કૃષિ કાનૂન : હકની જીત કે સત્તાનો સંઘર્ષ?

21 November, 2021 01:51 PM IST  |  Mumbai | Raj Goswami

આ કૃષિ આંદોલનકારોની જીત તો ખરી, પણ શસ્ત્રો હેઠાં મૂકવા પાછળ કેટલાક પૉલિટિકલ સમીકરણો પણ છે. ચાલો, એની પાછળ રાજરમતનાં કયાં પરિબળો છે એ પણ સમજી લઈએ

કૃષિ કાનૂન : હકની જીત કે સત્તાનો સંઘર્ષ?

એવું તે શું બન્યું કે એક વર્ષથી વધુ લાંબી ચાલેલી કૃષિ આંદોલનની લડત વખતે એકેય કાનૂનમાં ટસથી મસ ન થનારા વડા પ્રધાને બે દિવસ પહેલાં અચાનક જ્યારે કોઈને અપેક્ષા પણ નહોતી ત્યારે કોઈ શરત વિના ત્રણેય કાનૂન પાછા ખેંચી લેવા પડ્યા? આ કૃષિ આંદોલનકારોની જીત તો ખરી, પણ શસ્ત્રો હેઠાં મૂકવા પાછળ કેટલાક પૉલિટિકલ સમીકરણો પણ છે. ચાલો, એની પાછળ રાજરમતનાં કયાં પરિબળો છે એ પણ સમજી લઈએ

સંસદથી લઈને સડક સુધી એક વર્ષથી વધુ સમય ચાલેલી એક લાંબી લડાઈ બાદ એવું તે શું બન્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે અચાનક ટીવી પર આવીને ત્રણ કૃષિ કાનૂનોને પાછા ખેંચી લીધા? વડા પ્રધાન માસ્ટરસ્ટ્રોક માટે જાણીતા છે. તેમણે પહેલી વાર ટીવી પર આવીને અચાનક નોટબંધીની ઘોષણા કરી હતી, ત્યારથી શરૂ કરીને તેઓએ જ્યારે પણ ‘રાષ્ટ્રજોગ સંદેશ’ની આગોતરી જાહેરાત કરી છે, લોકોમાં એક પ્રકારની ઉત્તેજના અને કંઈક અંશે ફડક રહી છે કે ‘આજે પાછું શું નવું કરવાના છે?’
શુક્રવારે પણ લોકોના મનમાં એવું જ હતું, પરંતુ આ વખતે માસ્ટરસ્ટ્રોક નહોતો, સરપ્રાઇઝ હતી. કદાચ મોદી ખુદ તેમની ઘોષણાથી સરપ્રાઇઝ થયા હોય તોય નવાઈ નહીં, કારણ કે કૃષિ કાનૂનોની વાપસીની ઘોષણા તેમની માનસિકતાથી વિપરીત હતી. અંદાજો તો ઠીક, કોઈને અપેક્ષા પણ નહોતી કે મોદી આ રીતે ટીવી પર આવીને સામેથી વિના શરતે કાનૂન પાછા ખેંચી લેશે.
તેમણે છેલ્લા એક વર્ષ દરમ્યાન સતત એવો મેસેજ આપ્યો હતો કે જે થવું હોય તે થાય, કાનૂન તો પાછા નહીં જ ખેંચાય. કોરોનાની મહામારી વચ્ચે તેમની સરકારે સંસદમાં બહુમતીની બળજબરીથી, વિપક્ષોના વિરોધ અને માગણીઓની ઉપેક્ષા કરીને અધ્યાદેશ મારફત કૃષિ બિલ પાસ કરાવ્યું હતું. એના વિરોધમાં બીજેપીનો એક દાયકા જૂનો પક્ષ શિરોમણિ અકાલી દલ સરકારમાંથી બહાર નીકળી ગયો એની પણ પરવા મોદીએ કરી નહોતી.
