શું કામ તેને બચાવી ન શક્યા

23 November, 2019 12:52 PM IST  |  Mumbai Desk

શું કામ તેને બચાવી ન શક્યા

તારીખ હતી ૧૯૯૦ની ૨૩ મે. સમય હશે બપોરના અઢી વાગ્યાનો. મમ્મીએ મને નીચે કોઈક વસ્તુ લેવા માટે મોકલ્યો. હું સોળ વર્ષનો હતો. સમજણો હતો. મમ્મા ઇઝ નૉટ વેલ એ મને ખબર હતી. દરઅસલ ૧૯૮૯માં મારા ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થયું એ આઘાત મારી માતા જીરવી નહોતી શકી. મને પણ ભાઈના ગયાનું દુઃખ થયું હતું અને મારા પિતા પણ અંદરથી ખૂબ ઘવાયા હતા. જોકે તેમણે મમ્મીની નાજુક સ્થિતિ જોતાં પોતાને સાચવી લીધા હતા. મને મમ્મી-પપ્પા તો છેને એનું આશ્વાસન હતું. ભાઈના ગયા પછી જોકે અમારા પરિવારમાં શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. હા, મારી મમ્મી મારી સામે ક્યારેય ઉદાસ અને નિરાશ ન રહેવાય એની તકેદારી રાખતી પણ મને ખબર હતી તે અંદરથી દુખી છે. ભાઈને યાદ કરીને તે રડ્યા કરતી એ મેં જોયું હતું. એટલે જ અમે કોઈ તેને એકલી નહોતા મૂકતાં. હું કાં તો પપ્પા તેની સાથે જ હોય. તેની માનસિક હાલત જોતાં તેની દવાઓ ચાલુ હતી. આધ્યાત્મિક દિશામાં તેને વાળવાના પ્રયાસો અમે કર્યા હતા. પારિવારિક હૂંફ પણ સતત હતી. થોડોક સમય પસાર થયા પછી તે નૉર્મલ થઈ રહી છે એવું અમને લાગવા માંડ્યું હતું. એ દિવસે તેણે મને ઘર માટે સામાન લેવા મોકલ્યો ત્યારે કંઈ અજુગતું છે એવું લાગ્યું નહોતું. અમે વાતો જ કરી રહ્યાં હતાં. હું સહજ રીતે ઘરની બહાર ગયો. તે એકલી પડી. પાછો ફર્યો અને ઘરના દરવાજાની બેલ મારી તો કોઈ ખોલે જ નહીં. દરવાજો ખટખટાવ્યો, આજુબાજુના લોકો ભેગા થયા; પણ દરવાજો ન ખોલે એટલે માણસ બોલાવીને અમે લૉક તોડાવ્યું. દરવાજો ખૂલ્યો અને હૃદય બેસી જાય એવું દૃશ્ય જોયું. હું હેબતાઈ ગયો હતો. માએ ગળે ફાંસો ખાઈને પોતાને સમાપ્ત કરી દીધી હતી. હું બોલવાની હાલતમાં નહોતો. પપ્પા આવ્યા અને બાકી બધું પછી પરિવારજનોએ પોતાના હાથમાં લઈ લીધું. હું અત્યારે પણ એ દૃશ્યને વર્ણવી નથી શકતો. જીવતે જીવ માની સાથે રહેનારી છેલ્લી વ્યક્તિ હું હતો અને તેના આ પગલા પછી તેની મૃત અવસ્થાનો પહેલો વિટનેસ પણ હું જ હતો. પપ્પાની હાલત પણ ખૂબ ખરાબ હતી. એકાએક લગભગ દોઢ વર્ષમાં અમારો આખો પરિવાર છિન્નભિન્ન થઈ ગયો. બધું જ જાણે સમાપ્ત થઈ ગયું. ભાઈની ગેરહાજરી પછી મમ્મીની આવી વિદાયે અમારા બન્ને માટે જીવવાનું કારણ જાણે છીનવી લીધું હતું. જોકે અમારી એક્સટેન્ડેડ ફૅમિલીનો સપોર્ટ અકલ્પનીય હતો. અમારા બન્નેનાં કાઉન્સેલિંગ સેશન અને ડિપ્રેશનની દવાઓ ચાલુ થઈ ગયાં હતાં. એક તરફ દવા હતી, બીજી બાજુ બૌદ્ધ ધર્મમાં મારો રસ વધતો ગયો હતો. એ શાસ્ત્રોમાં ઊંડો ઊતરતો ગયો અને આધ્યાત્મિકતા વિકસતી ગઈ. આ આખા ગાળામાં મારા પિતાએ ચારગણો પ્રેમ મારા પર વરસાવવાનો શરૂ કર્યો હતો. જો પપ્પાએ મને સાચવ્યો ન હોત તો હું પણ આજે ન હોત. મને ખૂબ ગિલ્ટ હતું મનમાં. હું શું કામ તેનું માનીને ઘરની બહાર નીકળ્યો, મેં શું કામ તેને એકલી મૂકી, જો હું ન ગયો હોત તો મારી મા આજે હયાત હોત તો ક્યાંક એવા વિચારો આવતા કે મા માટે ભાઈ જ બધું હતો. તેને મારો એક પણ વાર વિચાર ન આવ્યો. તે કેવી રીતે મને છોડીને એકલી જવાનો નિર્ણય લઈ શકે? આ ઘટનાએ જીવન, સંબંધો, પરિવાર એમ દરેક બાબત પરના મારા પર્સેપ્શનને ચગદી નાખ્યાં હતાં. ડરેલો અને એકલો રહેતો છોકરો બનીને ન રહ્યો અને મેં પણ કોઈ આડુંઅવળું પગલું ન ભર્યું એનું કારણ મારા પિતા, દવાઓ અને બુદ્ધિઝમની ધ્યાનની ક્રિયાઓ છે એમ કહી શકું. સાઇકિયાટ્રિક થેરપી મારા પર કામ કરી ગઈ. ધીમે-ધીમે પેઇનમાંથી બહાર આવ્યા પછી એને દૂરથી જોવાનું શીખી ગયો. એવું નથી મારી માના લૉસની ભરપાઈ થઈ ગઈ છે, પરંતુ આજે એ લૉસમાં વહીને જાતને ખોઈ નથી બેસતો એટલું શીખી ગયો છું અને બીજાને પણ એ શીખવી રહ્યો છું.’

