અંકુશ : બમ્બૈયા બેરોજગારોની નિરંકુશ હતાશા

16 October, 2021 07:50 PM IST  |  Mumbai | Raj Goswami

ફિલ્મ હિટ ગઈ પછી ચન્દ્રાએ મને પૈસાય પાછા આપ્યા અને ઉપરથી મને એક સ્કૂટર ભેટમાં આપ્યું. એ મારું પહેલું સ્કૂટર હતું - નાના પાટેકર

‘અંકુશ’નું યાદગાર યોગદાન એનું ભજન ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ હતું. એક જમાનામાં શાળાઓમાં આ ભજન રાષ્ટ્રગાનની માફક ગવાતું હતું.

મને ઍડ્વાન્સમાં રૂપિયા ૩૦૦૦ અને ફિલ્મ વેચાય પછી ૭૦૦૦ની ઑફર થઈ હતી, પણ થયું એવું કે મેં જ મારું ઘર ગિરવી મૂકીને ફિલ્મ પૂરી કરવા બે લાખ રૂપિયા આપ્યા. ફિલ્મ હિટ ગઈ પછી ચન્દ્રાએ મને પૈસાય પાછા આપ્યા અને ઉપરથી મને એક સ્કૂટર ભેટમાં આપ્યું. એ મારું પહેલું સ્કૂટર હતું - નાના પાટેકર

