એકસરખું જીવવાનો તમને કંટાળો કેમ ન આવે?

17 January, 2019 10:06 AM IST  |  | અપરા મહેતા

એકસરખું જીવવાનો તમને કંટાળો કેમ ન આવે?

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ 

વિભિન્ન કામ કરવાની મજા જ કંઈક જુદી હોય છે. ઘણા લોકો પોતાની આખી લાઇફ દરમ્યાન એકસરખું એવું જીવ્યા કરે કે તમને એ જોઈને કંટાળો આવી જાય, પણ તેને એ જીવવામાં જરાસરખો પણ કંટાળો ન આવતો હોય. આ જ વાત કહેતો એક બહુ સરસ મેસેજ હમણાં જ મને મારા એક ફ્રેન્ડે મોકલ્યો હતો. એકસરખાં પંચોતેર વર્ષ જીવ્યાને લાઇફ ન કહી શકાય.


વાત સાવ સાચી છે, પણ બહુ ઓછા લોકોને એ સમજાય છે. હું એક વાત કહીશ કે મને ક્યારેય મૉનોટોનસ કહેવાય એવી લાઇફ પસંદ નથી આવી. એકસરખાં નાટકો કરવાં પણ મને નથી ગમતાં અને એકસરખી વાર્તાવાળી સિરિયલ પણ કરવી મને નથી ગમતી. મેં મારાથી બનતી કોશિશ કરી છે કે હું દર વખતે કંઈક હટકે કામ કરું, જેમાં મને મજા આવે. અંગત મજા મહkવની છે અને એ બહુ ઓછા લોકોને મળતી હોય છે. નસીબજોગે હું જે ફીલ્ડમાં છું એમાં જેટલી વધારે ઇનસિક્યૉરિટી છે એટલો જ વધારે રોમાંચ પણ છે. આ રોમાંચને નોકરી કરનારાઓ ક્યારેય સમજી નહીં શકે.


ગયા વર્ષમાં મેં તદ્દન જુદા સબ્જેક્ટની કહેવાય એવી સાવ જુદા વિષયની ત્રણ સિરિયલો કરી, જેમાં સૌથી પહેલી કરી સ્ટાર પ્લસની ‘કયામત કી રાત’, બીજી કરી, ઍન્ડ ટીવીની ‘ભાબીજી ઘર પર હૈં’ અને ત્રીજી કરી સોની ટીવીની ‘મેરે સાંઈ’. ‘કયામત કી રાત’ એના નામ મુજબ તંત્રમંત્ર અને તાંત્રિક પ્રકારના સબ્જેક્ટની સિરિયલ. સાચું કહું તો મને અંગત રીતે આ પ્રકારના વિષયો બિલકુલ નથી ગમતા. પર્સનલી તો હું માનું છું કે આવા વિષયની સિરિયલો બનવી જ ન જોઈએ, પણ શું થાય, લોકોને ગમે છે અને લોકો આવી સિરિયલો ખૂબ જુએ પણ છે. આ જ તો કારણ છે કે ‘નાગિન’, ‘બ્રહ્મરાક્ષસ’ અને ‘દાયન’ જેવી સિરિયલો બને છે અને એના રેટિંગ્સ પણ ખૂબ સારા આવે છે. મારા અંગત ગમા-અણગમા પછી પણ ક્યારેક ને ક્યારેક તો ઍક્ટર તરીકે મારે પણ આવી સિરિયલ કરવાનો વારો આવવાનો જ હતો, એટલે મેં એ પણ કરી લીધી. આર્થિક મુદ્દા ઉપરાંત મને એનો અનુભવ પણ લેવો હતો, એ શૂટિંગ-ટેક્નૉલૉજી પણ સમજવી હતી. આવી સિરિયલનો એક ફાયદો એ કે આ પ્રકારના સબ્જેક્ટવાળી સિરિયલ બાવન એપિસોડની જ હોય છે, એમાં વાર્તા લાંબી નથી હોતી કે એ અંત વિનાની અંતાક્ષરીની જેમ ચાલ્યા જ નથી કરતી. સિરિયલ ખૂબ ચાલે તો એની બીજી સીઝન આવે, પણ એ કન્ટિન્યુ ચાલ્યા જ ન કરે. થૅન્કફુલી ‘કયામત કી રાત’ સિરિયલનું પ્રોડ્યુસર બાલાજી હતું, જે મારાં માટે ફૅમિલી છે. મારે કહેવું છે કે આજ સુધીમાં બાલાજી ટેલિફિલ્મ્સની કે પછી એકતા કપૂરની જે કોઈ સિરિયલો કરી છે એમાં મને કોઈ પ્રકારની તકલીફ નથી પડી.


