NOTA - આ નહીં, તે નહીં અરે! કોઈ નહીં

21 April, 2019 11:57 AM IST  |  | બંધારણના બારણેથી - મિતેષ સોલંકી બંધારણના નિષ્ણાત

NOTA - આ નહીં, તે નહીં અરે! કોઈ નહીં

પૂર્વભૂમિકા:

ઉપરોક્ત ઉમેદવારમાંથી એક પણ નહીં વિભાવનાનો જન્મ કૅલિફોર્નિયા, અમેરિકામાં વર્ષ ૧૯૭૬માં સૌપ્રથમ વાર થયો હતો. વૉલ્ટર વિલ્સન અને મૅથ્યુ લેન્ડી સ્ટીન જેઓ પ્રધાન હતા તેમણે મત આપવાની પ્રક્રિયામાં કેટલાક સુધારા કરવા માટે કાયદાકીય પ્રસ્તાવ પસાર કર્યો હતો. NOTAનો સૌપ્રથમ વાર ચૂંટણીમાં ઉપયોગ વર્ષ ૧૯૭૮માં અમેરિકાના નેવાડા સ્ટેટમાં કરવામાં આવ્યો હતો.

ભારતની વાત કરીએ તો વર્ષ ૨૦૦૯માં ચૂંટણીપંચને સર્વોચ્ચ અદાલતે મતદાતા માટે મતપત્રકમાં NOTA વિકલ્પ આપવાનો આદેશ કર્યો હતો, જેથી ગેરલાયક ઉમેદવારને મતદાતા પસંદ કરવા ન ઇચ્છે તો NOTAને મત આપી શકે અને પોતાના મતને ગેરવલ્લે જતો અટકાવે. તત્કાલીન સરકાર સર્વોચ્ચ અદાલતના આ વિચાર (આદેશ) સાથે સહમત નહોતી.

ભારતની એક NGO, The Peoples Union for Civil Liberties દ્વારા NOTAના પક્ષમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી. અંતે ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ સર્વોચ્ચ અદાલત દ્વારા NOTAને લાગુ કરવાનો ચુકાદો આપ્યો અને ચૂંટણીપંચને EVMમાં NOTA વિકલ્પ મૂકવા માટે કહ્યું.

શા માટે NOTAની જરૂરી છે?

આપણા દેશમાં એવું ઘણી વાર (સાચા શબ્દોમાં મોટા ભાગે) બને છે કે મતદાતા કોઈ પણ ઉમેદવારને ચૂંટાવાને લાયક ગણતો નથી, પરંતુ મતદાતા પાસે કોઈ એકને મત આપવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ હોતો નથી. હળવી શૈલીમાં કહીએ તો બધા ના-લાયકમાંથી લાયક (ઓછામાં ઓછો ભ્રક્ટ) પસંદ કરવો જ પડે છે. NOTAના પક્ષે ચુકાદો આપવા પાછળ સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશોનો મત (વિચાર) એવો હતો કે NOTA આવવાથી ચૂંટણીપ્રક્રિયામાં ધીમે ધીમે બદલાવ આવશે અને રાજકીય પક્ષોએ સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે પસંદ કરવા પડશે. લોકશાહીમાં ચૂંટણીપ્રક્રિયામાં મતદાતાને ઉમેદવારને નાપસંદ કરવાની સ્વતંત્રતા પણ મળવી જોઈએ. NOTA વિકલ્પ દ્વારા વાસ્તવમાં સર્વોચ્ચ અદાલત ચૂંટણીમાં ઊભેલા બધા જ ઉમેદવારને જો મતદાતા નાપસંદ કરતા હોય તો રદ કરી શકે તેવી સત્તા આપવા ઇચ્છે છે. તેથી બની શકે કે રાજકીય પક્ષો પાસે સારી છબિ ધરાવતા ઉમેદવારો ઊભા રાખવા સિવાય વિકલ્પ જ ન રહે. જે ઉમેદવારોની પશ્ચાદભૂ ગુનાહિત હોય તેવા ઉમેદવારો ચૂંટણી જ ન લડી શકે તેવી વ્યવસ્થા આવે તેવો એક પ્રયત્ન એટલે NOTA.

ચૂંટણી આયોજનનો નિયમ-૪૯-ઓ શું છે અને તે NOTAથી કેવી રીતે અલગ છે?