એ પછી પંજાબ-હરિયાણાના ખેડૂતોએ એના વિરોધમાં ‘ચલો દિલ્હી’નો નારો આપીને રાજધાનીમાં દેખાવ કરવા કૂચ શરૂ કરી, તો તેમને દિલ્હીની સરહદ પર રોકી દેવામાં આવ્યા અને પછી તો પોલીસ અને પ્રશાસન સાથે એવા-એવા સંઘર્ષ થયા કે એવું લાગવા માંડ્યું હતું કે સરકાર સામ-દામ-દંડ-ભેદ દ્વારા અંદોલનને ખતમ કરીને જ રહેશે, પણ કાનૂન પાછા નહીં ખેંચે.
જીદ એવી હતી કે પૉપ ગાયિકા રિહાના અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે ખેડૂતો માટે ટેકો જાહેર કરતાં દિલ્હી પોલીસે બન્નેને નિશાન બનાવીને આંદોલનને આંતરરાષ્ટ્રીય કાવતરું બનાવી દીધું હતું. તાપ, ટાઢ  અને વરસાદમાં અડગ રહેલા ખેડૂતોએ અંદાજે ૭૦૦ જેટલા સાથીઓના જીવ પણ ગુમાવ્યા હતા.
નરેન્દ્ર મોદી કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે અને ખેડૂત અંદોલનમાં જે લોહી રેડાયું એમાં પણ એ સાબિત થયું કે મોદી ઝૂકવાના મૂડમાં નથી. તો પછી શુક્રવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ ખેડૂતોને, દેશને અને ખુદને સરપ્રાઇઝ કેમ આપી? સંબોધનમાં તેઓ બોલ્યા હતા કે ‘મૈં આપકો, પૂરે દેશકો, યે બતાને આયા હૂં કિ હમને તીનોં કૃષિ કાનૂનોં કો વાપસ લેને કા ફૈંસલા કર લિયા હૈ.’
અચાનક જ આ જાહેરાત કરવા પાછળ રાજકીય ગણતરીઓ છે. સ્વાભાવિક રીતે જ, દરેક સરકાર એના નિર્ણયોના રાજકીય લાભાલાભ જોતી જ હોય છે અને રાજકીય વિશ્લેષકો મોદીની જાહેરાત પાછળ ઉત્તર પ્રદેશમાં અને પંજાબમાં ફેબ્રુઆરીમાં આવી રહેલી ચૂંટણીઓને જવાબદાર માને છે.
દેશના જાણીતા આર્થિક નિષ્ણાત અને ઓઆરએફના વાઇસ પ્રેસિડેન્ટ ગૌતમ ચિંતામણિએ ‘ગાંવ કનેક્શન’ નામના ગ્રામીણ બાબતોના પોર્ટલને કહ્યું હતું કે ‘પીએમ મોદીને એક રિફૉર્મર પ્રધાનમંત્રી માનવામાં આવે છે. સખત નિર્ણયો માટે તેઓ જાણીતા છે, પરંતુ કૃષિ કાનૂનોને લઈને તેમનો આ નિર્ણય તેમની છબિથી વિપરીત છે. ત્રણેય કાનૂનોને લઈને આટલા બધા આગળ નીકળી ગયા પછી એને પાછા ખેંચવાનો ફેંસલો મારી સમજમાં નથી આવતો. આર્થિક રીતે આ ખતરનાક નિર્ણય છે અને રાજકીય રીતે કોઈ લાભ પણ થાય એમ નથી.’
વરિષ્ઠ પત્રકાર અને કૃષિ બાબતોના જાણકાર અરવિંદકુમાર સિંહ કહે છે, ‘એનાં બે કારણ છે; એક, ૨૯ નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થાય છે અને એમાં વિપક્ષો ખેડૂતોનો મુદ્દો લઈને આવવાના છે. બીજું, તાત્કાલિક કારણ યુપી, પંજાબ અને અન્ય રાજ્યોની ચૂંટણીઓ છે. યુપી-પંજાબમાં તો આ મુદ્દો ઊભો થવાનો જ હતો. પશ્ચિમ બંગાળમાં પણ આ મુદ્દો હતો. તાજેતરની પેટાચૂંટણીઓમાં જે પરિણામ આવ્યાં એ પછી સરકારને સમજાઈ ગયું હતું કે આ મુદ્દો ભારે પડી શકે છે. આઝાદ ભારતમાં એવું ક્યારેય નથી બન્યું કે ખેડૂતો એક વર્ષ સુધી ધરણાં પર બેસી રહ્યા હોય.’
