કૉલમ : કુછ ઠંડા હો જાએ?

15 May, 2019 11:26 AM IST  |  | અર્પણા શિરીષ

કૉલમ : કુછ ઠંડા હો જાએ?

ઉનાળામાં પીઓ આ ખાસ પીણાં

ગરમીમાં પાણી બાદ જેની સૌથી વધુ ડિમાન્ડ રહે છે, જુદા જુદા ટાઇપનાં કુલર્સની. ઉનાળામાં જ્યારે ભૂખ ઓછી અને તરસ વધુ લાગે છે, એવામાં ખાવાનું મન થતું નથી. અને જો વધુ ખવાઈ જાય તો પેટ ફૂલી જવું, ગરમી વધુ લાગવી, અને પાચન ન થવું એવી તકલીફો થાય છે. આવામાં લિક્વિડ ડાયટ શરીર માટે સારું. શરીરને ગરમીમાં હાઇડ્રેટ રાખવા માટે પણ વધુમાં વધુ પ્રવાહી લેવું જરૂરી હોય છે. અહીં ફક્ત લીંબુ પાણીમાંથી આમેય જ્યારે કોઈ ખાસ ન્યુટ્રિશન મળતું નથી ત્યારે, દેશનાં વિવિધ રાજ્યોમાં કેવા પ્રકારનાં પરંપરાગત કુલર્સ ઉનાળામાં પીવામાં આવે છે, એ જાણી લો.

સોલકડી

કોંકણ અને માલવણની સ્પેશ્યલિટી એવી સોલકડી એટલે નારિયેળના દૂધ અને કોકમમાંથી બનાવવામાં આવેલું પીણું, જેમાં મીઠું અને કોથમીર પણ નાખવામાં આવે છે. ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા સોલકડીની ન્યુટ્રિશન વૅલ્યુ જણાવતાં કહે છે, નારિયેળનું દૂધ કૅલ્શિયમ, આયર્ન અને ફાઇબરથી ભરપૂર છે, અને કોકમ શરીરને ઠંડક આપે છે. એ સિવાય એમાં વિટામિન સી પણ છે. કોકમનો સમાવેશ ખોરાકમાં કરવાથી પિત્ત અને વાયુ નથી થતાં. માટે સોલકડી એક ઉત્તમ કુલર બને છે.

નીર મોર

તામિલનાડુમાં ઉનાળામાં પીવાતું નીર મોર એટલે ટૂંકમાં વઘારેલી છાશ. છાશમાં કોથમીર, ફુદીનો, લીલાં મરચાં, આદુ, મીઠું વગેરે ઉમેરી, ત્યાર બાદ એના પર હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરવામાં આવે છે. નીર મોરની ન્યુટ્રિશન વૅલ્યુ વિશે યોગિતાબહેન કહે છે, દહીં એ પેટમાં સારા એવા બૅક્ટેરિયા વધારે છે, જેની ઉનાળામાં ખાસ જરૂર હોય છે. ઉનાળામાં જ્યારે પાચનની આમ પણ તકલીફ થતી હોય, ત્યારે છાશ કે દહીં કોઈ પણ સ્વરૂપમાં લેવું સારું. અહીં નીર મોરમાં કોથમીર એ ઠંડક આપનારી છે. ફુદીનો ડાયજેશનમાં મદદ કરે છે, અને બધી જ ચીજો કાચી અને લીલી હોવાને લીધે આ નીર મોર ઍન્ટિ-ઑક્સિડેન્ટથી ભરપૂર છે. માટે જો રેગ્યુલર છાશમાં કંઈક નવીનતા જોઈતી હોય તો નીર મોર ટ્રાય કરવા જેવું છે.

સત્તુ કા શરબત

બિહારનું ફેમસ અને દરેક ઘરમાં મસ્ટ એવું સત્તુનું શરબત શેકેલા કાળા ચણાના લોટમાં પાણી, સંચળ, લીંબુ, કાળાં મરી વગેરે નાખીને બનાવવામાં આવે છે. આ તો છે નમકીન પીણું, અને જો સ્વીટ ફાવતું હોય તો પાણી અને સાકર મિક્સ કરીને પણ શબ્દોનું શરબત બનાવી શકાય. ઉનાળામાં સતત બહાર તડકામાં રમતાં ડ્રૉઇંગ કિડ્સ તેમ જ વૃદ્ધો માટે આ એક સૌથી હેલ્ધી પીણું છે, એવું જણાવતાં યોગિતાબહેન કહે છે, કાળા ચણામાં આયર્ન અને કૅલ્શિયમનું પ્રમાણ ખૂબ સારું હોય છે. અહીં એને પહેલેથી જ લોખંડની કડાઈમાં શેકેલા હોવાને લીધે એ પ્રોસેસ્ડ અને પ્રી-ડાયજેસ્ટ થઈ જાય છે, જેના લીધે ઉનાળામાં તેને પચાવવા માટે તકલીફ થતી નથી. વધુમાં હા, એ મન થાય ત્યારે પી શકાય એવું ડ્રિન્ક બની શકે છે, કારણ કે શેકેલા ચણાનો લોટ આપણે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકીએ છે, અને એ ખરાબ નથી થતો. જ્યારે મન થાય ત્યારે એમાં પાણી, મીઠું અને લીંબુ મેળવી એક હેલ્ધી ડ્રિન્ક બનાવીને પી શકાય.

