ફ્રેન્ચાઇઝી, ઍનિમેટેડ ફિલ્મ, ટેલિવિઝન શો, વિડિયો ગેમ્સ, મ્યુઝિક વગેરે દ્વારા પણ ધૂમ આવક થાય છે. બાર્બી ત્રણસોથી વધારે ફેસબુક પેજ ધરાવે છે. ટ્વિટર અને લિંક્ડઇન પર પણ એ ઍક્ટિવ છે.

ઇન્ડિયામાં પ્રવેશ

આપણા દેશમાં પણ બાર્બીનો દબદબો ઓછો નથી. જોકે ભારતમાં બાર્બીની એન્ટ્રી સરળ નહોતી. ૧૯૮૭માં મેટલે ભારતીય બજારમાં પ્રવેશ મેળવવા ફાંફાં માર્યાં હતાં, પરંતુ મલ્ટિનૅશનલ કંપની માટેના કેટલાક કાયદા તેની તરફેણમાં નહોતા. એ વખતે બહુરાષ્ટ્રીય કંપનીના વેપાર વાણિજ્ય માટે લાઇસન્સ સિસ્ટમ ફરજિયાત હોવાથી મેટલે ૧૯૯૧ની સાલમાં ભારતીય કંપની બ્લો પ્લાસ્ટ ઇન્ક સાથે સંયુક્ત કરાર કરી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. આપણે ત્યાં લૉન્ચ કરવામાં આવેલી બાર્બીના લુકમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન બાર્બીની આંખોનો રંગ હેઝલ અને હોઠનો રંગ આછો ગુલાબી રાખ્યો તો પણ અહીંનું માર્કેટ કૅપ્ચર કરવામાં જમાવટ ન થઈ. ઇન્ડિયામાં જોઈએ એવો પ્રતિસાદ ન મળતાં મેટલે કેટલાંક સંશોધન કર્યાં. ૧૯૯૬માં કંપનીએ આપણા કલ્ચરને અનુરૂપ એક્સપ્રેશન્સ ઑફ ઇન્ડિયા કલેક્શન બહાર પાડ્યું હતું. એમાં બાર્બીને રાજસ્થાની ડ્રેસ અને જ્વેલરી પહેરાવવામાં આવ્યાં હતાં. આ કલેક્શનમાં મણિપુરી અને પંજાબી સ્ટાઇલની ડૉલ પણ ઉમેરવામાં આવી હતી. બાયફ્રૅન્ડ કૅન સાથેની બાર્બીની ગ્લૅમરસ લાઇફને ઇન્ડિયાએ જાકારો આપ્યો છે તેમ છતાં આજે પણ ભારતીય ગર્લ્સમાં બાર્બીનો ક્રેઝ છે ખરો.

મુસ્લિમ દેશોને કર્યા રાજી

પાશ્ચાત્ય દેખાવ અને સ્ટાઇલિશ ડ્રેસના કારણે ઈરાન અને સાઉદી અરેબિયા સહિત અનેક મુસ્લિમ દેશોએ બાર્બી ડૉલના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના ધર્મગુરુઓનું માનવું હતું કે આ પ્રકારની ઢીંગલી તેમની સંસ્કૃતિ અને પરંપરાની વિરુદ્ધ છે. નવેમ્બર, ૨૦૧૭માં કંપનીએ અમેરિકાની મુસ્લિમ ઑલિમ્પિક ફૅન્સિંગ ચૅમ્પિયન ઇબ્તિહાજ મહમદથી પ્રેરણા લઈ હિજાબ પહેરેલી બાર્બી રજૂ કરી હતી. ઇબ્તિહાજ તેની દરેક ટુર્નામેન્ટ દરમ્યાન માથા પર સ્કાર્ફ બાંધીને રમતી હતી. ઑલિમ્પિક ચૅમ્પિયનના કારણે બાર્બીને રૂઢિચુસ્ત ગણાતા મુસ્લિમ દેશોમાં પણ એન્ટ્રી મળી ગઈ છે.

બાર્બીના દેખાવ, ગ્લૅમરસ લાઇફસ્ટાઇલ અને અનેક કૉન્ટ્રોવર્સિસ બાદ પણ સાઠ વર્ષમાં બાર્બીએ વિશ્વના ૧૫૦ દેશોના લોકોનાં દિલ પર રાજ કર્યું છે. ગુરુત્વાકર્ષણના નિયમની જેમ આજે પણ બાર્બી દુનિયાની દરેક ગર્લ્સને આકર્ષે છે.

આ પણ વાંચો : તમારું સંતાન સંવેદનશીલતાની કઈ શ્રેણીમાં આવે છે એની તમને ખબર છે?

બોલો છે તમારી પાસે?

અમેરિકન ડૉલરની સામે આજની ભારતીય કરન્સીની વૅલ્યુ પ્રમાણે ૧૯૫૯માં લૉન્ચ કરવામાં આવેલી પહેલી બાર્બી ડૉલની કિંમત માત્ર ૨૧૦ રૂપિયા હતી. તમારા કલેક્શનમાં આજે પણ એ ડૉલ હોય તો માર્કેટમાં એના ૧૯,૨૧,૦૦૦ રૂપિયા ઊપજે એમ છે.

Varsha Chitaliya columnists weekend guide