૧૯૮૬નું વર્ષ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર હતું. એ વર્ષે ૧૦ તોતિંગ ફિલ્મોએ બૉક્સ-ઑફિસ કબજામાં રાખી હતી; દિલીપકુમારની ‘કર્મા,’ અમિતાભ બચ્ચનની’ આખરી રાસ્તા,’ રાજેશ ખન્નાની ‘અમૃત,’ શ્રીદેવીની ‘નગીના,’ ફિરોઝ ખાનની ‘જાંબાઝ,’ જિતેન્દ્રની ‘સ્વર્ગ સે સુંદર,’ સંજય દત્તની ‘નામ,’ ગોવિંદાની ‘ઇલ્ઝામ’ અને ‘લવ 86,’ અનિલ કપૂરની ‘ચમેલી કી શાદી’ અને સુધા ચંદ્રનની ‘નાચે મયૂરી.’ 
આ હાથીઓ વચ્ચે રૂપિયા ૧૨ લાખના સાધારણ બજેટથી બનેલી એક ફિલ્મ ‘અંકુશ’ આવી અને બૉક્સ-ઑફિસ પર હરણની જેમ ઠેકડા ભરીને મોટી હિટ સાબિત થઈ. નાના પાટેકરનો ઍન્ગ્રી યંગ મૅનનો અવતાર આ ફિલ્મથી થયો હતો. નાના ત્યારે મરાઠી થિયેટરમાં કામ કરતો હતો અને પુણેમાં રહેતો હતો. ‘અંકુશ’ ફિલ્મથી તે મુંબઈ રહેવા આવી ગયો હતો એટલું જ નહીં, આ ફિલ્મના નિર્દેશક એન. ચન્દ્રાને કોઈ ધીરધાર કરવાવાળું મળતું નહોતું એટલે નાનાએ બે લાખ રૂપિયામાં તેનું ઘર ગિરવી મૂક્યું હતું. 
આ ફિલ્મ મુંબઈની ચાલના બેરોજગાર છોકરાઓના ગુસ્સાથી ભરેલી હતી. નાનાએ એમાં રવીન્દ્ર કેલકર ઉર્ફે રવિની ભૂમિકા કરી હતી. મરાઠી ઉચ્ચારણો સાથે નાનાએ જે તાકાતથી એમાં સંવાદો ઉચ્ચાર્યા હતા, દર્શકો તેનો પાવર જોઈને તેમની સીટમાંથી ઊછળી પડ્યા હતા. ત્યારનું મુંબઈ તેની કાપડ મિલોના કારણે જાણીતું હતું અને મિલો બંધ થઈ પછી જે બેકારી આવી હતી એનું ચિત્રણ આ ફિલ્મમાં હતું. એમાં નોકરી-ધંધા વગરના ચાર ભાઈબંધો આમતેમ રખડી ખાય છે, પણ તેમની ચાલની એક કામકાજી છોકરી અનીતા (નિશા સિંહ) પર તેના ઐયાશ માલિકો બળાત્કાર કરે છે ત્યારે માલિકોને પાઠ ભણાવવા માટે ચારે જણ તેમની સામાજિક હતાશાને હિંસામાં ઠાલવે છે. 
‘શરૂઆતમાં મને એ બળાત્કારીઓ પૈકીના એકની ભૂમિકા ઑફર થઈ હતી,’ નાનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મેં એન. ચન્દ્રાને ગાળો આપીને કાઢી મૂક્યો. ફિલ્મની મુખ્ય ભૂમિકા એક જાણીતો મરાઠી ઍક્ટર રવીન્દ્ર મહાજન કરવાનો હતો, પણ તેણે ૨૫,૦૦૦ રૂપિયા માગ્યા હતા. નિર્માતા એ આપવા સક્ષમ નહોતો. મને ઍડ્વાન્સમાં રૂપિયા ૩૦૦૦ અને ફિલ્મ વેચાય પછી ૭૦૦૦ની ઑફર થઈ હતી, પણ થયું એવું કે મેં જ મારું ઘર ગિરવી મૂકીને ફિલ્મ પૂરી કરવા બે લાખ રૂપિયા આપ્યા. ફિલ્મ હિટ ગઈ પછી ચન્દ્રાએ મને પૈસાય પાછા આપ્યા અને ઉપરથી મેં એક સ્કૂટર ભેટમાં આપ્યું. એ મારું પહેલું સ્કૂટર હતું.’
એન. ચન્દ્રા તેને યાદ કરીને કહે છે, ‘‘અંકુશ’એ મારી જિંદગી બદલી નાખી હતી. એને બનાવવા માટે મારે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. મેં મારું ઘર વેચી દીધું હતું. નિર્માતા પાસે પૈસા ખતમ થઈ ગયા તો મારી બહેન અને પત્નીનાં ઘરેણાં વેચી દીધાં હતાં, પણ ‘અંકુશ’એ મારું નસીબ બદલી નાખ્યું. મુંબઈના વિતરણના હક મેં મારી પાસે રાખ્યા હતા. મને ૧૨ લાખના ૯૫ લાખ મળ્યા. એ સાચા અર્થમાં બ્લૉકબસ્ટર ફિલ્મ હતી.’
‘અંકુશ’ ગુલઝારની ૧૯૭૧માં આવેલી ‘મેરે અપને’ની તર્જ પર બની હતી. ‘મેરે અપને’ ગુલઝારની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ. વિનોદ ખન્ના ત્યારે વિલન તરીકે સ્થાપિત થઈ ચૂક્યો હતો. ‘મેરે અપને’ ફિલ્મથી તેણે હીરો તરીકે નવી ઇનિંગ શરૂ કરી હતી. ચંદ્રશેખર નાર્વેકર ઉર્ફે એન. ચન્દ્રાના પિતા તાડદેવમાં ફિલ્મ સેન્ટર સ્ટુડિયોમાં કામ કરતા હતા અને પિતાની દેખાદેખી ગુલઝારની ‘પરિચય’ (૧૯૭૨) ફિલ્મના સેટ્સ પર ક્લૅપર બૉય તરીકે કામ કરવા લાગ્યા હતા અને એમાંથી ગુલઝારના એડિટર બન્યા હતા.
‘મેરે અપને’માં વિનોદ ખન્નાનો જે રોલ હતો એના પરથી જ એન. ચન્દ્રાએ ‘અંકુશ’માં રવીન્દ્ર કેલકરનો રોલ લખ્યો હતો.
વિનોદ ખન્ના-શત્રુઘ્ન સિંહા-મીનાકુમારી અભિનીત ‘મેરે અપને’ તપન સિંહાની બંગાળી ફિલ્મ ‘અપનજાન’ની રીમેક હતી. ‘અપનજાન’ પહેલી ફિલ્મ હતી જેમાં બંગાળના યુવાનોની સામાજિક-રાજકીય હતાશાને હિંસક રીતે ઝીલવામાં આવી હતી. ગુલઝારે એને પૂરા દેશના યુવાનોનો મૂડ બનાવી દીધો. ‘મેરે અપને’ની બેકાર વિદ્યાર્થીઓની હિંસાને એન. ચન્દ્રાએ ‘અંકુશ’માં મુંબઈના બેરોજગાર ટપોરી યુવાનોની હિંસામાં તબદીલ કરી નાખી હતી. ‘હું ગુલઝારનો શિષ્ય હતો,’ ચન્દ્રા કહે છે, ‘તેમણે મને ખાલી ફિલ્મો બનાવતાં જ શીખવ્યું નહોતું પણ જીવન પ્રત્યેનો પૂરો અભિગમ શીખવાડ્યો હતો.’