આ શબ્દો છે બાંદરામાં રહેતા આશિષ ઠાકુરના. પોતાના પ્રિયજનને આપઘાતને કારણે ગુમાવ્યા પછી પોતે સ્વસ્થતાપૂર્વક અને રાબેતા મુજબ જીવ્યા કરવાનું જરાય સહેલું નથી. એક તો સ્વજનને આ દુનિયામાંથી વિદાય આપી તેના વિના જીવવાની આદત પાડવી એ જ સૌથી મોટો આઘાત છે. પણ જ્યારે સ્વજન, મિત્ર કે અંગત વ્યક્તિ જાતે જ પોતાના પ્રાણ લઈ લે ત્યારે એ આઘાત વજ્રાઘાતથી પણ વધુ કાતિલ બની જાય છે. આશિષ ઠાકુર આ અનુભવમાંથી પસાર થયો છે અને પોતાને તો યોગ્ય સમયે સપોર્ટ મળી ગયો, પણ જેમને આવો આધાર નથી મળતો એવા પરિવારજનોનું શું થાય છે એ વિચારે આશિષે કાઉન્સેલિંગ શરૂ કર્યું છે. જે લોકો પોતે ડિપ્રેશન કે એના જેવા કોઈ પણ પ્રકારની માનસિક અસ્વસ્થતામાંથી પસાર થઈ રહ્યા હોય અથવા કોઈએ પોતાના સ્વજનને ગુમાવ્યા હોય એવા લોકોનું કાઉન્સેલિંગ કરવાનું બીડું આશિષે ઉપાડી લીધું છે. એના માટેનો એક ખાસ કોર્સ તેણે ન્યુ યૉર્કની યુનિવર્સિટીમાંથી કર્યો છે અને અનેક લોકોને આધાર આપવાનું કામ કર્યું છે.

