પપ્પા સાથે હિમાલયના પહાડોનો એ ટ્રેક ક્યારેય નહીં ભુલાય

29 July, 2021 05:02 PM IST  |  Mumbai | Ruchita Shah

સહેજ ઠંડીથી પણ અનઈઝી ફીલ કરતા તેના પિતા માઇનસ ડિગ્રી ટેમ્પરેચરમાં કેવી રીતે રહ્યા એની રોચક વાતો જાણીએ

વિશાલ ગાલા

ડિસેમ્બર ૨૦૨૦માં પિતા સાથે ઉત્તરાખંડના કેદારનાથ કાંઠાના ટ્રેક પર ગયેલા વિશાલ ગાલાના અનુભવો અને એ સુંદર મજાના સ્થળની કોરોનાકાળમાં કરેલી વિઝિટ અનેક કારણોને લીધે યાદગાર છે. સહેજ ઠંડીથી પણ અનઈઝી ફીલ કરતા તેના પિતા માઇનસ ડિગ્રી ટેમ્પરેચરમાં કેવી રીતે રહ્યા એની રોચક વાતો જાણીએ

‘પૈસા આપીને શું કામ પગ તોડાવવા જાય છે?’ મમ્મી-પપ્પાના મગજમાં રહેલી આ વાતને કાઢવા માટેનો રસ્તો ટ્રેકિંગના શોખીન વિશાલ ગાલાએ શોધી કાઢ્યો અને એના ભાગરૂપે પંચાવન વર્ષના પોતાના પિતાને હિમાલય સાથે દોસ્તી કરાવવા કેદારનાથ કાંઠાના ટ્રેક પર જવાનો પ્લાન બનાવ્યો હતો. ગોરેગામ વેસ્ટમાં રહેતા અને ડિજિટલ માર્કેટિંગનું કામ કરતા આ યુવાને અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના લગભગ તમામ ટ્રેકિંગ પૉઇન્ટ પર વિઝિટ કરી લીધી છે. નેચરની નજીક જવું, ત્યાં સમય વિતાવવો અને જાતને મળવાનો આનંદ અનેરો છે અને એમાં પણ તમે ચાલીને જ્યારે એક-એક ડુંગરા ખૂંદતા આગળ વધતા હો ત્યારે એની મજા બેવડાઈ જાય છે. બીજું, જે જગ્યાએ ગાડીથી ન પહોંચી શકાય એવી જગ્યાઓ પર તમે ટ્રેકિંગ દ્વારા પહોંચતા હો છો. જોકે આ બધું ઘરવાળાને કેમ સમજાવવું એમ જણાવીને વિશાલ કહે છે, ‘મારા ઘરમાં હંમેશાં બધા કહેતા કે પૈસા આપીને પગ તોડાવવાનો શું અર્થ છે? મારું આટલું ચાલવું તેમને રાસ નહોતું આવતું. એટલે જ મેં નક્કી કર્યું કે ચાલો આવો અનુભવ પેરન્ટ્સને પણ આપીએ. સપ્ટેમ્બરમાં અમારા આખા પરિવારને કોવિડ થયો હતો. માનસિક રીતે પણ બ્રેકની જરૂર હતી અને એક નિરાંત એ હતી કે અત્યારે ધારો કે બહાર જઈએ તો શરીરમાં ઍન્ટિબૉડીઝ હશે એટલે વાંધો નહીં આવે. ડિસેમ્બરમાં આ બધો વિચાર કરીને ઉત્તરાખંડના કેદારનાથ કાંઠાનો પ્લાન બનાવ્યો હતો.’