બેલ કા શરબત

શિવજીને ચઢતા બીલીપત્રના વૃક્ષ પર ઊગતાં બીલીનાં ફળો આ સીઝનમાં ખાસ જોવા મળશે. અંગ્રેજીમાં વુડ ઍપલ તરીકે ઓળખાતાં બીલીનાં પાકાં ફળને કાપી એમાંથી ગર કાઢી એને પીસવામાં આવે છે. ત્યાર બાદ ગાળીને એમાં ઠંડું પાણી, ગોળ અથવા સાકર અને જીરુ તેમ જ એલચી મેળવીને શરબત બનાવવામાં આવે છે. બીલીનું ફળ શરીરને ઠંડક આપનારું છે, એવું જણાવતાં યોગીતાબહેન કહે છે, ઉનાળામાં જ્યારે પાચનની તકલીફ હોય ત્યારે બીલીનું શરબત ખાસ પીવું. આ સિવાય ગરમીને લીધે થતા ડાયરિયામાં પણ બીલીનું શરબત પીવાથી રાહત મળે છે.

પીયૂષ

વર્ષો પહેલાં મુંબઈમાં એક નાનકડી મહારાષ્ટ્રિયન હોટેલમાં ઉનાળામાં કંઈક નવું પીરસવા માટે એક પ્રયોગ કરાયો. સ્વાદિક્ટ શ્રીખંડને છાશમાં મિક્સ કરી પીરસવામાં આવ્યો અને નામ આપ્યું પીયૂષ. અહીં દહીં એટલે ઉનાળામાં સર્વોત્તમ. એમાં જાયફળ, એલચી વગેરેનો સ્વાદ ભળે એટલે એક સ્વાદિક્ટ પીણું તૈયાર થાય. જોકે આમાં ઘણા વધુ હેલ્ધી પ્રયોગો પણ કરી શકાય, એ વિશે જણાવતાં યોગીતાબહેન કહે છે, જે રીતે આજકાલ સ્મૂધી પીવાનો ટ્રેન્ડ છે, એમ ફ્રૂટ શ્રીખંડ બનાવીને એને પણ છાશમાં મિક્સ કરીને પી શકાય. ઉનાળામાં દૂધ કરતાં દહીં સારું. એટલે બાળકોને દહીં અને ફ્રૂટ બન્ને એકસાથે પીયૂષરૂપે આપી શકાય, જેમાં કેરી, કીવી જેવાં ફળો દહીંમાં ઉમેરી એની સ્મૂધી જેવું બનાવી પી શકાય.

રાગી અંબાલી

રાગી એટલે કે નાચણીમાંથી બનતું આ પીણું સત્તુ કા શરબત જેવું છે. કર્ણાટકમાં લગભગ રોજ સવારે બ્રેકફાસ્ટ સાથે કે બ્રેકફાસ્ટ બાદ નાચણીની કાંજી પીવાય છે, અને ઉનાળામાં એમાં છાશ પણ મિક્સ કરવામાં આવે છે. નાચણી શરીર માટે ઠંડી હોવાને લીધે ગરમીમાં ખૂબ સારી અને એને છાશ સાથે લેવામાં આવે એટલે કુલર તરીકેના ફાયદા વધી જાય. નાચણીમાંથી આ પીણું તૈયાર કરવા માટે નાચણીના લોટને પાણીમાં મિક્સ કરી, ત્યાર બાદ એને ઉકાળવામાં આવે છે. થોડુંક ઘટ્ટ થાય એટલે પછી એને ઠંડું કરી એમાં છાશ મિક્સ કરી એમાં ગોળ અથવા મીઠું નાખી ગરમીમાં કુલર તરીકે પીવામાં આવે છે.

આ પણ વાંચો : ગરમીમાં તમારા બાળકોને હાઈડ્રેટ કરે છે આ સમર ડ્રિન્ક્સ

ઇમલી કા અમલાના

રાજસ્થાનમાં જ્યાં આબોહવા ખૂબ જ સૂકી હોય છે, ત્યાંના લોકોમાં આમલીના પાણીમાંથી બનતું આ પીણું ફેવરિટ છે. આમલીના પાણીમાં સંચળ, સાકર, કાળાં મરી, એલચી વગેરે ઉમેરી એ બનાવવામાં આવે છે. જોકે યોગિતા ગોરડિયા કહે છે, રાજસ્થાન, મારવાડમાં આબોહવા ખૂબ જ સૂકી હોવાને કારણે આટલી આમલી ખાવી શરીર માટે યોગ્ય ગણાય, પણ આપણે ત્યાં ભેજવાળા વાતાવરણમાં ફક્ત આમલીનું આ રીતે પાણી પીવું શરીર માટે યોગ્ય નથી, કારણ કે ક્યારેક જ આમ ગરમીમાં ખટાશ લેવાથી એનાથી ઍસિડિટી થઈ શકે છે.

columnists