ઇમોશનલ વાવાઝોડું
આજે દુનિયાભરમાં ઇન્ટરનૅશનલ સર્વાઇવર્સ ઑફ સુસાઇડ લૉસ ડે ઊજવાઈ રહ્યો છે. પોતાની નજીકની વ્યક્તિ આપઘાતમાં ગુમાવ્યા પછી સર્વાઇવ થઈ રહેલા લોકોની પીડા અને ગ્લાનિને પ્લૅટફૉર્મ મળે અને એકબીજાને મળીને તેઓ પોતાનું હૈયું હળવું કરી શકે, એકબીજાને સપોર્ટ આપી શકે એવા આશયથી આ દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા કહે છે કે વિશ્વમાં લગભગ દર વર્ષે દસ લાખ લોકો આપઘાતથી મૃત્યુ પામે છે. દર ચાલીસ સેકન્ડે એક વ્યક્તિ અત્યારે આત્મહત્યા કરે છે અને ૨૦૨૦ના અંત સુધીમાં આ આંકડો હજી વધશે અને વીસ સેકન્ડે વિશ્વમાં એક વ્યક્તિ આપઘાત કરશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. એક વ્યક્તિ જ્યારે આપઘાત કરે ત્યારે લગભગ છ વ્યક્તિઓ પ્રત્યક્ષ રીતે અફેક્ટ થાય છે એમ જણાવીને ‘ડેથ ઇઝ નૉટ ધ આન્સર’ નામનું સુસાઇડને લગતું પુસ્તક લખનારા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અંજલિ છાબ્રિયા કહે છે, ‘જ્યારે પણ કોઈ પરિવારમાં આપઘાતનો બનાવ બને છે ત્યારે ઘરવાળા જોરદાર શૉક અને ગિલ્ટમાં જતા રહે છે. પોતે કેમ બચાવી ન શક્યાનો વિચાર તેમને જીવવા નથી દેતો. એવા અઢળક કિસ્સાઓ છે જેમાં પરિવારજનો ડિપ્રેશનમાં સરી પડ્યા હોય. એક મમ્મી મારી પાસે આવેલી. તેના દીકરાએ સુસાઇડ કરેલું. તેઓ કેમ બાળકની માનસિક અવસ્થાને સમજી ન શક્યા, શું કામ તેનાં લક્ષણો પર તેમણે ધ્યાન ન આપ્યું આ વિચાર તેમને કોરી ખાતો હતો. એક સ્કૂલમાં બાળકના આપઘાત પછી તેના ફ્રેન્ડ્સને અફસોસ થઈ રહ્યો હતો. તેમણે આગલા દિવસે તેની મજાક કરી હતી અને બીજે દિવસે તેણે જીવન ટૂંકાવી દીધું. એક કેસમાં તો પુત્રએ સુસાઇડ કર્યું એનું એટલું તિવ્ર ગિલ્ટ પિતાને હતું કે એક જ વર્ષમાં પિતાએ પણ આપઘાત કરીને મોતને વહાલું કરી દીધું. પ્રત્યેક સુસાઇડ પાછળ પરિવારોની હાલત ખૂબ કફોડી થતી હોય છે અને એ દિશામાં આજે પણ સમાજમાં એક પણ પ્રકારની જાગૃતિ આવી નથી. કેટલાક કેસમાં પરિવારના સભ્યો ગુસ્સો પણ વ્યક્ત કરતા હોય છે. એક ભાઈએ ધંધામાં નુકસાન કર્યું અને સંતાનો માટે ઘણું બધું દેવું મૂકતા ગયા ત્યારે સંતાનો અને પત્નીની હાલત ડબલ ખરાબ હતી. એક તો પિતા અને પતિ ખોયાનું દુઃખ હતું તો બીજી બાજુ ફરિયાદ અને આક્રોશ પણ હતો કે પોતે તો જતા રહ્યા અને છૂટી ગયા, પણ અમારા માથે આટલીબધી તકલીફોનો પહાડ નાખતા ગયા. પરિવારના માથે આવી ઘટનાઓ પછી ઇમોશનલ વાવાઝોડું આવતું હોય છે.’

