રિશ્તા હો તો ઐસા હો

15 August, 2019 12:47 PM IST  |  મુંબઈ ડેસ્ક | અર્પણા શિરીષ

રિશ્તા હો તો ઐસા હો

રાખી

વૃદ્ધ માતા-પિતાને કોણ સાચવશે અને તેમની પ્રૉપર્ટીમાં કોણ મોટો હિસ્સો લેશે એનો નિકાલ લાવવા માટે કાયદાની મદદ લેતા ભાઈ-ભાઈને જોયા હશે પરંતુ હવે ભાઈ અને બહેન વચ્ચે પણ આ મુદ્દાને લઈને કાયદાકીય લડાઈ શરૂ થઈ છે. જોકે કેટલાક ભાઈ-બહેન એવા પણ છે જે મોટા થયા પછીયે એક સિક્કાની બે બાજુ જેવા છે. મોટેભાગે પરિવારના બિઝનેસને લગતા કોઈ ફેંસલા લેવાના હોય ત્યારે બે ભાઈઓ મળીને લે છે જ્યારે બહેનને એમાંથી મોટા ભાગે બાકાત રાખવામાં આવતી હોય છે. જોકે પ્રોપર્ટીમાં જ નહીં પણ બિઝનેસમાં હિસ્સેદારી ધરાવતા કેટલાક બ્રધર્સ એન્ડ સિસ્ટર્સને મળીએ આજે.

આ સિબલિંગ વચ્ચે ઑફિસમાં જો કોઈ પ્રોબ્લેમ થાય તો મનાવવાનું કામ ભાઈનું
પોતાનો બેસ્ટ ફ્રેન્ડ-કમ-બિઝનેસ પાર્ટનર ભાઈલો જ્યારે થોડા સમય પહેલાં ઑફિસના જ કામ માટે ૧૫ દિવસ માટે દુબઈ ગયો ત્યારે ૩૦ વર્ષની વિરાલી ઉપાધ્યાય ભાઈ ‘તારા વિના હું કેમ રહીશ?’ એમ કહી રડી પડેલી. આવા ભાઈ-બહેનના ઇમોશનલ સીન તો બોરીવલીમાં રહેતા રાજગોર ફૅમિલી માટે રોજના છે. યશ અને વિરાલીમાં યશ ૩ વર્ષ નાનો છે. બન્ને નાનપણથી જ એટલાં ક્લોઝ અને એટલાં ટિપિકલ ભાઈ-બહેન જેવાં છે કે ક્યારેક તેમની મમ્મી પણ બોલી ઊઠે કે મને લાગ્યું હતું કે મોટા થઈને તમે આમ ઝઘડવાનું બંધ કરશો અને એના પર યશ અને વિરાલી જવાબ આપે, ‘અમારાં તો બાળકો થશેને તોય અમે આવાં જ રહીશું.’ વિરાલી જ્યારે નાની હતી ત્યારે તેની ઇચ્છા હતી કે તેને પણ એક ભાઈ હોય. તેની મમ્મી પ્રેગ્નન્ટ હતી ત્યારે દાદીએ કહેલું કે રોજ કાનુડા પાસે પ્રાર્થના કર કે મને તમારા જેવો એક ભાઈ આપી દો.  ત્રણ વર્ષની વિરાલી રોજ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરતી અને યશ જન્મ્યો. અને એટલે જ યશ અને વિરાલી નાનપણથી જ ખૂબ જ ક્લોઝ અને ભાઈ-બહેન કરતાં બેસ્ટ ફ્રેન્ડ્સ વધુ રહ્યાં છે. સ્કૂલ પણ સેમ અને ફ્રેન્ડ સર્કલ પણ સેમ. યશ નાનો હોવાને લીધે નિરાલી તેને સ્કૂલમાં સંભાળી લેતી અને યશ મોટો થયો એટલે વિરાલીનો ઓવર પ્રોટેક્ટિવ ભાઈ બની ગયો છે. બન્નેએ એકબીજાને એ રીતે સંભાળ્યાં છે કે ક્યારે પોતાના પ્રૉબ્લેમ્સ બન્ને સિવાય કોઈ બીજા સાથે શૅર કરવાનો તેમને વિચાર જ નથી આવ્યો. આજે લગ્ન થયા પછી પણ તેઓ પોતાના સ્પાઉસને લગતી પણ કોઈ પરેશાની હોય તો એકબીજા સાથે શૅર કરે છે અને આવી આ ભાઈ-બહેનની જોડી આજે પોતાના પપ્પાનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો શિપિંગ કન્ટેનરનો બિઝનેસ આગળ વધારી રહી છે. 

