યાદ રાખજો, સારા નિર્ણય માટે દરેક દિવસ પહેલી જાન્યુઆરી છે

Apara Mehta | Jan 10, 2019, 09:40 IST

૨૦૧૯ પાસે બે મોટી ઇવેન્ટ છે જે મારા અને તમારા બંનેના જીવનમાં મહત્વનો ભાગ ભજવવાની છે

યાદ રાખજો, સારા નિર્ણય માટે દરેક દિવસ પહેલી જાન્યુઆરી છે
વર્લ્ડ કપ અને ચૂંટણી, બે મહત્વની ઘટનાઓ આ વર્ષે આકાર લેશે

ઇમોશન્સનું ઇકૉનૉમિક્સ 

આમ જોઈએ તો આજે મારે જે વાત કહેવી છે એ વાત ગયા ગુરુવારે કહેવી જોઈતી હતી, પણ એ ગુરુવારે બે વાત કહેવાનો ઉત્સાહ ખૂબ હતો એટલે ત્યારે કહેવાની ટાળી દીધી હતી, પણ હવે વધારે મોડું નથી કરવું.

૨૦૧૮. એક સમયે જે વર્ષમાં આપણે જીવતા હતા એની હવે વિદાય થઈ ગઈ અને ૨૦૧૯ની શરૂઆત થયાને પણ આજે દસમો દિવસ છે. ફ્રેન્ડ્સ, ક્યારેક પાછું વળીને જોઈએ ત્યારે ખબર પડે કે સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે. એ જ્યારે પસાર થતો હોય છે ત્યારે અણસાર પણ નથી આવતો કે એ જઈ રહ્યો છે, સરકી રહ્યો છે, પણ એ નીકળી જાય ત્યારે ખબર પડે કે હાથમાંથી ખૂબબધું સરકી ગયું. હજી થોડા સમય પહેલાંની જ વાત છે કે આપણે ૨૦૧૮ની વાતો કરતા હતા અને એ વર્ષ શરૂ થઈ રહ્યું હતું અને એ વર્ષમાં શું-શું કરવું એનાં પ્લાનિંગ ચાલતાં હતાં અને અત્યારે, અત્યારે આપણે ૨૦૧૯માં શું-શું કરવું એના વિશે વિચારી રહ્યા છીએ.

સૌથી પહેલાં એક વાત કહી દઉં કે સારા નિર્ણયો લેવા માટે હું ક્યારેય પહેલી જાન્યુઆરીની રાહ નથી જોતી. સારા નિર્ણય માટે કોઈ દિવસ અશુભ નથી, એનો અમલ તરત જ કરવાનો હોય અને તરત જ એ દિશામાં ચાલતા રહેવાનું હોય. હું એવું જ કરું છું. નવા વર્ષે લેવા માટે મારી પાસે મોટા ભાગે કોઈ રેઝોલ્યુશન હોતો જ નથી, કારણ કે મેં બધા જ નિર્ણય જે-તે સમયે જ અપનાવી લીધા હોય છે અને લાઇફમાં લાગુ પણ કરી દીધા હોય છે, પણ એમ છતાં ધારો કે તમે કોઈ એવો રેઝોલ્યુશન લીધો હોય કે તમે એવું કંઈ નક્કી કર્યું હોય તો તમારે એ રેઝોલ્યુશન સાથે જોડાયેલા રહેવું જોઈએ અને એના માટે તમારે મનોબળ પણ મક્કમ રાખવું જોઈએ.

નિર્ણય હંમેશાં આકરા હોય છે, કારણ કે એ તમારી લાઇફસ્ટાઇલથી વિપરીત હોય છે અને એવા નિર્ણયોને જ રેઝોલ્યુશન કહેવાય છે. જો તમારે એ નિર્ણયોને વળગેલા રહેવું હોય, એને ચોંટી જ રહેવું હોય તો તમારે એ નિર્ણયોને લાઇફસ્ટાઇલ બનાવવા પડશે. સાયન્સમાં એવું કહે છે કે એકવીસ દિવસ સુધી તમે કોઈ એક જ વાતને વળગી રહો તો એ નિર્ણય તમારી લાઇફસ્ટાઇલ બની જાય અને જો તમે એ લાઇફસ્ટાઇલ નેવું દિવસ સુધી એકધારી પાળ્યા કરો તો તમારું જીવન બની જાય. આવું અનેક લોકોને મેં કરતા જોયા છે અને મેં એ પણ જોયું છે કે તેમનામાં ધરમૂળથી ફેરફાર પણ થાય છે. થઈ રહેલા આ ફેરફારને તોડવા માટે અનેક આવશે, અનેક લોકો આવીને તમને તમારા મૂળ સ્વભાવ તરફ ખેંચી જશે, પણ તમારે કરવાનું માત્ર એ જ છે કે તમારી વાતને વળગી રહો.