અહીં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘અમે લોકોએ તો આવી સર્વાઇવર ફૅમિલીનું ગ્રુપ બનાવ્યું છે. જ્યારે પણ સ્કૂલોમાં અવેરનેસ માટે જઈએ ત્યારે આ લોકો પોતાના અનુભવો શૅર કરે. મોટા ભાગે આવી કોઈ ઘટના ઘટે એ પછી સર્વાઇવર ફૅમિલીથી ત્રણ મોટી ભૂલ થાય છે. શેમ અને બ્લેમ, આવું કેવી રીતે થઈ શકે? શું કામ બન્યું આમ? જેવા વિચારે જાતને કોસ્યા કરે અને બીજી બાજુ શરમ અનુભવે. પોતે ઉછેરમાં ઊણા ઊતર્યા છે અને દુનિયા સામે પોતાનું નાક કપાઈ ગયું એવી લાગણી અનુભવે. બીજી ભૂલ, લોકો ઘર ચેન્જ કરતા હોય છે. જ્યાં આ ઘટના ઘટે ત્યાં હવે નથી રહેવું, યાદ આવશે એમ વિચારીને ઘર વેચવા કાઢે. છેલ્લે દુઃખને ભુલાવવા પોતાને વ્યસ્ત કરી નાખે. આ ન કરવું જોઈએ. દુઃખની અવગણના કરવાથી એ અવગણાતું નથી. એ ઊલટાનું વધી જાય છે. મને યાદ છે કે અમારા એક ગ્રુપમાં એક ફાધરને પોતાના દીકરાના આપઘાત પછી અનેક માનસિક ઉતાર-ચડાવ સહેવા પડ્યા. તેમને સૉરાયસિસ થઈ ગયું હતું. પણ જેમ-જેમ તેમણે સ્કૂલમાં જઈને આખી ઘટના અને પોતાની પીડાઓ બાળકો સાથે શૅર કરવા માંડી તેમનું સૉરાયસિસ મટી ગયું. આમ ઘણા લોકો પોતાની પીડાને મીનિંગફુલ દિશા આપી દે તો ફાયદો પણ થાય છે.’

ડૉ. હરીશ એમ પણ કહે છે કે આ પ્રકારનો બનાવ બન્યો હોય એવા લોકોના ઘરે એક જ દિવસે બધા ભેગા થાય એના કરતાં વારાઓ બાંધીને દોઢ-બે મહિના સુધી નિયમિત તેમના ઘરે બહારની વ્યક્તિ આવતી-જતી રહે તો તેમનું દુઃખ હળવું થઈ શકે છે. આવા સમયમાં તેમને એકલા પોતાના હાલ પર છોડી દેવા યોગ્ય નથી.

ક્યાં ભૂલ થાય?
એક કિસ્સામાં એવું બન્યું કે માતા હૉસ્પિટલમાં રેસિડેન્શિયલ ડૉક્ટર તરીકે કામ કરતી હતી. હૉસ્પિટલ ક્વૉટર્સમાં જ તેનું રહેવાનું હતું. એક વાર એવું બન્યું કે બાળક તેની પાસે ડ્યુટી અવર્સમાં જ આવ્યું. તેને કંઈક વાત કરવી હતી, પરંતુ માતા ખૂબ વ્યસ્ત હતી. માતાએ કહ્યું કે તારે જે પણ વાત કરવી હોય એ રાતે કરીશું, અત્યારે તું ઘરે જઈને ભણ. સાંજે જ્યારે માતા ઘરે પહોંચી ત્યારે માતાએ દીકરાને મૃત હાલતમાં જોયો. દીકરાએ આપઘાત કરી લીધો હતો. ડૉ. અંજલિ કહે છે, ‘આવા ઘણા કિસ્સાઓ બને છે જેમાં ઘણી વાર આપઘાત કરનારી વ્યક્તિ આ અંતિમ પગલુ ભરતાં પહેલાં વાત કરવાની, પોતાનું પેઇન ઉલેચવાની, પોતાના મનને હળવું કરવાની કોશિશ કરતી હોય છે. જોકે તેના પ્રયત્નો ખૂબ જ માઇલ્ડ હોય છે. અંદરથી તેને હિંમત નથી થતી છતાં એકાદ વાર કોશિશ કરી લે કે કદાચ કોઈ તેના મનને સમજી શકશે. એવા સમયે જો ધ્યાન ન અપાય તો કેસ હાથમાંથી જતો રહે છે. આવી ઘટના ઘટે ત્યારે માતા-પિતાના જીવનમાં અંધારું છવાઈ જાય છે. તમે કલ્પના નહીં કરી શકો કે મેડિકલ ફીલ્ડની એ વ્યક્તિને દીકરાના આ પગલાએ કેવી હચમચાવી નાખી હશે. તેને કેવો અફસોસ થયો હશે કે શું કામ તેણે એ જ દિવસે થોડો સમય કાઢીને દીકરાની વાત ન સાંભળી? જોકે પછી પોતે એ અફસોસ માટે કંઈ કરી ન શકે એ લાચારી હજી વધુ હેરાન કરી મૂકતી હોય છે. બેશક, બહુ રૅર કેસમાં કેટલાક લોકો એ ઘટનામાંથી શીખીને આવું બીજા કોઈ સાથે ન થાય એવો નિર્ધાર કરીને કાઉન્સેલર પણ બની જતા હોય છે. ઘણી વાર ઘણા આપઘાતના કિસ્સાઓમાં કોઈ સાઇન કે સિગ્નલ નથી પણ આપતા.’