એકબીજાના કામમાં દખલઅંદાજી ન કરવી એ અમારો પાર્ટનરશિપ ફન્ડા છે એવું જણાવતાં વિરાલી કહે છે, ‘મારું કામ ફૉરેન માર્કેટિંગનું છે અને યશનું ઑપરેશનનુ. ઑપરેશન વિશે મને કોઈ સમજ નથી એટલે હું એમાં ન પડું અને યશને ખબર છે કે હું ફૉરેન માર્કેટિંગમાં એના કરતાં વધુ સારી છું એટલે એમાં તે કોઈ દિવસ નથી પડતો અને અમારો બિઝનેસ સારી રીતે ચાલે છે. દાદાજીએ શરૂ કરેલી આ કંપનીમાં અમે ત્રીજી પેઢી છીએ. જેમ બધી કંપનીઓમાં મતભેદો થાય એમ અમારા વચ્ચે પણ મતભેદો થાય છે. અને એ પૉઇન્ટ પછી ઘરે પપ્પા સાથે પણ ડિસ્કસ થાય, જોકે એના લીધે ઝઘડા ક્યારેય નથી થયા. ગમેતેટલા મતભેદ હોય, પણ બીજે દિવસે સવારે એ બધું ભૂલી જવાનું અને ફરી બધું નૉર્મલ થઈ જાય. મેં પહેલેથી જ યશને કહી રાખ્યું છે કે ક્યારેય કંઈ થાય તો મનાવવાનું કામ તારે જ કરવાનું.’

અને આજેય યશ ‘ચલને, થોડી ભૂલ તારી હતી, થોડી મારી. ભૂલી જા હવે’ એમ કહીને વિરાલીને મનાવી લે છે. વધુમાં બન્ને ભાઈબહેન કેટલીયે વાર લૉન્ગ ડ્રાઇવ પર નીકળી પડે અને પોતાની લાઇફના અને ઑફિસના પ્રૉબ્લેમ્સ એકબીજા સાથે શૅર કરે. યશ અને વિરાલીએ આજે તેમના પપ્પાને આરામ આપી છેલ્લાં કેટલાંક વર્ષોથી બિઝનેસની ભાગદોડ હાથમાં લીધી છે. ચાર વર્ષ પહેલાં વિરાલી જ્યારે લગ્ન કરીને સાસરે ગઈ ત્યારે તેણે એક વર્ષ માટે બ્રેક લીધો હતો, પણ ફરી પાછી તે ભાઈને સપોર્ટ કરવા બિઝનેસમાં જોડાઈ ગઈ. યશ અને વિરાલી બન્નેએ લવ-મૅરેજ કર્યાં છે અને બન્નેના પાર્ટનર્સ પણ આ ભાઈ-બહેનની પાર્ટનરશિપ અને પ્રેમને ખૂબ સપોર્ટ આપે છે.

