વાત વિરુદ્ધ વર્તન : શિવસેનાનું એક જૂથ સંગઠન સાથે કામ કરવા કોઈ કાળે તૈયાર નહોતું, પણ...

26 June, 2022 11:09 AM IST  |  Mumbai | Manoj Joshi

હા, એ સાવ સાચું છે કે શિવસેના પૈકીનું એક જૂથ એવું હતું જેને આ ગઠબંધનમાં કોઈ રસ નહોતો

પ્રતીકાત્મક તસવીર

એકનાથ શિંદેના બળવા પછી હવે જે વાતો આવી રહી છે એ વાતો જરા આંચકો આપે એવી છે. શિવસેના જ્યારે આઘાડી જૂથ બનાવવા રાજી થઈ ગઈ ત્યારે એક જૂથ એવું પણ હતું જે શિવસૈનિકો કોઈ કાળે કૉન્ગ્રેસ કે પવાર-કૉન્ગ્રેસ સાથે બેસવા રાજી નહોતા, પણ એ સમયે તેમને સમજાવી લેવામાં આવ્યા હતા અને આખી વાત ચાદર તળે ઢંકાયેલી રહી ગઈ.

હા, એ સાવ સાચું છે કે શિવસેના પૈકીનું એક જૂથ એવું હતું જેને આ ગઠબંધનમાં કોઈ રસ નહોતો. એ પણ ત્યાં સુધી કે એ લોકો રાષ્ટ્રપતિશાસન વચ્ચે આવનારા નવા વિધાનસભા ઇલેક્શન માટે પણ તૈયાર હતા, પરંતુ સેક્યુલર પાર્ટીઓ સાથે બેસવા તેઓ રાજી નહોતા, પણ ઉદ્ધવ ઠાકરેએ વાત સમજાવી દીધી અને નાછૂટકે, કમને એ લોકોએ વાત સ્વીકારી લીધી, પણ મનમાં રહેલો પેલો અસ્વીકાર હજી પણ અકબંધ હતો અને એ હવે બૉમ્બ બનીને ફૂટ્યો. એકનાથ શિંદે આણિ મંડળીની વાત સ્પષ્ટ છે કે અમને કૉન્ગ્રેસ કે પવાર જૂથનો મુખ્ય પ્રધાન નથી જ જોઈતો એટલે નથી જ જોઈતો. તેમની આ માગણીનો સીધો લાભ બીજેપીને થઈ રહ્યો છે, એ આડપેદાશ છે એવું સૌકોઈએ માનવું અને સ્વીકારવું જ રહ્યું, કારણ કે હિન્દુત્વની નીતિ સાથે બીજી કોઈ પાર્ટી એવી મહારાષ્ટ્રમાં છે નહીં જેની સાથે બેસવા શિવસેના તૈયાર થાય.

શિવસેના અને બીજેપી અને એવું જ અન્ય રાજ્યોમાં પણ ગઠબંધન ઊભું થાય તો ચોક્કસપણે એનો લાભ બીજેપીને થશે તો એટલો જ લાભ એ પાર્ટીઓને પણ થવાનો છે. આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસ બન્ને આજે એકબીજાના વોટ કાપીને પોતપોતાની લાઇન ટૂંકી કરતી રહી છે અને એ જ કારણ છે કે આજ સુધી આપણા દેશને એક સક્ષમ વિરોધ પક્ષ નથી મળ્યો. વિરોધ પક્ષ હોવો જોઈએ એવું અગાઉ આ જ જગ્યાએથી સેંકડો વખત કહેવાયું છે અને આજે પણ એ જ વાત કહેવી છે. ચાણક્ય માનતા કે સક્ષમ વિરોધ પક્ષ હંમેશાં રાષ્ટ્રના હિતમાં કામ કરે છે. વિરોધ પક્ષની સક્ષમતા જ શાસક પક્ષને જાગ્રત રાખવાની અને સજાગપણે કામ કરવાની ભાવના આપતી હોય છે. જે સમયે વિરોધ પક્ષ નબળો પડે છે એ સમયે સહજપણે શાસક પક્ષ બેદરકાર બને છે અને એ બેદરકારી રાષ્ટ્રના અહિતમાં જ રહેતી હોય છે. ગમે કે ન ગમે, માનો કે ન માનો, પણ કૉન્ગ્રેસ નસીબદાર હતી કે એની સામે બીજેપી જેવો સક્ષમ વિરોધ પક્ષ હતો અને આ જ વાતને બીજા દૃષ્ટિકોણથી પણ જોઈ લઈએ. બીજેપીની કમનસીબી છે કે કૉન્ગ્રેસ જેવો અસક્ષમ વિરોધ પક્ષ એની સામે આવ્યો છે.

વિરોધ પક્ષ બનવા માટે પણ સક્ષમતા જોઈએ, જાગૃતિ જોઈએ અને વિરોધ નોંધાવવા માટે પણ સજ્જડ માનસિકતા જોઈએ. તમે રાષ્ટ્રનો ઇતિહાસ જોશો તો તમને દેખાશે કે વિરોધ પક્ષોએ જેલ પણ ભરી છે અને લાંબી-લાંબી સજા પણ ભોગવી છે. વિરોધ કરવામાં પણ ખુમારી જોઈએ અને એ ખુમારીનો અભાવ અત્યારના વિરોધ પક્ષમાં ક્યાંય નથી એ પણ ખેદ સાથે સ્વીકારવું પડે છે. મૂળ વાત પર આવીએ, શિવસૈનિકોએ પોતાની વિચારધારા બદલવાની વાતનો વિરોધ કર્યો અને એ વિરોધમાં ભારોભાર ખુમારી ઝળકે છે, આ પણ હર્ષ સાથે સ્વીકારવું જ રહ્યું.

columnists manoj joshi