બાબા રામદેવ : વિરલ વિભૂતિ સાથેના અવિસ્મરણીય કલાકો

18 November, 2021 06:25 PM IST  |  Mumbai | JD Majethia

અનાયાસે યોગગુરુને મળવાનું થયું અને એ મુલાકાતે લાઇફમાં એવો ચેન્જ આણ્યો જેની કલ્પના પણ નહોતી. આઠ કલાક કામ કરીને આપણે થાકીએ, પણ આ મહાન વિભૂતિ વીસ -બાવીસ કલાકે પણ એવરફ્રેશ હોય છે

બાબા રામદેવ : વિરલ વિભૂતિ સાથેના અવિસ્મરણીય કલાકો

આ આર્ટિકલ સાથે જે ફોટો છે એમાં મારી સાથે કોણ છે એ કહેવાની જેમ તમને જરૂર નથી એવી જ રીતે એ પણ તમને કહેવાની જરૂર નથી કે આપણે વાત કયા વિષય પર કરવાના છીએ. તમને ખ્યાલ આવી ગયો હશે, અણસાર મળી ગયો હશે કે આપણે વાત વિશ્વવિખ્યાત યોગાચાર્ય એવા બાબા રામદેવની કરવાના છીએ. થોડા દિવસ પહેલાં હું દેહરાદૂન ગયો હતો, તેમને મળવા જ. દેહરાદૂનથી થોડે દૂર તેમણે બહુ જ સરસ સેન્ટર શરૂ કર્યું છે. એ સેન્ટરમાં સેંકડોની સંખ્યામાં લોકો આવે છે. જાતજાતના શારીરિક પ્રશ્નો, પીડાઓ અને દર્દ સાથે. આયુર્વેદ અને યોગની મદદથી રામદેવજીના આ સેન્ટરમાં આવતા લોકો ઘણી સારી સ્વસ્થતા સાથે ઘરે પાછા જાય છે. એવું ત્યાં રહેતા લોકો પાસેથી પણ જાણવા મળ્યું અને બહાર પણ અઢળક જગ્યાએ આ વાત સાંભળી. ખરું કહું તો મને પણ ત્યાં જઈને એવું લાગ્યું, પણ મારે ત્યાં જવાનું કેવી રીતે બન્યું અને કઈ રીતે અમારી મુલાકાતના સંયોગ ઊભા થયા એની વાત તમને પહેલાં કરું.
એક ચૅનલમાં આગામી એક પ્રોગ્રામની વાત થઈ. એ પ્રોગ્રામ વિશે હું અત્યારે કોઈ રીતે રિવીલ ન કરી શકું એટલી તો હવે તમને પણ ખબર જ છે પણ સમય આવ્યે તમને સૌથી પહેલાં કહીશ એ પ્રૉમિસ, પણ અત્યારે આપણે વાત કરીએ એ પ્રોગ્રામને કારણે ઊભા થયેલા સંયોગની. ચૅનલના જે કર્તાહર્તા છે તેમની સાથે વાત થઈ કે આવું કંઈક આપણે વિચારીએ અને અમે એ દિશામાં વિચારી એક કન્સેપ્ટ તૈયાર કરી મીટિંગો કરી, જે મીટિંગમાં એવી વાત થઈ કે આપણે આના માટે તો બાબા રામદેવને મળવું જ પડે, તેમને એ સંભળાવવું પડે. મેં કહ્યું કે ચાલો બાબા રામદેવ પાસે. 
એ સેન્ટર પર જવું હોય તો વાયા દેહરાદૂન જવું પડે એટલે અમે બપોરે મુંબઈથી દેહરાદૂનની ફ્લાઇટ લીધી. ઍરપોર્ટ પહોંચ્યા, ફ્લાઇટમાં બેઠા અને બસ, ફ્લાઇટ ઊપડવાની તૈયારી થઈ, મોબાઇલ સ્વિચ ઑફ કરવાની અનાઉન્સમેન્ટ ચાલતી હતી ત્યાં દીકરી મિશ્રીની સ્કૂલમાંથી ટીચરનો ફોન આવ્યો કે મિશ્રીની તબિયત બરાબર નથી અને સાહેબ, જ્યારે તમારી ફ્લાઇટ ટેક ઑફ થવાની તૈયારીમાં હોય અને સ્કૂલમાંથી તમને ફોન આવે ત્યારે તમારી સામે ડબલ અવઢવ આવી જાય. એક બાજુએ ઍરહૉસ્ટેસ અને એક બાજુએ નર્સ, એ બે વચ્ચે ખરેખર સંભાળવું પડે. 
