✕

જીવનસંધ્યાના આરે કંઈક નવું-નવું કરતા રહેશો તો મસ્ત રહેશો અને ખુશ રહેશો

02 November, 2026 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમારી સંસ્થામાં નવા-નવા જોડાયેલા વડીલો ઘણી વાર ખૂબ સૂનમૂન હોય છે. તેઓ જીવન પ્રત્યે બહુ ગંભીર અને ગમગીન હોય છે. જ્યારે હમઉમ્ર લોકો સાથે મળીને કંઈક નવા પ્રયોગોમાં સામેલ થયા પછી તેમના જીવનમાં જાગેલા રસને જોઉં તો બહુ સારું લાગે છે.

સંદીપ કડકિયા

નિવૃત્તિનો સમય આવે એટલે જીવનની એક નવી જ સાંજ ઊગે છે. સંતાનો પરણીને ઠરીઠામ થઈ ગયાં હોય છે અને ક્યારેક વિદેશ સેટલ થઈ ગયાં હોય ત્યારે વડીલોના જીવનમાં અચાનક ખાલીપો સર્જાતો હોય છે. મારાથી પણ નાની ઉંમરના અનેક લોકોને એવું બોલતાં જોઉં છું કે હવે નવરા પડી ગયા, હવે જીવનમાં શું કરવાનું? ત્યારે મારું કાળજું ચિરાઈ જાય છે. હું મારા જીવન થકી અને અમારી દહિસરની વરિષ્ઠ નાગરિક પરિવારની પ્રવૃત્તિઓ થકી એ જ સમજાવું છું કે ઉંમરને તો જસ્ટ આંકડો માનો, જીવનમાં ઘણું એક્સપ્લોર કરવાનું બાકી છે. જીવનસંધ્યાના આરે ઊભા હો ત્યારે તમારી પાસે હવે તમારા માટે ટાઇમ જ ટાઇમ છે. તમે જુવાનીમાં અતિ વ્યસ્તતામાં જે ન કરી શક્યા એ બધું જ હવે કરવાનો ખરો અવસર છે. 

આ સમય છે જેમાં વડીલોએ જાતને અમુકતમુક માન્યતાઓમાં બાંધવાને બદલે પોતાના શોખ અને જિજ્ઞાસાને પોષણ આપવાનું છે. હું તો હજીયે બિઝનેસમાંથી રિટાયર થયો નથી. આ ઉપરાંત સિનિયર સિટિઝનો માટેની પ્રવૃત્તિઓમાં ખૂબ જ ખૂંપેલો રહું છું. ડ્રૉઇંગ કરવાની બાળપણની ઇચ્છા હતી એ મેં હવે પૂરી કરી. માત્ર નાટક-ડ્રામા જોવા જાઓ એવું જ નહીં, જાતે એમાં પાર્ટ પણ લો. અમે સંસ્થામાં આવા કાર્યક્રમો થકી સિનિયર સિટિઝનોને માનસિક અને શારીરિક રીતે ઍક્ટિવ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં ખુદ થોડા સમય પહેલાં લુંગી ડાન્સ કર્યો હતો. કેટલાક લોકોએ એ વખતે કહેલું કે આ ઉંમરે લુંગી ડાન્સ કરીએ તો કેવું લાગે? કદાચ તેમને હશે કે બીજા લોકો આપણા વિશે શું વિચારશે? જોકે હું માનું છું કે આવા પર્ફોર્મન્સ તમને શારીરિક અને માનસિક રીતે ઍક્ટિવ અને યંગ રાખે છે. સ્ટેજ પર પર્ફોર્મ કરવા માટે ગટ્સ જોઈએ. એ માટે તમારે માનસિક બંધનો છોડવાં પડે છે.

અમારી સંસ્થામાં નવા-નવા જોડાયેલા વડીલો ઘણી વાર ખૂબ સૂનમૂન હોય છે. તેઓ જીવન પ્રત્યે બહુ ગંભીર અને ગમગીન હોય છે. જ્યારે હમઉમ્ર લોકો સાથે મળીને કંઈક નવા પ્રયોગોમાં સામેલ થયા પછી તેમના જીવનમાં જાગેલા રસને જોઉં તો બહુ સારું લાગે છે.

પાછલી ઉંમરે જેટલું મહત્ત્વ એન્ટરટેઇનમેન્ટનું છે એટલું જ મહત્ત્વ જ્ઞાન અર્જિત કરવાનું છે. અમે તો હવે પાકું પાન એવું માનનારા લોકોએ યાદ રાખવું જોઈએ કે ભલે કેરી કાચી હોય ત્યારે ખટમીઠી લાગતી હોય, પરંતુ જ્યારે પાકે છે ત્યારે જ એ અમૃતફળ બને છે. આપણે પાકું ફળ છીએ. આપણી પાસે અનુભવ છે અને હવે તો મોકળાશ પણ છે. આપણી પાસે વધુ જ્ઞાન અર્જિત કરીને વધુ સમૃદ્ધ થવાનો પણ સ્કોપ છે. અમે સિનિયર સિટિઝનોમાં જાગૃતિ માટે મેડિકલ-ટૉક, સાઇબર ફ્રૉડ અવેરનેસ અને સંપત્તિના મૅનેજમેન્ટ માટે વિલ કેવી રીતે બનાવવું એ શીખવતા કાર્યક્રમો પણ કરીએ છીએ. કોરોનામાં મેં ગ્રાફિક ડિઝાઇનિંગનો ઑનલાઇન કોર્સ કરેલો અને આજે હવે મારી સંસ્થાઓનાં ફ્લાયર્સ હું જ ડિઝાઇન કરું છું. બહુ મજા આવે છે. વડીલો પણ તેમને ગમતી નવી-નવી સ્કિલ્સ શીખે તો માનસિક સ્વસ્થતા, મનની મજબૂતી અને આનંદી જીવનની ભેટ મળે છે.

- સંદીપ કડકિયા

columnists gujarati mid day Education lifestyle news life and style