ભાઈને સીએ બનવામાં રોકટોક ન આવે એ માટે નાની બહેને પોતાના શિક્ષણમાં બ્રેક લઈ બિઝનેસ સંભાળી લીધો
‘મોટો ભલે હું હોઉં પણ કપરા સંજોગોમાં નિધિએ નાની હોવા છતાં વધુ મૅચ્યોરિટી દેખાડી છે.’ આ શબ્દો છે વિલે પાર્લેમાં પોતાના દાદાજીએ શરૂ કરેલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફર્મ સંભાળતા નિશલ શાહના. જેમની આખી ફૅમિલી જ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એવાં નિધિ અને નિશલ વચ્ચે વયનો તફાવત માત્ર બે વર્ષનો, જેને કારણે બાળપણથી જ તેઓ ભાઈ-બહેન ઓછાં અને બેસ્ટ ફ્રેન્ડ્સ વધુ. સ્કૂલમાં પણ બન્ને સાથે જ એટલે ફ્રેન્ડ સર્કલ પણ સરખું. નિધિ નાની હોવાને કારણે સ્કૂલમાં ગમે તે પ્રૉબ્લેમ થાય તો વાત ઘરે પેરન્ટ્સ સુધી પહોંચતી જ નહીં, કારણ કે નિશલ એ સૉલ્વ કરવા હાજર રહેતો. એ જ રીતે બન્ને ભાઈ-બહેન એકબીજાનાં સીક્રેટ પણ સાચવી લેતાં. બન્નેમાં જે બૉન્ડિંગ નાનપણમાં હતું એ આજેય કાયમ છે. અને તેઓ આ જ સંબંધમાં રહેલી આત્મીયતાને કાયમ રાખીને બિઝનેસમાં એકબીજાનો સાથ આપી રહ્યાં છે.

૨૦૦૯માં માત્ર દોઢ વર્ષના સમયગાળામાં તેમણે દાદા અને પિતા બન્નેને ગુમાવ્યા. અને એ પ્રસંગ પછી ઘર અને બિઝનેસની સંપૂર્ણ જવાબદારી નિશલે લેવી પડે એમ હતી. ‘એ સમયે હું અને નિધિ બન્ને સીએનો અભ્યાસ કરી રહ્યાં હતાં. ડિગ્રી ન હોવાને લીધે મને સાઇનિંગ ઑથોરિટી ન મળી શકે એટલે મારા માટે એ સમયે બિઝનેસમાં ધ્યાન આપવું કાં તો ભણવું આ બન્નેમાંથી એક પર્યાય પસંદ કરવાનો સમય આવ્યો. એ વખતે નિધિએ નાની બહેન હોવા છતાં એક મૅચ્યોર નિર્ણય લીધો અને મને ભણતરમાં ધ્યાન આપવાની સલાહ આપી પોતે ફર્મની જવાબદારી હાથમાં લીધી, જેના માટે તેને પોતાના સીએના ભણતર પર બ્રેક લગાવવો પડ્યો. એ દરમ્યાન તેણે બિઝનેસ એટલો સારી રીતે હૅન્ડલ કર્યો કે એકેય ક્લાયન્ટ ન ગુમાવ્યા. અને આજે એક બાળક હોવા છતાં તે પોતાની જવાબદારીઓ સાથે ક્યારેય બાંધછોડ નથી કરતી.’

વાતનો દોર પોતાના હાથમાં લેતાં નિધિ કહે છે, ‘એ સમયે બિઝનેસ અને નિશલ બન્નેનાં ફ્યુચર માટે તે ડિગ્રી મેળવી લે એ વધુ જરૂરી હતું. હું તો પછી પણ અભ્યાસ પૂરો કરી શકી હોત, જે મેં કર્યો. એમાં સૅક્રિફાઇસ જેવી કોઈ મોટી વાત નથી. હવે તો બધું તેનું જ છે. એ સમયે મેં ફક્ત મારી ફરજ બજાવી હતી.’

આ બન્ને ભાઈ-બહેન વચ્ચેની આ પર્ફેક્ટ પાર્ટનરશિપનો રાઝ તેમની વચ્ચે રહેલી સમજણ છે. બન્ને પરિણીત છે અને ક્યારેક બન્નેના જીવનસાથીઓને કોઈ બાબતે માઠું લાગી જાય તોયે નિધિ અને નિશલ તેમના આ પ્રેમભર્યા રિલેશનને કોઈ આંચ નથી આવવા દેતાં.