એક વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાને નામ ન આપવાની શરતે ‘ધ હિન્દુ’ અખબારને જણાવ્યું હતું કે ‘લખીમપુર ખેરીમાં જે થયું એની અવળી અસર પડી હતી. ખેડૂતોનો મામલો નિપટાવ્યો ન હોત તો સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળ વચ્ચેનું સંભવિત જોડાણ ભારે પડી ગયું હોત.’
બીજેપીમાંથી એકમાત્ર નેતા અને મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિક ખેડૂતોના સમર્થનમાં બોલી રહ્યા હતા. ઑક્ટોબરમાં તેમણે કહ્યું હતું કે જો ખેડૂતોની માગણીઓ માનવામાં ન આવી તો સરકાર જશે. ખેડૂત-નેતા ચૌધરી ચરણ સિંહના અનુયાયી રહી ચૂકેલા સત્યપાલે કહ્યું હતું કે ‘હું મેરઠનો છું. મારા વિસ્તારમાં બીજેપીનો કોઈ નેતા કોઈ ગામમાં પગ મૂકી શકતો નથી. મેરઠ, મુઝફ્ફરનગર, બાગપત બધે જ બંધી છે. મેં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી બધાને કહ્યું હતું કે તમે ખોટું કરી રહ્યા છો. આવું ન કરતા. લઘુતમ ટેકાના ભાવની કાયદેસર ગૅરન્ટી આપો, આંદોલન ખતમ થઈ જશે.’
તેમણે મોદી સરકારને ત્યારે જ ચેતવી હતી કે ‘ખાસ તૌર પર, સિખોં કે બારે મેં યે લોગ જાનતે નહીં હૈ. નિહથ્થે ગુરુઓને પૂરે મુઘલ સમ્રાટ સે લડાઈ લડી હૈ. તો ઉનકો તંગ નહીં કરના ચાહિયે.’ સત્યપાલે સરકારને ઑફર પણ કરી હતી કે એમએસપીની ખાતરી આપો તો હું ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છું.
ખેડૂતોનો આ મામલો યુપીમાં ઉત્તરના વિસ્તારોમાં જ પ્રભાવિત છે અને યોગી આદિત્યનાથની સત્તામાં વાપસીને લઈને બીજેપીમાં એવી કોઈ ખાસ ચિંતા નથી, પરંતુ ખરી બેચેની પંજાબને લઈને છે. પંજાબમાં કૉન્ગ્રેસમાં ઘમસાણ ચાલે છે એનો કોઈ ફાયદો બીજેપીને મળે એમ નથી. ખેડૂતો પર થયેલા અત્યાચારને કારણે પંજાબમાં બીજેપીની છબિ ખેડૂતવિરોધી થઈ છે. વડા પ્રધાન મોદીની સરપ્રાઇઝ પંજાબીઓ માટે છે.
વડા પ્રધાને ગુરુ નાનક જયંતીના દિવસે આ જાહેરાત કરી હતી અને તેમણે સંબોધનમાં તેમનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેઓ જાણે છે કે પંજાબ અને હરિયાણાના લોકોમાં ગુરુ નાનકનું શું સ્થાન છે. મોદીએ તેમની ‘મન કી બાત’માં આ જ કૃષિ કાનૂનોને ક્રાન્તિકારી ગણાવ્યા હતા. સમગ્ર આંદોલન દરમ્યાન સમય સમય પર સરકારના લોકો અને નિષ્ણાતો આ કાનૂન કેમ ખેડૂતોના હિતમાં છે એ સમજાવતા રહ્યા હતા.
