એક હતી શ્રદ્ધા : લિવ-ઇન રિલેશનશિપ પર વહેલી તકે બૅન આવે એ આજની તાતી જરૂરિયાત છે

23 November, 2022 10:17 AM IST  |  Mumbai | Manoj Joshi

આ લિવ-ઇન રિલેશનશિપ પુરુષને જવાબદારી વગર સ્ત્રી પ્રાપ્ત કરાવ દે છે તો એવી જ રીતે સ્ત્રીને પણ પરપુરુષનો સંગાથ પ્રાપ્ત થઈ જાય છે

એક હતી શ્રદ્ધા : લિવ-ઇન રિલેશનશિપ પર વહેલી તકે બૅન આવે એ આજની તાતી જરૂરિયાત છે

ખરેખર તો લિવ-ઇન રિલેશનમાં રહેવાના આ કન્સેપ્ટમાં જ ખોટ છે, એની નિયતમાં જ અવિશ્વાસ છે. આ સ્વાર્થ અને લિબર્ટીની એક દુકાન છે. જ્યાં રહેવાનો, જમવાનો, કૅબનો ખર્ચો બચાવવાનો હેતુ છે અને સાથોસાથ રોજ નિઃશુલ્ક સેક્સ મળવાનું બોનસ છે. ખરેખર આ લિવ-ઇન રિલેશનશિપના કન્સેપ્ટને આજની આ નવી જનરેશનના મનમાંથી કાઢવાની જરૂર છે. બહુ વખત પહેલાં એક વાર કહ્યું હતું કે દરેક વખતે મૉડર્નાઇઝેશનને અપનાવવાની જરૂર નથી હોતી. ઘણી વાર ઑર્થોડોક્સ માનસિકતા પણ સુખદાયી હોય છે.

લિવ-ઇન રિલેશનશિપને કારણે નવી પેઢીના પુરુષો અને સ્ત્રીઓને ઘણું બધું જવાબદારી વિના પ્રાપ્ત થઈ જાય છે અને જીવનમાં જવાબદારી અનિવાર્ય છે. આ લિવ-ઇન રિલેશનશિપ પુરુષને જવાબદારી વગર સ્ત્રી પ્રાપ્ત કરાવ દે છે તો એવી જ રીતે સ્ત્રીને પણ પરપુરુષનો સંગાથ પ્રાપ્ત થઈ જાય છે. આ લિવ-ઇન રિલેશનશિપનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ એ કે તમે સંબંધોની ગરિમા જાળવ્યા વિના છૂટા પડી જાઓ તો પણ ચાલે અને તમે જેને પ્રેમ કરો એ માણસના ૩૬ ટુકડા કરવાનો જીવ પણ ચાલે!

હું કહીશ કે જેમ દશકાઓ પહેલાં આવેલા મૈત્રીકરાર સમાજ માટે જોખમી હતા, જેમ મુસ્લિમોનાં ચાર નિકાહ હિન્દુસ્તાની સમજ માટે જોખમી છે એવી જ રીતે આ લિવ-ઇન રિલેશનશિપ પણ આપણા દેશમાં જોખમી છે. આપણે અમેરિકા નથી એ સમજવાનો સમય આવી ગયો છે અને એ સમજાવવા માટે એક શ્રદ્ધા સાથે જે ઘટના ઘટી ત્યાં જ આપણે અટકી જઈએ અને એના પરથી જે ઉદાહરણો લેવાનાં હોય એ લઈ લઈએ.

આજના આ દિવસે મને મૉડર્ન બનતી જતી આજની જનરેશનને પણ કહેવું છે કે થોડા ધીમા પડો અને થોડી વાસ્તવિકતાને સમજો. સમજો કે જીવનમાં કશું જ જવાબદારી વિના મળતું નથી અને જ્યાં જવાબદારી નથી હોતી ત્યાં કોઈ લાયકાત જોવામાં નથી આવી હોતી. જો તમને કોઈ સ્ત્રી (કે પુરુષ) પાર્ટનર મળી જાય તો મનથી મક્કમ થઈને તમારા પારિવારિક સંસ્કારોને યાદ કરો. દીકરીઓને પણ આ જ વાત કહેવાની અને કહેવાનું કે દરેક વખતે એવું માનવાની જરૂર નથી કે તમે શાણી છો.

ના, નથી. તમારાં માબાપે તડકામાં વાળ સફેદ નથી કર્યાં એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે અને એટલું જ અનિવાર્ય છે. આજની દીકરીઓને પૂછો તો દરેકના મોઢે એક જ વાત હોય છે કે હશે એવું, પણ મારા બૉયફ્રેન્ડને એ વાત લાગુ નથી પડતી.

શ્રદ્ધાને જ્યારે પેલો નરાધમ આફતાબ ફટકારતો હતો ત્યારે શ્રદ્ધાને પણ પોતાના એ જ શબ્દો કાનમાં ગુંજતા હશે : ‘મેરા વાલા અલગ હૈ.’ 

આવું સમજનારી, આવું માનનારી છોકરીઓ માટે શ્રદ્ધા સાથે ઘટેલી ઘટના લાલબત્તી સમાન છે અને જો આ લાલબત્તી તે હજી પણ જોઈ ન શકી હોય તો તેની સામે આ લાલબત્તી લઈ આવવાનું કામ માબાપે કરવું પડશે. માબાપે આ દીકરીઓને સમજાવવું પડશે કે વધારે પડતા ઉછાછળાપણું દેખાડવાને બદલે બહેતર છે કે જીવનમાં થોડો ઠહરાવ લાવે. હું કહીશ કે અનેક માબાપ એવાં હશે જેના સુધી આ પેપર નહીં પહોંચતું હોય, પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે જો તમે એવાં માબાપને ઓળખતાં હો જેને દીકરી હોય તો પ્લીઝ, તેને આ આર્ટિકલ ફૉર્વર્ડ કરજો, મોકલજો. જેથી વધુ એક શ્રદ્ધાના સમાચાર આપણે વાંચવા કે સાંભળવા ન પડે.

columnists manoj joshi