પતિની વિદાયને કારણે બહેન ડિપ્રેશનમાં ન સરી પડે એટલે આ ભાઈએ લીધેલા પગલા માન ઉપજાવશે
જ્યારે ભાઈ પોતાનાથી નવ વર્ષ નાનો હોય ત્યારે સ્વાભાવિક છે કે મોટી બહેનને તે બહેન કરતાં માની દૃષ્ટિએ વધુ જોતો હોય. અને પોતાની માને દુઃખમાં કોણ જોઈ શકે? બોરીવલીમાં રહેતી જિજ્ઞા શાહના પતિનું દોઢેક વર્ષ પહેલાં જ્યારે અચાનક અવસાન થયું ત્યારે તેમના નાના ભાઈ નિકુંજ ગોગરી માટે મા સમાન મોટી બહેન પર આવેલું આ દુઃખ અસહ્ય હતું. ત્રણ બહેનોમાં સૌથી મોટી અને પોતાનો જેણે દીકરાની જેમ ખ્યાલ રાખ્યો હોય એ બહેનને આમ હતાશ બેસી રહેલી જોવી નિકુંજને ખટકતું.

અચાનક આવો પ્રસંગ માથે આવવાને લીધે આગળ શું કરવું એ વિશે કંઈ જ વિચારવાની શક્તિ શૂન્ય થઈ ગઈ હતી એવું જણાવતાં જિજ્ઞા કહે છે, ‘હું તો શૉકમાં હતી જ, પણ મારી વીસ વર્ષની દીકરીને વધુ દુઃખનો સામનો ન કરવો પડે એ માટે શું કરવું એ પ્રશ્ન પડતો. મેં ઘરમાંથી બહાર નીકળવાનું પણ છોડી દીધું હતું. નિકુંજથી મારી આ હાલત જોવાતી નહોતી. તેને થયું કે આ રીતે હું ડિપ્રેશનમાં સરી પડીશ. એટલે તેણે મને ફરી પાછું કામ શરૂ કરી એમાં મન પરોવવાની સલાહ આપી. મારા હસબન્ડનો ગાર્મેન્ટનો બિઝનસ હતો, પણ એને કેટલાંક કારણોસર હું આગળ ચલાવી શકું એમ નહોતી; જેને કારણે અમે એ બિઝનેસ સમેટવાનું નક્કી કર્યું. નિકુંજ જે પોતે પણ ગાર્મેન્ટમાં જ નોકરી કરે છે, તેણે કસ્ટમાઇઝ્ડ શૂનો વ્યવસાય શરૂ કરવાનું સજેસ્ટ કર્યું.’

દસમા ધોરણ સુધી ભણેલી જિજ્ઞાએ ૨૫ વર્ષ પહેલાં
ફૅશન-ડિઝાઇનિંગનો કોર્સ કરેલો, જેની તેમના ભાઈએ તેમને યાદ અપાવી કંઈક નવું કરવા માટે પ્રોત્સાહન આપ્યું એટલું જ નહીં, શૂઝ માટે કારખાનામાં કરવું પડતું બહારનું કામ તેમ જ માલની ડિલિવરી સુધીનું બધું જ કામ તે પોતે પોતાની નોકરીમાંથી સમય કાઢી સંભાળે છે જેથી જિજ્ઞા ઘરે બેસી ફક્ત ઑર્ડર લેવા પર અને ડિઝાઇનિંગ પર ધ્યાન આપી શકે અને પોતાની દીકરી તેમ જ ૭૦ વર્ષનાં સાસુનું ધ્યાન રાખી શકે. ફક્ત નિકુંજ જ નહીં, તેની પત્ની પણ પોતાની નણંદને ખૂબ સપોર્ટ કરે છે.

જિજ્ઞા પોતાના નાના ભાઈના મળેલા આ સાથ માટે પોતાને દુનિયાની સૌથી લકી બહેન માને છે. આજે તેમનો આ કસ્ટમાઇઝ્ડ ફુટવેઅરનો બિઝનેસ આઠ જ મહિનામાં બુટિકના ઑર્ડર લેવા જેટલો વિકસિત થઈ ગયો છે.

