તમારું સંતાન કેટલું સજ્જ છે અણધાર્યા સંકટ માટે?

03 June, 2019 11:55 AM IST  |  મુંબઈ | અર્પણા શિરીષ

તમારું સંતાન કેટલું સજ્જ છે અણધાર્યા સંકટ માટે?

સુરત અગ્નિકાંડ

કેટલાક વિષયો એવા હોય છે કે જેના પર જ્યારે પણ વાત કરવામાં આવે, મન દુખી થાય છે. સુરત સ્માર્ટ સિટી. એક બિલ્ડિંગ અને બિલ્ડિંગની ટેરેસ પર બાંધવામાં આવેલા કોચિંગ ક્લાસ. જેમાં આગ લાગતા ૨૨ તરુણો સ્વાહા થઈ ગયા. એક પછી એક બિલ્ડિંગ પરથી કૂદતાં એ તરુણો અને તરુણીઓની છબી કાયમ મગજમાં રહશે. અહીં નોંધનીય વાત એ છે કે જો બાળકોને ઘરે કે સ્કૂલમાં ક્યારેક આવી હોનારતમાંથી કઈ રીતે પોતાને અને આજુબાજુના લોકોને બચાવવા એની જાણ હોત અથવા આવું કંઈ થાય ત્યારે ડરી ન જતાં, મગજ શાંત રાખી પગલાં લેવાની સમયસૂચકતા જો શીખવાડવામાં આવી હોત તો દૃશ્ય કંઈ બીજું હોત.

થોડાક દિવસ પહેલાં જ કાંદિવલીમાં છ વર્ષનો છોકરો બિલ્ડિંગના પાર્કિંગ-લૉટમાં હાઇડ્રોલિક પાર્કિંગમાં ટેક્નિકલ ખામીને લીધે પોતાના પર કાર ધસી પડતાં મૃત્યુ પામ્યો. અહીં ન થવાનું ઘટી ગયું અને બિલ્ડિંગના રહેવાસીઓએ બિલ્ડરને બ્લેમ કરતાં કહી દીધું કે હાઇડ્રોલિક પાર્કિંગમાં રિપેરિંગની જરૂર હતી, જે કરવામાં આવી નહોતી, પણ અહીં કાર પાર્કિંગમાં ન રમાય અથવા જેને રિપેર કરવાની જરૂર છે, એવા પાર્કિંગ લૉટમાં રમવું ડૅન્જર ગણાય એવું બાળકને ઘરેથી કહેવામાં આવ્યું હોત તો? આવા કિસ્સાઓ અનેક છે, જેમાં કાં તો પ્રશાસનને અથવા મા-બાપ ઘણી વાર પોતાને જ બ્લેમ કરતાં હોય છે કે મેં કદાચ ધ્યાન રાખ્યું હોત તો આવું ના થાત. પણ શા માટે આપણે આપણા બાળકોને નાનપણથી આવી હોનારતોનો સામનો કઈ રીતે કરવો એ શીખવતા નથી? આજે માર્ક્સ અને ગ્રેડ પાછળ ભાગતાં બાળકોને અસલ દુનિયામાં આવનારી મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો એ ખૂબ મૂલ્યવાન એવી લાઇફ સ્કિલ ક્યાંય શીખવવામાં નથી આવતી. નર્સરી અને જુનિયર કે.જી.થીજ બાળકોને લખતા આવડી જાય, ખૂબ બધી ભાષાઓ બોલતા આવડી જાય એકાદ બે સ્ર્પોટમાં માસ્ટરી થઈ જાય વગેરે ચીજો પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે, પણ જીવનમાં કોઈ ટેન્શન હોય, અચાનક સ્કૂલમાં આગ ફાટી નીકળે તો શું કરવું એ કોઈ નથી શીખવતું. કેટલાક પેરેન્ટ્સ અને નિષ્ણાંતો આ વિશે શું માને છે એના પર થોડીક ચર્ચા કરીએ.

