તમારા બે કાન કે તમે લંબાવેલો એક હાથ કાળમુખી પળને આપી શકે માત

07 March, 2025 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે- જ્યારે એક સ્ત્રી પોતાને માટે અવાજ ઉઠાવે છે ત્યારે અજાણપણે અને કોઈ દાવો કર્યા વગર પણ તે તમામ સ્ત્રીઓ માટે અવાજ ઉઠાવી રહી હોય છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

આવતી કાલે આઠમી માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વડા પ્રધાન મોદીજીના ઇન્સ્ટાગ્રામ, ઍક્સ કે અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર આવતી કાલે દેશની કેટલીક ‘હટકે’ મહિલાઓની સંઘર્ષ અને સફળતાની અસાધારણ ગાથાઓ જોવા મળશે જે તેમણે પોતે જ શૅર કરી હશે. પણ આજે આ લખી રહી છું ત્યારે તો મારી નજર સામે પાંત્રીસ વર્ષની એન્જિનિયર યુવતીએ લગ્નના છ મહિના બાદ પોતાના રૂમના પંખા સાથે લટકીને કરેલી આત્મહત્યાના સમાચાર છે! હૈદરાબાદના પૉશ વિસ્તારમાં રહેતું આ યુવાન દંપતી IT ક્ષેત્રમાં અને એક જ કંપનીમાં કામ કરતું હતું. ત્યાંથી જ પરિચય અને પછી દોસ્તી. જાણવા મળ્યા પ્રમાણે બે વર્ષની રિલેશનશિપ પછી બન્ને પરણ્યાં અને છ જ મહિનામાં લગ્નનો આવો કરુણ અંજામ! યુવતીનાં મા-બાપે જમાઈ પર દહેજની માગણી અને એને લઈને પોતાની પુત્રીને ત્રાસ આપવાનો આરોપ મૂક્યો છે.

યુવતીના આ પગલા પાછળનું કારણ શું છે એ તો વિગતવાર તપાસ પછી બહાર આવશે પરંતુ એક શિક્ષિત અને આત્મનિર્ભર સ્ત્રી દ્વારા પોતાની જાતને ખતમ કરી દેવાની ઘટના (જો ખરેખર એ આત્મહત્યા હોય તો) એકવીસમી સદીના પચીસમા વર્ષમાં પણ બને છે એ હકીકત આપણા સમાજ અને આપણી માનસિકતા વિશે ઘણું કહી જાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જિંદગીથી હારીને જિંદગીને જ દાવ પર લગાવી દે છે ત્યારે બેહદ દુ:ખ અનુભવું છું. આ અગાઉ પેલા યુવાને પત્ની અને તેનાં પિયરિયાંના ત્રાસથી તંગ આવીને આત્મહત્યાનું પગલું ભર્યું હતું ત્યારે જે કહ્યું હતું એ જ આજે પણ દોહરાવું છું કે જિંદગી તેને મૂંઝવતી કોઈ પણ સમસ્યા, કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વ્યક્તિ કરતાં ઘણી-ઘણી મોટી અને મહત્ત્વપૂર્ણ જણસ છે. આપણી સૌથી મૂલ્યવાન સંપદા છે. એને આમ ફગાવી દેવાનું કોઈ પણ કારણથી જસ્ટિફાઇ કરી શકાય નહીં.

અલબત્ત, કોઈ પણ વ્યક્તિને આવું પગલું ભરવા ભણી દોરી જતી પરિસ્થિતિ ઊભી કરવામાં આપણે નિમિત્ત ન બનીએ એવું સમાજની દરેક વ્યક્તિ જરૂર વિચારી શકે. વિખ્યાત લેખિકા, કલાકાર અને ઍક્ટિવિસ્ટ માયા ઍન્જેલુએ બહુ સરસ વાત કહી છે. તેઓ કહે છે : જ્યારે- જ્યારે એક સ્ત્રી પોતાને માટે અવાજ ઉઠાવે છે ત્યારે અજાણપણે અને કોઈ દાવો કર્યા વગર પણ તે તમામ સ્ત્રીઓ માટે અવાજ ઉઠાવી રહી હોય છે.’

માત્ર સ્ત્રી જ નહીં, વ્યક્તિ માટે પણ અવાજ ઉઠાવીએ. અને એટલેથી જ અટકીએ નહીં; તેને સાંભળીએ, તેને માટે હાથ પણ લંબાવીએ. ઘણી વાર એ કાળમુખી પળને માત આપવામાં મદદરૂપ બને છે બે કાન કે કોઈ લંબાયેલો હાથ.                   -તરુ મેઘાણી કજારિયા

Sociology international womens day womens day narendra modi instagram social media hyderabad suicide news columnists gujarati mid-day mumbai mental health