મત આપવાના અધિકારમાં કોઈને પણ મત ન આપવાના અધિકારનો સમાવેશ થઈ જાય છે. વર્ષ ૧૯૬૧માં Conduct of Election Rules બનાવવામાં આવ્યા, જે અંતર્ગત નિયમ-૪૯-ઓ એક વ્યવસ્થા કરવામાં આવી કે જ્યારે મતદાતા મતદાન કરવા આવે અને જો કોઈ પણ ઉમેદવાર તેને મત આપવા માટે યોગ્ય ન લાગે તો મતદાનમથકના અધિકારીને જણાવી શકે છે અને ફૉર્મ-૧૭-એ માગી શકે છે. ફૉર્મ ૧૭-એમાં મતદાતા પોતે કોઈને પણ મત આપવા નથી ઇચ્છતો તે જણાવી શકતો હતો, પરંતુ આ પ્રક્રિયામાં કેટલાક પ્રfનો ઊભા થતા હતા. ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કેટલાક મતદાતા મતદાનના દિવસે એક હરોળમાં મત આપવા માટે ઊભા છે અને કોઈ વ્યક્તિ ફૉર્મ-૧૭-એ માટે ચૂંટણી અધિકારીને મળવા જાય છે ત્યારે ત્યાં ઊભેલી દરેક વ્યક્તિ (રાજકીય અને બિનરાજકીય)ને જાણ થઈ જતી કે આ વ્યક્તિ કોઈ પણ ઉમેદવારને મત આપવા ઇચ્છતો નથી. પરિણામે મત આપવાની પ્રક્રિયા ખાનગી રાખવાની જોગવાઈનો સરેઆમ ભંગ થયો તેમ કહેવાય. તેની સામે NOTAના લીધે મતદાતાનો મત ખાનગી રહેવો જોઈએ તે જોગવાઈનું રક્ષણ થાય છે અને કોઈ પણ અન્ય વ્યક્તિ જાણી શકતો નથી કે કોણે NOTA વિકલ્પનો ઉપયોગ કર્યો. વ્યક્તિની ઓળખ પણ NOTAના લીધે રક્ષિત થાય છે અને રાજકીય/બિનરાજકીય દબાણ કે અન્ય કોઈ પણ પણ પ્રકારની હેરાનગતિ સામે પણ રક્ષણ મેળવે છે.

NOTAના પક્ષમાં રહેલી દલીલો:

NOTAની વિરુદ્ધ ઘણી બાબતો છે તે વાતમાં કોઈ બેમત નથી તેમ છતાં કેટલાક મુદ્દાઓ એવા છે જે NOTAતરફી પણ છે અને તેને અવગણી શકાય નહીં. (૧) NOTAથી રાજકીય પક્ષને ઉમેદવારની પસંદગીમાં સ્વચ્છ છબિ ધરાવતા ઉમેદવારને પસંદ કરવાની ફરજ પડે છે. (૨) યોગ્ય ઉમેદવારની જીત થતા તે ધારાસભાનો ભાગ બને છે અને દેશ માટે જરૂરી કાયદાઓ વધુ સારી રીતે બનાવી શકે છે. (૩) ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી જ ન શકે તેથી રાજકારણમાં ગુનાખોરીનું પ્રમાણ ધીરે-ધીરે ઘટે અને અંતે નાબૂદ થાય. (૪) જો NOTAને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તથા ધીમે ધીમે મતદાતાની વિચારધારા બદલાય સાથે સાથે રાજકીય પક્ષોએ પણ સકારાત્મક સુધારા કરવા ફરજિયાત બને તો આજે નહીં તો કાલે રાજકારણ અને દેશની સ્થિતિમાં ખૂબ મોટો બદલાવ જોવા મળે.

NOTAના વિરોધમાં રહેલી દલીલો:

(૧) ઘણા દેશોએ શરૂઆતમાં NOTA અપનાવ્યો, પરંતુ કેટલાંક કારણોસર તેને રદ કરી દીધો. (૨) ઘણા દેશોમાં NOTA વિકલ્પને સૌથી વધુ મત મળતાં બીજા ક્રમે આવેલા ઉમેદવાર ઓછા મત મળ્યા હોય તો પણ વિજેતા બની જતો. આ કિસ્સામાં ચૂંટણીપંચ પાસે ત્રણ જ વિકલ્પ હતા (ીર્) બેઠકને ખાલી રાખવી (ણુ) બેઠકને જીતેલા ઉમેદવારથી ભરી દેવી (ણૂ) ફરી ચૂંટણી યોજવી.

(a) બેઠકને ખાલી રાખવી :

જો બેઠકને ખાલી રાખે તો ચૂંટણી યોજવાનો અર્થ સરતો નથી. ચૂંટણી માટે કરવામાં આવેલા ખર્ચ તેમ જ મતદાતાએ ભોગવેલી હાલાકીનું કોઈ વળતર મળતું નથી અને બેઠક ખાલી હોવાથી જે તે મતદારક્ષેત્રનું પ્રતિનિધિત્વ કોઈને મળતું નથી.

