તમારી પત્નીને તમે છેલ્લે ક્યારે નીરખીને જોઈ હતી?

01 December, 2019 04:37 PM IST  |  Mumbai | Kana Bantwa

તમારી પત્નીને તમે છેલ્લે ક્યારે નીરખીને જોઈ હતી?

જે મળી જાય છે એની કોઈ કિંમત આપણે મન રહેતી નથી અને જે નથી મળ્યું એ સદા અમૂલ્ય, સુખ માટેનો એકમાત્ર સ્રોત લાગે છે. માનવમનનો આ સ્વભાવ છે. તે હંમેશાં જે નથી એની પાછળ દોટ મૂકે છે. કોઈ સુંદર છોકરી પ્રત્યે આકર્ષણ થાય પછી તેના સિવાય મેળવવા જેવું આ વિશ્વમાં કશું લાગતું નથી. એ જ રૂપવતી સાથે લગ્ન થઈ જાય એ પછી ઘર કી મુર્ગી દાલ બરાબર બની જાય છે. સ્ત્રી એ જ છે. કદાચ વધુ સૌંદર્યવાન બની છે. પ્રેમનો સ્વીકાર કર્યો છે એટલે પ્રેમનું સૌંદર્ય પણ ભળ્યું છે છતાં જ્યારે એ પત્ની નહોતી ત્યારે તેને મેળવવાની અદમ્ય ઇચ્છા જેમાંથી પેદા થઈ હતી એ આકર્ષણ લગ્ન બાદ ઘટતું જાય છે. પત્ની તરફ નજર કરવાની ફુરસદ પણ પતિદેવને મળે છે ખરી? પોતાની પત્નીને બરાબર ધારીને, પ્રેમપૂર્વક છેલ્લે ક્યારે જોઈ હતી એવો પ્રશ્ન પતિઓને જો પૂછવામાં આવે તો એનો સાચો જવાબ શું હોય? મોટા ભાગની પત્નીઓની ફરિયાદ હોય છે કે તમે તો મારા પર ધ્યાન જ નથી આપતા. તમને તો મારી કાંઈ પડી જ નથી. પત્નીઓની આ ફરિયાદ જરાય ખોટી નથી હોતી. જ્યારે પત્ની પૂછે કે હું કેવી લાગું છું ત્યારે મોટા ભાગના પતિ ધ્યાનથી જોયા વગર, બેધ્યાનપણે જ કહી દેતા હોય છે કે બહુ સુંદર. તેને જો તમે બે મિનિટ પછી પૂછો કે પત્નીએ ચાંદલો કયા રંગનો લગાવ્યો હતો કે કાનમાં બુટ્ટી સોનાની પહેરી હતી કે ઇમિટેશનની હતી? લિપસ્ટિક ગ્લોસી હતી કે મૅટ? આઇલાઇનર અને આઇશેડો કર્યાં હતાં કે નહીં તો પતિ ગેંગેંફેંફે થઈ જશે. તેણે ખરેખર કશું જોયું નહીં જ હોય. 

 જે નથી એની કલ્પના જ કરી શકાય અને જેવી ઇચ્છો એવી કરી શકાય. એમાં રંગ પૂરી શકાય, એને સુંદરતમ બનાવી શકાય, એમાં તમે તમારી ઇચ્છાઓનાં પ્રતિબિંબ પાડી શકો, એષણાઓને કંડારીને મૂર્ત રૂપ આપી શકો. વાસ્તવિકતામાં રંગ પૂરી શકાય નહીં. એમાં જે રંગ હોય એ સ્વીકારવા પડે. કલ્પનામાં તમે માત્ર તમને ગમતી વસ્તુઓ જ રાખીને બાકીની બાબતોની બાદબાકી કરી શકો, એનો છેદ ઉડાડી દઈ શકો. જે પસંદ ન હોય એનું અસ્તિત્વ જ તમે ડિલીટ કરી શકો એટલે સારું અને ગમતું જ દેખાય. વાસ્તવમાં અણગમતું પણ ઘણું હોય. ખરેખર તો એ જ વધુ હોય છે. જે છોકરીને પામવા માટે આકાશ–પાતાળ એક કરવાની તૈયારી હોય તેને મેળવ્યા પહેલાં તેના દ્વારા મળનારા સુખની કલ્પનામાં માત્ર તમે જ હો છો, તમારી ઇચ્છા–અપેક્ષાઓ જ હોય છે, બધું ગમતું જ હોય છે. વાસ્તવમાં જ્યારે એ મળી જાય છે ત્યારે એ પોતાનું આખું વિશ્વ લઈને આવે છે જે તમે નહીં કલ્પેલી, તમને રુચે નહીં એવી પણ ઘણી બાબતોથી ભરપૂર હોય છે. પછી તમે એકલા નથી હોતા, કલ્પનામાં નથી હોતા, વાસ્તવની ધરતી પર હો છો અને એ ઊબડખાબડ હોય છે, ઝાડી–ઝાંખરાં, કાંટા–કંકરથી ભરપૂર હોય છે.