સમયનો અભાવ
આજે આપણે સૌ દોડી રહ્યા છીએ. માનસિક રીતે કોઈકની અસ્વસ્થતાઓ અને પીડાભરી વાતોને એન્ટરટેઇન કરવાનો આપણી પાસે સમય જ ક્યાં છે? અહીં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘આપણી ઝડપે આપણને થોડાક અંશે ઇન્સેન્સિટિવ બનાવ્યા છે. કોઈ વ્યક્તિ આપણી સામે પોતાની પીડા વ્યક્ત કરે તો આપણે એને ખૂબ જ સહજ રીતે બીજી દિશામાં વાળી દઈએ છીએ. અરે, આવું થાય ક્યારેક, ડોન્ટ વરી. ચાલ મૂવી જોઈએ અથવા ચાલ શૉપિંગ કરીએ, બધું ઠેકાણે આવી જશે જેવી વાતો કહીને આપણે તેના મનમાં ચાલતા વલોપાતની હવા કાઢી નાખવાનો ડોળ કરીએ છીએ, જે યોગ્ય નથી. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પોતાના મનની અસ્વસ્થતાની વાત કરે ત્યારે તેની ઇન્ટેન્સિટીને સમજવાનો પ્રયાસ ન કરી શકો તો કમ સે કમ તેને મેડિકલ હેલ્પ મળી રહે એવા પ્રયત્નો તો કરવા જ જોઈએ.’

આ વાત સર્વાઇવર અને વિક્ટિમ બન્નેને લાગુ પડે છે. આશિષ ઠાકુર કહે છે, ‘આપણે ત્યાં લોકોની માનસિકતા છે કે જ્યારે કોઈ મરવાની વાત કરે ત્યારે લોકો તેને અમુક ફેમસ વાક્યોથી જતી કરે. ઐસે થોડી કહતે હૈં?, ઐસા નહીં બોલતે, બધાને આવું ક્યારેક ફીલ થાય, બધું સારું થઈ જશે અને કેટલાક કહે કે કેવી વાત કરો છો, તમારા વિના મારું શું થશે? આવો રિસ્પૉન્સ યોગ્ય નથી. એક વાત સમજો કે દુનિયાના દરેક જીવની સૌથું મોટી ઇન્સ્ટિંક્ટ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. જીવવા માટે જ માણસ બધું કરી શકે છે, બીજાને મારી શકે અને નીચમાં નીચ હરકત પણ કરી શકે. એ કુદરતી વ્યવસ્થાનો હિસ્સો છે. એ પછી જ્યારે કોઈ વ્યક્તિ આ સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટને સાઇડ પર મૂકીને જાતને ખલાસ કરવાના વિચારો કરે તો એ બાબત દર્શાવે છે કે તેની અંદરની દુનિયામાં કેવો ખળભળાટ વ્યાપેલો છે કે તેને જીવવાની કોઈ ઇચ્છા નથી રહી. આવા સમયે તમારાં સલાહ-સૂચનો નહીં પણ માત્ર તમે તેની વાત સાંભળો, સંવેદનશીલતા સાથે તેની સાથે રહો, તેના પેઇનમાં સહભાગી ન બનો તો કંઈ નહીં પણ તેના પેઇનને સ્વીકૃતિ આપો એ જરૂરી છે. જ્યારે વ્યક્તિ પોતે પોતાની જાતનો વિચાર નથી કરી શકતી તો તે તમારું શું થશે એ વિચાર ક્યાંથી કરવાની? આજે ડોમેસ્ટિક વાયલન્સ, ભણવાનું પ્રેશર, કમ્પૅરિઝન, એક્સ્ટ્રામૅરિટલ અફેર, કૉમ્પિટિશન, ઑફિસ પૉલિટિક્સ, અનહૅપી રિલેશનશિપ જેવી કેટલીયે અવસ્થાઓને લોકો હૅન્ડલ કરી રહ્યા હોય છે. ક્યાંક ભયંકર બીમારી અને મોટી ઉંમરની એકલતા વ્યક્તિને અંદરોઅંદર ગૂંગળાવી રહી હોય ત્યારે તેમને બીજી કોઈ નહીં પણ તેમને જજ કર્યા વિના કોઈ તેમને સાંભળે એટલી જ જરૂર હોય છે. આજે આપઘાતની ઘટનાઓ ચેપી રોગની જેમ ફેલાઈ રહી છે ત્યારે તો ખાસ આ બાબત વિશે સમાજમાં જાગૃતિ આવે એ જરૂરી છે.’