ખરાબ છે સ્થિતિ

આજે આકાંક્ષાઓનું લેવલ એટલું મોટું થઈ ગયું છે કે બધાને જ ચંદ્ર પર જવું છે. કોઈને નીચે રહેવું જ નથી. બધાને ઉપર જોવું છે. ત્રણ કલાકની એન્ટ્રન્સ એક્ઝામ જાણે જાદુ હોય એ રીતે બાળકની આખી લાઇફનો ફેંસલો કરે છે, જે તદ્દન ખોટું છે. જાણીતા સાઇક્યિાટ્રિસ્ટ ડૉ. હરિશ શેટ્ટી આક્રમક અંદાજમાં કહે છે, ‘આજે પેરન્ટ્સને માત્ર ગ્રેડ ગ્રેડ અને ગ્રેડ જ મહત્વના લાગે છે. જરૂરી એવી સમયસૂચકતા અને લાઇફ સ્કિલ ક્યાં છે? ગ્લોબલાઇઝેશનને પગલે વાલીઓ પોતાના જ કામમાં એટલા વ્યસ્ત છે કે એમની પાસે સંતાનોના શિક્ષણ પર ખર્ચવા માટે પૈસો તો ખૂબ છે પણ તેમની પાસે આપવા માટે સમય નથી. તેમને જીવન જીવવાની કલા શીખવવાનો, તેમની સાથે બેસીને વાતો કરવાનો પણ સમય નથી. અહીં આપણી શૈક્ષણિક સિસ્ટમ પણ એટલી જ જવાબદાર છે. ગવર્નમેન્ટ સ્કૂલ અને કૉલેજમાં જ જો શિક્ષણ સારી ગુણવત્તાનું મળવા લાગે તો કોઈને બહાર ક્લાસીસમાં જે વધારાનું બર્ડન લેવાની જરૂર નહીં પડે.’

તો જ ફ્યુચર સિક્યૉર થશે

લાઇફ સ્કીલના સંદર્ભમાં ડૉ. હરિશ ઉમેરે છે, ‘બાળક એક વાર પાંચ વર્ષનું થાય કે તેને કઈ રીતે ભાવનાઓ ઉપર કાબૂ રાખવો, કઈ રીતે વર્તન પર કાબૂ રાખવો, રિસ્ક મેનેજમેન્ટ, ફિઝિકલ સેફ્ટી અને સોશ્યલ સૅફટી વિશે શીખવવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે આ જ વસ્તુઓ છે જે તેને જીવનભર કામ લાગશે બાકી એજ્યુકેશન તો રહેવાનું. આજે સતત દોડમાં મેચલા મનુષ્યને જ્યારે મુશ્કેલી આવે ત્યારે તેનો સામનો કઈ રીતે કરવો એ ખબર જ હોતી નથી. ભારતની વાત છોડીએ તો બહારના દેશોમાં જીવનની શરૂઆતનાં વર્ષોમાં બાળકોને લાઇફ સ્કિલ શીખવવામાં આવે છે. જ્યારે આપણે ત્યાં ભણતર પર પહેલું ધ્યાન આપવામાં આવે છે. કઈ રીતે ભાવનાઓ પર કાબૂ રાખવો કે હોનારત આવે ત્યારે પોતાને અને આજુબાજુના લોકોને કઈ રીતે બચાવવા, ડરનો સામનો કઈ રીતે કરવો, ગ્રુપમાં કઈ રીતે કામ કરવું, પોતાના શરીરનું ધ્યાન કઈ રીતે રાખવું, જ્યારે આપણે લોકો વચ્ચે હોઈએ ત્યારે પોતાને કઈ રીતે સાચવવા- આ બધી ચીજો શીખવવી જરૂરી છે. આપણા દેશમાં હજી એ સેફટી માટે લોકો અલર્ટ નથી. અને જીવ તો ભગવાનભરોસે એવું જ માનવામાં આવે છે. હવે સમય બદલાઈ રહ્યો છે એમ આપણે પણ મૂળભૂત સિસ્ટમને જ ચેન્જ કરીને પોતાને પણ બદલવું જોઈએ. અને તો જ ફ્યુચર સિક્યૉર થશે.’