(b) બેઠકને NOTA કરતાં ઓછા મત મેળવનાર ઉમેદવારથી ભરી દેવી:

આ કિસ્સામાં NOTAનું કોઈ મહkવ જ રહેતું નથી, કારણ કે લોકશાહીમાં જો મતદાતાના વિરોધને માત્ર નોંધવામાં આવે, પરંતુ તેની પરિણામ પર કોઈ અસર ન આવે તો તે વાસ્તવિક લોકશાહી કેવી રીતે કહી શકાય? જે હાલમાં ભારતમાં જોવા મળે છે. આજે મતદાતા NOTA આપે છે, પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર થતી નથી. વર્તમાન કાયદા અનુસાર NOTA કરતા જે ઉમેદવારને મત ઓછા મળ્યા હોય તેને વિજેતા ઘોષિત કરવામાં આવે છે.

(c) ફરી ચૂંટણી યોજવી:

એક જ બાબત માટે ફરી ચૂંટણી યોજવી તે એક ખર્ચાળ તેમ જ વહીવટી દૃષ્ટિએ પડકારરૂપ બાબત છે. ભારત જેવા દેશમાં જ્યાં બારેમાસ ચૂંટણી ક્યાંક ને ક્યાંક યોજાતી રહે છે ત્યાં NOTAના કારણે ફરી ચૂંટણીઓ યોજાતી રહે તો દેશના નાગરિકો મત આપવામાંથી જ ક્યારેય નવરા ન પડે. વળી, આર્થિક નુકસાનનો બોજ સરકાર પર પડે જે દેશના નાગરિકોની કમર ઉપર કરવેરા સ્વરૂપે પડે. સરકારી તંત્ર અને ચૂંટણીપંચ ચૂંટણી યોજવામાં જ રહે અને અન્ય જરૂરી કામ કરવાનો સમય ન મળે.

એક વિચાર:

જો NOTAને એક ઉમેદવાર તરીકે સ્વીકારવામાં આવે ને એવી જોગવાઈ કરવામાં આવે કે મતદાનમાં NOTAને મહત્તમ મત મળે તો બાકી બધા ઉમેદવારને હારી ગયેલા માનવામાં આવે અને ફરી ચૂંટણી કરવામાં આવે તો જ NOTAનો ખરો અર્થ સાબિત થશે. અહીં પ્રથમ વારની ચૂંટણીમાં ઊભેલા એક પણ ઉમેદવારને ફરી ચૂંટણી લડવાની તક ન આપવી જોઈએ.
બીજી વારની ચૂંટણીમાં જે ઉમેદવાર ૫૦ ટકા + ૧ મત મેળવે તેને જ વિજેતા ઘોષિત કરવો જોઈએ.

NOTA વિશે કેટલીક અગત્યની જાણકારી:

ભારત NOTAનો ઉપયોગ કરનાર વિશ્વનો ૧૪મો દેશ છે.

અન્ય દેશો જ્યાં NOTAનો ઉપયોગ કરવામાં આવે છે કોલંબિયા, યુક્રેન, બ્રાઝિલ, બંગલાદેશ, ફિનલૅન્ડ, સ્પેન, સ્વીડન, ચિલી, ફ્રાન્સ, ગ્રીસ.

ઘણા દેશ એવા પણ છે જ્યાં NOTAનો ઉપયોગ શરૂ થયો અને પછી બંધ પણ કરી દેવામાં આવ્યો પાકિસ્તાન.

NOTAનું ચિહ્ન નૅશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન, અમદાવાદમાં પ્રો. તરુણ દીપ ગિરધર અને રાણા સ્વરાજસિંહ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કૉલમ : દેશદ્રોહ કે રાજદ્રોહ... નક્કી કેવી રીતે થાય?

NOTA વિશે કેટલીક આંકડાકીય માહિતી:

છેલ્લાં પાંચ વર્ષમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાના થઈને કુલ ૧,૩૩,૦૯,૫૭૭ (૧.૩૩ કરોડ) મત NOTAને મળ્યા છે.

છેલ્લાં પાંચ વર્ષમાં માત્ર રાજ્ય વિધાનસભાના સરેરાશ ૨.૭ લાખ મત NOTAને મળ્યા છે.

વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં સૌપ્રથમ વાર NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેમાં કુલ ૬૦,૦૨,૯૪૨ મત (કુલ મતદાનના ૧.૦૮„) NOTAને મળ્યા હતા.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ NOTAને મત તામિલનાડુના નીલગિરિ મતક્ષેત્રમાં મળ્યા હતા (૪૬,૫૫૯) અને સૌથી વધુ ઓછા મત NOTAને (માત્ર ૧૨૩) લક્ષદ્વીપ મતક્ષેત્રમાં મળ્યા હતા.

મિનીકટ: લોકોના મતનું મૂલ્ય મત આપે તો હોય તેવી રીતે મત ન આપે ત્યારે વધુ હોય તો જ ખરા અર્થમાં લોકશાહી છે તેમ કહી શકાય.

columnists