પંજાબમાં બીજેપી એકલા હાથે ચૂંટણી લડવાની છે, કારણ કે કૃષિ કાનૂનોના મુદ્દે જ અકાલી દળે છેડો ફાડ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહે કૉન્ગ્રેસ છોડી અને અલગ ચોકો સ્થાપવાની જાહેરાત કરી એનો પણ બીજેપીને કોઈ ખાસ ફાયદો મળતો નજર નથી આવ્યો. ખેડૂતો ધરણાં પર બેઠા હોય ત્યારે કૅપ્ટન અને બીજેપી વચ્ચે જોડાણ થાય તો એ ખેડૂતવિરોધી જ ગણાયું હોત. કૃષિ કાનૂન પાછા ખેંચી લીધા પછી કદાચ હવે કૅપ્ટન એવો પ્રચાર કરી શકે છે મેં વડા પ્રધાનને સમજાવ્યા હતા અને વડા પ્રધાન પણ પંજાબના લોકો સમક્ષ કૅપ્ટનને મોટા ભા બનાવે તો નવાઈ નહીં. શુક્રવારે મોદીની સરપ્રાઇઝ ગિફ્ટ પછી વડા પ્રધાનને અભિનંદન આપનારા તેઓ પહેલા રાજકીય નેતા હતા.
મોદીએ જો ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હોય તો તેઓ સ્વાર્થી કહેવાય. છેલ્લા એક વર્ષમાં અંદોલન દરમ્યાન ૭૦૦ ખેડૂતોનાં મોત થયાં છે. મોદીજી તેમને માટે એક શબ્દ નથી બોલ્યા. તેમના જ પ્રધાનના બેટાએ ખેડૂતો પર જીપ ચડાવી દઈને ચાર ખેડૂતોને મારી નાખ્યા ત્યારે પણ તેઓ કશું બોલ્યા નહોતા. ખેડૂતોને ‘બે દિવસમાં સમજાવી દેવાની’ ધમકી આપનાર એ મંત્રીની ખુરસી હજી સલામત છે.
તેમની જ હરિયાણા સરકારના એક અધિકારીએ ખેડૂતોનાં માથાં ફોડી નાખવા પોલીસોને સૂચના આપી હતી ત્યારે પણ તેઓ ચૂપ રહ્યા હતા. મોદીએ ખુદ સંસદમાં ખેડૂતોની મજાક કરતાં તેમને આંદોલનજીવી કહ્યા હતા. તેમની જ પાર્ટીના નેતા-કાર્યકરો-સમર્થકોએ ખેડૂતોને આતંકવાદી, ખાલિસ્તાની, દેશવિરોધી કહ્યા ત્યારે પણ તેઓ ચૂપ હતા.
જો ખેડૂતોનું એક વર્ષ સુધી આટલું અપમાન અને અત્યાચાર કર્યા પછી કૃષિ કાનૂનને ‘ખેડૂતોના હિત’માં પાછા ખેંચવામાં આવ્યા હોય તો બેમાંથી એક જ વાત સાચી હોવી જોઈએ; કાં તો ખેડૂતો સામેની જીદ સાચી હતી અથવા ખેડૂતોની માગણીઓ સાચી હતી. વડા પ્રધાને તેમના સંબોધનમાં એમાંની એકેય વાત નથી કરી.
તેમણે તેમના આ સરપ્રાઇઝ નિર્ણય પાછળનો તર્ક આપતાં કહ્યું હતું કે ‘અમે ખેડૂતોના હિતમાં આ કાનૂન લાવ્યા હતા, પરંતુ કદાચ અમે એ બાબતે ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ ગયા છીએ અને એટલે હું દેશની માફી માગું છું.’
વડા પ્રધાન મોદીએ માફી માગવી જ હતી તો ખેડૂતોની માગવી જોઈતી હતી.