સ્કૂલના પ્રયત્નો

આજના સમયમાં બાળકોને લાઈફ સ્કીલ શીખવવી ખુબ જરૂરી છે. જીવનની નાની-નાની બાબતોથી લઈને મોટી હોનારતો સુધી ક્યારે અને કઈ રીતે સમયસુચકતા વાપરી પગલું લેવું એ બાળકમાં હોવું જોઈએ. સ્કૂલના વ્યવસ્થાપકો આ વાત સ્વીકારે છે પરંતુ કેટલી સ્કૂલોમાં એનો અમલ થાય છે? કાંદીવલીની ચિલ્ડ્રન્સ એકૅડેમી સ્કૂલના પ્રિન્સિપાલ શીલા માલ્યા કહે છે, ‘અમારી સ્કૂલમાં અમે વર્ષમાં ચાર ફાયર મોક ડ્રીલ કરીએ છીએ. જેમાંથી બે બાળકોને કહીને કરવામાં આવે છે. અને બે સરપ્રાઈઝ ડ્રિલ હોય છે. એ સિવાય અમે ગ્રેડ વાઇઝ લાઈફ સ્કીલના સબ્જેક્ટને ડિવાઇડ કર્યો છે જેમાં દરેક ઉંમરમાં જરૂરી હોય એ પ્રમાણેની બિહેવીયરથી માંડીને સોશિયલ અવેરનેસ સુધીનું બધું જ શીખવવામાં આવે છે. આ બધું સિલેબસમાં નથી પણ અમને લાગે છે કે આ અમારી પણ જવાબદારી છે.’

સ્કૂલ કેટલું કરે?

પેરન્ટ્સને પણ જવાબદારી હોવી જોઈએ એવું ભારપૂર્વક કહેતા શીલા માલ્યા કહે છે, ‘બાળકો સ્કૂલમાં ફક્ત પાંચ-છ કલાક માટે હોય છે પણ બાકીના સમયે જ્યારે ઘરે હોય ત્યારે ફક્ત તેના ગ્રેડ પર ધ્યાન ન આપી, વાલીઓએ તેને આજુબાજુ પરિસરમાં શું ઘટી રહ્યું છે અથવા ન્યુઝપેપરમાં ઘટનાઓ છપાઈ રહી છે એ વિશે ચર્ચા કરવી જોઈએ અને આવી પરિસ્થિતિઓનો સામનો શાંતિથી કઈ રીતે કરવો એ પણ શીખવવું જોઈએ. બધા માટે સૌથી પહેલા વાલીઓએ પોતે પણ સજાગ બનવાની જરૂર છે. જ્યારે તમે તમારા સંતાનને કોઈ ક્લાસીસમાં કે સ્કૂલમાં મોકલો ત્યારે તમે પૈસા તો આપો છો, એજ્યુકેશનમાં કોઈ કમી નથી કરવી એવો તમારો હેતુ હોય છે, પણ ત્યારે તમે તમારું સંતાન સુરક્ષિત સ્થાને છે કે નહીં એની પણ ખાતરી પહેલેથી કરવી જોઈએ. એ સિવાય મારા મતે હવે ગવર્મેન્ટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સબ્જેક્ટ સ્કૂલ સિલેબસમાં ફરજિયાત કરી દેવો જોઈએ. અને જો એ વિષયમાં પણ ગ્રેડ મળવાના શરૂ થાય તો વાલી બાળકો બન્ને એના પર ધ્યાન આપતા થશે.’

પેરન્ટ્સ શું કહે છે?