‘મેરે અપને’માં લડતા-ઝઘડતા બેકાર યુવાનોની ટોળકીમાં મીનાકુમારી (આનંદીદેવી) શાંતિદૂત બનીએ આવે છે, જ્યારે ‘અંકુશ’માં ચાર ગુસ્સાતુર યુવાનોમાં તેમની પાડોશી પ્રેમાળ યુવતી અનીતાના કારણે નૈતિક પરિવર્તન આવે છે. એમ તો અનીતાની દાદી (આશાલતા વાબગાંવકર)નું પાત્ર મીનાકુમારીના પાત્રની યાદ અપાવે એવું હતું. 
‘અંકુશ’ ઍન્ટિહીરો ફિલ્મ હતી. આમ તો એની નવાઈ નહોતી, કારણ કે યશ ચોપડાની ‘દીવાર’ (૧૯૭૫)થી શરૂ કરીને અમિતાભ બચ્ચનનો વિજય એક દાયકાથી ઍન્ટિહીરો તરીકે બૉક્સ-ઑફિસ ગજવતો હતો, પણ ’૮૦ના દાયકાના અંત સુધીમાં વિજયનો ‘પાવર’ કંઈક અંશે ઘટવાની દિશામાં હતો અને એ વૅક્યુમને ભરવાની કોશિશ ‘અંકુશ’માં થઈ. 
કંઈક અંશે ‘અંકુશ’ એન. ચન્દ્રાના મૂડનું જ પ્રતિબિંબ હતું. એક આશાસ્પદ યુવાન તરીકે તે પોતે પણ પોતાની દિશા શોધી રહ્યા હતા. ચન્દ્રા ગંદા રાજકારણ, ભ્રષ્ટાચાર, શોષણ અને બેરોજગારીની સમસ્યાઓથી પ્રભાવિત હતા અને સમાજની આ અન્યાયી વ્યવસ્થા સામે તેમનામાં ગુસ્સો તમતમતો હતો. ચન્દ્રા મુંબઈના વરલી નાકા વિસ્તારમાં મોટા થયા હતા. એ કહે છે, ‘મારી આજુબાજુમાં ગરીબ લોકો હતા. નેપિયન્સી રોડ અને વૉર્ડન રોડનાં અમે નામ જ સાંભળ્યાં હતાં.’
તેમણે જે સળંગ ત્રણ સુપરહિટ ફિલ્મો આપી એ નપુંસક ગુસ્સાથી ભરેલી હતી : ‘અંકુશ’ (૧૯૮૬), ‘પ્રતિઘાત’ (૧૯૮૭) અને ‘તેજાબ’ (૧૯૮૮). ‘અંકુશ’થી નાના પાટેકરની હિન્દી ફિલ્મોમાં જબરદસ્ત ઇનિંગ શરૂ થઈ, ‘પ્રતિઘાત’થી ગુજરાતી નાટકોની અભિનેત્રી સુજાતા મહેતાનો સિક્કો બેસી ગયો અને ‘તેજાબ’થી માધુરી દીક્ષિત ટોચ પર પહોંચી ગઈ. 
એ ત્રણે ફિલ્મો મુખ્ય ધારાનાં મસાલા-મનોરંજનથી અલગ પ્રકારની અને કંઈક અંશે યથાર્થવાદી હતી.  એન. ચન્દ્રાએ ત્યારે કહ્યું હતું, ‘નવી પેઢીની માનસિકતા બદલાઈ ગઈ હતી. માતા-પિતા, સમાજ અને ખુદ જીવન પ્રત્યે તેનો અભિગમ બદલાઈ ગયો હતો. મને લાગે છે કે મનમોહન દેસાઈ જેવા ફિલ્મસર્જકોએ પ્રેક્ષકો પરથી પકડ ગુમાવી દીધી હતી.’ 
 ‘અંકુશ’નું બીજું એક યાદગાર યોગદાન એનું ભજન ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ હતું. એક જમાનામાં (કદાચ આજે પણ હશે) દેશની શાળાઓમાં આ ભજન રાષ્ટ્રગાનની માફક ગાવામાં આવતું હતું. આ ગીતના રચયિતાઓ પણ ફિલ્મના ચાર ઍક્ટરોની જેમ સાવ અજાણ્યા હતા : ગીતકાર અભિલાષ, મરાઠી ગાયિકા પુષ્પા પાગધરે અને સંગીતકાર કુલદીપ સિંહ. 
‘દો આંખેં બારાહ હાથ’ ફિલ્મમાં લતા મંગેશકરના અત્યંત લોકપ્રિય ગીત ‘અય માલિક તેરે બંદે હમ’નો વારસો જો બીજા કોઈ ગીતમાં જળવાયો હોય તો એ ‘અંકુશ’ના આ ભજનમાં છે. યોગાનુયોગ વી. શાંતારામની આ ક્લાસિક ફિલ્મમાં જેલના છ રીઢા ગુનેગારોને સચ્ચાઈના રસ્તે જીવતાં શીખવાડવાનો હકારાત્મક સંદેશો હતો તો ‘અંકુશ’માં પણ અવળે રસ્તે જતા રહેલા બેકાર યુવાનોને સાચા રસ્તે લાવવાનો પ્રયાસ હતો. આ ભજન અને અનીતાનું પાત્ર એ પ્રયાસની સાબિતી હતાં. 
ગીતકાર અભિલાષે આ ગીત લખવા પાછળ અઢી-ત્રણ મહિના કાઢ્યા હતા. એન. ચન્દ્રાએ તેમને પ્રાર્થના લખવાનું કહ્યું હતું અને તેમણે ૬૦-૭૦ મુખડાં લખ્યાં હતાં પણ ચન્દ્રાને માફક આવતાં નહોતાં. રોજ બે-ત્રણ લખીને વંચાવે. કંટાળીને એક દિવસ અભિલાષે કહ્યું કે મારાથી નહીં થાય, તમે બીજા કોઈ ગીતકારને શોધી લો. અભિલાષ અને સંગીતકાર કુલદીપ કાંદિવલી તરફ જતા હતા તો રસ્તામાં કુલદીપે તેમને સમજાવ્યા કે ‘તુમ હિમ્મતી હો, તુમ મેં બડી શક્તિ હૈ...આખિર કમજોર ક્યોં પડ રહે હો?’ હતાશ અભિલાષના કાનમાં બે શબ્દો રમતા રહ્યા-શક્તિ અને કમજોરી અને ફ્લૅટ પર જઈને તેમણે કુલદીપને એક પંક્તિ સંભળાવી - ઇતની શક્તિ મુઝે દેના દાતા, મન કા વિશ્વાસ કમઝોર હો ના. 
કુલદીપે કહ્યું કે ચાલો પાછા અને ચન્દ્રાને સંભળાવીએ. ચન્દ્રાએ મુખડું સાંભળ્યું તો કહ્યું કે મારે આવું જ ગીત તો જોઈતું હતું. 
ચન્દ્રાએ પાછળથી કહ્યું હતું, ‘ફિલ્મની સફળતામાં આ ભજનનો મોટો હાથ હતો. એક વખતે દિલ્હીના અડધા રાજકારણીઓના મોબાઇલ ફોનમાં આ ગીતની કૉલર ટ્યુન હતી. કદાચ તેમનાં પાપ છુપાવવા માટે હશે! એક વાર હું દેહરાદૂનમાં હતો અને ત્યાંના એક અગ્રણી રાજકારણી મને મળવા માગતા હતા. મેં તેમને ફોન કર્યો તો કૉલર ટ્યુન વાગી - ઇતની શક્તિ હમેં દેના દાતા. હું તેમને મળ્યો ત્યારે પૂછ્યું કે આ કઈ ફિલ્મનું ગીત છે? તેમને ખબર નહોતી. એ ભજન ફિલ્મથી ખાસું આગળ નીકળી ગયું હતું.’

