ઍલ્ગરિધમનું એ-બી-સી : જે કામ ગૂગલ કરે છે એ જ કામ તમારું મન પણ કરે છે

24 September, 2021 09:42 AM IST  |  Mumbai | Manoj Joshi

જે શોધવાના છીએ એ જ સામે આવ્યા કરવાનું છે તો બેસ્ટ જ શોધવું છે અને બેસ્ટને જ વાસ્તવિકતા બનાવવી છે. ઍલ્ગરિધમનો આ સિદ્ધાંત જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અમલી બનાવી દે તો બહુ મોટી રાહત થઈ જશે.

પ્રતીકાત્મક તસવીર

ધારો કે તમે પુરુષ છો તો ક્યારેય ગૂગલ કે પછી કોઈ સોશ્યલ મીડિયા તુવેરદાળની ઑફર તમને આપશે નહીં. ધારો કે તમે સ્ત્રી છો તો તમને ક્યારેય જેન્ટ્સ ગાર્મેન્ટ્સની ઑફર સોશ્યલ મીડિયા દ્વારા મળતી નહીં હોય. સિવાય કે તમે તમારા હસબન્ડ, સન કે પછી ફૅમિલીના કોઈ અન્ય પુરુષ માટે એની ખરીદી કરી હોય અને એવું જ પુરુષોને લાગુ પડે છે. જો તમે તમારી વાઇફ કે દીકરી માટે કોઈ ફીમેલ આઇટમ મગાવી હશે તો જ તમને એ પ્રોડક્ટ દેખાડવામાં આવશે, પણ જો તમે એવું નહીં કર્યું હોય તો તમને તમારા જ ઇન્ટરેસ્ટની કે પછી તમે અગાઉ જેકંઈ સર્ચ કર્યું છે એ જ દેખાડવાનું કામ આ સોશ્યલ મીડિયા કરશે. મનનું પણ એવું જ છે. એ તમને એ જ દેખાડશે જે તમે શોધતા હશો, જેના વિચારો તમારા મનમાં ચાલતા હશે અને જે તમારી ઝંખના હશે, જે તમારી નજરમાં હશે.
ગૂગલ અને સોશ્યલ મીડિયા જે ઍલ્ગરિધમ પર કામ કરે છે એ ઍલ્ગરિધમ ક્યાંય કોઈ ટેક્નૉલૉજીની શોધ નથી, પણ હકીકતમાં એ તમારામાં રહેલી અતૃપ્ત ઇચ્છાઓનું ટેક્નૉલૉજી સ્વરૂપ છે અને એટલે જ સમજવાની જરૂર છે કે જો ટેક્નૉલૉજી પણ આ વાતનું પાલન કરતી હોય તો તમારે પણ એ સમજવું રહ્યું કે મનમાં જે હશે એ જ સામે તાદૃશ થશે, એ જ સામે અથડાશે અને એ જ જોવાનો વારો આવશે. જો એવું બનવાનું હોય તો માણસ પોતાના મનનું ઍલ્ગરિધમ શું કામ પોતાનામાં રહેલી હકારાત્મકતા સાથે સેટ ન કરી શકે, શું કામ માણસ પોતાનામાં રહેલી પૉઝિટિવિટીને આંખ સામે રાખી ન શકે, શું કામ માણસ નકારાત્મકતાને રસ્તામાં આવવા દે અને શું કામ માણસ જાતને ખોટી દિશામાં વાળવાનું કામ કરે? 
ન જ કરવું જોઈએ એવું અને ન જ થવા દેવું જોઈએ જાત સાથે એવું.
ઍલ્ગરિધમને સૌકોઈએ સમજવું પડશે અને સમજ્યા પછી એનું પ્રૉપર પાલન થાય એના માટે પણ પ્રયાસો કરવા પડશે. જે ઍલ્ગરિધમ તમને સોશ્યલ મીડિયા દેખાડે છે એ જ સિસ્ટમ પર મન કામ કરવાનું છે અને એ જ સિસ્ટમ પર તમારું ભવિષ્ય ઘડાવાનું છે. બહેતર છે કે આંખ સામે એવું જ રાખો જે જોવાની તમારી ખ્વાહિશ હોય. બહેતર છે કે મનમાં એ જ વાતને લઈ આવો જેને પામવાની તમારી ઇચ્છા હોય. બીમારીના વિચારો બીમારી જ આપશે અને મહામારીના વિચારો મહામારીનો ભોગ બનાવવાનું જ કામ કરશે. બહેતર છે કે એ કોઈ કાર્ય ન થવા દો અને જાતને ગૂગલના સિદ્ધાંત પર સમર્પિત કરી દો. જે શોધવાના છીએ એ જ સામે આવ્યા કરવાનું છે તો શ્રેષ્ઠ શોધવું છે અને શ્રેષ્ઠને જ આંખ સામે આવવા દેવું છે. જે શોધવાના છીએ એ જ સામે આવ્યા કરવાનું છે તો બેસ્ટ જ શોધવું છે અને બેસ્ટને જ વાસ્તવિકતા બનાવવી છે. ઍલ્ગરિધમનો આ સિદ્ધાંત જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અમલી બનાવી દે તો બહુ મોટી રાહત થઈ જશે. નકારાત્મકતાથી પીછો છૂટશે અને હકારાત્મકતા સામે ચાલીને આંગળી પકડશે. બહેતર છે કે એ આંગળી પકડવા માટે તમારા મનનું ઍલ્ગરિધમ સેટ કરો.

columnists manoj joshi