બદલાઈ રહેલી સમાજવ્યવસ્થાઓ અને વાતાવરણ વચ્ચે ડિપ્રેશન અને માનસિક અસ્થિરતાઓનું પ્રમાણ વધી રહ્યું છે તો સામે એના વિશેની જાગૃતિ પણ આવી છે ત્યારે સમાજના હિસ્સા તરીકે આપણામાં થોડીક સંવેદનશીલતા આવે અને આપણી વ્યસ્તતા વચ્ચે પણ કોઈ ઇમોશનલી કે મેન્ટલી ખરાબ ફેઝમાંથી પસાર થઈ રહેલી વ્યક્તિને સાંભળીને કે તેના પ્રત્યે થોડીક સહિષ્ણુતા દાખવીને જીવી શક્યા તો એ સર્વાધિક પુણ્યનું કામ કર્યું ગણાશે.

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

એક મમ્મી મારી પાસે આવેલી. તેના દીકરાએ સુસાઇડ કરેલું. તેઓ કેમ બાળકની માનસિક અવસ્થાને સમજી ન શક્યા, શું કામ તેનાં લક્ષણો પર તેમણે ધ્યાન ન આપ્યું આ વિચારે તેમને માનસિક રીતે અસ્થિર કરી દીધેલા. બીજી બાજુ તેના ફ્રેન્ડ્સને અફસોસ થઈ રહ્યો હતો. તેમણે આગલા દિવસે તેની મજાક કરી હતી અને બીજે દિવસે તેણે જીવન ટૂંકાવી દીધું. -ડૉ. અંજલી છાબરિયા, સાઇકિયાટ્રિસ્ટ

મને યાદ છે કે અમારા એક ગ્રુપમાં એક ફાધરને પોતાના દીકરાના આપઘાત પછી અનેક માનસિક ઉતાર-ચડાવ સહેવા પડ્યા. તેમને સૉરાયસિસ થઈ ગયું હતું. પણ જેમ-જેમ તેમણે સ્કૂલમાં જઈને આખી ઘટના અને પોતાની પીડાઓ બાળકો સાથે શૅર કરવા માંડી તેમનું સૉરાયસિસ મટી ગયું. -ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ

જો પપ્પાએ મને સાચવ્યો ન હોત તો હું પણ આજે ન હોત. મને ખૂબ ગિલ્ટ હતું મનમાં. હું શું કામ તેનું માનીને ઘરની બહાર નીકળ્યો, મેં શું કામ તેને એકલી મૂકી, જો હું ન ગયો હોત તો મારી મા આજે હયાત હોત. જોકે આ બધા વચ્ચેય મેં કોઈ આડુંઅવળું પગલું ન ભર્યું એનું કારણ મારા સ્નેહાળ પિતા, દવાઓ અને બુદ્ધિઝમની ધ્યાનની ક્રિયાઓ છે એમ કહી શકું. સાઇકિયાટ્રિક થેરપી મારા પર કામ કરી ગઈ. ધીમે-ધીમે પેઇનમાંથી બહાર આવ્યા પછી એને દૂરથી જોવાનું શીખી ગયો. આજે અનેકને એમાં મદદ કરી રહ્યો છું.- આશિષ ઠાકુર, સર્વાઇવર અને કાઉન્સેલર

કોઈ વ્યક્તિ આપણી સામે પોતાની પીડા વ્યક્ત કરે તો આપણે એને ખૂબ જ સહજ રીતે બીજી દિશામાં વાળી દઈએ છીએ. અરે, આવું થાય ક્યારેક, ડોન્ટ વરી. ચાલ મૂવી જોઈએ અથવા ચાલ શૉપિંગ કરીએ, બધું ઠેકાણે આવી જશે જેવી વાતો કહીને આપણે તેના મનમાં ચાલતા વલોપાતની હવા કાઢી નાખવાનો ડોળ કરીએ છીએ, જે યોગ્ય નથી.- ડૉ. કેરસી ચાવડા, સાઇકિયાટ્રિસ્ટ

columnists Crime News