ઠંડીની ઍલર્જી
ઇન્ટરનેટ પર અવેલેબલ માહિતી પરથી આ જગ્યાનું સિલેક્શન વિશાલે કર્યું હતું. તે કહે છે, ‘ઈઝી ટ્રેક તરીકે કેદારનાથ કાંઠાને ટ્રાવેલ બ્લૉગર્સથી લઈને બધા જ એક્સપર્ટ્સ રેકમન્ડ કરતા હતા. એટલે પપ્પાને લઈ જવામાં કોઈ જોખમ નથી એવી ખાતરી થયા પછી જ બુકિંગ કર્યું હતું. મુંબઈથી દેહરાદૂન ફ્લાઇટમાં ગયા પછી ત્યાં દેહરાદૂન ટુ દેહરાદૂન એક ગ્રુપ સાથે અમે જોડાઈ ગયા. છ દિવસની ટ્રિપમાં એવા અને એટલા અનુભવ થયા હતા જે છેલ્લાં પાંચ વર્ષના ટ્રેકિંગના મારા તમામ અનુભવોને એક બાજુ પર રાખી દે એવા હતા. મારી માટે બીજી એક ચૅલેન્જ એ પણ હતી કે ઠંડીમાં પપ્પાને પ્રિપેર કરવા, કારણ કે તેમને સામાન્ય ઠંડી પણ સહન નથી થતી હોતી. નૉર્મલ ઠંડીમાં પણ તેઓ ધ્રૂજી જતા હોય છે. કેદારનાથ કાંઠા લગભગ સાડાબાર હજાર ફુટની ઊંચાઈ પર છે અને એટલે ત્યાં ઠંડીનું પ્રમાણ કલ્પનાની બહાર હશે એની મને ખબર હતી. જોકે અહીં તો દેહરાદૂનના એક દિવસના સ્ટેમાં જ પપ્પા ઠરી ગયા હતાં. જોકે મેં તેમને ધીમે-ધીમે ઠંડી માટે મેન્ટલી પ્રિૂપેર કરવાનું શરૂ કરી દીધું હતું.’

બરફની ચાદર ચારેય તરફ
કેદારનાથ કાંઠા વિન્ટરમાં પૉપ્યુલર ટ્રેક ગણાય છે અને જેનું શરીર કસાયેલું ન હોય અને મેન્ટલી પણ જેઓ સ્ટ્રૉન્ગ ન હોય એ લોકો વિન્ટરની ઠંડીને સહન કરી શકે એ અઘરું છે. વિશાલ કહે છે, ‘દેહરાદૂનથી અમારા ગ્રુપ સાથે વાયા બસ અમે નીકળ્યા હતા. જેમ-જેમ ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા હતા એમ-એમ ઠંડક વધી રહી હતી. કેદાર કાંઠા માટે સાંકરી બેઝ વિલેજ છે એના પછી આગળ કોઈ ગામ જ નથી. સાંજના સમયે સાકરી પહોંચ્યા પછી ત્યાં જ રાતવાસો હતો અને ‌બીજે દિવસે સવારે ચા-નાસ્તો કરીને જુડા કા તાલાબ પહોંચવાનું હતું જે લગભગ નવ હજાર ફુટની ઊંચાઈ પર હતું. સાકરી વિલેજથી જેવા આગળ વધ્યા કે લગભગ એકાદ કલાકમાં બરફ દેખાવાનો શરૂ થઈ ગયો હતો. બહુ જ સીધું ચડાણ હોવાથી મારી પણ હવા નીકળી ગઈ હતી ત્યાં પપ્પા માટે તો આ જીવનનો પહેલો અનુભવ હતો. હું આ પહેલાં એક વાર મારી વાઇફ સાથે હિમાલય પર ટ્રેકિંગ માટે આવી ચૂક્યો હતો. જોકે પપ્પાએ બહુ જ હિંમત રાખીને આત્મવિશ્વાસ સાથે વધી રહેલી ઠંડી અને આકરા ચડાણમાં પણ આગળ વધવાનું ચાલુ રાખ્યું એની નિરાંત હતી. અહીં આ જુડા કા તાલાબ પાછળની બે પ્રચલિત કથા વિશે તમને કહી દઉં. અહીં અમારી સાથે રહેલા ગાઇડે કહેલી કથા પ્રમાણે બે જુદાં-જુદાં તળાવ જોડાઈ ગયાં અને પછી એનું નામ જુડા કા તાલાબ પડ્યું અને ઇન્ટરનેટ પર એની જે પ્રચલિત કથા છે એ મુજબ કેદારનાથ કાંઠા પર ધ્યાન કરવા આવતા શિવજીના માથામાંથી પાણીની ધારા વહી એનાથી આ જુડા કા તાલાબ બન્યું. અહીં પહોંચ્યા ત્યારે ઠંડીને કારણે હાથ જાણે થીજી રહ્યા હતા. ટી-શર્ટ, જૅકેટ, થર્મલ જેવાં લગભગ નવ કપડાં ઉપર-ઉપર પહેર્યા પછી પણ ઠંડી રોકાતી નહોતી. પપ્પા અહીં આવ્યા પછી ઠંડીને હવે સહન નહીં કરી શકે એ બાબતમાં શ્યૉર હતા અને તેમણે અહીંથી જ પાછા જવાનો નિર્ણય લઈ લીધો. અમે તેમને ખૂબ સમજાવ્યા, ઠંડીથી બચવાના બધા જ પ્રયાસ કરીશું એવા રસ્તાઓ પણ દેખાડ્યા પરંતુ તેઓ નહીં રોકાયા. એક ગાઇડ સાથે પપ્પા સાકરી જવા નીકળ્યા અને હું એ રાત ટેન્ટમાં ગ્રુપના અન્ય સદસ્યો સાથે રોકાયો, કારણ કે રાત્રે બે વાગ્યે અમારે કેદારનાથ કાંઠા તરફ નીકળવાનું હતું. જોકે મારો જીવ અધ્ધર હતો. પપ્પાને લઈને આવ્યો છું અને હવે પાછા બે દિવસ તેઓ એકલા કેવી રીતે રહેશે. તેમણે પોતાનું અરેન્જમેન્ટ કેવી રીતે કર્યું હશે. સૌથી મોટી મુસીબત એ હતી કે સાકરી જે બેઝ વિલેજ હતું ત્યાં પણ નેટવર્ક નહોતું એટલે એ ચાર દિવસ માટે અમે જમાનાથી સંપૂર્ણ ડિસકનેક્ટ થઈ ગયા હતા.’