સંસદથી સડક સુધી : ક્યારે શું થયું?
જૂન ૨૦૨૦ : ત્રણ કૃષિ કાનૂનોને અધ્યાદેશ મારફત સંસદમાં લાવવામાં આવ્યા. પંજાબના ખેડૂતોએ એનો વિરોધ કર્યો.
સપ્ટેમ્બર ૨૦૨૦ : લોકસભા અને રાજ્યસભામાં વારાફરતી મૌખિક મતથી કાનૂન પાસ કરવામાં આવ્યા. પંજાબમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન કર્યું.
ઑક્ટોબર ૨૦૨૦ : કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી. સરકારે પહેલી વાર ખેડૂત સંઘો સાથે મંત્રણા કરી.
નવેમ્બર ૨૦૨૦ : ખેડૂતો સાથે બીજી મંત્રણા નિષ્ફળ ગઈ. પંજાબમાં ‘ચલો દિલ્હી’નો નારો આપવામાં આવ્યો. ખેડૂતોને દિલ્હી સીમા પર અટકાવવામાં આવ્યા.
ડિસેમ્બર ૨૦૨૦ : મંત્રણાના બીજા ત્રણ રાઉન્ડ નિષ્ફળ ગયા. ખેડૂતોએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું.  છઠ્ઠા રાઉન્ડમાં ચારમાંથી બે માગણીઓ વિશે સમાધાન થયું, પણ લઘુતમ ટેકાના ભાવ અને કાનૂનોને પાછા લેવા વિશે મડાગાંઠ ચાલુ રહી.
જાન્યુઆરી ૨૦૨૧ : સાતમા અને આઠમા વખતની મંત્રણા નિષ્ફળ રહી. સુપ્રીમ કોર્ટે એકસાથે બધી અરજીઓની સુનાવણી કરીને કૃષિ કાનૂન પર સ્ટે મૂક્યો અને ચાર સભ્યોની કમિટી બનાવી. ખેડૂતોએ ગણતંત્ર દિવસે રાજધાનીમાં ટ્રૅક્ટર-રૅલી કાઢી. એ રૅલીમાં હિંસા ભડકી.
ફેબ્રુઆરી ૨૦૨૧ : ખેડૂતોના સમર્થનમાં ઑનલાઇન ટૂલકિટના મામલે રિહાના અને ગ્રેટા થનબર્ગ સામે ફરિયાદ થઈ. દુનિયાનું ધ્યાન ખેંચાયું. ખેડૂતોએ દેશભરમાં ચક્કા જામ કર્યા. ટૂલકિટમાં દિશા રવિની ધરપકડ થઈ.
માર્ચ ૨૦૨૧ : પંજાબ વિધાનસભામાં કાનૂન પાછા ખેંચવાનો ઠરાવ પાસ થયો.
અપ્રિલ ૨૦૨૧ : આંદોલનના ૧૦૦ દિવસ પૂરા થયા.
મે ૨૦૨૧ : ખેડૂતોએ બ્લૅક ડે ઊજવ્યો.
જુલાઈ ૨૦૨૧ : જંતર-મંતર પર કિસાન સંસદ યોજાઈ.
સપ્ટેમ્બર ૨૦૨૧ : એક વર્ષ પૂરું થયું, ખેડૂતોએ ‘ભારત બંધ’નું એલાન આપ્યું.
ઑક્ટોબર ૨૦૨૧ : સુપ્રીમ કોર્ટે રોડ બંધ હોવાથી અગવડ પડે છે એવું કહ્યું. પોલીસે સીમા પરથી બૅરિકેડ્સ હટાવ્યાં. લખીમપુર ખેરીમાં ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર જીપ ચડાવી દીધી. ચારનાં મોત થયાં, બીજા ત્રણ જણને ખેડૂતોના ટોળાએ રહેંસી નાખ્યા.
નવેમ્બર ૨૦૨૧ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાનૂન રદ કરવાની જાહેરાત કરી.

columnists raj goswami