મને ખાતરી છે મારો દીકરો ગમે તે સંજોગોનો સામનો કરી શકે છે : અમિતા શાહ, નવી મુંબઈ

મારો દીકરો જ્યારે સાત વર્ષનો હતો ત્યારે મેં એને પહેલી વાર આઠ દિવસના સમર કેમ્પમાં એકલો મોકલ્યો હતો. એ સિવાય તેણે આજકાલ જેનો ખૂબ ટ્રેન્ડ છે એવી મિલેટરી ટ્રેનિંગ કેમ્પ પણ કરી છે. મને મારા ઘણા રિલેટિવ્સ કહે છે કે એક જ છોકરો અને આટલું બધુ રિસ્ક ના લેવાય. જોકે મારા મતે આ બધું શીખવવાનો આ જ સમય છે. મેં પહેલેથી જ મારા દીકરાને મુંબઈમાં ગમે તે બનાવ બને તો એ વિશે એ સમજી શકે એ ભાષામાં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે મુંબઈમાં જીવન જીવવું એ લાઇવ બોમ્બ પર બેસવા સમાન જ છે. કોઈ બનાવ છાપામાં આવે તો એ વિશે પણ અમે ડિનર ટેબલ પર બેસી એની સાથે ચર્ચા કરીએ છીએ. અને એને પૂછીએ છીએ કે જો આ પરિસ્થિતિમાં તું હોત તો તેને કઈ રીતે રિએક્ટ કરત. માટે જ હવે તે મોટો થતા, એટલો સમજુ બન્યો છે કે આવી કોઈ પણ પરિસ્થિતિ આવે તો ઠંડા મગજથી કામ લે છે. અને સમયસૂચકતા વાપરી સમજી વિચારીને પછી જ પગલું ભરે છે. આપણા ગુજરાતીઓમાં બાળક હજી નાનું છે, હજી આ બધું શીખવાનો સમય નથી વગેરે વગેરે બોલવામાં આવે છે, જે ખોટું છે. આ બધું શીખવા માટે કોઈ સમયની કે કોઈ ઉંમરની રાહ જોવાની જરૂર નથી. પહેલેથી જ બાળકોને આ બધું શીખવવું જોઈએ. હું ગર્વથી કહું છું કે મેં શીખવાડ્યું છે.

હજી સુધી ધ્યાન નહોતું આપ્યું, પણ હવે આંખો ખુલી : હર્ષ પરીખ, વિલે પાર્લે

સાચું કહું તો બાળકને જ્યાં મોકલીએ છીએ એ જગ્યા સેફ છે કે નહીં એ બધું હજી સુધી ગંભીરતાથી વિચાર્યું નહોતુ. જોકે હમણાં બનેલા બનાવોએ મારી આંખો ખોલી છે. મારી દીકરી હજુ તો પાંચ જ વર્ષની છે. એટલે ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વિશે શીખવાનું તેને શરૂ કર્યું જ નથી. પણ હવે કરીશ. હવે હું પણ સેફટી વિશે વધુ સજાગ થઈશ. જોકે સ્વિમિંગ પૂલમાં કોઈ આજુબાજુ ના હોય તો એકલા ના જવાય કે જ્યાં કોઈ ન હોય એવી એકલી જગ્યાએ ના જવાય એવી બેઝિક વાતો મે એને શીખવી છે. એક પેરન્ટ તરીકે મારી જવાબદારી તો છે જ, પણ જો સ્કૂલના સિલેબસમાં આ બધી વાતો આવી જાય તો કેવું સારું. આવું થતાં સ્કૂલમાં તેઓ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ વિશે શીખશે અને સ્કૂલમાં હશે એટલે ઘરે પણ પેરેન્ટ્સ એના પર ધ્યાન આપશે. પણ હવે હું પર્સનલી લાઇફ સ્કિલ્સ આ વિષય પર ધ્યાન આપીશ. અને મારી દીકરીને પણ તેના માટે તૈયાર કરીશ.

આ પણ વાંચો : બ્રાઇડલ વેઅરના નવા રંગો

મારા મતે હવે ગવર્નર્મેન્ટે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સબ્જેક્ટ સ્કૂલ સિલેબસમાં ફરજિયાત કરી દેવો જોઈએ. અને જો એ વિષયમાં પણ ગ્રેડ મળવાના શરૂ થાય તો વાલી બાળકો બન્ને એના પર ધ્યાન આપતા થશે. - શીલા માલ્યા, સ્કૂલનાં પ્રિન્સિપાલ

કઈ રીતે ભાવનાઓ પર કાબૂ રાખવો, હોનારત આવે ત્યારે પોતાને અને આજુબાજુના લોકોને કઈ રીતે બચાવવા, ડરનો સામનો કઈ રીતે કરવો, ગ્રુપમાં કઈ રીતે કામ કરવું, પોતાના શરીરનું ધ્યાન કઈ રીતે રાખવું - આ બધી ચીજો શીખવવી જરૂરી છે. - ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

surat columnists