પરિવારમાં જવાબદારીઓ વધી એટલે આ ભાઈ-બહેનની પાર્ટનરશિપ વધુ ગાઢ બની ગઈ
વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતાં ભરત અને ભારતી ગાંગાણીમાં વયનો ત્રણ વર્ષનો તફાવત. ભરત મોટો હોવાને લીધે હંમેશા એક બિગ બ્રધર તરીકે ભારતીની સપોર્ટ સિસ્ટમ બનીને રહે. ભરત પરિણીત છે અને ભારતી સિંગલ. ચાર ભાઈબહેનોમાં બન્ને નાનાં હોવાને કારણે ઘરમાં તેમનું બૉન્ડિંગ પણ સૌથી સ્ટ્રૉન્ગ. જોકે સવાલ બિઝનેસનો આવે ત્યારે પર્સનલ રિલેશન વચ્ચે ન આવે. અને એ જ પ્રકારે ઘરે આવ્યા બાદ તેઓ પાર્ટનર્સ નહીં, પણ ફક્ત સિબલિંગ્સ જ હોય. અને એ જ છે તેમની એક દાયકાની સફળ પાર્ટનરશિપનો ફન્ડા.

ઋતંભરા કૉલેજથી ગ્રૅજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ છેલ્લાં કેટલાંયે વર્ષોથી ભરત તેમના પપ્પા સાથે કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો હતો અને બીજી બાજુ ભારતીએ ઇન્ટીરિયર ડિઝાઇનિંગ કમ્પ્લીટ કરી પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો હતો, જેમાં જરૂર પડ્યે કેટલાક પ્રોજેક્ટ્સ પર બન્ને ભાઈ-બહેન એકસાથે કામ કરતાં. જોકે બે વર્ષ પહેલાં ફક્ત દોઢ જ વર્ષના સમયગાળામાં પપ્પા, સૌથી મોટા ભાઈ અને બહેનનાં મૃત્યુ બાદ એકાએક પરિવારની બધી જ જવાબદારીઓ ભરત અને ભારતી પર આવી પડી. આ વિશે વાત કરતા ભારતી કહે છે, ‘કુદરતે એક પછી એક આપેલા એ ધક્કાઓ બાદ અમે બિઝનેસને સિરિયસ પાર્ટનરશિપ સાથે નવા જોમથી કરવાનું શરૂ કર્યું અને એના લીધે ઇન્ટીરિયરનો આ બિઝનેસ તો ખીલ્યો જ પણ સાથે અમારુ બૉન્ડિંગ પણ વધુ સ્ટ્રૉન્ગ બન્યું.’

એક આઇડિયલ પાર્ટનર્સની જેમ જ આ ભાઈ-બહેનના પણ વિચારો ક્લિયર છે. ડિઝાઇનિંગ અને પેપરવર્કનું કામ ભારતીનું, જ્યારે ભરત ઑન સાઇટ એક્ઝિક્યુશન સંભાળે. અને બન્ને એકબીજાના કામમાં ચંચુપાત ન કરે. દરેક બિઝનેસમાં થાય એમ અમારામાં પણ કેટલીક વાર મતભેદ થાય છે એવું જણાવતાં ભારતી ઉમેરે છે, ‘પછી જેનો પૉઇન્ટ વધુ સ્ટ્રૉન્ગ હોય તેનું ચાલે અને બીજાએ પડતી લેવાની. આટલી અન્ડરસ્ટૅન્ડિંગ અમે રાખી છે.’

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા

એક જ ઘરમાં જ્યારે બિઝનેસ પાર્ટનર્સ હોય ત્યારે ઘરના બીજા મેમ્બર્સનો પણ રોલ મહત્ત્વનો હોય છે. જોકે એનું સોલ્યુશન આ ભાઈ-બહેને એ કાઢ્યું છે કે ઑફિસમાં થયેલી એક પણ બાબતનો ઉલ્લેખ ઘરે જઈને ઘરના બીજા સભ્યો સામે નહીં કરવાનો. વધુમાં જે પણ મતભેદ હોય એમાં ત્રીજી વ્યક્તિને ઇન્વૉલ્વ ન કરતાં જાતે જ વાતચીત કરીને એનો નિકાલ લાવવો.

columnists