 વિનોદ ખન્ના-શત્રુઘ્ન સિંહા-મીનાકુમારી અભિનીત ‘મેરે અપને’ તપન સિંહાની બંગાળી ફિલ્મ ‘અપનજાન’ની રીમેક હતી. જેમાં બંગાળના યુવાનોની હતાશાને હિંસક રીતે ઝીલવામાં આવી હતી. ગુલઝારે એને પૂરા દેશના યુવાનોનો મૂડ બનાવી દીધો.

જાણ્યું-અજાણ્યું....
 ફિલ્મ એવા સમયે બની હતી જ્યારે મુંબઈમાં મિલ ઉદ્યોગ પડી ભાંગ્યો હતો અને અનેક લોકો બેકાર થઈ ગયા હતા
 નાના પાટેકર આ ફિલ્મથી જાણીતો થયો હતો. ત્યારે તે પુણેમાં રહેતો હતો અને આ ફિલ્મ માટે મુંબઈ રહેવા આવ્યો હતો. 
 અનીતાની ભૂમિકા કરનાર સમાજવાદી કાર્યકર નિશા સિંહની આ એકમાત્ર ફિલ્મ છે. તેનો પતિ બિહારનો વિધાનસભ્ય છે.
 આ ફિલ્મ મરાઠી ઍક્ટર રવીન્દ્ર મહાજન માટે થઈને લખાઈ હતી પણ તેણે વધુ પૈસા માગતાં એ ભૂમિકા નાના પાટેકરને ઑફર થઈ હતી
 ‘ઇતની શક્તિ હમેં દેના’ બે વાર આવે છે. એક વાર ઘરમાં સાંજની પૂજારૂપે જેમાં આ ચાર બેકાર છોકરા હાજર હોય છે અને બીજી વાર ફિલ્મના અંતે જ્યારે તેમને સજા સંભળાવવામાં આવે છે.

  ‘અંકુશ’નું યાદગાર યોગદાન એનું ભજન ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ હતું. એક જમાનામાં શાળાઓમાં આ ભજન રાષ્ટ્રગાનની માફક ગવાતું હતું.

columnists raj goswami