 જે તમારી પાસે છે એને તમે જાણી જાઓ છો અને જેને જાણી લેવામાં આવે એના તરફ આકર્ષણ ઓછું થઈ જાય છે. જે જાણવાનું, માણવાનું, જોવાનું બાકી છે એની તરફ ખેંચાણ સહજ છે. એ મળતાં, માણતાં કેવું સુખ મળશે એની જે અટકળ લગાવવામાં આવે છે એ તમારી કલ્પનાશક્તિ અને તમારા ઇચ્છાવિશ્વનો વિસ્તાર કેટલો છે એના પર આધાર રાખે છે. સામાન્ય માણસને ઘરે મોટરસાઇકલ આવે એ વાત એટલું સુખ આપી શકે જેટલું કરોડપતિ માણસ લમ્બોર્ગીની ખરીદીને મેળવી શકે. સુખ સાપેક્ષ ચીજ છે. એક બહુ જૂનો જોક છે, બોધકથા જેવો. એક વ્યક્તિ ગામડાની મુલાકાતે ગયેલી. રાતે બધા સાથે મળીને પોતાને કઈ મજા સૌથી વધુ આવી, કઈ બાબતે સૌથી વધુ સુખ આપ્યું એની વાતો કરતા હતા. એમાં બધાએ ખેતરમાં કામ કરતા મજૂરને પૂછ્યું કે તને સૌથી વધુ મોજ ક્યારે પડી હતી? મજૂરે જવાબ વાળ્યો, ‘એ વર્ષે મને શરીરે ખસ થઈ હતી. લૂંબેઝૂંબે ખસ, એક વખત ખેતરે કોઈ હતું નહીં અને કાથીના ખાટલા પર વાંસો ઘસીને વલુરવાની જે મજા આવી હતી એવી મજા હજી સુધી ક્યાંય, ક્યારેય આવી નથી.’  સુખ વ્યક્તિગત હોય છે. આનંદ અને સુખમાં ભેદ છે. સુખ બહારથી આવે છે, આનંદ અંદરથી આવે છે. સુખ માટે કોઈ સાધન, કોઈ સહારો, કોઈ ઉપાયની જરૂર પડે છે, આનંદ માટે માત્ર અંદરની સત્તાની જ આવશ્યકતા હોય છે. એટલે બહારની કોઈ વસ્તુ કે વ્યક્તિને કારણભૂત માનીને તમે સુખ ગુમાવો, દુખી થાઓ એવું બની શકે, પણ બહારની કોઈ ચીજ તમારા આનંદને છીનવી શકે નહીં. માત્ર તમે જ તમારા આનંદના દુશ્મન બની શકો.

જે મળ્યું છે એ તમને સુખી કરી શકતું નથી. ભલે ધર્મપુરુષો સંતોષની વાતો કર્યા કરે, સંતોષ માનવનો સ્વભાવ જ નથી. અતૃપ્તિ, અસંતોષ, હજી કશુંક બાકી છે, હજી મેળવવાનું છે એ ભાવના સહજ છે અને એને લીધે જ માણસ આટલી ભૌતિક પ્રગતિ કરી શક્યો છે. સંતુષ્ટિ જો સ્વભાવ હોત તો મનુષ્ય હજી જંગલમાં રહેતો હોત. આદિમાનવ હોત, જે છે એ ઓછું છે, અધૂરું છે એવી જાગૃતિ માણસને વધુ ને વધુ સુખ, આરામ, સગવડ, સુવિધા આપતી ચીજો શોધવા પ્રેરતી રહી છે. સંતોષી નર સદા સુખી એ કહેવત ખોટી નથી, પણ સંતોષ દુર્લભ છે. એ વાત સાચી કે સંતોષ પામી જાય તે સુખી થઈ જાય, પરંતુ એ સ્થિતિ થોડી મુશ્કેલ છે. મોટા ભાગના લોકો મજબૂરીને સંતોષનું નામ આપી દેતા હોય છે. કેટલાક સંતોષનો દેખાડો કરતા હોય છે તો કેટલાકને પોતે સંતોષી હોવાનો ભ્રમ હોય છે. જેને કશું વધુ મેળવવાની ઇચ્છા જ નથી, જેને તૃષ્ણા જ નથી એવો માણસ ખોળવો મુશ્કેલ છે. જેમણે બધું ત્યાગ્યું છે તેમનો પણ વાસનામોક્ષ થતો નથી.