ફોન પર મારી વાતો ચાલતી હતી અને બે વખત ઍરહૉસ્ટેસ આવી મોબાઇલ સ્વિચ ઑફ કરવાનું કહી ગઈ. મેં તેને કહ્યું કે હજી ફ્લાઇટ રનવે પર પણ આવી નથી, રનવે પર જવાનું શરૂ કરશે એ પહેલાં હું બંધ કરી દઈશ. આવું બને ત્યારે આજુબાજુ બેઠેલાઓને પણ લાગે કે કે ખરો માણસ છે, આટલી વાર કહે છે તો પણ ફોન બંધ નથી કરતો. પણ મારી કફોડી હાલત હતી. બધાને સમજાવવું કઈ રીતે કે હું અવઢવ અને મૂંઝવણમાં છું. ફૅમિલીમાં મેડિકલ ઇશ્યુ હોય ત્યારે ફોન મૂકી પણ ન શકીએ પણ હા, એટલું કહીશ કે આવી ક્રાઇસિસ સિવાયના દિવસોમાં ફોન મૂકી જ દેવો, બંધ કરી જ દેવો. હું પણ એમાં જ માનું છું અને નિયમ પાળું જ છું. ફાઇનલી ફ્લાઇટ ટેક ઑફ થઈ અને અમે પહોંચ્યા દેહરાદૂન. 
મસ્ત, ગુલાબી ઠંડી અને ગાડી આવી ગઈ હતી. દેહરાદૂનથી અમે બાબાના યોગ સેન્ટર તરફ નીકળી પડ્યા. બહુ સુંદર જર્ની રહી એ. વાતો કરતાં-કરતાં, પોતપોતાના કિસ્સાઓ કહેતાં-કહેતાં અને સેન્ટરનો રસ્તો શોધતાં-શોધતાં અમે તો પહોંચ્યા સેન્ટર પર. 
બહુ જ સરસ એવા એ સેન્ટરમાં અતિ સુંદર કહેવાય એવી વિલા જેવી રૂમ અમારા માટે રેડી હતી. અમે ફ્રેશ થયા અને રાહ જોઈ તેમની સાથેના મુલાકાતના સમયની. મીટિંગનો સમય થયો અને તે આવ્યા અને તેમણે વાત સાંભળવાનું શરૂ કર્યું. અહીં હું તમને અમારી મીટિંગનો ટાઇમ કહી દઉં. રાતના સાડાબાર વાગ્યાની અમારી એ મીટિંગ હતી. થોડી વાતો અમારી થઈ અને પછી તેમણે પોતાની દિનચર્યાની વાત કરી. 
તે સવારે ચાર વાગ્યાથી ઊઠ્યા હતા અને રાતે દસ વાગ્યે સૂવાનો પ્રયાસ કરે તો પણ રાતે બાર વાગી જ જાય છે. એ દિવસે તો તેઓ બે વાગ્યે સૂવા જઈ શકે એવી હાલત હતી. બેથી ચાર એમ બે કલાક સૂઈને આખો દિવસ આટલી મહેનત કરે અને મહેનત એટલે કેવી, આખો દિવસ સતત વ્યસ્ત જ વ્યસ્ત અને છતાં તમને જરાસરખો થાક પણ તેમના ચહેરા પર ન દેખાય. આ અદ્ભુત શક્તિ છે તેમનામાં. અમે તરત નક્કી કર્યું કે સવારે વિસ્તૃતમાં ચર્ચા કરવી. તે પણ તૈયાર થયા અને સવારે નવ વાગ્યાનો ટાઇમ નક્કી થયો. 
અરે હા, ભોજનની વાત રહી ગઈ. તેમને ત્યાં જમવામાં બહુ જ સાત્ત્વિક અને સરસ ભોજન. હું તો એટલું જ કહીશ કે ત્યાં જમો તો જાણો એટલું સરસ ભોજન. સૌ રાતે પોતપોતાની રૂમમાં ગયા અને નક્કી કર્યું કે ભલે બહુ જર્ની કરી, થાક લાગ્યો પણ આપણે ઇન્સ્પિરેશન લેવું જ જોઈએ અને એ ઇન્સ્પિરેશન લઈને મેં નક્કી કર્યું કે હું વહેલો ઊઠીશ અને સવારે યોગ હૉલમાં જઈને યોગ કરીશ. તમને પર્સનલી યોગ સેશન કરવા મળે તો છોડાય? 
ક્યારેય નહીં, કોઈ કાળે નહીં.
મારા માટે તો આ પણ એક કામ જ હતું. તેમને જે પ્રેઝન્ટ આપવી હતી એમાં જો હું હું તેમને આ રીતે વધુ સારી રીતે જાણવાની કોશિશ કરું તો સોને પે સુહાગા. હું પણ સવારના વહેલો પાંચ વાગ્યે ઊઠીને છ વાગ્યે તેમના યોગ સેશનમાં જોડાયો. બાબા રામદેવ સેશન તો પાંચ વાગ્યાથી શરૂ કરે છે, પણ હું છ વાગ્યે જોડાયો. 