જેવી ‘કયામત કી રાત’ પૂરી થઈ કે તરત જ મારા ગમતા કૉમેડી ઝોનરની સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’ કરી, જેમાં મારે છ એપિસોડનો કૅમિયો કરવાનો હતો. આમ તો મારા માટે તો એ એકદમ સુખદ અનુભવ હતો, પ્રોડક્શન-હાઉસ પણ મારા માટે જાણીતું હતું અને કામ પણ ગમતું એટલે એ કરવાની મને ખૂબ મજા આવી અને કરવાનો આનંદ પણ માણ્યો. સાચું કહું તો ‘કયામત કી રાત’નું તમામ સ્ટ્રેસ મેં આ સિરિયલના શૂટિંગ દરમ્યાન કાઢ્યું છે.


‘ભાબીજી ઘર પર હૈં’ પછી તરત જ સોની ટીવી પર આવતી ‘મેરે સાંઈ’ની ઑફર મને મળી. 2018નું એન્ડિંગ હતું. એક આડવાત કહું તમને, હું અને મારી આખી ફૅમિલી સાંઈબાબાના ભક્ત છીએ. સાંઈબાબાના ભક્તગણો કેવા શ્રદ્ધાળુ અને કેટલી મોટી સંખ્યામાં છે, મારી અંગત શ્રદ્ધા અને ભાવિકગણને જોઈને જ મને વિચાર આવ્યો કે મારે આ સિરિયલ કરવી જોઈએ. બીજી એક ખાસ વાત એ હતી કે મેં ક્યારેય એકસાથે પિરિયોડિકલ, માઇથોલૉજિકલ, હિસ્ટોરિકલ સબ્જેક્ટ કર્યો નથી એટલે એ રીતે પણ મારો આ પહેલો અનુભવ હતો. મને આ પ્રકારના સબ્જેક્ટ કરવા થોડા અઘરા લાગ્યા છે, કારણ કે એમાં ખૂબ તકલીફદાયક કહેવાય એવા કૉસ્ચ્યુમ પહેરવા પડતા હોય છે અને બહારનું એક્સ્ટીરિયર શૂટ વધારે પડતું હોય. અધૂરામાં પૂરું એ સિરિયલના ડાયલૉગ્સ, એમાં સંસ્કૃત ઉચ્ચારણો પુષ્કળ હોય. ઉચ્ચારણને કારણે તથા શૂટ એક્સ્ટીરિયર હોય એટલે એને લીધે પણ ડબિંગ કરવાનો વારો આવે. ઘણી વાર સેટ મુંબઈમાં નહીં પણ ગુજરાતના બરોડા કે ઉમરગામમાં હોય તો ત્યાં રહેવા જવું પડે, પણ જ્યારે ‘મેરે સાંઈ’ની ઑફર આવી ત્યારે મેં પહેલી વારમાં જ હા પાડી દેવાનો વિચાર કર્યો, કારણ કે એનો સેટ નાયગાંવમાં છે અને એટલું ટ્રાવેલ કરવાની તો હવે આદત પડી ગઈ છે. જોકે મારી બીજી ઘણી માન્યતાઓ સેટ પર તૂટી ગઈ.