એક ગામમાં એક સામાન્ય પરિસ્થિતિનો માણસ વસે. ટૂંકી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવે. રોજ પરિવારનું પેટ પોષવા જેટલું મળી જાય એનાથી તેને સંતોષ અને જે મળે એનાથી સંતુષ્ટ હતો એટલે સુખી હતો, ખુશ હતો. રોજના ચારઆના જ કમાવા છતાં આનંદથી જીવતો આખો પરિવાર. તેના પાડોશીથી તેમની આ ખુશી જોઈ શકાતી નહીં. તેને દુખી કરવાની કોઈ યુક્તિ ચાલતી નહીં, કારણ કે તેને વધુ કશાની અપેક્ષા કે ઇચ્છા જ નહોતી. એક દિવસ પાડોશીના ઘરે કોઈ જમાતનો ખાધેલો પ્રપંચી–કુટિલ–ધૂર્ત મહેમાન આવ્યો. પાડોશીએ તેને પેટછૂટી વાત કરતાં કહ્યું કે આ મારો બાજુવાળો સાવ સામાન્ય કમાય છે. ઝૂંપડા જેવું મકાન છે તો પણ સદા આનંદમાં રહે છે, સંતુષ્ટ રહે છે.

તેની ખુશી મારાથી જોઈ શકાતી નથી. તેને દુખી કરવાનો કોઈ ઉપાય ખરો? પેલો મહેમાન ખરો ધૂર્ત હતો. તેણે ઉપાય બતાવ્યો. તેના ઘરમાં ૯૯ રૂપિયા ભરેલી કોથળી કાલે રાતે ફેંકી દેજે. પાડોશીને ૯૯ રૂપિયા ખર્ચી નાખવા આકરા તો લાગ્યા, પણ મહેમાનના કપટીપણા પર પૂરો વિશ્વાસ હતો એટલે તેણે ૯૯ રૂપિયા ભરેલી થેલી તેના ઘરમાં રાતે ચોરીછૂપીથી મૂકી દીધી. સવારે પેલા સંતોષી માણસે રૂપિયાની થેલી જોઈ. ઈશ્વરે જ મદદ મોકલી હશે. ગણ્યા રૂપિયા. ૯૯ થયા. ફરી ગણી જોયા. વિચાર આવ્યો કે આ ૯૯માંથી ૧૦૦ રૂપિયા થઈ જાય તો બેડો પાર થઈ જાય. રોજ માંડ ચારઆના કમાનાર એ માણસ હવે પૈસા–બે પૈસા બચાવવા માટે પ્રયત્ન કરવા માંડ્યો. ઘરના સભ્યોએ એક ટંક જમવાનું બંધ કરી દીધું.

કપડાં–લત્તાંમાં પણ કાપ મૂક્યો. કામના કલાકો વધારી દીધા. હવે પરિવારના સભ્યોને એકબીજા સાથે વાત કરવાની ફુરસદ ઓછી મળતી. બધાને વધુ મેળવી લેવાની લગની લાગી હતી. એક રૂપિયો બચાવતાં બહુ વાર ન લાગી, પણ પછી થયું કે જેમ એક રૂપિયો બચાવી શકાયો છે એમ ૧૦૦ રૂપિયા પણ બચાવી શકાય. ૧૦૦૦ રૂપિયા પણ બચાવીને એકઠા કરી શકાય. મંડી પડ્યો આખો પરિવાર. સુખ અને શાંતિ તો ભૂતકાળ બની ગયાં. સાથે બેસીને આનંદ માણવાનું બંધ થઈ ગયું. ૯૯ના ધક્કાએ તેની જિંદગી પલટી નાખી.

આ પણ વાંચો : એક સ્ત્રી, ત્રણ મિત્રો, એક ખંજર

સંતોષ ખતમ થતાં જ તે માણસ દોડવા માંડ્યો ધન પાછળ અને એ માટે તેણે પોતાના સુખનો ત્યાગ આપી દીધો. ધન મહત્ત્વનું છે. અતિમહત્ત્વનું છે, પણ સુખના ભોગે નહીં. શાંતિના ભોગે નહીં. ધન અને સુખ બન્ને સમાંતર ચાલે એ આદર્શ સ્થિતિ છે. લખલૂટ ધન-વૈભવ મળી ગયા પછી એની પણ કોઈ કિંમત માણસના મનમાં રહેતી નથી. ત્યારે પ્રાયોરિટી બદલાઈ ગઈ હોય. આરોગ્ય સૌથી મહત્ત્વનું બની ગયું હોય, શાંતિ મહત્ત્વની બની ગઈ હોય, પરિવાર મહત્ત્વનો બની ગયો હોય. જે હાથમાં છે એનો લહાવો લઈ શકો તો સદૈવ સુખી રહી શકો.

columnists weekend guide