તેમનું એ સેશન અદ્ભુત હોય છે. તે જે રીતે લોકો સાથે કનેક્ટ કરે છે, વાતો કરે છે અને જે રીતે પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ-વિલોમ કરતાં-કરતાં વચ્ચે જે વાતો કરે એ અદ્ભુત છે. આ બધું પાછું લાઇવ ટેલિકાસ્ટ પણ થતું હોય અને એનું ધ્યાન પણ તે રાખતા જાય. આ બધી ક્રિયા દરમ્યાન તેમને વાતો સૂઝ્યા જ કરે અને યોગનાં નવાં-નવાં આસનો પણ તે કરતા જાય. આસનો કરતા જાય અને લોકો સાથે ઇન્ટરૅક્ટ પણ કરે. તેમની સાથે તેમના જે અમુક યોગીઓ સ્ટેજ પર હોય એ પણ યોગ કરતા હોય અને તો સામેના હૉલમાં ઇન્સ્ટ્રક્ટર, કાર્યકર્તાઓ ફરતા હોય, જે બરાબર બેસીને કરતું ન હોય તેની પાસે આવીને તેમને શીખવે, સમજાવે અને સંખ્યા એટલે મબલક લોકો. એક બાજુએ યોગ ગાર્ડનમાં ચાલતા હોય, બીજી બાજુએ હૉલ હોય અને બધું હકડેઠઠ ભરેલું હોય. જો આગળ બેઠા હો અને પાછળ ફરીને જુઓ તો મજા પડી જાય અને પાછળ બેઠા હો તો-તો સહેજ મસ્તક ઊંચું કરો એટલે બધું દેખાઈ આવે. ખૂબ મજા આવે. તમને કમર દુખતી હોય કે તમે પલાંઠી મારીને બેસી ન શકતા હો તો બધું સીધું થઈ જાય અને તમે સરસ રીતે યોગ કરવા માંડો. મેં પણ યોગની શરૂઆત કરી.
ઘણા વખતથી મેં કર્યા નહોતા તો શરૂઆત કરતાં-કરતાં દોઢ કલાક ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ ન પડી. આમ શરૂઆત કરો તો પંદર-વીસ મિનિટમાં તમને થાય કે હવે શું કરું અને સામે આવી ઇન્સ્પાયરિંગ વ્યક્તિ હોય, વિરલ વિભૂતિ હોય, આવું વાતાવરણ હોય અને આવી સુંદર રીતે યોગ કરાવતા હોય તો દોઢ કલાક ક્યાં થઈ ગયો એ સમજાયું નહીં. એ પછી અમારે થોડું ફ્રેશ થવાનું હતું ને ફ્રેશ થઈને તેમને મળવાનું હતું, જેના માટે મારે એ પ્રેઝન્ટેશન પણ એક વાર રિફર કરવાનું હતું એટલે હું આવી ગયો રૂમમાં. તેમને મેં જે સમજ્યા હતા અને અત્યારે, લાઇવ જોતાં-જોતાં એમાં જે ઉમેરો થયો હતો એ બધું મને લાગ્યું કે અમારે પ્રેઝન્ટમાં ઍડ કરવું જોઈએ એટલે તરત એ કામે લાગ્યો. જે બધું હતું એ તેમના વિશે જ હતું, તેમના દ્વારા જ સર્જન થયેલું હતું એટલે ચીવટ પણ એમાં જરૂરી હતી. બધું રેડી કરી નવ વાગ્યાની તૈયારી કરી લીધી અને નવ વાગે એની રાહ જોવા માંડ્યા. હવે તમારે પણ રાહ જોવાની છે, આવતા ગુરુવારની. અમારી આ મીટિંગ આવતા ગુરુવારે આગળ વધારીશું. મિલતે હૈં બ્રેક કે બાદ...

બાબા રામદેવ સવારે ચાર વાગ્યાથી ઊઠે અને રાતે દસ વાગ્યે સૂવાનો પ્રયાસ કરે તો પણ રાતે બાર વાગી જ જાય. એ દિવસે તો તેઓ બે વાગ્યે સૂવા જઈ શકે એવી હાલત હતી. બેથી ચાર એમ બે કલાક સૂઈને આખો દિવસ આટલી મહેનત કરે અને મહેનત એટલે કેવી, આખો દિવસ સતત વ્યસ્ત જ વ્યસ્ત અને છતાં જરાસરખો થાક ચહેરા પર નહીં.

baba ramdev JD Majethia columnists