બીમાર માણસની અપૉઇન્ટમેન્ટ સાચવી ન શકતા ડૉક્ટરોએ આ ખાસ વાંચવું

26 April, 2024 07:45 AM IST  |  Mumbai | Rajendra Butala

ડૉક્ટરને અનુભવથી અંદાજ હોય છે કે કન્સલ્ટિંગના મર્યાદિત કલાકોમાં તે કેટલા પેશન્ટને કન્સલ્ટ કરી શકે. તો પછી, જેટલું થાય એટલું જ કરોને,

પ્રતીકાત્મક તસવીર

આજે હું એવા વિષયને છેડવા માગું છું જેના શિકાર આપ પણ બન્યા જ હશો. હું ૧૦ વરસનો હતો ત્યારે મેં મારા પિતાજી ગુમાવ્યા, પણ મારા પિતાજીની એક વાત મને બરાબર યાદ છે. મને કહેતા, ‘ડૉક્ટર ભગવાનનું રૂપ છે.’ બાળપણથી હું દરેક ડૉક્ટરમાં ભગવાનનાં દર્શન કરતો. ડૉક્ટર જીવ બચાવે છે. માંદાને સાજા કરે છે. તેમને માન આપવાને હું મારો ધર્મ જાણું છું.

મારી પત્ની ડૉ. શીલા છેલ્લાં ત્રણ વરસથી પાર્કિન્સનની બીમારીથી પીડાય છે. તેની સારવારના નિરંતર દોરમાં, મિત્રો-ડૉક્ટરોની ભલામણથી હું ડૉ. જિમી લાલકાકાના સંપર્કમાં આવ્યો. તેઓ ખૂબ જાણીતા ન્યુરોલૉજિસ્ટ છે. પહેલી અપૉઇન્ટમેન્ટથી આજ સુધી તેમની સાથેનો મારો અનુભવ અનોખો છે. જ્યારે પણ પત્નીને લઈને મળવા જાઉં ત્યારે, તેમણે જે સમયની અપૉઇન્ટમેન્ટ આપી હોય બરાબર એ સમયે કન્સલ્ટિંગ રૂમમાં બોલાવે. ક્યારેય મોડું નહીં, ક્યારેય વેઇટિંગ નહીં કે નહીં ગિરદી. આવું એટલે થાય છે કે ડૉ. લાલકાકા બે અપૉઇન્ટમેન્ટ વચ્ચે પૂરતો સમય રાખે. આ અનુભવથી મને એક વિચાર આવ્યો...

આપણે મોટા ડૉક્ટર-સર્જ્યન પાસે ટાઇમ લઈને જઈએ છીએ. અપૉઇન્ટમેન્ટ વખતે મોડા પડાય નહીં એ માટે ઉતાવળે સમય કરતાં ૧૦ મિનિટ વહેલા પહોંચી જઈએ છીએ. પરિણામ? ડૉક્ટર આપણને બે-ત્રણ કલાકે કન્સલ્ટિંગ રૂમમાં બોલાવે. ઘણી વાર વેઇટિંગ રૂમમાં પેશન્ટ કે સ્વજનોને બેસવાની જગ્યા ઓછી પડે એટલી ગિરદી હોય. આપણે રિસેપ્શનિસ્ટને પૂછીએ કે કેટલી વાર, તો એનો જવાબ ન હોય...

સવાલ એ કે જો બીમાર માણસની અપૉઇન્ટમેન્ટ સાચવી શકાતી ન હોય તો અપૉઇન્ટમેન્ટ આપો છો શું કામ? ડૉક્ટરને અનુભવથી અંદાજ હોય છે કે કન્સલ્ટિંગના મર્યાદિત કલાકોમાં તે કેટલા પેશન્ટને કન્સલ્ટ કરી શકે. તો પછી, જેટલું થાય એટલું જ કરોને, જેટલા પેશન્ટ હૅન્ડલ કરી શકો એટલાને જ બોલાવોને. 

ઘણી વાર મોટા સર્જ્યનની અપૉઇન્ટમેન્ટ હોય અને જઈએ ત્યારે સ્માઇલ વગર રિસેપ્શનિસ્ટ કહી દે, ‘ડૉક્ટર ઑપરેશનમાં છે, ત્રણ-ચાર કલાક લાગશે...’ અરે બહેન, અપૉઇન્ટમેન્ટ આપતી વખતે અમારો મોબાઇલ નંબર તમે લીધો હતો, તો ડૉક્ટર ઑપરેશનમાં અટવાયા તો કૉલ કરીને અમને જાણ તો કરી દો કે સ્થિતિ આમ છે, મોડા આવજો, અથવા આજે નહીં આવતા. એટલું કરવામાં તમે નાના બાપના થઈ જવાના? તમને ભર્યોભર્યો વેઇટિંગ રૂમ જોઈને શો-રૂમ ખીચોખીચ ભરાયા જેવો આનંદ આવે, પણ પેશન્ટની તકલીફનું શું? ‘આટલા વાગ્યે આવજો’ એટલું ફોન પર કહેવામાં કેટલી વાર લાગત? ૨૦ સેકન્ડ પણ નહીં, રાઇટ?

columnists life and style