શરીર થીજી ગયેલું
બીજા દિવસે સવારના બે વાગ્યાની આસપાસ ચા-નાસ્તો કરીને ગ્રુપ સાથે વિશાલ કેદારનાથ કાંઠા તરફ નીકળ્યો ત્યારે તેને કલ્પના નહોતી કે તે પોતે પણ જીવનનો સૌથી આકરામાં આકરો સમય જીવવા જઈ રહ્યો છે. તે કહે છે, ‘શરૂઆતનું ચડાણ થોડુંક આકરું હતું પરંતુ પછી ચડાણ અઘરું નહોતું પણ ઠંડીનું પ્રમાણ અને ઠંડી હવા જે રીતે છૂટી હતી એ જોતાં લાગતું હતું કે હવે આ ઠંડીમાં જીવી જ નહીં શકાય. માઇનસ થર્ટી ટેમ્પરેચરમાં હતા જ્યારે એ સ્થળે પહોંચ્યા. લગભગ ત્રણસો-ચારસો ટ્રેકર્સ એ સમયે કેદારનાથ કાંઠાની ચોટી પર હતા. બરફની ચાદર પથરાયેલી હતી. જોકે હું આંખ ખોલી નહોતો શકતો. પગની આંગળીઓ નમ્બ પડી ગઈ હતી. આટલું સુદર દૃશ્ય આંખ સામે હતું પરંતુ મારું મન એમ કહેતું હતું કે બસ બહુ થયું હવે, ચાલો પાછા ફરો. સનરાઇઝ થવાની રાહ જોવાઈ રહી હતી. સુંદરતા એટલી અપ્રતિમ કે શબ્દોમાં વર્ણવી ન શકાય. જોકે સરળ ટ્રેક ગણીને અહીં આવ્યા હતા અને ખૂબ જ આકરો ટ્રેક સાબિત થયો. પ્રત્યેક ક્ષણે મનમાં એક શાંતિ હતી કે હાશ, પપ્પા અહીં સુધી ન આવ્યા. ઠંડી હવાને કારણે પહાડની એ ચોટી પર જાતને સંભાળવી અઘરી હતી. બરફનો કોઈ પાર નહોતો. પાછા ઊતર્યા અને બીજા દિવસે સાકરી પહોંચ્યા ત્યારે પપ્પા મારી રાહ જોઈ રહ્યા હતા. તેમને જઈને ભેટ્યો ત્યારે અમે બન્ને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા હતા. એક ઠંડકભરી ટ્રિપે પિતા-પુત્ર તરીકેના અમારા સંબંધમાં હુંફ અનેકગણી વધારી દીધી. એ ક્ષણ યાદ કરું છું તો આજે પણ રોમાંચિત થઈ જાઉં છું. મારી સાથે નવ હજાર ફુટ સુધી પપ્પા આવ્યા હતા અને જ્યારે પાછા આવ્યા પછી આ અનુભવ વિશે મેં તેમને પૂછ્યું તો તેમના આનંદનો પાર નહોતો. ફરી એક વાર તેઓ ટ્રિપ માટે તૈયાર છે. આ ટ્રેકથી પરિવારને એ પણ સમજાઈ ગયું કે ટ્રેકિંગમાં પગ તોડવાની મજા કેવી હોય છે. જોકે એ સાથે જ હું એકલો બહાર હોઉં ત્યારે તેમનો જીવ અધ્ધર કેમ હોય છે એ મને પણ પપ્પાની ગેરહાજરીમાં સમજાઈ ગયું.’

columnists ruchita shah