મેં કેટલાક બેઝિક રેઝોલ્યુશન રાખ્યા છે, જેને મેં ક્યારેય તોડ્યા નથી. મારી આજુબાજુમાં અનેક લોકો માટે મારા એ રેઝોલ્યુશન મને પછાત પુરવાર કરે કે દેખાડે એવા છે, પણ મને એનો કોઈ વાંધો પણ નથી અને વિરોધ પણ નથી. મારે શું કરવું એ મારે નક્કી કરવાનું છે, બીજા લોકોની વાતોથી મને કોઈ ફરક ન પડવો જોઈએ. આ બાબતમાં હું જાડી ચામડીના બની જવાનું કહીશ. જો વાત સાચી હોય, સારી હોય અને તમને અંગત રીતે લાભ આપનારી હોય તો પછી જાડી ચામડીના બનીને પણ તમારે તમારા નિર્ણય કે તમારી ઇચ્છાને વળગેલા રહેવું જોઈએ.

મને એક આદત પડી છે. પહેલી જાન્યુઆરીની રાતે મારી આંખ સામે વીતેલું આખું વર્ષ પસાર થઈ જાય. આખેઆખું વર્ષ. મને ખબર નથી કે આ આદત બધાને હોય છે કે નહીં પણ મને આ આદત નાનપણથી પડી છે. એ સમયે પર્સનલ લાઇફના હિસાબો સમજવા માટે હું આખું વર્ષ રિવાઇન્ડ કરતી તો હવે એ વાત જરા જુદી રીતે થઈ રહી છે. મારી આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એના ભાવથી આખું વર્ષ મારી આંખ સામે રિવાઇન્ડ થઈ જાય છે. દરેક વર્ષમાં કોઈ ને કોઈ હાઈ અને લો પૉઇન્ટ્સ હોય છે. અમુક ઘટનાઓ એવી હોય જે આખા દેશને આવરી લે તો અમુક ઘટનાઓ અંગત રીતે આપણને સ્પર્શતી હોય છે. શ્રીદેવીનું મૃત્યુ. મને બરાબર યાદ છે કે આ ઘટના જ્યારે બની ત્યારે હું મારા નાટકની ટૂર માટે અમેરિકામાં હતી અને શિકાગોથી મારે ઑરલૅન્ડો જવાનું હતું. હું ઍરર્પોટ પર હતી. મેં ફ્લાઇટ લીધી અને પછી ઑરલૅન્ડો પહોંચીને મોટેલમાં જઈને મેં મોબાઇલ ઑન કર્યો. જેવો મોબાઇલ ઑન થયો કે ધડાધડ મેસેજ આવવાના શરૂ થયા અને ખબર પડી કે તેમનું ડેથ થયું. વાત માનવામાં આવે એવી હતી જ નહીં. બધાને ખૂબ દુખ થયું અને હું, હું તો રીતસર રડી પડી. મેં તમને એ વાત અગાઉ કરી છે, આજે માત્ર એટલું યાદ અપાવી દઉં. હું અને શ્રીદેવી બંને એક જ બર્થ-ડે શૅર કરતાં. હું તેમને બર્થ-ડે વિશ કરતો મેસેજ કરું એટલે તેમનો રિપ્લાય આવે - ‘થૅન્ક યુ ઍન્ડ સેમ ટુ યુ.’

૨૦૧૮એ આપણા દિગ્ગજ નેતા શ્રી અટલ બિહારી વાજપેયીને પણ છીનવી લીધા, તેમનું પણ નિધન આ જ વર્ષમાં થયું. અ સ્ટેટ્સમૅન ઇન ધ ટ% સેન્સ. શ્રીદેવી અને વાજપેયી ઉપરાંત આ ૨૦૧૮માં આપણે રીટા ભાદુરી, શમ્મી કપૂર, સિંગર મોહમ્મદ અઝીઝ, વિનોદ ખન્ïના જેવાં અનેક કલાકારોને ખોયાં તો પૉલિટિશ્યનમાં અનંત કુમાર, કરુણાનિધિ, સોમનાથ ચૅટરજી અને ક્રિકેટર અજિત વાડેકર જેવાં મહાન વ્યક્તિત્વને ગુમાવ્યાં.

