પૂછો તમારી જાતને : જરા વિચારો અને કહો જોઈએ કે તમે તમારા આ શહેર માટે શું કર્યું?

17 May, 2022 09:46 AM IST  |  Mumbai | Manoj Joshi

આપણે એવું તે શું કરી લીધું જેને લીધે આમચી મુંબઈના નારા લગાવીએ છીએ એ આપણું મુંબઈ વધારે જીવવાલાયક બન્યું? કંઈ કર્યું ખરું જેને લીધે આપણે આ શહેરમાં એક નાનકડી સુવિધાને પણ સાચવવાની કોશિશ કરી કે પછી જે પગલાને કારણે આ મુંબઈ થોડું વધારે સારું બન્યું?

મિડ-ડે લોગો

આપણે એકધારી એવી અપેક્ષા રાખીએ છીએ કે મુંબઈ આપણને વર્લ્ડબેસ્ટ ફૅસિલિટી આપે અને આપણે એ ફૅસિલિટી હકપૂર્વક ભોગવીએ. અમેરિકા જેવી મેટ્રો આપણી પાસે હોય, કૅનેડા જેવી બસ-સર્વિસ આપણી પાસે હોય, ઑસ્ટ્રેલિયા જેવા રસ્તા આપણે ઇચ્છીએ છીએ અને આરબ અમીરાત જેવા કૉર્પોરેશનની સુવિધા આપણને આપવામાં આવતી હોય. આ બધાના આપણે સૌ હકદાર છીએ, પણ એ હક માગતાં પહેલાં ક્યારેય એ વિચારવાની કોશિશ કરી છે ખરી કે આપણે આ શહેર માટે શું ભોગ આપ્યો? આપણે એવું તે શું કર્યું જેને લીધે આપણું આ શહેર છે એના કરતાં થોડું વધારે સારું બન્યું? આપણે એવું તે શું કરી લીધું જેને લીધે આમચી મુંબઈના નારા લગાવીએ છીએ એ આપણું મુંબઈ વધારે જીવવાલાયક બન્યું? કંઈ કર્યું ખરું જેને લીધે આપણે આ શહેરમાં એક નાનકડી સુવિધાને પણ સાચવવાની કોશિશ કરી કે પછી જે પગલાને કારણે આ મુંબઈ થોડું વધારે સારું બન્યું?
આનો કોઈ જવાબ આપવાની જરૂર નથી, આ સવાલના જવાબ તમારે તમારી જાતને આપવાના છે અને એ જવાબ આપ્યા પછી તમારે તમારું મૂલ્યાંકન કરવાનું છે કે તમે જે કરી રહ્યા છો એ માત્ર તમારે માટે અને તમારા પરિવાર માટે કરી રહ્યા છો કે પછી સમાજ માટે, સોસાયટી માટે, શહેર માટે તમે તમારું ઉત્તરદાયિત્વ નિભાવ્યું ખરું? 
મોટા ભાગની વ્યક્તિ આ કામ કરવાની નથી એની મને ખાતરી છે અને એ ખાતરી પછી જ કહું છું કે જો તમે તમારા શહેર માટે કંઈ કરવાને અસમર્થ હો તો પછી તમે કેવી રીતે આ શહેર પાસેથી બધું શ્રેષ્ઠ તમને પ્રાપ્ત થાય એવી અપેક્ષા રાખી શકો. તમારી આ અપેક્ષા અર્થહીન છે અને આ અર્થહીન અપેક્ષા વચ્ચે તમને જેકંઈ મળી રહ્યું છે એ બધા માટે તમારે આ શહેરના તંત્રનો આભાર માનવો જોઈએ. અફસોસ તો એ વાતનો પણ છે કે આપણે તો એ આભાર માનવામાં પણ પાછા પડીએ છીએ. 
વિશ્વના જેટલા પણ વેલ ડેવલપ્ડ વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ બધા દેશો જોયા છે અને એટલે ત્યાંની એક સિસ્ટમની ખબર છે. 
લોકો તંત્રની કામગીરીથી ખુશ થાય તો તરત જ પોતાની ખુશી દર્શાવતી એક ઈ-મેઇલ તે તંત્રને કરે છે. મને અત્યારે કૅનેડાનું એક દૃશ્ય યાદ આવે છે, જે મેં મારી નરી આંખે જોયું હતું. 
એક ટ્રાફિક પોલીસ ઑફિસરે રસ્તા પર નાખી દેવામાં આવેલું બર્ગરનું એક રેપર ઊંચકીને છેક ડસ્ટબિનમાં જઈને ફેંક્યું. ઑફિસરને આ ડ્યુટી કરતા જોઈને ત્યાં હાજર રહેલા પાંચ-સાત ટૂરિસ્ટે તાળીઓ પાડી હતી તો હાજર રહેલા કૅનેડિયનોએ ઑફિસર પાસે જઈને તેમને થૅન્ક્સ કહ્યું હતું. એટલું જ નહીં, થૅન્ક્સ કહ્યા પછી ત્યાંથી જ તેમણે મોબાઇલ ઍપ્લિકેશનથી ગવર્નમેન્ટને પણ ઈ-મેઇલ કરીને આ ઘટના વિશે જાણ કરીને તેમનો પણ આભાર માન્યો. મને કોઈ એટલું કહે કે આપણામાંથી ક્યારે કોઈએ એક વખત તંદુરસ્ત તબિયત વચ્ચે ડૉક્ટર પાસે જઈને એવું પણ કહ્યું છે કે તબિયત એકદમ સરસ છે સાહેબ, તમે કરેલી ટ્રીટમેન્ટની અસર એટલી સરસ છે કે ખાસ તમને થૅન્ક્સ કહેવા માટે રૂબરૂ આવ્યો. યાદ રહે, જ્યાં સુધી ઉત્તરદાયિત્વ દર્શાવવાની માનસિકતા નહીં રહે ત્યાં સુધી જીવનમાં કશું પણ પ્રાપ્ત થતું નથી.

columnists manoj joshi