મોટા ભાગના સેટ ઍરકન્ડિશન્ડ હોય અને બધી સુવિધાઓ રાખવામાં આવી હોય, પણ ‘મેરે સાંઈ’ના સેટની વાત જુદી છે. અહીં અઢારમી સદીના શિરડીનો સેટ બનાવવામાં આવ્યો છે. શૂટિંગનો ટાઇમ સવારના સાતથી સાંજના સાત સુધીનો. આ ટાઇમે પહોંચવા માટે મારે દરરોજ સવારે સાડાપાંચ વાગ્યે (યસ, 5.30 વાગ્યે) નીકળી જ જવું પડે છે. સિરિયલમાં મારા કૅરૅક્ટર માટે મેં નક્કી કર્યું છે હું બિલકુલ મેકઅપ નહીં કરું, જેથી એટલો સમય અમારો બચે. શૂટિંગમાં મારા કૅરૅક્ટરની એન્ટ્રી કરવાની હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે મારે બળદગાડામાં એન્ટ્રી કરવાની છે. મને તો રિયલમાં ટેન્શન થઈ ગયું, જિંદગીમાં ક્યારેય હું બળદગાડામાં બેઠી જ નથી. બળદગાડું જમીનથી લગભગ ચાર ફુટ ઊંચું હોય એટલે એમાં ચડવા માટે મને સ્ટૂલની વ્યવસ્થા કરી આપવામાં આવી અને હું અંદર બેઠી. થોડી વાર સુધી શૂટ શરૂ ન થયું એટલે મેં પૂછ્યું તો ખબર પડી કે જે ઍક્ટર બળદગાડું ચલાવવાનો રોલ કરવાનો હતો તે ડરી ગયો છે અને તેણે શૂટ કરવાની ના પાડી દીધી છે. વાત તેની બિચારાની ખોટી તો નહોતી જ, ગાડું ચલાવતા આવડવું પણ જોઈએ. અલ્ટીમેટલી આ પણ એક પ્રકારનું ડ્રાઇવિંગ છે.


સીન પણ એવો હતો કે ગાડામાં બે જ જણ હોવા જોઈએ. એવું ન ચાલે કે ગાડું બીજો કોઈ ચલાવે અને આ ઍક્ટર મારી સાથે ડાયલૉગ બોલી લે. અંતે એવું નક્કી થયું કે સાચા ગાડાવાળા ભાઈ ગાડું ચલાવશે અને લૉન્ગ શૉટ્સમાં શૂટ થઈ જશે પછી ખાલી ક્લોઝઅપ લેવા પૂરતા આ ઍક્ટર આવશે અને મારી સાથે ડાયલૉગ્સ બોલી લેશે. માંડ શૂટ શરૂ થયું. આ કામ લગભગ બે દિવસ ચાલ્યું. આ બે દિવસ દરમ્યાન હું તો ગાડામાં જ બેઠી રહી. લંચ-બ્રેક વખતે ઊતરી અને ફરી પાછી ગાડામાં જ શૂટ કરવાનું અને આમ બે દિવસ અને બે દિવસના આઠ કલાક સુધી મેં આવું કર્યું. પૅકઅપ પછી જ્યારે ઘરે જવા માટે બેઠી ત્યારે શરીરના દરેક હાડકામાં લબકારા નીકળતા હતા. આ જ રોલની બીજી તકલીફ કહું તમને.

આ પણ વાંચોઃ યાદ રાખજો, સારા નિર્ણય માટે દરેક દિવસ પહેલી જાન્યુઆરી છે

સિરિયલમાં અઢારમી સદી દેખાડી છે એટલે પગમાં કંઈ પહેરવાનું નથી. ચંપલ વગર પગમાં ધૂળ, માટી, પથ્થર, કાંટા બધું જ વાગ્યું છે. જોકે એ પછી પણ આનંદ એ વાતનો છે કે એક બહુ સરસ અને બ્રિલિયન્ટ કહેવાય એવો રોલ કરવા મYયો છે. આજ સુધી નાટક કે સિરિયલમાં મને ક્યારેય આ પ્રકારના રોલમાં કોઈએ જોઈ નથી. એક ઍક્ટર તરીકે સંકૃત કરી દે એવો રોલ છે આ. કહેવાનો ભાવાર્થ એ જ કે લોકો એકસરખું કેવી રીતે લાંબો સમય જીવી શકતા હશે? કેવી રીતે એક જ પ્રકારની મૉનોટોનસ લાઇફ લોકોને ગમતી હશે? મને ખબર છે કે હું તો આ રોલ પછી પણ સાવ જુદી દુનિયાનો રોલ શોધવા માંડીશ, પણ શું, એકસરખું જીવનારા ક્યારેય એવું કરવા માટે ઉત્સાહિત નહીં થતા હોય?

columnists