૨૦૧૮નું વર્ષ મૅરેજ-યર પણ રહ્યું. અનેક સેલિબ્રિટીઓએ આ વર્ષે મૅરેજ કર્યા દીપિકા-રણવીર, પ્રિયંકા અને નિક જોનસ, કપિલ અને ગિની તથા સદીનાં સૌથી મોટાં મૅરેજ કહેવાય એવાં ઈશા અંબાણી અને આનંદ પિરામલે સપ્ïતપદીમાં પગલાં પાડ્યાં. કોઈની પણ લાઇફમાં લગ્ન મહત્વનાં હોય, પણ આ લગ્નોએ તો દરેક વાતનો અતિરેક કર્યો હતો. કોઈએ તો ટ્વીટ પણ કર્યું કે લોકસભાના ઇલેક્શન-ક્રેઝ કરતાં પણ વધારે મૅરેજ-ક્રેઝ ચાલ્યો છે. વાત સાચી પણ છે પણ એ તેમની અંગત લાઇફ છે, તેમને જે રીતે રહેવું કે કરવું હોય એ રીતે કરી શકે અને પોતાની પર્સનલ લાઇફને જીવી શકે છે.

આ પણ વાંચોઃ બોલવાનો અર્થ એવો નથી કે તમે બફાટ કરોઃઅપરા મહેતા

વાત કરીએ ૨૦૧૯ની એટલે કે આ વર્ષની. આ વર્ષ પાસે બે અતિ મહત્વની ઇવેન્ટ છે. આ બે ઇવેન્ટમાંથી પહેલી ઇવેન્ટ એટલે લોકસભા ઇલેક્શન અને બીજી ઇવેન્ટ એટલે ક્રિકેટ વલ્ર્ડ કપ. પૉલિટિશ્યન ધર્મના નામે સૌકોઈને અલગ કરશે અને ક્રિકેટ, બધા ધર્મને એક કરી પોતાનો સ્ર્પોટ્સનો ધર્મ નિભાવશે. ક્રિકેટ જેવી વાતમાં આપણે કોઈ જાતના ધર્મને યાદ નથી રાખતા એ જ તો આપણા દેશની મજા છે. કાશ! ઇલેક્શન વખતે પણ આવું જ થાય, થાય છે એવું કે એક વખત દેશમાં કોઈને ઇલેક્ટ કરી લો પછી તેને પાંચ વર્ષ સુધી સારા કે ખરાબ હોય, પણ સહન કરવા પડે. વાતનું તાત્પર્ય એ જ કે વોટ તો આપવો જ જોઈએ, કારણ કે એ આપણો હક છે, પણ આ હક વાપરતી વખતે એ પણ યાદ રાખવાનું છે કે બહુ વિચારીને, સમજીને વોટ આપવાનો છે. બને ત્યાં સુધી સ્ટ્રૉન્ગ અને સારી સરકાર પાંચ વર્ષ સુધી આવે અને આપણા દેશની પ્રગતિ થાય એ જોઈને વોટ આપવો જોઈએ. હું કોઈનું વ્યક્તિગત નામ લેવા નથી માગતી, તમને જે ગમે, જે તમને યોગ્ય લાગે તેને પણ વોટ કરવા જવું જોઈએ અને વોટ કરતાં પહેલાં અંગત રાગદ્વેષને ભૂલીને વોટ કરવો જોઈએ. જો એ કરશો તો યોગ્યતા સાથે એ સરકાર કામ ન કરે તો પણ તમે એને ભાંડવાની પરવાનગી મેળવો છો અને સારું કામ કરે તો એને ઇલેક્ટ કરવા બદલ ગર્વ અનુભવી શકો છો. લોકશાહીની આ જ મજા છે. તમે પાંચ વર્ષ પછી પણ તમારો ગુસ્સો મતપેટીમાં (હવે ઇવીએમમાં) નાખી શકો છો અને નાખેલા એ ગુસ્સાનું પરિણામ પણ જોઈ શકો છો. મારું એટલું જ કહેવું છે કે આ વર્ષની બંને મોટી ઇવેન્ટને દિલથી માણજો. વોટ પણ કરજો અને મૅચ પણ જોજો, પણ હા, જો મૅચ હારી જઈએ તો આપણા પ્લેયર્સને વખોડી કાઢવાને બદલે તેમની ભૂલને પણ પ્રેમથી માથે ચડાવજો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK