સાલા મૈં તો સાહબ બન ગયા

07 July, 2022 12:03 PM IST  |  Mumbai | JD Majethia

સ્ટાઇલ આઇકન અવૉર્ડ ફંક્શનમાં ગયા પછી મને થયું કે આ પ્રકારના ફંક્શનમાં જતા રહેવું જોઈએ. બાકી, આજના સમયમાં કામ હવે એટલું વધી ગયું છે કે તમે કોઈને મળવા જવા માટે ખાસ તો સમય કાઢી જ ન શકો

સ્ટાઇલ આઇકન અવૉર્ડ ફંક્શનમાં જમનાદાસ મજીઠિયા

કોવિડમાં જ મને ખબર પડી કે મારા બધા વાળ સફેદ થઈ ગયા છે. પહેલાં તો સમયાંતરે સલૂનમાં જઈએ એટલે સ્ટાઇલિસ્ટ હેર કલર કરી નાખે, પણ પૅન્ડેમિકમાં સફેદ વાળ આપોઆપ ઉપર આવવા માંડ્યા અને ખબર પડી કે એક પણ વાળ બ્લૅક રહ્યો નથી. 

હમણાં બે વીક પહેલાં હું એક ઇવેન્ટ અટેન્ડ કરવા ગયો હતો. તબિયત થોડી ઓગણીસ-વીસ હતી, પણ પહેલેથી કમિટમેન્ટ કર્યું હતું એટલે નક્કી કર્યું કે જવું તો જોઈએ જ, પણ સીધા જવાને બદલે પહેલાં રિપોર્ટ કરાવવા ગયો. અત્યારના સમયે એ ખાસ કરવું. ફરી પાછો કોવિડનો મારો શરૂ થઈ ગયો છે એટલે આપણે ધ્યાન રાખવું જ રહ્યું. હું વારંવાર તમને કહેતો રહીશ અને ચેતવતો રહીશ, પણ મારી જેમ બીજું કોઈ ન કહે તો તમારે જાગ્રત થઈ જવું. ઘણી વાર બનતું શું હોય છે કે નાનીઅમસ્તી બેદરકારીને લીધે બીજા લોકો હેરાન થઈ જાય અને આપણે એ જાણતા ન હોઈએ કે જ્યાં જઈએ ત્યાં લાઇફ-થ્રેટન બીમારી સાથે ઑલરેડી કોણ આવેલું છે. માટે આપણે લીધે બીજું કોઈ હેરાન ન થાય એ જોવાની જવાબદારી આપણી છે અને અત્યારના સમયમાં તો ખાસ.
મારે જે ઇવેન્ટમાં જવાનું હતું એ ઇવેન્ટ હતી પિન્કવિલાના સ્ટાઇલ આઇકન અવૉર્ડ્‍સની. આ પિન્કવિલા ડિજિટલ પ્લૅટફૉર્મ પર બહુ મોટું નામ છે. શરૂ થયાને બહુ ઓછાં વર્ષો થયાં છે, પણ એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં એણે ખાસ્સું એવું કામ કર્યું અને એને લીધે આજે રિસ્પેક્ટેબલ પ્લૅટફૉર્મ ગણાય છે.
પિન્કવિલાના મૅનેજમેન્ટ સાથે બહુ વખતથી વાતો ચાલતી હતી કે સ્ટાઇલ આઇકન અવૉર્ડ્‍સમાં મારે કોઈને અવૉર્ડ પ્રેઝન્ટ કરવાનો અને મેં પ્રૉમિસ કરી દીધું હતું. સ્ટાઇલ આઇકન અવૉર્ડ અને હું! હાસ્તો, હમણાં ઘણા વખતથી જેડીભાઈનો લુક બદલાયો છે એટલે સ્વાભાવિક છે જેડીભાઈને આ પ્રકારના ફંક્શનમાં કોઈ બોલાવે એટલે મેં હિંમત કરી જરા કે ચાલો આપણે જઈએ, પણ હા, એ પહેલાં રિપોર્ટ કરાવ્યા અને મારા બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા એ પછી જ ફંક્શનમાં જવાનો મેં ફાઇનલ કૉલ લીધો. 
તૈયાર થઈને ગયો, સારો લાગતો હતો હું (આ લખતી વખતે મારા હસવાનો અવાજ તમે પણ સાંભળ્યો હશે). 
ફંક્શનમાં હું થોડો વહેલો પહોંચ્યો. ૯ વાગ્યે પહોંચવાનું હતું, પણ હું પોણાનવ વાગ્યે પહોંચ્યો. તમને પણ હું કહીશ કે ક્યાંય પણ છેલ્લી ઘડીએ પહોંચવાને બદલે વહેલા પહોંચવાની નીતિ રાખવી. એના બહુ બધા ફાયદા છે. સંબંધો તાજા પણ કરી શકાય અને જો તમે વહેલા પહોંચ્યા હો તો કોઈએ તમારી રાહ જોવામાં અકળામણ પણ સહન ન કરવી પડે. વહેલા પહોંચવાનો મને મોટો ફાયદો થયો અને મારી મુલાકાત થઈ આપણાં બધાનાં લોકલાડીલાં એવાં આશા પારેખ સાથે. તેમને હું આશા પારેખજી પણ કહી શકું, પણ તેમને આશા પારેખ કહેવામાં જ તેમનું સન્માન થાય છે. 
આશાબહેન સુંદર ગુલાબી સાડીમાં બેઠાં હતાં અને એ પણ સમયસર આવી ગયાં હતાં. પહેલાં તો હું બીજે હતો, પણ પછી જેવાં મેં તેમને જોયાં કે તરત જ હું એ બાજુએ ગયો. જે સ્ટેજ હતું એ અંગ્રેજી ‘ટી’ આકારનું બનાવ્યું હતું, ફૅશન-શોમાં રૅમ્પ કરવા માટે હોય એવું. એ ક્રૉસ કરીને હું તેમની પાસે ગયો. હું બહુ શ્યૉર હતો કે આશાબહેન મને નહીં જ ઓળખે. બહુ વખત પહેલાં અમે મળ્યાં હતાં. બે-ચાર વર્ષ પહેલાં હું તેમને મળ્યો હતો અને આ સમયગાળામાં મારા વાળ બધા ધોળા થઈ ગયા અને દાઢી પણ. મેં તેમની નજીક જઈને કહ્યું, ‘બહેન, જેડી.’ 
‘અરે જેડી, તું!!! તું તો બદલાઈ ગયો આખો...’
‘હા બહેન, કોવિડની અસર છે...’
- અને સાચું જ છેને આ.
કોવિડે આપણને ઘણી-ઘણી રીતે બદલાવ્યા છે. એવું નથી કે બધાં નકારાત્મક જ પરિણામ આવ્યાં હોય. કોવિડનાં ઘણાં સારાં પરિણામ પણ આવ્યાં છે, જેમ કે કોવિડમાં જ મને ખબર પડી કે મારા બધા વાળ સફેદ થઈ ગયા છે. પહેલાં તો શું હોય, સમયાંતરે સલૂનમાં જઈએ એટલે સ્ટાઇલિસ્ટ હેર કલર પણ કરી જ નાખે અને આમ ને આમ ચાલતું રહે, પણ પૅન્ડેમિકમાં ઘરમાં જ રહેવાનું હતું એટલે પેલા બધા સફેદ વાળ આપોઆપ ઉપર આવવા માંડ્યા અને ખબર પડી કે એક પણ વાળ બ્લૅક રહ્યો નથી અને પછી તો મેં જે સ્ટાઇલ કરાવી અને એ પછી તો જેડીભાઈ તો પેલું ગીત છેને, એવા બની ગયા.
‘સાલા મૈં તો સાહબ બન ગયા...’ 
હવે તો આ નવો લુક એક આગવી ઓળખ આપવા માંડ્યો છે. ફોટો તો બધાએ જોયા હોય, પણ રૂબરૂ બહુ મળવાનું થતું ન હોય. બબ્બે સિરિયલ અને વેબ-સિરીઝ અને એ ઉપરાંતની રૂટીન જવાબદારી, ઑફિસ, ચૅનલની મીટિંગો ને ફેડરેશનનાં કામો અને આ બધા વચ્ચે ભાગ્યે જ બહાર કોઈને રૂબરૂ મળાતું હોય, પણ આવા ફંક્શનમાં બધા રૂબરૂ મળે. ત્યાં પણ મને ઘણાં કૉમ્પ્લિમેન્ટ્સ મળ્યાં. કેવાં-કેવાં કૉમ્પ્લિમેન્ટ્સ મળ્યાં અને કોણે-કોણે કૉમ્પ્લિમેન્ટ્સ આપ્યાં એની વાતો પણ પછી તમને કરીશ, પહેલાં આશાબહેનને મળ્યો એ વાત પૂરી કરી લઉં.
લુકનાં આશાબહેને પણ બહુ વખાણ કર્યાં. મેં તેમને યાદ પણ કરાવ્યું કે તમારી સાથે વર્ષો પહેલાં કામ કર્યું હતું. તેમણે અત્યારના હાલચાલ પૂછ્યા. મેં તેમને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ અને ‘વાગલે કી દુનિયા’ની વાત કરી કહ્યું કે આ બે સિરિયલ ઉપરાંત એક વેબ-સિરીઝ ‘હૅપી ફૅમિલી’ ઍમેઝૉન માટે કરી, જે હવે રિલીઝ થશે અને બે વેબ-સિરીઝનું કામ ચાલે છે. તેઓ બહુ ખુશ થયાં. તમે જેમને તમારી નજર સામે સંઘર્ષ કરતા જોયા હોય તેમને તમે એક ઊંચાઈ પર જુઓ તો ખુશી થાય. એવી જ ખુશી બહેનને પણ થઈ. તેમણે મને પછી મળવા આવવા માટે પણ કહ્યું અને મેં પણ તેમને પ્રૉમિસ કર્યું. આમ મારી શરૂઆત બહુ સરસ થઈ, મને થયું કે ફંક્શનમાં આવીને મેં સારું કર્યું.
એ પછી તો હું મિલિંદ સોમણને મળ્યો. મારા માટે એ ફૅન-મોમેન્ટ હતી. પહેલાં પણ હું તેનો ફૅન હતો, આજે પણ છું. જે રીતે તેણે શરીરસ્વાસ્થ્ય જાળવી રાખ્યું છે એ ખરેખર કાબિલ-એ-તારીફ છે. મને ગમે આવા લોકો, જે હેલ્થનું ધ્યાન રાખતા હોય, સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય. મિલિંદ તો કેટલું બધું કામ પણ કરે છે. મૅરથૉનમાં દોડે છે અને એ સિવાય પણ કેટકેટલું બીજું પણ કામ કરે છે તે. મિલિંદ ઉપરાંત બીજા પણ કેટલાક લોકોને મળ્યો હું. રણવીર બ્રારને મળ્યો. બહુ મોટા શેફ અને મારા મિત્ર પણ. તેમનું પોતાનું ફૅન-ફૉલોઇંગ બહુ મોટું. ઍક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા મળી, મારી બહુ જૂની અને સારી મિત્ર. તે તો દોડીને આવી અને પ્રેમથી વળગી ગઈ. અમે કેટકેટલી વાતો કરી. આ સિવાયના પણ ઘણા મિત્રો મળ્યા. જો એ બધાનું નામ લખવા અને તેમની સાથે શું વાતો થઈ એ કહેવા બેસીશ તો-તો આ વાત ચાર-છ વીક ખેંચાઈ જાય અને એટલો ટાઇમ તમારી પાસે નથી. મારી પાસે તો છે ટાઇમ. તમારી સાથે વાતો કરવા મળે તો હું સમય ગમે ત્યાંથી ચોરી લઉં. ઍની વેઝ, વાત આગળ વધારીએ.
અવૉર્ડ્‍સ ચાલુ થયા અને ઘણાને અવૉર્ડ મળ્યા. ટીવીમાંથી હિના ખાનને અવૉર્ડ મળ્યો. નકુલને મળ્યો અને એ પછી નિયા શાહને અવૉર્ડ મળ્યો. એ પછી વારો આવ્યો ફિલ્મ સેલિબ્રિટીનો, તો એમાં આપણી માનુષી છિલ્લરને અવૉર્ડ આપ્યો અને આમ દોર આગળ વધતો ગયો. અવૉર્ડ પણ આગળ વધતો ગયો અને લોકોની અવરજવર પણ ચાલુ રહી. રાજ-ડીકે, કબીર, અહમદ ખાન, સંજય ગુપ્તા જેવા ડિરેક્ટર મિત્રો પણ હતા. અમે બધાએ તો રીતસરનું ફોટોસેશન કર્યું અને ખૂબ વાતો કરી. વાતો-વાતોમાં જ એક પ્રોગ્રામ શરૂ થયો અને સિંગરે સ્ટેજ પર આવીને પર્ફોર્મન્સ શરૂ કર્યો, પણ એ પર્ફોર્મન્સ દરમ્યાન એવું બન્યું કે મને થયું કે હું હવે જરા આગેવાની લઉં. એવું તે શું બન્યું અને એ પછી અનિલ કપૂરે આવીને કઈ વાત કરી, જેને લીધે મને આ આખો આર્ટિકલ સૂઝ્‍યો એની વાત હવે આપણે કરીશું આવતા ગુરુવારે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને આર્ટિકલની શરૂઆતમાં જ કહ્યું એમ, સહેજ પણ બેદરકાર રહેતા નહીં. કોવિડ જાગ્યો છે, પણ આપણે સૂતા નથી રહેવાનું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia